નવીદિલ્હી : મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે ત્યારે ભારતમાં એને ક્યાં અને કઈ રીતે રાખવામાં આવશે એ વિશે જાતભાતની વાતો થઈ રહી છે. મુંબઈમાં એક ચા વેચનાર છે જેને છોટુ તરીકે ઓળખવામાં આવે છે. છોટુનું નામ મહોમ્મદ તોફીક છે. છોટુની સતર્કતાને કારણે ૨૬ /૧૧ના હુમલા દરમિયાન ઘણાના જીવ બચ્યા હતા. છોટુએ કહ્યું છે કે, તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવે છે એ સારી વાત છે, પરંતુ એને અજમલ કસાબની જેમ ખાસ સેલમાં રાખવો જોઈએ નહીં. કસાબને જેમ બિરિયાની સહિત બીજી સગવડો આપવામાં આવી હતી એવી સગવડો રાણાને આપવી જોઈએ નહીં. આતંકવાદીઓ માટે એક ખાસ કાયદો હોવો જોઈએ. જેના અંતર્ગત આવા આતંકીને ૨-૩ મહિનામાં જ ફાંસી પર લટકાવી દેવા જોઈએ.
'મંત્રી બનવાથી જામીનની શરતોનો ભંગ નથી થતો' : સેંથીલ બાલાજી
ડીએમકેના નેતા વી સેંથીલ બાલાજીએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, તમીલનાડુના મંત્રીમંડળમાં એમનો સમાવેશ થવાથી મનિલોન્ડરીંગ મામલામાં ઉચ્ચ અદાલતે એમના પર લગાડેલી જામીનની શરતોનો ભંગ થતો નથી. એમણે દલીલ કરી છે કે, લોકોના જનાદેશ પછી રાજકીય પદની માંગણી કરવા માટે એમને દંડીત કરી શકાય નહીં. બાલાજીને ૨૦૨૪ની ૨૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. આ જમીન રદ કરવાની માંગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ બાબતે બાલાજીએ એફીડેવીટ કરીને અરજી કરનારની ઇમાનદારી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બાલાજીનો આક્ષેપ છે કે, આ અરજી રાજકીય રીતે પ્રેરીત છે અને વિપક્ષની ચાલ છે.
કપીલ મિશ્રા સામે વધુ તપાસ કરવાના હુકમ સામે 21મી સુધી સ્ટે
૨૦૨૦ના દિલ્હી હુલ્લડો સંદર્ભે દિલ્હીના કાયદા મંત્રી કપીલ મિશ્રા સામે તપાસનો હુકમ થયો હતો. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે આ તપાસ કરવા પર ૨૧મી એપ્રિલ સુધી સ્ટે આપ્યો છે. ન્યાયાધિશ કાવેરી બાવેજાની કોર્ટે મેજીસ્ટ્રેટની કોર્ટના હુકમ વિરુદ્ધ મિશ્રાની અરજીની સુનાવણી કરતા આ સ્ટે આપ્યો હતો. કોર્ટે ફરિયાદી મહોમ્મદ ઇલ્યાસને પણ નોટીસ આપી ૨૧મી એપ્રિલ સુધી જવાબ દાખલ કરવા કહ્યું છે. ૨૦૨૦ના ફેબુ્રઆરી મહિનામાં દિલ્હીમાં કોમવાદી હુલ્લડો ફાટી નિકળ્યા ત્યારે ટોળાને ઉશ્કેરવાનો આક્ષેપ મિશ્રા પર છે. ઘટના બની ત્યારે મિશ્રા સ્થળ પર જ હતા એમ કહેવાય છે. મહોમ્મદ ઇલ્યાસે મિશ્રા સામે એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરી હતી.
આજે નહીં તો કાલે મુંબઈ આવવું પડશે પછી શું?, કામરાને શિવસેનાની ચેતવણી
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની મજાક ઉડાવનાર કોમેડિયન કુણાલ કામરા મહારાષ્ટ્ર પોલીસને ગાંઠતો નથી. પોલીસે એને જવાબ આપવા માટે ત્રણથી વધુ વખત સમન્સ મોકલ્યા છે. કામરાએ આ ત્રણે સમન્સને અવગણ્યા છે. કામરાના વલણને કારણે અકળાયેલા શિવસેના (એકનાથ શિંદે)ના નેતા મૂળજી પટેલએ કામરાને ચેતવણી આપતા ધમકી આપી છે કે કામરાએ કયારેક તો મુંબઈ આવવું જ પડશે. જ્યારે એ મુંબઈ આવશે ત્યારે એની પાસે અમારો પક્ષ જવાબ માંગશે. પટેલની ફરીયાદને આધારે મુંબઈ પોલીસે કોમેડિયન પર કેસ દાખલ કર્યો છે. પટેલનું કહેવું છે કે, કામરા ડરીને મુંબઈની બહાર ભાગી ગયો છે, પરંતુ લાંબો સમય ભાગેડુ રહી શકશે નહીં.
દિલ્હી મેટ્રોમાં ખુલ્લેઆમ દારૂ પીને વિડિયો વાયરલ કરનાર પકડાયો
થોડા દિવસોથી દિલ્હીમાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુવાન દિલ્હીની મેટ્રો ટ્રેનમાં ખુલ્લેઆમ દારૂ પીને ઇંડુ ખાય રહ્યો છે. એનો આ વિડિયો છે દિલ્હી અને રેલવે પોલીસે ભારે મહેનત કરીને આ યુવાનને શોધી કાઢયો છે. વિડિયો વાયરલ કરનારનું નામ આકાશકુમાર છે. દિલ્હીના બુરાડી ખાતેથી એની ધરપકડ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થવા માટે આકાશકુમારે વિડિયો બનાવ્યો હતો. યુવાનને શોધવા માટે ડીએમઆરસી સ્ટાફ, સીઆઇએસએફ સ્ટાફ અને હાઉસકીંપીગ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના તમામ વોટ્સએપ ગુ્રપમાં પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ બતાવ્યું હતું કે એ એના માતા-પિતા અને નાના ભાઈ સાથે ભાડેના ઘરમાં રહે છે. દારૂ પીતો હોવાનું લાગે એ માટે એણે એપલ જ્યુસ ગ્લાસમાં રેડીને પીધો હતો.
મુંબઈની જલવાયુ વિહાર સોસાયટી આતંકવાદીઓના ટાર્ગેટ પર હતી
મુંબઈના પવઇ વિસ્તારમાં આવેલી જલવાયુ વિહાર હાઉસીંગ કોલોની ૨૬ /૧૧ મુંબઈ આતંકી હુમલા વખતે ટાર્ગેટ પર હતી. આ હુમલામાં આતંકવાદી તહવ્વુર રાણાની ભૂમિકા મુખ્ય હતી. મુંબઈ હુમલા પર સંદીપ ઉન્નીથાનએ પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે 'ધ થ્રી સીજીસ ઓફ મુંબઈ ૨૬ /૧૧' આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે હુમલાનો મુખ્ય આરોપી રાણા પવઇની એક હોટલમાં ઉતર્યો હતો અને ત્યાંથી હાઇસિંગ સોસાયટીની રેકી કરી હતી. જલવાયુ વિહાર ખાતે એરફોર્સ અને નેવીના રીટાયર્ડ અધિકારીઓ રહે છે. રાણાના સાથીદાર હેડલીએ આ વાત જાહેર કરી ત્યાર પછી બે વર્ષ સુધી જલવાયુ વિહાર હાઉસિંગ કોલોનીના મુખ્ય દરવાજે મુંબઈ પોલીસની સ્વેટ ટીમના હથિયારબંધ વાહનો ઉભા રહ્યા હતા.
ભારે ગરમીને કારણે વધતા પ્રદૂષણથી મૃત્યુનું જોખમ વધી જાય છે
સ્વિડનની કૈરોલીંસ્કા ઇન્સ્ટીટયુટ ઓફ એનવાયરમેન્ટલ મેડિસીનએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતના શહેરોમાં દર વર્ષે ભારે ગરમીની સાથે ઝેરી હવા ઘાતક નીવડી શકે એમ છે. ભારે ગરમી અને ઝેરીલી હવાનો મેળાપ થાય છે ત્યારે મૃત્યુનું જોખમ અનેક ગણું વધી જાય છે. ફક્ત પ્રદૂષણ કે ફક્ત ભીષણ ગરમી બેમાંથી એક હોય તો ઘાતકતાનું પ્રમાણ ઓછું રહે છે. અભ્યાસ કરનાર પ્રોફેસર જેરોન ડી બોંટના કહેવા પ્રમાણે આ જોખમ વધુ વસ્તીવાળા વિસ્તારમાં અત્યંત ઘાતક પુરવાર થાય છે. ગીચવસ્તીવાળા વિસ્તારોમાં પહેલાથી જ આરોગ્યલક્ષી સેવાઓ ઓછી હોય છે. ભારતે આ બેવડા જોખમ સામે લડવું હશે તો યોગ્ય નીતિ બનાવવી પડશે.
કેરળના સીએમ વિજયનની દીકરી વીણા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ
કેરળના મુખ્યમંત્રી પી. વિજયનની દીકરી ટી. વીણા સામે ગેરકાયદે નાણાકીય લેવડદેવડના કેસમાં ઈડીએ કેસ દાખલ કર્યો છે. આ કેસ પછી એક તરફ ભાજપે વિજયનનું રાજીનામું માગ્યું છે. તો વિજયને બચાવમાં એવું કહ્યું કે દીકરીને નિશાન બનાવીને પોતાના સુધી પહોંચવા માટેનું આ રાજકીય કાવતરું છે. પરંતુ અમે એનો કોર્ટમાં જવાબ આપીશું. આ ફરિયાદ સામે કોર્ટનો રસ્તો અપનાવીશું. સીએમની દીકરી વીણાની આઈટી અને માઈનિંગ કંપનીઓ મની લોન્ડરિંગમાં સંડોવાયેલી હોવાનો દાવો ઈડીએ કર્યો હતો. કેરળમાં વિજયનને ઘેરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એક સૂરમાં રહે છે. સામાન્ય રીતે ઈડીની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતી રહેલી કોંગ્રેસ કેરળમાં આ મુદ્દે મૌન છે. કેરળમાં વિપક્ષો સામે ભેદભાવના કારણે આ કાર્યવાહી થાય છે એવું કોંગ્રેસે કહ્યું નથી.
મનાલીમાં આવેલા કંગનાના ઘરનું વીજબિલ એક લાખ રૂપિયા
ભાજપ સાંસદ કંગના રનૌતનું હિમાચલ પ્રદેશના મનાલીમાં એક ઘર છે. એનું વીજળીનું બિલ એક લાખ રૂપિયા આવતા કંગના આકરા પાણીએ છે. કંગનાએ કહ્યું કે મારા ઘરનું બિલ પાંચથી છ હજાર આવતું હતું. તેના બદલે સરકારે સીધું એક લાખ રૂપિયા બિલ ફટકાર્યું છે. આમાં ભેદભાવ થયો છે. કારણ કે ૫-૬ બેડરૂમના ઘરમાં ૩-૪ કર્મચારીઓ રહે છે. એમાં કોઈ ફેક્ટરી ચાલતી નથી. બીજી કોઈ મશીનરી પણ ચાલતી નથી. કંગનાએ કહ્યું કે આ સમસ્યા આખા રાજ્યના લોકોની છે. આડેધડ બિલ ફટકારવામાં આવી રહ્યા છે. કંગનાના આ દાવા પછી લોકોએ યાદ અપાવ્યું કે વીજળીનું બિલ મીટરના રીડિંગ પરથી આવે છે. સરકાર કેવી રીતે ભેદભાવ રાખીને વધારે બિલ ફટકારી શકે?
દિલ્હીમાં ભાજપની સરકારે કેજરીવાલે કરેલી 194 નિમણૂકો રદ્ કરી
દિલ્હીમાં ભાજપની સરકારે અગાઉની કેજરીવાલની સરકારે કરેલી નિમણૂકો રદ્ કરી દીધી છે. દિલ્હી સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, સમિતિઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીની સરકારે ૧૯૪ લોકોને નિમણૂક આપી હતી. હવે રેખા ગુપ્તાની સરકારે આ નિમણૂકો રદ્ કરીને કહ્યું હતું કે બધી જ નિમણૂકો રાજકીય હતી એટલે રદ્ કરી દેવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે સરકાર બદલે પછી થતી આ એક રૂટિન પ્રક્રિયા છે. દિલ્હીમાં ચર્ચા છે કે આપની રાજકીય નિમણૂકો રદ્ કરીને ભાજપ હવે પોતાની રીતે રાજકીય નિમણૂકો કરશે. સામાન્ય રીતે સરકારો બદલાય પછી ટ્રાન્સપરન્ટ નિમણૂકોની માત્ર વાતો થતી હોય છે.
નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવાની ભાજપના જ નેતાની માગ
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેનું એક નિવેદન ભારે ચર્ચામાં છે. ચૌબેએ કહ્યું કે નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવા જોઈએ. આ નિવેદન આવ્યું કે તરત જ જેડીયુએ અમિત શાહનું નિવેદન ભાજપને યાદ કરાવ્યું હતું. અમિત શાહે થોડા સમય પહેલાં કહ્યું હતું કે નીતિશ કુમાર જ બિહારના સીએમ રહેશે. જેડીયુએ એમ પણ કહ્યું કે ગમે તે માણસને ગમે તે માગણી કરવાનો અધિકાર છે, પરંતુ બિહારની જનતાને નીતિશની જરૂર છે. આ નિવેદનની ચર્ચા એટલે પણ થઈ રહી છે કે ઘણાં માને છે કે ભાજપ નીતિશને બિહારના રાજકારણમાંથી દૂર કરવાની પેરવીમાં છે. અત્યારે ભાજપ આવું કહીને જેડીયુનું મીટર માપે છે.
ચિરાગની નજર બિહારની ગાદી પર ? : પટણામાં ચર્ચા
ચિરાગ પાસવાન છેલ્લાં ઘણા સમયથી ગઠબંધનની લાઈનથી જુદી લાઈનમાં વાતો કરે છે. એનું વલણ અચાનક લિબરલ થઈ ગયું છે. યોગીએ જાહેરમાં નમાઝ અદા કરવા દેવા પર મનાઈ ફરમાવી તેનો ચિરાગે વિરોધ કર્યો હતો. એ પછી તુરંત જ ભાજપના ધાર્મિક રાજકારણથી સહમત નથી એવુંય કહ્યું. મોદીના નજીકના નેતાઓમાં ગણતરી થાય છે છતાં ચિરાગ લોક જનશક્તિ પાર્ટીની પોતાની સેક્યુલર વિચારધારાને આગળ કરીને બિહારમાં મેસેજ આપવા માગે છે. બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. એમાં ગઠબંધનના ભાગરૂપે વધુમાં વધુ બેઠકો મેળવીને ચિરાગ જીતવા માગે છે અને પછી એ બેઠકોના જોરે બિહારની ગાદી મેળવવા માગે છે. આવી ચર્ચાઓ પટણાના રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
- ઈન્દર સાહની


