નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ જનતા ઉન્નયન પાર્ટી (એજેયુપી)ના ચેરમેન હુમાયુ કબીરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ભાજપના નેતાઓ સાથે રૂ. ૧,૦૦૦ કરોડની ડીલ બાબતે ચર્ચા કરી રહ્યા છે. ૧૯ મીનીટના વીડિયોમાં હુમાયુ કબીર કહે છે કે, તેઓ મમતા બેનર્જીને કોઈપણ ભોગે સત્તા પરથી દુર કરવા માંગે છે. જો એમના પક્ષને ૬૦-૭૦ બેઠકો મળે તો તેઓ ઉપમુખ્યમંત્રી બની શકે છે. તૃણમુલ કોંગ્રેસના કુણાલ ઘોષએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વીડિયોની માહિતી આપી હતી. એમના કહેવા પ્રમાણે હુમાયુ સુવેંદુ અધિકારી, પીએમઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાની નજીકની વ્યક્તિ છે. ઘોષએ પ્રશ્ન કર્યો હતો કે, આ મામલે ઇડી ચૂપ કેમ છે. એણે આ કિસ્સાની તપાસ કરવી જોઈએ.
પાકિસ્તાનના રક્ષા મંત્રીનો મોટો બફાટ
પાકિસ્તાનના મંત્રીઓ બફાટ અને બેવકુફી કરવા માટે જાણીતા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસીફએ સોશ્યલ મીડિયા પર ઇઝરાયલને માનવતા માટે શરમ અને કેન્સર કહ્યું હતું. આ બાબતે ઇઝરાયલએ કડક પ્રતિક્રિયા આપી હતી. ડઘાઈ ગયેલા આસીફએ પોતાની પોસ્ટ ડિલિટ કરવી પડી હતી. અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધવિરામમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા નિભાવતુ હોવાનું કહે છે. જોકે ઇઝરાયલને પાકિસ્તાન પહેલેથી પસંદ નથી અને તે પાકિસ્તાનની મધ્યસ્થતાથી ખુશ નહોતું. આસીફે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'ઇઝરાયલ સેતાન છે. ઇસ્લામાબાદમાં શાંતિની વાતો થાય છે ત્યારે ઇઝરાયલ લેબેનોનમાં નરસંહાર કરે છે. પહેલા ઇઝરાયલે ગાઝામાં નિર્દોષ લોકોને માર્યા હતા. જે લોકોએ યુરોપના યહુદીઓથી છૂટકારો મેળવવા પેલેસ્ટાઇનની જમીન પર આ કેન્સર જેવા દેશને વસાવ્યો તેઓ જહન્નમમાં બળશે.' આનો જવાબ ઇઝરાયલના વિદેશ મંત્રીએ કડકાઈથી આપ્યો હતો અને કહ્યું હતું કે ઇઝરાયલ આવા આતંકીઓ સામે પોતાની રક્ષા કરવા સક્ષમ છે.
કામચલાઉ રાહત મળવાથી ખેડા ફરીથી ગરજશે?
આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની સામે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી ખેડા સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને આસામ પોલીસ એમને શોધવા માટે દિલ્હી પહોંચી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓએ ખેડાને તરત જ હૈદરાબાદ રવાના કરી દીધા હતા, કારણ કે તેલંગાણામાં કોંગ્રેસનું શાસન છે. ખેડાએ ત્યાર પછી તેલંગાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઇકોર્ટના જસ્ટીસ કે સુઝાનાએ ચૂકાદો આપતા કહ્યું હતું કે, 'અરજી કરનારને સંબંધીત કોર્ટમાં અરજી દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. કેટલીક શરતોને આધીન આગોતરા જામીન અરજી એક અઠવાડિયા માટે મંજૂર કરવામાં આવે છે. ખેડાની મદદ માટે કોંગ્રેસે એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને મોકલ્યા હતા. હવે જોવાનું રહે છે કે, રાહત મળ્યા પછી પવન ખેડા ફરીથી ગરજવાનું શરૂ કરે છે કે નહીં.
હોર્મૂઝ ટેક્સ બાબતે ભારતે ઇરાન સાથે વાતચીત કરી નથી
અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા કામચલાઉ સીઝફાયર પછી ઇરાને નક્કી કર્યું છે કે હવે હોર્મૂઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસુલ કરવો. ઇરાનની સંસદે પણ આ બાબતે મંજૂરી આપી દીધી છે. એમ મનાય છે કે આ ફી ૨૦ લાખ ડોલર જેટલી હશે. સવાલ એ છે કે ભારતને પોતાનું મિત્ર માનતું ઇરાન ભારત પાસે પણ આ ટેક્સ વસૂલસે કે નહીં. ભારત સરકારના કહેવા પ્રમાણે ટોલટેક્સ બાબતે ઇરાન સાથે કોઈ વાતચીત થઈ નથી. ભારતના બીજા એક અધિકારીએ પણ કહ્યું હતું કે ટોલ બાબતે એમને કોઈ જાણકારી નથી. મર્યાદિત પ્રમાણમાં હોર્મૂઝની ખાડી ખુલશે. તમામ નિર્ણય ઇરાન કરશે. હોર્મૂઝની ખાડી યુદ્ધને કારણે લગભગ છ અઠવાડિયા સુધી બંધ રહી હતી. ઇરાને જોકે કેટલાક મિત્ર દેશોના જહાજોને ત્યાંથી પસાર થવાની પરવાનગી આપી હતી. ઇરાન ઉપરાંત ઓમાન પણ હોર્મૂઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસે ટોલ વસુલવાનું છે.
'આ ભાષા તમે ક્યાંથી શીખી?'
જાતિ આધારિત વસ્તી ગણતરી રોકવાની માંગ કરતી એક અરજી કરનારને સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો છે. આ અરજી ફગાવી દેવામાં આવી છે. આ અરજીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી રોકવા સહીતની માંગણીઓ કરવામાં આવી હતી. ભારતના સીજેઆઇ સૂર્યકાંતે આ અરજી જે ભાષામાં લખાઈ હતી એ બાબતે ભારે નારાજગી બતાવી છે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેન્ચ સમક્ષ આ અરજી રજુ કરવામાં આવી હતી. આ અરજી ચિરાગ હરીવદન મોદીએ દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જાતિ આધારીત વસ્તી ગણતરી અટકાવી દેવામાં આવે અને જે કુટુંબમાં એક જ બાળક હોય એમને આર્થિક મદદ કરવા માટે નીતિ બનાવવામાં આવે. અરજી કરનારને સીજેઆઇએ કહ્યું હતું કે, 'આ અરજીમાં જે ભાષા વાપરવામાં આવી છે એ તમે ક્યાંથી શીખી છે? આ ઉદ્ધત ભાષા તમે ક્યાંથી લાવ્યા?'
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મોદી અને મમતાએ પૂરી તાકાત લગાડી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ છે. એક તરફ તૃણમુલ કોંગ્રેસ અને મમતા બેનર્જી સત્તા ટકાવી રાખવા માગે છે તો બીજી તરફ ભાજપ અને મોદી કોઈપણ હિસાબે બંગાળ જીતવા માંગે છે. મમતા બેનર્જી હંમેશા કહે છે કે, રાજ્યની ૨૯૪ બેઠકો પર પોતે જ ઉમેદવાર છે. મમતા બેનર્જીને બાદ કરવામાં આવે તો તૃણમુલ કોંગ્રેસની તાકાત ખૂબ જ ઓછી થઈ જાય. એમણે એકલે હાથે લડત આપીને પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષથી ચાલતા સામ્યવાદી શાસનને હાર આપી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. જોકે ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે એમની છબી થોડી બગડી છે. સામે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરે છે. ભાજપ એમ માને છે કે જો આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતી નહીં શકે તો ભવિષ્યમાં આવો મોકો ફરીથી મળવાનો નથી.
અલગ પક્ષ સ્થાપવાનો વિચાર રાઘવ ચઢ્ઢા માટે ઘાતક બની શકે
આમ આદમી પાર્ટી સાથે વાંકુ પડયા પછી રાઘવ ચઢ્ઢા અવઢવમાં છે. રાઘવ ચઢ્ઢા આપનો બૌદ્ધિક ચહેરો હતા. રાઘવ ચઢ્ઢા અભ્યાસુ અને સારા વક્તા પણ છે. એમની પાસે કરીશ્મા પણ છે અને એમના સંપર્કો દરેક ક્ષેત્રમાં છે. એમની સોશ્યલ મીડિયા પોસ્ટ જોતા એવું લાગે છે કે તેઓ ભાજપ કે બીજા કોઈ પક્ષ સાથે જોડાવાને બદલે પોતાનો રાજકીય પક્ષ બનાવવાનું પસંદ કરશે. જ્યારે ચઢ્ઢાના ચાહકોએ એમને અલગ પક્ષ સ્થાપવાની સલાહ આપી ત્યારે ચઢ્ઢાએ જવાબમાં એવુ લખ્યું હતું કે આ વિચાર રસપ્રદ છે. જોકે રાઘવ ચઢ્ઢાએ પ્રશાંત કિશોરના અનુભવમાંથી શીખવું જોઈએ. કિંગ મેકર તરીકે પ્રશાંત કિશોર ખૂબ સફળ થયા હતા. કિશોરને હતું કે તેઓ બીજા પક્ષોને જીતાડવા મહેનત કરે છે તો પોતે જ પક્ષ સ્થાપીને શા માટે નહીં જીતે. પ્રશાંત કિશોરના પક્ષનો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સફાયો થઈ ગયો હતો.


