Get The App

દિલ્હીની વાત : હમણા રાહુલ ગાંધી માટે અનુકૂળ સંજોગો નથી, શરદ પવારની ટીપ્પણી

Updated: May 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : હમણા રાહુલ ગાંધી માટે અનુકૂળ સંજોગો નથી, શરદ પવારની ટીપ્પણી 1 - image

નવીદિલ્હી : એનસીપી (શરદ પવાર)ના સર્વેસર્વા અને ભૂતપૂર્વ રક્ષા મંત્રી શરદ પવારે 'ઓપરેશન સિંદુર'ના ભરપૂર વખાણ કર્યા છે. પવારે કહ્યું છે કે, પહેલગામના આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ ભારતીય સૈનીકોએ આપ્યો છે. રાહુલ ગાંધી વિશે ટીપ્પણી કરતા એમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી મહેનત તો કરે છે અને દેશમાં સમસ્યા ઊભી થાય છે ત્યારે પ્રતિક્રિયા પણ આપે છે. જોકે હમણા રાહુલ ગાંધી માટે અનુકૂળ સંજોગો નથી. આજના સંજોગોમાં રાહુલ ગાંધી કઈ મોટુ કરી શકે એમ નથી. હું ફક્ત એટલું જ કહું છું કે રાહુલ ગાંધીએ જમીનીસ્તર પર વધુ આક્રમકતાથી કામ કરવાની જરૂર છે. 'ઓપરેશન સિંદુર' પછી જે રીતે રાહુલ ગાંધી લો પ્રોફાઇલ રહે છે એને કારણે શરદ પવારે આ ટીપ્પણી કરી હોવાનું મનાય છે.

'ઓપરેશન સિંદુર' પર કર્નલ સોફિયા કુરેશીના સસરા થયા ભાવુક

વહુ કર્નલ સોફિયા કુરેશીને 'ઓપરેશન સિંદુર' બાબતે મીડિયા બ્રિફીંગ કરતા જોઈને સસરા ગૌસાબ બાગેવાડી લાગણીશીલ થઈ ગયા હતા. કર્ણાટકના બેલગાવ જિલ્લાના કુન્નુર ગામના વતની ગૌસાબ બાગેવાડીએ કહ્યું હતું કે, 'મારી વહુને કારણે હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. છ મહિના પહેલા એ ગામ આવી હતી. આજે ગામના લોકો મને મળીને અભિનંદન આપી રહ્યા છે. હું ખૂબ ખુશ છું.' ગૌસાબ બાગેવાડીના પુત્ર પણ ભારતીય સેનામાં અધિકારી છે. ગૌસાબએ પુત્ર સાથે પણ વાત કરી હતી. ગૌસાબના કહેવા પ્રમાણે ગામના લોકોએ કલાકો સુધી ખુશી મનાવી હતી.

આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના બે પુત્રોને ઘરવાળાની યાદ આવી

હિઝબુલ મુજાહીદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના પુત્રોને એમના ઘરવાળાની યાદ આવી છે. ઘરવાળા સાથે વાત કરવા માટે આતંકવાદીના પુત્રો દિલ્હી હાઇકોર્ટમાં ગયા છે. સલાહુદ્દીનના બન્ને પુત્રો હમણા ભારતની જેલમાં કેદી છે. બંનેએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. કુટુંબીઓ સાથે ફોન પર વાતચીત કરવાની સગવડ એમણે માંગી છે. અમેરિકાએ સૈયદ સલાહુદ્દીનને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. કોર્ટમાં રાજ્ય સરકાર કે જેલના સત્તાધિશો તરફથી કોઈ હાજર રહ્યું નહોતું. મુખ્ય ન્યાયાધિશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયાધિશ તુષાર રાવ ગેડેલાએ સુનાવણી મોકુફ રાખી છે. હિઝબુલ ચીફના પુત્રો સૈયદ અહમદ શકીલ અને સૈયદ સાહિદ યુસુફ દિલ્હીની અલગ અલગ જેલમાં કેદ છે.

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે આસીમ મુનીરને અમર્યાદીત સત્તા આપી

ભારત સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે મોટો યુટર્ન માર્યો છે. સુપ્રિમ કોર્ટે પાકિસ્તાનની સેના અને કુખ્યાત આર્મી ચીફ જનરલ આસીમ મુનીરને અમર્યાદીત સત્તા આપી દીધી છે. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય પાકિસ્તાનના સામાન્ય પ્રજાજન માટે ચિંતાજનક છે. સુપ્રિમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, સામાન્ય નાગરીકો પર પણ મિલિટ્રી કોર્ટમાં કામ ચાલી શકે છે, જેની સજા મૃત્યુદંડ સુધીની હોય શકે છે. હવે આસીમ મુનીરના હાથમાં એટલી મોટી સત્તા આવી ગઈ છે કે દેશ અને લશ્કરના હિતને બહાને કોઈપણ નાગરીક સામે મિલિટ્રી કોર્ટમાં કામ ચલાવી શકે. પાકિસ્તાનના વિરોધ પક્ષોને પણ સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી આંચકો લાગ્યો છે.

રાજ્યને રાષ્ટ્રીય શિક્ષાનીતિ માટે ફરજ નહીં પાડી શકાય : સુપ્રિમ કોર્ટ

રાષ્ટ્રીય શિક્ષાનીતિ (એનઇપી) ૨૦૨૦ દ્વારા પ્રસ્તાવિત ત્રણ ભાષા ફોર્મ્યુલાને તામિલનાડુ, કેરળ અને બંગાળમાં લાગુ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. જસ્ટીસ જે બી પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી સાંભળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. બેન્ચનું માનવું હતું કે, કોર્ટ કોઈપણ રાજ્યને રાષ્ટ્રીય શિક્ષાનીતિ ૨૦૨૦ જેવી નિતિ અપનાવવા માટે ફરજ પાડી શકે નહીં. જો રાષ્ટ્રીય શિક્ષાનીતિ સંબંધીત રાજ્યની નિષ્ક્રિયતા કે એવી કોઈ કામગીરી કે જે મૂળભૂત અધિકારનો ભંગ કરતી હોય તો કોર્ટ દખલ કરી શકે છે. ભાજપના વકીલ જીએસ મણીએ આ અરજી દાખલ કરી હતી.

દેશદ્રોહના કેસમાં નેહાસિંહ રાઠોડને રાહત મળી

બિહારની લોક ગાયીકા છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ પોષ્ટ લખતા હતા. આ બાબતે એમની સામે કેટલાક રાજ્યોમાં કેસ પણ દાખલ થયા છે. અયોધ્યામાં પણ એમની સામે કેસ દાખલ થયો હતો. જોકે અયોધ્યાની કોર્ટે એમને રાહત આપી છે. નેહાની ધરપકડ કરવા સામે કોર્ટે સ્ટે આપ્યો છે. નેહા સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની માગણી કોર્ટે ફગાવી દીધી છે. લખનૌ કોર્ટમાં પણ નેહાસિંહ રાઠોડ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી થઈ છે. આ કેસની સુનાવણી હવે પછી છે. ચૂકાદા પછી નેહાસિંહ રાઠોડએ એક વિડિયો શેર કર્યો છે. વિડિયોમાં એમણે કહ્યું છે કે, સરકારની ટીકાને કેટલાક દેશની ટીકા સમજી લે છે. જનતાનું કામ સરકારને સવાલ પૂછવાનું છે.

પાક.ને લોન, આઈએમએફની અબ્દુલ્લાએ ઝાટકણી કાઢી

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આઈએમએફના પાકિસ્તાનને ૨.૩ અબજ ડોલરનું ઋણ મંજૂર કરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આઈએમએફએ આમ કરીને પૂંચ, રાજૌરી સહિત જમ્મુ અને કાશ્મીરના અન્ય સ્થળો પર હુમલો કરવા પાકિસ્તાનને હથિયાર પૂરા પાડી રહ્યું છે. મને સમજ નથી પડતી કે વિશ્વના દેશો આવા પગલાથી કેવી રીતે હાલનો તણાવ ઓછો કરવા માગે છે. ભારતે શુક્રવારે આઈએમએફના નિર્ણય સામે વિરોધ ઉઠાવ્યો હતો અને વિકાસના ભંડોળનો ટ્રેક રાખવાના તેના કંગાળ રેકોર્ડને ટાંકીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

કેરળના નવા ચીફને પસંદ કરવા પાછળ કોંગ્રેસની નીતિ

આગામી મહત્વની સ્થાનિક તેમજ વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસે કેરળના ચીફ તરીકે પેરાવૂરના વિધાયક સની જોસેફની નિયુક્તિ કરીને રાજ્યના ખ્રિસ્તી સમુદાયમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણના આ રાજ્યમાં નેતાગીરીમાં ફેરફાર બાબતે અઠવાડિયા લાંબા રહસ્ય પછી આ નિયુક્તિ થઈ છે. આ બાબતે પાર્ટીમાં ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત થઈ રહ્યો હતો. કન્નુર જિલ્લા કોંગ્રેસ કમિટીના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ પેરાવૂર મતદારસંઘમાંથી ત્રણ વાર વિધાયક રહી ચૂક્યા છે. પેરાવૂર છેક ૧૯૭૭થી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ ૨૦૦૬માં પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં સીપીઆઈ (એમ) નેતા કે.કે. શૈલજા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ૨૦૧૧માં જોસેફે શૈલજાને પરાજિત કરીને બેઠક પાછી મેળવી. ત્યાર પછી જોસેફ હાર્યા નથી. જોસેફે આ નિયુક્તિને રાજકીય પદ કરતા જવાબદારી તરીકે ગણાવ્યું. તેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવાની ખાતરી આપી.

નાયડુ અમરાવતી નામ ઉમેરવા આંધ્ર પુર્નગઠન કાયદો સુધારશે

મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતા હેઠળ આંધ્ર પ્રદેશ કેબિનેટે રાજ્યની રાજધાની તરીકે અમરાવતીને સત્તાવાર રીતે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરાવતીમાં વિધાનસભા, મંત્રાલય અને હાઈ કોર્ટના મકાનો સહિત ૪૯ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ટીડીપીની આગેવાની હેઠળ એનડીએ સરકારનું પગલુ અમરાવતી માટે કાયદેસરતા સ્થાપવા તેમજ રાજ્યની એકમાત્ર રાજધાની તરીકે તેનો દરજ્જો નક્કી કરવા માટે હતું જેથી ભાવિમાં સરકાર બદલાય તો પણ તેના દરજ્જામાં ફેરફાર ન થઈ શકે. ૨ જૂન, ૨૦૧૪ના કાયદા હેઠળ હૈદરાબાદને દસ વર્ષ માટે તેલંગણા અને આંધ્ર પ્રદેશ બંને રાજ્યોની રાજધાની નક્કી કરાઈ હતી. ઓક્ટોબર ૨૦૧૫માં જ વડા પ્રધાને ટીડીપી ચીફની ઈચ્છા મુજબ નવી રાજધાનીનો પાયો નાખ્યો હતો. પણ  ૨૦૧૯માં રાજ્યમાં જગન મોહન રેડ્ડી સત્તામાં આવતા તેમણે આ પ્રોજેક્ટ ખર્ચના બહાને રદ કરી નાખ્યો હતો.

ઓપરેશન સિંદૂરને લઈ દેશવિરોધી તત્ત્વોથી સાવધ રહો : આરએસએસ

આરએસએસએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે તેની નિર્ણાયક કામગીરી માટે કેન્દ્રીય નેતાગીરી અને સૈન્યની પ્રશંસા કરી હતી. આરએસએસના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, નાગરિકોને *સાવધાન* રહેવા અને *રાષ્ટ્રવિરોધી* શક્તિઓ દેશની સામાજિક એકતા અને સુમેળને ખલેલ પહોંચાડી ન શકે તેની ખાતરી કરવાની અપીલ કરી હતી. સંઘે નાગરિકોને દેશભક્તિ દર્શાવવાની તેમજ સૈન્ય અને પ્રશાસન સાથે જ્યારે જરૂર પડે ત્યારે સહયોગ કરવાની વિનંતી કરી હતી. ૨૯ એપ્રિલે ભાગવતે પહલગામ આતંકી હુમલા પછી વડા પ્રધાનની તેમના નિવાસ સ્થાને મુલાકાત પણ લીધી હતી.

ભટિંડાવાસીઓએ સ્વેચ્છાએ બ્લેકઆઉટનું પાલન કર્યું

પંજાબના શહેર બઠિંડાના નાગરિકોએ સરકારી આદેશ પહેલા જ બ્લેકઆઉટનું પાલન શરૂ કરી દીધું. બ્લેકઆઉટની જાહેરાત થયાના એક કલાક પહેલા જ ઘરો, દુકાનો અને મોલમાં અંધારા થઈ ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લોકોએ સ્વેચ્છાએ સાવધાની વર્તવાનું નક્કી કર્યું. શુક્રવારે સત્તાવાર જાહેરાત થવા અગાઉના એક કલાક પહેલા રસ્તાની લાઈટો પણ બંધ કરી દેવાઈ હતી. ગામ લોકો પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા તેમજ વિદ્યાર્થીઓએ ભણવા માટે મીણબત્તીનો ઉપયોગ પણ નકાર્યો હતો.

- ઈન્દર સાહની