નવીદિલ્હી : ઇન્ડિયા બ્લોકની મીટીંગ માટે મમતા બેનર્જી દિલ્હી આવ્યા ત્યારે સ્ટેજ પર તેઓ સોનિયા ગાંધીને ખૂબ પ્રેમથી ભેટયા હતા. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસમાં જોડાઈ જવા કહ્યું છે. ૧૯૯૮ સુધી મમતા બેનર્જી કાંગ્રેેસમાં જ હતા. કોંગ્રેસમાં એમને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવાની ઓફર પણ સોનિયાએ કરી હતી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી રાહુલ ગાંધીને મળ્યા હતા. મમતાના ભત્રિજા અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહામંત્રી બનાવવાની ઓફર પણ કરવામાં આવી છે. મમતા બેનર્જીએ કોઈ તાત્કાલીક પ્રતિભાવ આપ્યો નથી. જો મમતા બેનર્જી સોનિયા ગાંધીની ઓફર સ્વિકારી લે તો એમને માટે બીજા કોઈના હાથ નીચે કામ કરવું શક્ય બનશે નહીં. બીજી તરફ અભિષેક બેનર્જી કોગ્રેેસના બીજા ૨૧ મહામંત્રીમાંના એક બની રહે. ચારે બાજુથી ઘેરાયેલા મમતા બેનર્જી માટે એક તરફ ખાઈ છેઅને બીજી તરફ કુવો છે.
મિનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થવાનો વિવાદ
મધ્યપ્રદેશમાં ૧૮મી જૂને થનારી રાજ્યસભાની ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે. કોંગ્રેેસના ઉમેદવાર મિનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર તપાસ દરમિયાન રદ કરવામાં આવ્યું છે. રીટર્નિંગ ઓફિસર અરવિંદ શર્માએ ભાજપનો વાંધો સ્વીકારી લીધો હતો. ભાજપનો આરોપ છે કે, નટરાજનએ તેલંગાણામાં એમની સામે દાખલ થયેલી ફરિયાદની જાણકારી પત્રકમાં ભરી નહોતી. કોંગ્રેસે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે ભાજપએ રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે કાવતરૂ કર્યું હતું. શંકાસ્પદ વાત એ છે કે ભાજપે ત્રીજા ઉમેદવાર મહેશ કેવટને ચૂંટણીમાં ઉતારીને આંચકો આપ્યો હતો. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગ્લોર મોકલી આપ્યા હતા કે જેથી ભાજપ એમને ફોડી શકે નહીં. કોંગ્રેસનું કહેવું છે કે હવે કોંગ્રેસ ચૂંટણી કમિશન અને સુપ્રિમ કોર્ટ સમક્ષ પણ ફરિયાદ કરશે.
પ્રિયાંક ખડગે અને આરએસએસ વચ્ચે ફરીથી ટક્કર
કર્ણાટકના નવા મંત્રીમંડળમાં ગૃહમંત્રી તરીકે પ્રિયાંક ખડગે છે. પ્રિયાંક ખડગેએ એવું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘએ પોતાના રજીસ્ટ્રશન બાબતે તેમજ આવકના સ્ત્રોત બાબતે ખુલાસા કરવા જોઈએ. જો કોઈ રાજકીય કે ધાર્મિક સંગઠન રાજ્યમાં શાંતિ ભંગ કરવા માટે કે કોમવાદ અને નફરત ફેલાવવા માટે કોશિષ કરશે તો સરકાર એમની સામે કડક પગલા લેશે. ગૃહમંત્રીએ આરએસએસને વ્યક્તિઓની સંસ્થા (બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ) ગણાવી છે. ખડગેનો આરોપ છે કે તેઓ ગૃહમંત્રી બન્યા ત્યાર પછી આરએસએસએ બે વખત એમને મારવાની ધમકી આપી હતી. જોકે ભૂતકાળમાં પણ પ્રિયાંક ખડગે અને આરએસએસ વચ્ચે તૂતૂ મેંમેં થયું હતું. પહેલા ખડગેએ આરએસએસની સરખામણી શેતાન સાથે કરી હતી. આરએસએસના વિદેશી ફડીંગ બાબતે તેમજ મની લોન્ડરીંગ રેકેટ ચલાવવાનો આક્ષેપ પણ એમણે કર્યો હતો. એ વખતે સંઘના પ્રવક્તાએ નહીં, પરંતુ ભાજપના પ્રવક્તાએ એમને વળતો જવાબ આપ્યો હતો.
શરદ પવાર ઘણા સમયએ ખિલ્યા
એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારએ મહારાષ્ટ્રના મંત્રી ગીરીશ મહાજનની આકરી ટીકા કરી છે. મહાજનએ ઓપરેશન બ્લુસ્ટાર બાબતે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ટીકા કરી હતી. પવારે આ નિવેદનને ખોટુ ગણાવ્યું છે. આ ઉપરાંત એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જવાહરલાલ નહેરૂ સાથે કરવામાં આવે છે એ બાબતે પણ વાંધો લીધો હતો. પવારનું કહેવું છે કે મોદી સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન જરૂર બન્યા છે, પરંતુ એમની સરખામણી નહેરૂ સાથે થઈ શકે નહીં. દેશના નિર્માણ અને આઝાદીની લડાઈમાં નહેરૂનું યોગદાન ભૂલી નહીં શકાય. એમનું સન્માન કરવાની ફરજ દરેક ભારતીયની છે. આજકાલ એવું વાતાવરણ છે કે વડાપ્રધાન મોદી સિવાય જાણે કોઈ બીજા નેતા નથી.
લોકસભા સ્પિકરને પત્ર લખનાર 20 સાંસદોના નામ હજી પણ ગુપ્ત
તૃણમુલ કોંગ્રેસનો આંતરીક ઝઘડો હવે જાહેર થઈ ગયો છે. પક્ષના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવએ રાજીનામું આપ્યું એ પહેલા સાંસદ શુખેંદુ શેખરએ પણ રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ કાકોલી ઘોષ કેમ્પના એક ખુલાસાએ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાકોલીએ રેકર્ડ પર કહ્યું છે કે ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને એનડીએને ટેકો આપવાની વાત કહી છે. આ ૨૦ સાંસદો કોણ છે એ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય નીરિક્ષકો પોતાની રીતે એનો અંદાજ લગાવી રહ્યા છે. એવી વાત પણ ચર્ચાય રહી છે કે, ભાજપના એક ટોચના નેતાના ખાસ માણસે ટીએમસીના તૂટી ગયેલા સાંસદોને મોટો 'લાભ' કરી આપવાનું વચન આપ્યું છે.
સુષ્મિતા દેવ હિમંત બિશ્વા પાસે પહોચ્યા
સુષ્મિતા દેવએ તૃણમુલ કોંગ્રેસ અને રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. આ મોટા નિર્ણય પછી તેઓ દિલ્હી ખાતે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાને મળ્યા હતા. આ મીટીંગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. સુષ્મિતા દેવે જોકે પત્રકારોને આ મુલાકાત બાબતે સ્પષ્ટતા કરી હતી કે, મુલાકાત ફક્ત ઔપચારીક હતી. તેઓ રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે. થોડા સમય પછી તેઓ પોતાના ભવિષ્યનો નિર્ણય જણાવશે. સુષ્મિતાએ એમ પણ કહ્યું કે તેઓ સીધી રીતે બંગાળના રાજકારણ સાથે જોડાયેલા નથી. તેઓ આસામના રહેવાસી છે અને હવે સ્વતંત્ર છે. જોકે હકીકત એ છે કે હિમંત બિશ્વા સરકાર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સુષ્મિતા દેવ એમની નજીકના વ્યક્તિ ગણાતા હતા. સુષ્મિતા દેવ આસામ ભાજપમાં જોડાઈ શકે એવી પણ શક્યતા છે.
'ખાન સર' એકાએક ફૈઝલ ખાન કેમ બની ગયા
અત્યાર સુધી 'ખાન સર' તરીકે જાણીતા કોચિંગ ટીચર હવે રાતોરાત ફૈઝલ ખાન તરીકે ઓળખાઈ રહ્યા છે. જેમની પાસે હજારો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ તરીકે હતા એ બશીર ખાનનો દિકરો આજે વિલન બની ગયો છે. આજે ફૈઝલ ખાન ફરાર છે. એમને શોધવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી છે. બીજી જૂને એમની એકેડેમીની બહાર લોકો ભેગા થયા હતા ત્યારે એમને ડરાવવા માટે ફૈઝલ ખાને સુરક્ષા ગાર્ડ્ઝને હવામાં ફાયરીંગ કરવા કહ્યું હતું. પોલીસ તપાસમાં ખબર પડી હતી કે, ફૈઝલ ખાનના સુરક્ષા કર્મચારીઓએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ફાયરીંગ ગેરકાયદેસર હતું. ફૈઝલ ખાને આરોપમાંથી બચવા પોલીસ ફરિયાદ કરી હતી કે એમના સેન્ટર સામે રાત્રે કોઇકે ફાયરીંગ કર્યું હતું. ફૈઝલ ખાને સોશ્યલ મીડિયા પર એક મહિલા પત્રકાર વિશે એલફેલ લખતા મહિલા પત્રકારે પણ ફૈઝલ ખાન સામે ફરિયાદ દાખલ કરી છે.


