નવીદિલ્હી : ભાજપના કેટલાક જૂના કાર્યકરો કચવાટ કરે છે કે, ભાજપ આજકાલ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને મુખ્યમંત્રી બનાવી રહ્યું છે. બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી ૨૦૨૧ પહેલા તૃણમુલ કોંગ્રેસમાં હતા. તેઓ ટીએમસીના એક કદાવર નેતા ગણાતા હતા. ટીએમસીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પછી તેઓ બીજા નંબરે હતા. જોકે શુભેંદુની રાજકીય કારકિર્દી ટીએમસીથી શરૂ થઈ નહોતી. એમણે પહેલી ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી. એજ રીતે અર્જુન મૂંડા અગાઉ ઝારખંડ મુક્તિ મોરચા સાથે જોડાયેલા હતા. ત્યાર પછી તેઓ ભાજપમાં જોડાયા હતા અને ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા પણ મૂળ કોગ્રેસી જ છે. રાહુલ ગાંધી સાથે અણબનાવ થવાથી તેઓ ભાજપમાં આવ્યા હતા. અરૂણાચલના મુખ્યમંત્રી ગેંગોન્ગ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.
કેરળમાં મુખ્યમંત્રીની નિમણૂક માટે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક
કેરળ વિધાનસભા ચૂંટણીમાં યુડીએફની જીત પછી હવે મુખ્યમંત્રી કોણ બનશે એ માટે ખેંચતાણ ચાલી રહી છે. ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસ હાઇકમાન્ડ અને કેરળ કોંગ્રેસના નેતાઓ આ બાબતે સક્રિય છે. પક્ષના સિનિયર નેતા વીડી સતિશન દિલ્હી આવી ગયા છે. એમની સાથે કોંગ્રેસના સિનિયર નેતા રમેશ ચેન્નીથલા પણ દિલ્હીમાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ટૂંક સમયમાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરે એવી શક્યતા છે. વીડી સતિશન કેરળમાં વિરોધપક્ષના નેતા રહ્યા હતા. દિલ્હી પહોંચીને સતિશન અને ચેન્નીથલા એઆઇસીસીના સિનિયર નેતાઓને પણ મળ્યા હતા. કોંગ્રેસના નેતા કેપી નૌસાદના કહેવા પ્રમાણે થોડા કલાકોમાં જ કેરળના મુખ્યમંત્રી કોણ બનશે એની સ્પષ્ટતા થઈ જશે. મુખ્યમંત્રી તરીકે કેસી વેણુગોપાલનું નામ પણ ચાલે છે, પરંતુ તેઓ રાહુલ ગાંધીની નજીક હોવાથી એમનું દિલ્હીમાં હોવું જરૂરી મનાય છે.
વિવાદાસ્પદ રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ કોણ છે
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ ભાજપએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બદલી નાખ્યા હતા ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. મમતા બેનર્જીએ જ્યારે રાજીનામું નહીં આપવાની જીદ પકડી ત્યારે રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ વિચલીત થયા નહોતા અને એવું કહ્યું હતું કે, મમતા રાજીનામું આપે કે ન આપે એનાથી ફરક પડતો નથી. નવા મુખ્યમંત્રીની નિમણૂક થશે એટલે આપોઆપ મમતાએ જવું પડશે. રવિન્દ્ર નારાયણ અગાઉ તામિલનાડુ, નાગાલેન્ડ અને મેઘાલયના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ ૧૯૭૬ બેચના આઇપીએસ અધિકારી છે અને થોડા સમય માટે તેમણે પત્રકારત્વ પણ કર્યું હતું. રવિન્દ્રએ ઇન્ટેલીજન્સ બ્યુરો અને સીબીઆઇમાં પણ કામ કર્યું છે. ભાજપને ખબર હતી કે ચૂંટણી પરિણામ પછી બંગાળમાં હિંસા થશે એટલે રાજ્યપાલ એવા હોવા જોઈએ કે જેમને સુરક્ષા બાબતોની જાણકારી પણ હોય.
મોદીએ સ્ટેજ પર વડીલને પ્રણામ કરી વાહવાહી મેળવી
પશ્ચિમ બંગાળ સરકારના શપથગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર જાહેરમાં એવું કર્યું કે ભાજપના વફાદાર કાર્યકરોએ વાહવાહી કરી. ભૂતકાળમાં પણ મોદી આવું કરી ચૂક્યા છે. મોદીએ ૯૩ વર્ષના એક વડીલને સ્ટેજ પર શાલ ઓઢાળીને સન્માન કર્યું અને એમને પગે લાગ્યા. આ વ્યક્તિનું નામ મખ્ખન લાલ સરકાર છે. તેઓ બંગાળમાં ભાજપના સૌથી પહેલા કાર્યકર ગણાય છે. મખ્ખન લાલ શ્યામ પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં તિરંગો લહેરાવવા પણ ગયા હતા. મખ્ખન લાલ પ્રત્યેનો ભાવ બતાવી મોદીએ પછી અગાઉની જેમ શ્રોતાઓને ષાષ્ટાંગ દંડવત પ્રેણામ કરીને તાળીઓ ઉઘરાવી હતી. ભાજપના આઇટી સેલએ આ બંને વીડિયો વાયરલ કર્યા અને સોશ્યલ મીડિયા પર ચારે તરફ વાહવાહી થઈ ગઈ.
સત્તા જતા જ બંગાળ પોલીસે રંગ બદલ્યો
બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાર થયા પછી હવે સ્થાનીક પોલીસે પણ વફાદારી બદલી છે. આ બાબત સોશ્યલ મીડિયામાં પણ જોવા મળે છે. કોલકત્તા પોલીસે એના એક્સ હેન્ડલ પરથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જીને ફોલો કરવાનું બંધ કર્યું છે. હવે કોલકત્તા પોલીસના એક્સ એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોલો કરવામાં આવે છે. એક જમાનાના પત્રકાર અને હવે તૃણમુલ કોંગ્રેસના સાંસદ સાગરીકા ઘોષને પણ કોલકત્તા પોલીસે ફોલો કરવાનું બંધ કર્યું છે. બંગાળમાં એવી વાત ચાલી રહી છે કે હવે બંગાળ પોલીસ સાગરીકા ઘોષને સોશ્યલ મીડિયા પર ફોલો કરશે નહીં, પરંતુ એમની કારને જરૂર ફોલો કરશે. એમ મનાય છે કે કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પણ બંગાળ ભાજપના નેતાઓને રૂબરૂ મળીને નવી સરકાર પ્રત્યે વફાદારી જાહેર કરી છે.
છેવટે મમતાએ સોશ્યલ મીડિયા પર પ્રોફાઇલ બદલ્યો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા પછી પણ મમતા બેનર્જીએ સોશ્યલ મીડિયા એક્સ પરથી 'મુખ્યમંત્રી'નો ટેગ હટાવ્યો નહોતો. શુભેંદુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે સોગંધ લીધા પછી પણ થોડા સમય સુધી આ ટેગ નહીં હટતા એમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જોકે થોડા કલાકો પછી એમણે મુખ્યમંત્રીનો ટેગ હટાવી દીધો હતો. ચૂંટણીમાં હાર્યા પછી પણ મમતાએ રાજીનામું નહીં આપીને પોતાની ઇમેજ ખરાબ કરી હતી. મમતા બેનર્જી ફાઇટર છે અને આસાનીથી સત્તા છોડે એમ નથી. મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપવાથી મમતાને કોઈ ખાસ રાજકીય ફાયદો થયો નથી. તૃણમુલ કોંગ્રેેસમાં જ કચવાટ છે કે મમતાના કેટલાક સલાહકારોએ મમતાને ગેરમાર્ર્ગે દોર્યા હતા. જોકે હવે મમતા પોતાના સલાહકારોની આખી ટીમ બદલી નાખવા માંગે છે.
બિનાકરણએ ટીવીકે પર હોર્સ ટ્રેડીંગનો આરોપ મૂક્યો
તામિલનાડુમાં સરકારની રચના માટે મોટા પાયે રાજકારણ ખેલાયું. એએમએમકેના પ્રમુખ ટીટીવી બિનાકરણએ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને અપીલ કરી છે કે અન્ના દ્રમુકના નેતા એડપ્પાડી પલાની સ્વામીને સરકાર બનાવવા આમંત્રણ આપવું જોઈએ. તામિલનાડુમાં હમણા ધારાસભ્યોની ખરીદી જોરમાં છે એવો આરોપ પણ એમણે મૂક્યો હતો. તામિલનાડુના સિનિયર રાજકીય નેતાઓ બે રાતથી સુતા નથી. કયા પક્ષમાંથી કેટલા ધારાસભ્યોને તોડી શકાય છે એ રમત ચાલુ છે. જે પક્ષના માંડ એક કે બે ધારાસભ્યો છે તેઓ પણ સક્રિય થઈ ગયા છે. કેટલાક ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે મોકલી આપવામાં આવ્યા છે. ચૂંટાયેલા ધારાસભ્યોની વેલ્યુ એકાએક વધી ગઈ છે. ટીવીકેએ જોકે આ બધા આક્ષેપોનો ઇન્કાર કર્યો છે.


