mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : ઊંચે ભાવે અયોધ્યામાં જમીન ખરીદનારા ફસાયા

Updated: Jul 11th, 2024

દિલ્હીની વાત : ઊંચે ભાવે અયોધ્યામાં જમીન ખરીદનારા ફસાયા 1 - image


નવીદિલ્હી : ૨૦૧૯ના સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી માંડીને રામ મંદિર નિર્માણ સુધીના સમયગાળામાં અયોધ્યા અને આસપાસના ગામોની જમીનની કિંમતમાં ભારે ઊછાળો આવ્યો હતો. રાજકારણીઓ અને અધિકારીઓએ મંદિરની આસપાસના ૧૫ કી.મી.ના વિસ્તારમાં રોકાણ કર્યું હતું. અરૂણાચલના ઉપમુખ્યમંત્રીના પુત્ર ચૈવ કાંત સેંગ મીન અને આદિત્ય મીને સરીયુ નદીને કિનારે કરોડો રૂપિયા ખર્ચીને ચાર હેક્ટર જેટલી જમીન ખરીદી હતી. ભાજપના પૂર્વસાંસદ બ્રીજભુષણ ચરણસિંહના પુત્ર ભૂષણ નંદીનીએ પણ રામ મંદિરથી ૮ કીલોમીટર દૂર કરોડો રૂપિયા ખર્ચીને જમીન ખરીદી હતી. ઉત્તર પ્રદેશના એડિશનલ ડીજીપી અમિતાભ યશની માતાએ પણ ગોંડામા ૪.૫ કરોડ રૂપિયાની કિંમતની ૧૦ હેક્ટર જમીન ખરીદી હતી. હવે કેટલાય અધિકારીઓ અને રાજકારણીઓ ખરીદ કિંમતથીં ઓછી કિંમતે જમીન વેચી રહ્યા છે.

લોકસભાની નિષ્ફળતાથી દાઝેલા અજીત પવાર મંદિરોના ભરોસે 

શરદ પવારનો સાથ છોડયા પછી અજીત પવારની તકલીફો ઓછી થતી નથી.  લોકસભાની ચૂંટણીમાં અતિકંગાળ દેખાવને કારણે આવનાર વિધાનસભાની ચૂંટણી બાબતે  અજીત પવાર ચિંતીત છે. ભાજપ પણ એમને ગરમ બટાટાની જેમ પડતા મૂકે એવી શક્યતા છે, ત્યારે અજીત પવારના મંદિરોના આંટા ફેરા વધી ગયા છે. તેઓ નિયમીત રીતે મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા જાય છે. કોઈક વખત પક્ષના નેતા પ્રફુલ પટેલ પણ એમની સાથે હોય છે. સિદ્ધિ વિનાયક મંદિરે જઈને તેઓ અભિષેક કરે છે. વતન બારામતી ખાતે જઈને એમણે સંત તુકારામ મહારાજની પાલખીનું સ્વાગત કર્યું હતું. પગપાળા દર્શન માટે જઈ રહેલા ભક્તોની સાથે તેઓ કેટલાક કીલોમીટર ચાલીને પણ ગયા હતા.

વિદેશનીતિ મુદ્દે કેન્દ્રને દિલ્હીના નિષ્ણાતોની મહત્ત્વની સલાહ

નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે ગયા ત્યારે મોદી-૦૩ની વિદેશનિતિ બાબતે દિલ્હીના એક વર્તૂળમાં ખાસ્સી ચર્ચા થઈ. ભારતની વિદેશનિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. એનડીએ સરકાર સ્થાનિક ફાયદા - ગેરફાયદા જોઈને વિદેશનિતિ નક્કી કરે છે. દેશના હિન્દુ મતદારો ખુશ થાય એનું ધ્યાન પણ વિદેશનિતિ નક્કી કરતી વખતે રાખવામાં આવે છે. કોઈપણ સરકાર સત્તામાં હોય, વિદેશનિતિ નક્કી કરતી વખતે દેશની સુરક્ષા અને વિકાસનું ધ્યાન પ્રથમ રાખવાનું હોય છે. છેલ્લા ઘણા સમયથી વિદેશમંત્રી એસ. જયશંકર કહે છે એમ તેઓ 'સાંસ્કૃતિક સંતુલન' કરી રહ્યા છે. હમણાની કેન્દ્ર સરકાર ખાસ ધ્યાન રાખે છે કે ૧૯૪૭ પછીની તમામ સરકારે નક્કી કરેલી વિદેશનિતિ કરતા અલગ રીતે વિદેશનિતિ નક્કી કરવી. દા.ત. યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી સારી હોવા છતા પણ ચૂંટણીના ફાયદા માટે એનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના ડિડૌરી જિલ્લામાં નશેડી શિક્ષકોનું પ્રમાણ વધ્યું

મધ્યપ્રદેશના ડિડૌરી જિલ્લાના એક કસબાની શાળાના ૧૫ જેટલા શિક્ષકો દારૂ પીને સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે એવા અહેવાલથી ચકચાર જાગી છે. જિલ્લાના શિક્ષણ અધિકારીએ લખેલા એક પત્રમાં જ આ બાબતનો ખુલાસો થયો છે. આ વિસ્તારના ૯ શિક્ષકો તો એવા છે કે જે વર્ષોથી સ્કૂલમાં ભણાવવા નથી ગયા છતાં દર મહિને નિયમીત રીતે પગાર લે છે. ૭ જેટલા શિક્ષકોની બે પત્નીઓ છે. હવે રહી રહીને સરકારે આવા શિક્ષકો સામે પગલા લેવાનું નક્કી કર્યું છે.

જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલાઓ શા માટે વધ્યા

૮૦ના દાયકામાં જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ટોચ પર હતો ત્યારે જમ્મુ વિસ્તાર પ્રમાણમાં શાંત રહ્યો હતો. કાશ્મીર બાબતોના નિષ્ણાતનું માનવું છે કે કલમ ૩૭૦ નાબુદ કર્યા પછી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ રણનીતિ બદલી છે. કાશ્મીરની ખીણમાં ભારતીય સુરક્ષા દળોની સંખ્યા વધારે છે અને લશ્કરની પકડ પણ અહીં વધુ છે. ખીણ વિસ્તારમાં પાકિસ્તાનથી ઘૂસેલા આંતકવાદીઓ માટે ખીણ વિસ્તારમાં હુમલો કરવો સહેલો નથી. આ કારણે જ જમ્મુ વિસ્તારમાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે. જમ્મુ વિસ્તારમાં ૨૦૨૩માં ૪૩ આતંકવાદી હુમલા થયા હતા. જ્યારે ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨૫ જેટલા આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે.

દિલ્હીમાં કારના વીઆઇપી નંબર માટે લાખો રૂપિયાનો ધુમાડો

વાહન પર નંબર કોઈપણ હોય એનાથી મોટા ભાગના લોકોને ફેર પડતો નથી. જોકે દિલ્હીમાં આજકાલ વીઆઇપી નંબર મેળવવો એક સામાજીક મોભો બની ગયું છે. વીઆઇપી નંબર લઈને પોતાની કાર અલગ દેખાડવાના ગાંડપણને કારણે કેટલાક શોખીનો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. વીઆઇપી નંબર ૦૦૦૧ મેળવવા માટે હરાજી થઈ તો લગભગ ૨૫ લાખ રૂપિયા ખર્ચીને એક વ્યક્તિએ નંબર ખરીદ્યો હતો. આટલી કીંમતમાં તો ૨ એસવીયુ કાર ખરીદી શકાય. એક રોસ્ટોરાંના માલિકે બીજા એક વીઆઇપી નંબર માટે ૧૭ લાખ રૂપિયા ખર્ચ્યા છે. જેમ્સ બોન્ડના એક ચાહકે મોટી રકમ ખર્ચીને ૦૦૦૭ નંબર ખરીદ્યો છે.

ચિત્ર-વિચિત્ર ચૂંટણી ચિન્હો બાબતે સુપ્રિયા સુલેની ચૂંટણી પંચને ફરિયાદ

મહારાષ્ટ્રના બારામતી ખાતેથી ચૂંટાયેલા એનપીસી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ ચૂંટણી પંચ સમક્ષ એક ચિંતા વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે કેટલાક પક્ષોને ચિત્ર-વિચિત્ર ચિન્હો આપ્યા હતા. સુલેનું માનવું છે કે આવા ચિન્હોને કારણે મતદારોમાં ખોટો ભ્રમ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીપંચ કોઈપણ રાજકીય પક્ષને ચિન્હ આપતા પહેલા એ વિશે અભ્યાસ કરવો જોઈએ. કેટલાક ચિન્હોને કારણે રાજકીય પક્ષો વિશે નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. યાદ રહે કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં અજીત પવારે પોતાના કાકા શરદ પવાર સામે બળવો કરીને અલગ એનસીપીની સ્થાપના કરી ત્યારે પક્ષનું ચિન્હ શરદ પવારને આપવાનો નિર્ણય ચૂંટણી પંચે ક્યો હતો.

નવીન પટનાયકના ભત્રીજાની રાજકારણમાં એન્ટ્રી માટે તૈયારી

નવીન પટનાયકના રાજકીય વારસ બાબતે જાત-ભાતની અટકળો ચાલતી હતી. નવીન પટનાયકના ખાસ અધિકારી વીકે પાંડિયન નિવૃત્ત થઈને બીજુ જનતા દળમાં જોડાયા હતા અને નવીન પટનાયક વતી નિર્ણયો લેતા હતા. તમિલ મૂળના વીકે પાંડિયનનો મુદ્દો ઉઠાવીને ભાજપે ચૂંટણીમાં બીજેડીને ઘેરી હતી. બીજેડીના પરાજય બાદ પાંડિયને રાજકારણ છોડી દીધું હતું. હવે નવીનના રાજકીય વારસ તરીકે અરૂણ પટનાયકના નામની ચર્ચા જામી છે. અરૂણ અત્યારે નવીનની સાથે જ રહેવા લાગ્યા છે. નવીન પાર્ટીના ટોચના નેતાઓને અરૂણનો પરિચય એ રીતે કરાવી રહ્યા છે. નવીન પટનાયકના મોટાભાઈ પ્રેમ પટનાયકનો દીકરો અરૂણ દિલ્હીમાં રહે છે અને બિઝનેસમેન છે.

તમિલનાડુના સીએમ સ્ટાલિને વસતિ ગણતરીના મુદ્દે કેન્દ્રને ઘેરી

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ૨૦૨૧ની પેન્ડિંગ વસતિ ગણતરીનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર સરકારને ઘેરી છે. સ્તાલિને વિધાનસભા ગૃહમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો અને એ પસાર કરાવ્યો હતો કે દેશમાં તેમ જ રાજ્યમાં વસતિ ગણતરીની સાથે સાથે જાતિ આધારિત વસતિ ગણતરી કરાવવી જોઈએ. ઈન્ડિયા ગઠબંધન જાતિ આધારિત વસતિ ગણતરીની હિમાયત કરે છે. કેન્દ્ર સરકાર એ મુદ્દે બરાબર ફસાઈ છે. જો ના પાડે તો દેશમાં જ્ઞાાતિ-જાતિ-સમાજોમાં જુદો મેસેજ જાય. હા પાડે તો વિપક્ષો એની ક્રેડિટ લઈ જાય.

બંગાળમાં બીએસએફના જવાનોના નામે બીફનો વિવાદ

બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે બીફની ગેરકાયદે તસ્કરીનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શાંતનુ ઠાકુર પર આરોપ છે કે બંગાળની પેટા ચૂંટણી દરમિયાન આ નેતાએ ભારત-બાંગ્લાદેશ સીમાએ વાહનોને પસાર થવા માટે પાસની પરવાનગી આપી હતી. એમાં બીફની સપ્લાય થતી હતી. એ આરોપ પછી હવે શાંતનુ ઠાકુરે બચાવમાં બીએસએફના જવાનોને જ નિશાન બનાવ્યા હતા. ભાજપના આ નેતાએ કહ્યું કે ભારત-બાંગ્લાદેશ સરહદે તૈનાત ૮૫ બટાલિયનના કેટલાક જવાનો ટીએમસીના ઈશારે રાજકારણ કરી રહ્યા છે. ઠાકુરના આ નિવેદનથી બંગાળના ભાજપના કાર્યકરોમાં જ રોષ છે. મહુઆ મોઈત્રાએ સૌથી પહેલાં શાંતનુ ઠાકુર પર આરોપ મૂક્યો હતો. એ પછી રાજકારણ શરૂ થયું છે.

અગ્નિવીરની સમીક્ષા કરવાની ભાજપના કાર્યકરોની કેન્દ્ર સમક્ષ માંગ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારણા કરતાં ઘણી જ ઓછી બેઠકો મળી. એના કારણોની તપાસ થઈ એમાં જણાયું કે અગ્નિવીર યોજનાની ઘણાં રાજ્યોમાં અસર થઈ. નારાજ યુવાનો ભાજપથી દૂર ગયા. રાજ્યોની ચૂંટણીઓમાં પણ અગ્નિવીરનો મુદ્દો ગાજી શકે છે. ખાસ તો આ વર્ષે થનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર થશે. પરિણામે સમીક્ષા દરમિયાન ભાજપના કાર્યકરો જ અગ્નિવીર યોજના બંધ કરવાની  અથવા તો એમાં જરૂરી સુધારા કરવાની ભલામણ કરી રહ્યા છે.

રાહુલને થપ્પડ મારવાના ભાજપ ધારાસભ્યના નિવેદનથી વિવાદ

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય ભરત શેટ્ટીએ રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના આ ધારાસભ્યએ કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભા ગૃહમાં જ થપ્પડ મારવી જોઈએ. કારણ કે રાહુલ ગાંધી હિંસા અને નફરત ફેલાવે છે. આ નિવેદનથી હોબાળો થયો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે આ નેતાના નિવેદનથી ખ્યાલ આવે છે કે ભાજપની વિચારધારા કેવી છે. કોંગ્રેસે ભરત શેટ્ટીને વળતો પડકાર ફેંક્યો હતો કે એક વખત નેતા વિપક્ષ રાહુલ ગાંધીને હાથ લગાડીને દેખાડે.

ઝારખંડમાં આદિવાસી બેઠકોમાં ચિત્ર અસ્પષ્ટ થતાં ભાજપને ચિંતા

ઝારખંડમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. ૮૧ બેઠકો ધરાવતા રાજ્યમાં ગત ચૂંટણીમાં ઝારખંડ મૂક્તિ મોરચાને ૩૦ બેઠકો મળી હતી. કોંગ્રેસ સહિતના સાથીપક્ષોને ૧૮ બેઠકો મળતા ગઠબંધનની સરકાર રચાયેલી. ભાજપને ૨૬ બેઠકો મળી હતી. જે આદિવાસી બેઠકો ભાજપને મળી હતી ત્યાં આ ચૂંટણીમાં સમીકરણ બદલાયું છે. બાંગ્લાદેશી નાગરિકો રહેવા આવ્યા હોવાથી ચૂંટણી પરિણામોને અસર કરશે એવી ભાજપને દહેશત છે. ભાજપે આ મુદ્દે લડત પણ ચલાવી છે અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવાનો સરકારને આદેશ આપ્યો છે. ભાજપને રાજ્યમાં ગત ચૂંટણીથી બેઠકો ઘટવાનો ડર છે.

- ઈન્દર સાહની

Gujarat