દિલ્હીની વાત : મલિકનો પોતાને સસ્પેન્ડ કરવા સરકારને પડકાર


નવી દિલ્હી : મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી ભાજપ સરકાર પર આકરા કટાક્ષ કરીને અને અડકતરી રીતે પોતાને કાઢી મૂકવાનો પડકાર ફેંકીને ખળભળાટ મચાવ્યો છે. મલિકે રાહુલ ગાંધીનાં પણ વખાણ કરીને કહ્યું કે, રાહુલ સારું કામ કરી રહ્યા છે.

મલિકે કહ્યું કે, કેટલાંક લોકો ફેસબુક પર લખી દે છે કે રાજ્યપાલ સાહેબને બહુ તકલીફ થતી હોય તો રાજીનામુ કેમ નથી આપી દેતા? હું તેમને કહેવા માગું છું કે, હું કોઈના મતથી રાજ્યપાલ બન્યો નથી. મને દિલ્હીમાં બેઠેલા ૨-૩ લોકોએ રાજ્યપાલ બનાવ્યો હતો, હવે હું તેમની ઈચ્છા વિરૂદ્ધ બોલી રહ્યો છું. જે દિવસે આ લોકો કહી દેશે તો હું એક જ મિનિટમાં રાજીનામુ આપી દઈશ. સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીર પછી ભાજપ શાસિત ગોવામાં પણ વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા કહ્યું કે, ગોવામાં ભ્રષ્ટાચાર અંગે બોલ્યા પછી જ મારી બદલી મેઘાલયમાં કરવામાં આવી હતી.

સત્યપાલ મલિક આ પહેલાં ખેડૂત આંદોલનનું સમર્થન કરીને મોદી સરકાર સામે મોરચો માંડી ચૂક્યા છે છતાં તેમને હટાવાતા નથી.

માજી મુખ્યમંત્રીના પરિવારને 15 વર્ષે વળતર મળ્યું !

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માનું ૧૫ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મોત થયું હતું. તેમના પરિવારને ૧૫ વર્ષ પછી વીમા કંપનીએ વળતર આપ્યું એ મુદ્દો ચર્ચામાં છે. ભારતમાં વીમા કંપનીઓ પોતાની મનમાની ચલાવે છે  અને કાયદાની આંટીઘૂંટીમાં મુખ્યમંત્રીના પરિવારને પણ અટવાવી દીધો છે તેનો આ નાદાર નમૂનો છે એવી ટીકા થઈ રહી છે. આ મનમાનીને રોકવા કાયદો બનાવવાની જરૂર હોવાની માંગ પણ ઉઠી છે.

લાંબી કાનૂની લડત પછી વર્માના પત્ની અને પુત્રને કોર્ટે ૬ લાખ ૩૫ હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. કંપનીને સાડા સાત ટકા વ્યાજની પણ ચૂકવણી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. વળતરના દાવામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો જીવન નિર્વાહ કરવા માટે પતિ સાહિબસિંહ પર નિર્ભર હતા તેથી વળતર મળવું જોઈએ પણ કંપની વળતર આપવા તૈયાર નહોતી.

સાહિબસિંહના પુત્ર પ્રવેશ વર્મા ભાજપના સાંસદ છે. તેમના માટે વળતરની રકમ બહુ મહત્વની નથી પણ વગદાર પરિવારને પણ કંપનીઓ કઈ રીતે હેરાન કરે છે એ આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે.

કાર મુદ્દે મોદી સરકારની અધિકારીઓ પર તવાઈ

મોદી સરકારે સરકારી કારોનો અંગત કામ માટે ઉપયોગ કરતા અધિકારીઓ માટે નવા કડક નિયમો બનાવ્યા છે. નવા નિયમો હેઠળ સરકારી અધિકારીઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. તેમણે દરેક ટ્રીપનો હિસાબ આપવો પડશે.

વ્યક્તિગત ઉપયોગ માટે સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવશે તો અધિકારીએ વધારાના ઉપયોગ માટે ૨૪ રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ચૂકવણી કરવી પડશે. નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલને બદલે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવા પણ કહ્યું છે.

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, સ્ટાફ કારનો ઉપયોગ મર્યાદિત માત્રામાં દર મહિને ૫૦૦ કિલોમીટર સુધી કરી શકાશે. આ માટે અધિકારીએ દર મહિને ૩૦૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. કારનો ઉપયોગ ૫૦૦ કિલોમીટરથી વધુ વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવે તો ૨૪ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂકવવો પડશે. સ્ટાફની કારમાં સરકારી કામકાજ માટે દર મહિને માત્ર ૨૫૦ લીટર પેટ્રોલ કે ડીઝલ વાપરી શકાશે. સ્ટાફ કારની સુવિધા જોઈન્ટ સેક્રેટરી અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓને જ મળશે.

મોદી સરકારની ગુલાંટ, ચોખાની નિકાસ પર ટેક્સ

નિર્મલા સીતારામને બે દિવસ પહેલા જ કહેલું કે, મોંઘવારીનો મુદ્દો મોદી સરકાર માટે પ્રાથમિકતા નથી. આ વલણમાંથી ગુલાંટ લગાવીને કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ પર ૨૦ ટકા ટેક્સ લગાડી દીધો છે. દેશમાં ચોખાની વધી રહેલી કિંમતોને નાથવા માટે સરકારે ચોખાની નિકાસ પર ટેક્સ લગાવવાનો નિર્ણય લેવો પડયો છે. ચોખાના ભાવ વધે તેના કારણે પડનારી રાજકીય અસરોથી ફફડેલી સરકારે તાત્કાલિક અસરથી એટલે કે શુક્રવાર ને ૯ ડીસેમ્બરથી ચોખા નિકાસ પર ૨૦ ટકા ટેકસનો નિર્ણયનો અમલ શરૂ કરી દીધો છે. 

આ પહેલાં કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું હતું કે ચોખાની નિકાસ પર કોઈ પ્રતિબંધ લાદવાની કોઈ યોજના નથી કેમ કે ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો બફર સ્ટોક છે. મોદી સરકારે આ મુદ્દે પણ ફેરવી તોળ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે,  ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ છે પણ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં સરેરાશથી ઓછો વરસાદ પડયો છે. તેના કારણે ચોખાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. 

આસામના મદરસાઓમાં આતંકી પ્રવૃત્તિનો દાવો

આસામના કેટલાક મદરેસાઓમાં આતંકી પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવતાં સરકાર ચોંકી ઉઠી છે. સરકારી એજન્સીઓનો દાવો છે કે, આ મદરેસાઓના માધ્યમથી અલ કાયદાના એજન્ડાને ફેલાવવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશના આતંકી સંગઠન અંસાર બાંગ્લાના કાર્યકરો આ કામગીરી કરે છે. બાંગ્લાદેશથી આવેલા જેહાદી મદરેસામાં કુપ્રચાર કરે છે કે આસામમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે.

જો કે રાજ્યમાં મદરેસા તોડવાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મુસ્લિમ સંગઠનોનો દાવો છે કે, મદરેસામાં બાળકોને કુર્આન-હદીસ અને ઈસ્લામના શિક્ષણની સાથે સ્કૂલની તાલીમ પણ અપાય છે જ્યારે આતંકવાદ સાથે કંઈ લેવાદેવા નથી પણ આતંકીઓ સાથે સાંઠગાંઠના નામે મુસ્લિમોને પોલીસ હેરાન કરે છે. સરકારે આસામમાં જેહાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપમાં બોંગાઈગાંવ, બરપેટા અને મોરીગાંવ જિલ્લામાં ૩ મદરેસા તોડી પાડયાં છે.

મુસ્લિમ વિદ્યાર્થી સંગઠનો તેની સામે વિરોધ વ્યક્ત કરી દેખાવ કરી રહ્યા છે. ઓલ આસામ માઈનોરિટી સ્ટુડન્ટ્સ યુનિયન(આમ્સુ)એ મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાને સમક્ષ રજૂઆત કરી છે કે સરકાર ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓને નષ્ટ કરી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે.

મંત્રીએ ગરબા સાથે લવ જિહાદને જોડતાં આક્રોશ

મધ્ય પ્રદેશની ભાજપ સરકારના સાંસ્કૃતિક મંત્રી ઉષા ઠાકુરે  ગરબાના આયોજનને લવ જિહાદ સાથે સાંકળતાં હિંદુઓમાં આક્રોશ છે. ઠાકુરે કહ્યું કે, હવે ગરબા લવ જેહાદનું મોટું માધ્યમ બની ગયા છે, તેથી ગરબામાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને ન આવે તે ખૂબ જ જરૂરી છે. ગરબાના આયોજનમાં આવનારે પોતાનું આઈડી કાર્ડ ફરજિયાતપણ આવવું પડશે. ઠાકુરે તમામ આયોજકોને પણ ચેતવણી આપી કે કોઈને ઓળખ છૂપાવીને ગરબામાં પ્રવેશવા દેવાશે તો આવી બનશે.

હિંદુઓ ઠાકુરના નિવેદનને વાહિયાત ગણાવી રહ્યા છે. ગરબા લવ જિહાદનું માધ્યમ બની ગયા છે એવી વાત કઈ રીતે કરી શકાય એવો સવાલ પણ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે, આડકતરી રીતે ઠાકુર ગરબાના આયોજકો પર લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકી રહ્યાં છે. ગરબાના આયોજકો હિંદુ જ હોય છે અને ગરબામાં આવનારી છોકરીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરે જ છે. છેલ્લાં કેટલાંક વરસોથી આઈડી કાર્ડ જોઈને જ પ્રવેશ અપાય છે તેથી આયોજકો પર આળ ના મૂકી શકાય.

* * *

કેમ્પસમાં મંદિર-બાંધકામનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ

કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગુરૂવારે કોલેજમાં ભગવાન ગણેશજીના મંદિરના બાંધકામનો વિરોધ કરતા દેખાવો કર્યા. વિદ્યાર્થીઓના મતે, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલરના વિરોધ છતાં બૃહદ બેંગલુરૂ મહાનગરપાલિકાનું તંત્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં મંદિર બાંધવા માટે મક્કમ છે. અગાઉ માયસોર રોડ પરના મલ્લાયાહાલ્લિના રસ્તે જતાં યુનિવર્સિટીના જ્ઞાાનભારતી કેમ્પસમાં એક ગણેશ મંદિર મોજૂદ હતું જ. જો કે યુનિવર્સિટીએ માર્ગ પહોળા કરવાના હોવાથી એ મંદિર કાઢી નાખવું પડયું.

ISIના ટેકાવાળા ટેરર-મોડયુલનો પર્દાફાશ: 3ની અટક

કેનેડાસ્થિત ગેંગસ્ટર લખબીરસિંઘ ઉર્ફે લાન્ડા અને પાકિસ્તાનસ્થિત ગેંગસ્ટર હરવિન્દરસિંઘ રિન્ડા દ્વારા સંયુક્તપણે જેની કામગીરી સંભાળાતી હતી એવા આઇએસઆઇ સમર્થિત ટેરર મોડયુલને ફટકારૂપે પંજાબ પોલીસે એમના ત્રણ નિકટ સાથીઓને અટક કર્યા છે. તદુપરાંત પોલીસે એમને પંજાબ તથા પડોશી રાજ્યોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં મદદ પૂરી પાડતા એમના ૨૫ સાગરિતોને ઓળખી લીધા છે, એમ પંજાબના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ગૌરવ યાદવે ગુરૂવારે કહ્યું. હરિયાણા પોલીસે કરેલા અન્ય એક ટેરર મોડયુલના પર્દાફાશરૂપે હરિયાણાના કુરૂક્ષેત્રના શાહાબાદ વિસ્તારમાં તાજેતરમાં આઇઇડી (ઇમ્પ્રોવાઇઝડ એકસ્પ્લોઝિવ ડિવાઇસ) ગોઠવવાના કામનો મુખ્ય આરોપી નછાતરસિંઘ ઉર્ફે મોતી (રે. ભટ્ટાલ સેહજા સિંઘ ગામ, તરનતારન)નો પણ ઝડપાઇ ગયેલા ઉપરોક્ત બદમાશોમાં સમાવેશ થાય છે.

ટયુશનના શિક્ષકે વિદ્યાર્થિનીઓને ફટકારી

દિલ્હીના ભાલસ્વા ડેરી વિસ્તારમાં આવેલા એક ટયુશન કલાસના શિક્ષકે ગૃહ કાર્ય નહિ લાવેલી છ અને આઠ  વર્ષની બે વિદ્યાર્થિનીઓને નિર્દયતાથી ઝૂડી કાઢી. આથી દિલ્હી કમિશન ફોર વીમેન સ્વાતિ માલિવાલે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી. પડોશમાં રહેતા એક ટયુશન કલાસના શિક્ષકના ઘેર ગઇ તા.૩૧ ઓગસ્ટે ભણવા ગયેલી બે વિદ્યાર્થિનીઓ જ્યારે ઘેર પાછી વળી ત્યારે અતિશય રડી રહી હતી. એમાંની એક વિદ્યાર્થિની તો બેહોશ થઇ ગઇ હતી.

નીટમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં 16 રાજ્યોનો સારો દેખાવ

નેશનલ એલિજિબિલિટિ એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (સ્નાતક કક્ષા)નું આયોજન કરનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની વિગતો અનુસાર આ વર્ષે ઓછામાં ઓછા ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઉપરોક્ત પરીક્ષાના નેશનલ પાસ પર્સન્ટેજ એવરેજ કરતાં સારો દેખાવ કર્યો છે. દેશના ૪૯૭ શહેરો જ્યારે પરદેશના ૧૪ શહેરોમાંના  કુલ ૩૭૫૦ કેન્દ્રો પરથી પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી ૯૬.૩૨ ટકા વિદ્યાર્થીઓ એમાં સફળ રહ્યા, એમ એજન્સીએ જણાવ્યું.

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS