Get The App

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પરત ફરતાં પીએમનું સ્વાગત ભોજન

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પરત ફરતાં પીએમનું સ્વાગત ભોજન 1 - image

નવીદિલ્હી: પાકિસ્તાનના આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદૂરના સ્વરૂપમાં હાથ ધરાયેલા અભિયાનની વિશ્વને જાણકારી આપવા અને આતંકવાદના આકા પાક.ની પોલ ખોલવા ભારત સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને શાસક તથા વિપક્ષના રાજકીય આગેવાનો સહિતનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ સ્વદેશ પરત ફર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વાગત માટે ભોજન સમારોહનું આયોજન કર્યુ હતુ. પ્રતિનિધિમંડળના સભ્યોએ વડાપ્રધાનને મળીને પોતાના અનુભવોનું વર્ણન કર્યુ હતુ અને થોડા સમય માટે રાજકીય પક્ષની ભાવનાથી ઉપર ઉઠી હળવી પળો માણી હતી. 

શશી થરૂરના નિવેદનોથી કોંગ્રેસને કેટલું નુકશાન થયું

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે કરેલા ઓપરેશન સિંદુર વિશે વિશ્વના વિવિધ દેશોને માહિતી આપવા ઓલ પાર્ટી ડેલિગેશન વિદેશ ગયું હતું. ડેલિગેશનના સભ્ય કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કરેલા નિવેદનોને કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા હતા. શશી થરૂરના નિવેદનોની કેવી અસર થઈ છે એ જાણવા માટે સી વોટરએ કેટલાક લોકોનો અભિપ્રાય લીધો હતો. લોકોને શશી થરૂરના નિવેદનો બાબતે પૂછવામાં આવ્યું કે થરૂરના નિવેદનોને કારણે એમના માટેના માનમાં વધારો થયો છે કે નહીં. ૪૩ ટકા લોકોના કહેવા પ્રમાણે શશી થરૂર માટેનું માન વધી ગયું છે. ૨૨ ટકા લોકોએ કહ્યું હતું કે થરૂર માટેનું એમનું માન થોડું વધ્યું છે. ૧૪ ટકા લોકોએ કહ્યું હતું કે થરૂર માટેનું માન નથી વધ્યું. ૧૯ ટકા લોકોએ કહ્યું હતું કે આ બાબતે તેઓ કંઈ કહી નહીં શકે. ૫૨ ટકા લોકોનું માનવું છે કે શશી થરૂરના નિવેદનને કારણે કોંગ્રેસને નુકશાન થયું છે. જોકે ૨૪ ટકા જેટલા લોકો માને છે કે કોંગ્રેસને નુકશાન નથી થયું.

બાટલા હાઉસ ડિમોલેશન અટકાવવા માટે અમાન તુલ્લાહ ખાન કોર્ટ ગયા હતા

દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર વસાહતોને તોડવામાં આવી રહી છે. આ ડિમોલેશન અટકાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાન તુલ્લાહ ખાનએ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. હાઇકોર્ટે જોકે તાત્કાલીક સ્ટે આપવાનો ઇન્કાર કરીને સુનાવણી મોકુફ રાખી હતી. આપના ધારાસભ્ય તરફથી સિનિયર વકીલ સલમાન ખુરશીદ હાજર રહ્યા હતા. સલમાન ખુરશીદની દલીલ હતી કે, ૧૧મી જૂને મિલકતો તોડવાનું નક્કી થયું છે, જેથી સ્ટે આપવામાં આવે. જોકે ડીડીએના વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, અરજી કરનાર ધારાસભ્ય છે, પરંતુ તેઓ પ્રભાવિત પક્ષ નથી. સુપ્રિમ કોર્ટે અગાઉ પણ આ પ્રભાવિત પક્ષોને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે.

ચિરાગ પાસવાન સક્રિય થવાથી એનડીએમાં ખળભળાટ

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન સક્રિય થઈ ગયા છે. ચિરાગ પાસવાન બિહાર પરત ફર્યા છે અને ચૂંટણી લડવાની તૈયારીમાં છે. એમ મનાય છે કે ચિરાગ પાસવાન રાજ્યના રાજકારણમાં કીંગ મેકર બની શકે એમ છે. ચિરાગ પાસવાનની સક્રિયતાથી ફક્ત નિતિશકુમાર જ ચિંતીત નથી. ભાજપ અને એના સાથી પક્ષો પણ વિચારમાં પડી ગયા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, બેઠકોની વહેચણી થાય એ મુજબ પાસવાન કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જોકે એનડીએના કેટલાક નેતાઓનું કહેવું છે કે ચિરાગ પાસવાન ફક્ત ભ્રમ ઉભો કરવા માટે આવી વાત ફેલાવી રહ્યા છે. પાસવાનના પક્ષે એવી વાત પણ વહેતી મુકી છે કે ચિરાગ પાસવાન અનામત સીટ પર નહીં, પરંતુ સામાન્ય સીટ પરથી ચૂંટણી લડશે.

દિલ્હી ભાજપએ સિનિયર નેતાને છ વર્ષ માટે પક્ષમાંથી કાઢી મૂક્યા

દિલ્હી ભાજપના કોર્પોરેટર સુમન ટીન્કુ રાજૌરાને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ છ વર્ષ માટે પક્ષમાંથી હાકી કાઢવામાં આવ્યા છે. દિલ્હી ભાજપએ એક પત્ર રજુ કર્યો હતો કે, પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાના કહેવાથી પક્ષના બંધારણને અનુસાર સુમન ટીન્કુને પક્ષખારીજ કરવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે, 'સુમન ટીન્કુએ દિલ્હી નગર નિગમના રોહિણી ઝોનમાં પાર્ટી  લાઇનથી વિરુદ્ધ જઈને મતદાન કર્યું હતું. દરેક કોર્પોરેટરો સાથે વ્યક્તિગત વાત કરીને તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ થઈ ગયું કે, સુમન ટીન્કુએ પક્ષના આદેશથી વિરુદ્ધમાં જઈને મતદાન કર્યું છે. આ બાબત એમણે સ્વિકારી પણ લીધી છે. આવા અશિસ્તને કારણે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.'

આમ આદમી પાર્ટી બિહાર વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે. બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મોટા ભાગના રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. હવે આપએ પણ 'બિહાર મેં ભી કેજરીવાલ' અભિયાન શરૂ કર્યું છે. પક્ષે નક્કી કર્યું છે કે, આરજેડી, કોંગ્રેસ કે બીજા પક્ષોના મહાગઠબંધનમાં સામેલ નહીં થાય. જ્યારે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની હાર થઈ ત્યારે એક વાત નક્કી થઈ ગઈ હતી કે, પક્ષે પૂર્વાંચલી મતદારોનું સમર્થન ગુમાવી દીધું હતું. બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના મતદારોના કારણે આપ સત્તામાં ટકી રહી હતી. હવે પૂર્વાંચલના મતદારોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે અરવિંદ કેજરીવાલ બિહારમાં પક્ષને તૈયાર કરી રહ્યા છે.

કોર્ટમાં કામ કરનારાઓ સફેદ શર્ટ અને કાળી પેન્ટ નહીં પહેરી શકે

હરિયાણાના બાદશાહ પુરાની જિલ્લા કોર્ટના કંપાઉન્ડમાં વકીલો જેવા કપડા બીજી કોઈ વ્યક્તિઓ નહીં પહેરી શકે. જિલ્લા બાર એસોસીએશનએ બીન વકીલોને સફેદ શર્ટ અને કાળી પેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈપણ કર્મચારી કે દલાલ વકીલોના કપડામાં જોવા મળશે તો જિલ્લા બાર એસોસીએશન એમની સામે કાર્યવાહી કરશે. વકીલોના કપડા પહેરીને સામાન્ય માણસો સાથે ચીટીંગ કરવાના કેસો વધી રહ્યા હોવાથી વકીલોએ આ નિર્ણય લીધો છે. જિલ્લા બાર એસોસીએશનમાં લગભગ નવ હજાર સભ્યો વકીલો છે. બાર એસોસીએશનને ઘણા દિવસથી ફરિયાદ મળતી હતી કે વકીલોના કપડા પહેરીને કેટલીક વ્યક્તિઓ એમની સાથે છેતરપીંડી કરે છે. કોર્ટના કમ્પાઉન્ડમાં કેટલાક દલાલો વકીલોનો પહેરવેશ પહેરીને ખોટા કામો કરતા હોવાની ફરીયાદ પણ બાર એસોસીએશનને મળી હતી.

ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ લક્ષ્મી પુરીની માફી માંગી

ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ ભૂતપૂર્વ રાજદુત લક્ષ્મી પુરીની સોશ્યલ મીડિયા એક્સ પર માફી માંગી છે. કોર્ટે સાંસદનો પગાર જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. સાકેત ગોખલેએ ૨૦૨૧ના વર્ષમાં પુરી પર એવો આક્ષેપ મૂક્યો હતો કે એમણે વિદેશમાં સંપત્તી ખરીદી છે. સાકેત ગોખલએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે મે ૧૩ અને ૨૩ જૂન ૨૦૨૧ એ રાજદુત લક્ષ્મી પુરી વિરુદ્ધ પોસ્ટ લખી હતી. હું એ માટે માફી માંગુ છું. સાકેતે કોઈપણ શરત વગર માફી માંગી છે. પોતે લખેલી વાત ખોટી હતી એની કબુલાત પણ સાકેતે કરી છે. કોર્ટે એમને ૫૦ લાખ રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું ત્યારે સાંસદે કહ્યું કે એમની પાસે એટલા રૂપિયા નથી. ત્યાર પછી કોર્ટે એમના પગારની રકમ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. 

આંધ્ર પ્રદેશની પુનઃસીમાંકન માટે શરતી તૈયારી

આંધ્ર પ્રદેશના સીએમ એન.ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે પુનઃસીમાંકન ભલે થાય પણ પ્રત્યેક રાજ્યમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં ફેરફાર ન થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે લોકસભાની કુલ બેઠકો વધારવામાં આવે તો તમામ રાજ્યની બેઠકો પણ પ્રમાણસર વધવી જોઈએ. ટીડીપી એનડીએનો હિસ્સો હોવાથી નાયડુનો અભિગમ સીમાંકન બાબતે મોદી સરકારની કવાયત પર મહત્વની અસર કરશે તેવી સંભાવના છે.

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીઓનું બેંગલુરુ પોલીસને સમર્થન

ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશન અને દેશભરના નિવૃત્ત વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓએ બેંગલુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર બી દયાનંદાનું જોરદાર સમર્થન કર્યું છે જેમને ૧૧ લોકોનો ભોગ લેનાર ધક્કામુક્કી પછી ચાર અન્ય અધિકારીઓ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સીએમ સિદ્ધારામૈયાને સંબોધીને લખાયેલા બે અલગ પણ ખુલ્લા પત્રમાં ભૂતપૂર્વ ડીજીપી, સીબાઈ ચીફ, એનએસજી ચીફ અને વરિષ્ઠ અધિકારીઓએ ન્યાયિક તપાસ પૂર્ણ થવા અગાઉ ટોચના પોલીસ અધિકારીઓના સસ્પેન્શન બાબતે સવાલ ઉઠાવ્યા હતા. પત્રોમાં દલીલ કરાઈ છે કે ૪ જૂનની ઘટનાની જવાબદારી આરસીબી મેનેજમેન્ટ અને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનની છે જેમણે પોલીસની ચેતવણી છતાં ઉજવણી કરવામાં ઉતાવળ કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પોલીસે સરકારને લખેલા એક પત્ર દ્વારા આરસીબી ટીમની વાપસી સાથે પૂરતી તૈયારી વિના ઉજવણી કરવા સામે જોખમ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

- ઈન્દર સાહની