Get The App

દિલ્હીની વાત : 'ઓપરેશન સિંદૂર'ના અમલ પહેલાં શું થયું

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની વાત : 'ઓપરેશન સિંદૂર'ના અમલ પહેલાં શું થયું 1 - image


નવીદિલ્હી : ૨૨મી એપ્રિલે પહેલગામ હુમલો થયો ત્યારે જ સરકારે નક્કી કરી નાખ્યું હતું કે, પાકિસ્તાન પર વળતો ઘા કરવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તરત જ નિવેદન આપ્યું હતું કે, આતંકવાદીઓને સજા મળીને જ રહેશે. ૨૯મી એપ્રિલે નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણને મળ્યા હતા. આ બેઠકમાં જ કાઉન્ટર એટેકની સ્ટ્રેટજી બનાવવાનું નક્કી થયું હતું. આ પ્રકારની બેઠક આ મહિનાની ત્રીજી તારીખે પણ યોજાઈ હતી. ત્યારે નક્કી થયું હતું કે, આતંકવાદીના કેમ્પોનો સફાયો કરવો અને એ માટે અધિકારીઓની ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને સાઉથ બ્લોકમાં જ રાખીને કોઈને પણ બહાર જવાની કે બીજા કોઈનો સંપર્ક કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. પાંચમી તારીખે અજીત ડોભાલે સંપૂર્ણ ઓપરેશનનો પ્લાન વડાપ્રધાનને મંજૂરી માટે આપ્યો હતો.

જાણીતા બલુચી લેખકે દિલ્હીમાં બલુચીસ્તાનની એમ્બેસી ખોલવાની પરવાનગી માંગી

ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા પછી બલુચીસ્તાનની સ્વતંત્રતા માગતા કાર્યકરો પણ આનંદીત થઈ ગયા છે. જાણીતા બલુચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલુચે સ્વતંત્ર બલુચીસ્તાનની જાહેરાત કરી દીધી છે અને ભારત સરકાર પાસે દિલ્હીમાં બલુચ એમ્બેસી ખોલવાની પરવાનગી માંગી છે. બલુચ પ્રજા પર થતા અત્યાચારો બાબતે મીર યાર બલુચ હંમેશા બોલતા રહ્યા છે. મીર યાર બલુચે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બાબતની ઘણી પોસ્ટો મૂકી છે. એમણે યુએનને વિનંતી કરી છે કે, બલુચીસ્તાનમાં પીસ કીપીંગ ફોર્સ મોકલવામાં આવે. પાકિસ્તાનના સૈન્યને બલુચીસ્તાન છોડવાનો હુકમ કરવામાં આવે. મીર યાર બલુચની વાત પરથી લાગે છે કે, બલુચ સ્વતંત્રતા સૈનીકો ભારત - પાકિસ્તાન યુદ્ધમાં ભારતની તરફેણમાં છે. ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો એના બીજા દિવસે જ બલુચ સ્વતંત્રતા સૈનીકોએ પાકિસ્તાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો.

'ઓપરેશન સિંદુર' બાબતે યુએઇની પ્રતિક્રિયા, આરબ દેશનું મીડિયા શું કહે છે

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) સાથે સંબંધો ઘણા સુધર્યા છે. ભારતએ પાકિસ્તાન પર કરેલા વળતા હુમલા પછી યુએઇનું સ્ટેન્ડ તટસ્થ રહ્યું છે. યુએઇના વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએઇના પ્રમુખ તેમ જ વિદેશ મંત્રાલયના સચીવે ભારત -  પાકિસ્તાનને શાંતિ જાળવવા કહ્યું છે. પાકિસ્તાનના સત્તાધિશો એમ માનતા હતા કે યુએઇ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપશે. ભૂતકાળમાં ભારત પર દબાણ લાવવા માટે તમામ મુસ્લિમ દેશો પાકિસ્તાનને ટેકો આપતા હતા. યુએઇના પ્રમુખ ઉપરાંત ત્યાના મીડિયાએ પણ આ વખતે તટસ્થ સ્ટેન્ડ લીધું છે. ત્યાના સૌથી મોટા અખબાર ખલીજ ટાઇમ્સના અહેવાલો પણ તટસ્થ હોય છે. ખલીજ ટાઇમ્સે પાકિસ્તાનનો પક્ષ લીધો નથી અને ફક્ત હકીકતોનું જ વર્ણન કર્યું છે.

બાબરીના પૂર્વ પક્ષકારે પણ 'ઓપરેશન સિંદુર'ને વખાણ્યું

'ઓપરેશન સિંદુર' પછી સેના અને સરકારને જે અભિનંદન મળ્યા એમાં અયોધ્યાના સાધુ -સંતો ઉપરાંત બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીનો સમાવેશ પણ થાય છે. ઇકબાલ અંસારીએ નિવેદન આપ્યું હતું કે, આજે ભારતને રામની જરૂર છે અને આપણા સૈનિકો રાક્ષસી પ્રકૃતિના પાકિસ્તાનીઓને બરાબર જવાબ આપી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન પણ હિન્દુસ્તાન બની જાય. પાકિસ્તાને પહેલગામમાં જે કર્યું છે એનો જવાબ એને મળવો જ જોઈએ. અયોધ્યાના સાધુ -સંતોએ કહ્યું હતું કે, પાકિસ્તાનને જે રીતે જવાબ આપવામાં આવ્યો છે એ આનંદની વાત છે. સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સંજય દાસે કહ્યું હતું કે, હવે પાકિસ્તાન પાસેથી પીઓકે લઈ લેવાનો સમય આવી ગયો છે.

પાકિસ્તાનની પીપૂડી વગાડતા તૂર્કીને શાઇના એનસીની ચેતવણી

પાકિસ્તાન સાથે વધેલા તણાવ વચ્ચે શિવસેના (એકનાથ શિંદે)ના નેતા શાઇના એનસીએ મોટુ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે, તૂર્કી અને અઝરબૈજાન જેવા દેશો આતંકવાદને પડખે ઊભા રહ્યા છે. ભારતે હંમેશા તૂર્કીને ટેકો આપ્યો છે. તૂર્કીની આંતરીક સમસ્યા વખતે પણ ભારતે હંમેશા સંવેદનશીલ રહીને મદદ કરી છે. પરંતુ ભારત - પાકિસ્તાનના યુદ્ધ વખતે તૂર્કીએ પાકિસ્તાનને ટેકો આપીને મોટી ભૂલ કરી છે. શાઇનાએ કહ્યું છે કે આપણા દેશમાંથી દર વર્ષે લગભગ પાંચ લાખ જેટલા પર્યટકો તૂર્કી અને અઝરબૈજાન જાય છે. ભારતના ટુરીસ્ટોને કારણે આ બંને દેશોને આવક થાય છે. શિવસેના (એકનાથ શિંદે)ની માંગણી છે કે ભારતમાં તૂર્કી એરવેઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આપણા દેશના પર્યટકોએ પણ તૂર્કી અને અઝરબૈજાન જવાનું ટાળવું જોઈએ.

પાકિસ્તાન પરની સ્ટ્રાઇક પછી બાંગ્લાદેશ પણ ફફડયું, હિન્દુઓની સુરક્ષા માટે પોલીસને સૂચના

ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇક પછી બાંગ્લાદેશ પણ ફફડી ગયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ પર ખૂબ અત્યાચાર થતા હતા. પાકિસ્તાન સામે ભારતે કરેલી કડક કાર્યવાહી પછી બાંગ્લાદેશના સત્તાધિશોએ મૂછ નીચી કરીને પોલીસને સૂચના આપી છે કે, હિન્દુઓની સુરક્ષા બાબતે કોઈ બાંધછોડ કરવી નહીં. એમ મનાય છે કે, ભારત -પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બાંગ્લાદેશના કટ્ટર મુસ્લિમો હિન્દુઓ પર હુમલા કરે એવી શક્યતા છે. જો આમ થાય તો ભારતના ગુસ્સાનો ભોગ બાંગ્લાદેશે બનવું પડે. કોમવાદી અત્યાચાર નહીં થાય એ માટે બાંગ્લાદેશ પોલીસના હેડક્વાર્ટરએ દેશના તમામ પોલીસ અધિકારીઓને લેખિતમાં સૂચના આપી છે કે, હિન્દુઓની સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં આવે નહીં.

સત્યપાલ મલિકે કરેલી વાતનો પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઉપયોગ કર્યો

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પહેલગામ હુમલા પછી કરેલી ટીપ્પણીનો દુરઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, પાકિસ્તાનના સાંસદ સાઝીયા મરીએ પાકિસ્તાન સંસદમાં સત્યપાલ મલિકે આપેલા ઇન્ટર્વ્યુનો ઉલ્લેખ કરીને ભારત પર આક્ષેપો કર્યા છે. સાઝીયાએ કહ્યું હતું કે, 'ભારતમાં લોકો કહી રહ્યા છે કે, પહેલગામમાં સુરક્ષા બાબતે ભૂલ થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં મૂકવામાં આવેલા સાત લાખ સૈનિકો એ દિવસે કયા હતા? સત્યપાલ મલિકે પણ કહ્યું હતું કે, કાશ્મીર તો ખૂબ જ સુરક્ષીત વિસ્તાર છે. અહીંયા તો સૈનિકો હોવા જોઇતા હતા. પોલીસ હોવી જોઈતી હતી. પર્યટકોની રક્ષા માટે એક પણ કર્મચારી નહોતો. આ મહાભયાનક ભૂલ હતી.

પહલગામનો ન્યાય માત્ર એક હુમલો નથી, પણ તે બે મહિલા, બે ઓળખનું પ્રતીક પણ છે

પહલગામમાં ૨૬ જણની કરપીણ હત્યા પછી ભારતે ઓપરેશન સિંદૂરથી તેનો પ્રતિસાદ આપ્યો. એવું અભિયાન જેનું નામકરણ યુદ્ધ માટે નહિ, પણ સંસ્મરણ માટે કરાયું છે. તેનું નામ તાત્કાલિક ચર્ચાનો વિષય બન્યું. એવું પ્રતીત થાય છે કે તે વિચારપૂર્વકની પસંદગી હતી. સિંદૂર માત્ર લગ્નનું પ્રતીક નથી, તેની સાથે સહિયારા જીવન, દૈનિક દિનચર્યા અને સાથે ભાવિના સ્વપ્ન જોયાની કલ્પના પણ સામેલ છે. અભિયાનના નામ ઉપરાંત તમામ નજરો બે મહિલા પર સ્થિર હતી, ભારતીય સૈન્યની સિગ્નલ કોર્પ્સની કર્નલ સોફિયા અને ભારતીય વાયુ દળમાં હેલિકોપ્ટર પાયલટ વ્યોમિકા સિંહ, જેમણે સત્તાવાર બ્રીફિંગની આગેવાની લીધી હતી. બંનેની સશસ્ત્ર દળોમાં લાંબા સમયની સન્માનિત કારકિર્દી રહી છે. પણ ઓપરેશન સિંદૂરની આગલી હરોળમાં તેમની હાજરી વ્યાવસાયિક કાર્યથી ઘણી વધુ છે. ઓળખને આધારે લોકોને વિભાજીત કરતી વિચારધારા સામે તે એક મૂક નિવેદન હતું. તેનાથી એક એવી વિચારધારાને  બળ મળ્યું કે એકતા માત્ર વાતોથી નહિ પણ વ્યવહારથી સિદ્ધ થઈ શકે. કુરેશી અને સિંહ આતંક ફેલાવવા હત્યા કરનાર  ત્રાસવાદીઓને જવાબ નહોતી આપી રહી, પણ તેઓ ભારતના કોમવાદી પરિબળોને પણ જવાબ આપી રહી હતી. તેમની હાજરી યાદ અપાવતી હતી કે ખરુ યુદ્ધ સરહદ પાર હોવા ઉપરાંત દેશની અંદર પણ છે.

યુપીમાં અપના દલના રાજુકમારે રાજીનામુ આપતા અનુપ્રિયાને ફટકો

કેન્દ્રીય મંત્રી અને અપના દલ (સોનેલાલ) ચીફ અનુપ્રિયા પટેલ પાર્ટીના ઉત્તર પ્રદેશ યુનિટ ચીફ રાજકુમાર પાલે ઉપેક્ષિત થવાના બહાને રાજીનામુ આપતા મુસીબતમાં મુકાયા છે. રાજકુમારે પોતાના રાજીનામામાં અનુપ્રિયા પર દલિત આઈકન બી.આર.આંબેડકર અને પાર્ટીના આદર્શ સોનેલાલ પટેલના સિદ્ધાંતોથી અળગા થવાનો આરોપ લગાવ્યો છે. પ્રતાપગઢના ભૂતપૂર્વ વિધાયક રહી ચુકેલા રાજકુમાર પાલે જણાવ્યું કે પોતાની જાણકારી અને સામેલગીરી વિના સંસ્થાના ટોચના પદોમાં વિસ્તરણ કરાયું હતું. તેમણે જણાવ્યું કે પાર્ટીના રાજ્યના કાર્યકારી પદની એક વર્ષ સુધી સ્થગિત કર્યા પછી પણ તેને ફરી સ્થાપિત નહોતું કરાયું. તેમણે અનુપ્રિયાના પતિ અને યુપીના કેબિનેટ મંત્રી આશિષ પટેલ પર પણ પાર્ટીના કાર્યકરો સાથે અભદ્ર ભાષામાં વાત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં મેં પાર્ટી માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. હુ રાજ્યના પ્રમુખ તરીકે નિયુક્ત નહોતો થયો, પણ ચૂંટાયો હતો. મેં પાર્ટીમાં લોકશાહી લાવવાનો પ્રયાસ કર્યો, પણ હવે તે વનમેન શો છે અથવા બે વ્યક્તિની પાર્ટી છે કારણ કે આશિષ અને અનુપ્રિયા જ પાર્ટી ચલાવે છે. પાર્ટીના અન્ય પદાધિકારોઓને સાંભળવામાં નથી આવતા. હું રબર સ્ટેમ્પ તરીકે કામ ન કરી શકું.જો કે પાર્ટીના અન્ય પદાધિકારીઓએ રાજકુમારના આરોપોને ખોટા ગણાવ્યા. તેમના મતે રાજકુમારને પોતાના માટે પ્રતાપગઢમાંથી ટિકિટ જોઈતી હતી, પણ આ વખતે આ સીટ ભાજપને ફાળે જવાની શક્યતા હોવાથી તેમને ચૂંટણીમાં ભાગ લેવાની તક નહિ મળે. આથી તેમણે રાજીનામુ આપ્યું. અહેવાલો મુજબ રાજકુમાર સપામાં જોડાય તેવી શક્યતા છે. રાજકુમારે એક મુલાકાતમાં અનુપ્રિયાની બહેન અને અપના દલ (કામેરવાડી)ની નેતા પલ્લવી પટેલની પ્રશંસા કરી હતી.

ચેન્નઈમાં ઓપરેશન સિંદૂરની ટીકા કરનાર પ્રોફેસર સસ્પેન્ડ

તમિલનાડુના ચેન્નઈ નજીક એસઆરએમ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક આસીસ્ટન્ટ મહિલા પ્રોફેસરે ઓપરેશન સિંદૂરની ટીકા કરતી વોટ્સએપ પોસ્ટ કરતા તેને સસ્પેન્ડ કરી હતી અને તેની સામે તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા સસ્પેન્શન આદેશમાં જણાવાયું છે કે પ્રોફેસર અનૈતિક ગતિવિધિમાં સંડોવાયેલી હોવાથી તેને તાત્કાલિક સસ્પેન્ડ  કરવામાં આવી છે અને તપાસનો આદેશ અપાયો છે. જો કે સસ્પેન્શન આદેશમાં અનૈતિક ગતિવિધિ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ. મહિલા પ્રોફેસરના કથિત વોટ્સએપ સ્ટેટસે ઘણાને નારાજ કર્યા અને ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ શેર કરીને યુનિવર્સિટીને ટેગ કરી. ઈન્સ્ટિટયુટના એક અન્ય પ્રોફેસરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી તે સતત સૈન્ય વિરુદ્ધ પોસ્ટ કરતી રહી છે.

સરહદે પાક.ના ગોળીબારથી બચવા પૂંચ આવેલા શિખ પરિવારનાં સભ્યોનાં મોત

સરહદ નજીક ગામમાં રહેતા અન્યો સાથે હરજીત સિંહનો પરિવાર પણ પૂંચ સ્થળાંતરિત થયો હતો. પૂંચમાં રહેતા હરજીતના ભાઈ અમરીકનું બુધવારે સવારે પાકિસ્તાની ગોળીબારમાં મોત થયું હતું. પૂંચમાં રહેતા ૫૬ વર્ષના  હરજીત અને તેનો ભાઈ સવારે છ વાગ્યે ગુરુદ્વારા ગયા હતા અને ૬.૪૫ વાગ્યે પાછા ફર્યા.  ઘરે પહોંચતા જ તેમણે બજારમાં ધડાકાના અવાજ સાંભળ્યા. ઈજાગ્રસ્ત હરજીત સિંહએ જણાવ્યું કે તેના ડાબા હાથને કરચ વાગતા તેની એક આંગળી છૂટી પડી ગઈ. અમરીકનો જીવ લેનાર અને હરજીતને ઈજા પહોંચાડનાર ગોળાએ તેમના પડોશી રણજીત સિંહનો જીવ પણ લીધો હતો.

હરિયાણાને પાણી આપવાના નિર્ણય બદલ ભાકરા બીઆસ બોર્ડના અધ્યક્ષને પૂરી દેવાયા

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પંજાબ સરકાર અને પોલીસને ભાકરા બીઆસ મેનેજમેન્ટ બોર્ડ સંચાલિત નંગલ ડેમની કાર્યવાહીમાં દખલગીરી ન કરવાના નિર્દેશના બે દિવસ પછી પ્રદર્શનકારીઓએ બોર્ડના અધ્યક્ષ મનોજ ત્રિપાઠીને રોપરમાં ડેમ નજીક સતલેજ ગેસ્ટહાઉસમાં ત્રણ કલાક માટે બંધ કરી દીધા હતા. છેલ્લા એક અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ભાકરા બીઆસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા હરિયાણાને પંજાબના હિસ્સાનું પાણી આપવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ અધ્યક્ષના વાહનને ઘેરીને તેમને સતલેજ ગેસ્ટ હાઉસ ખાતે જવાની ફરજ પાડી હતી. પંજાબ શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈન્સની આગેવાની હેઠળ પ્રદર્શનકારીઓના અન્ય જૂથે મનોજ ત્રિપાઠીને ડેમ તરફ જતા અટકાવવા ગેસ્ટ હાઉસના દરવાજા લોક કરી દીધા હતા. બહાર હેઠેલા પંજાબના મંત્રીએ ત્રિપાઠી સામે સ્થળ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે અશાંતિ સર્જવા બદલ એફઆઈઆર દાખલ કરવાની માગણી કરી હતી. તેમણે આરોપ કર્યો હતો કે ત્રિપાઠી પાકિસ્તાનને મદદ કરવા માગતા હતા. તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ થાય ત્યાં સુધી તેમને અહીંથી જવા નહિ દેવાય. પંજાબના મુખ્ય મંત્રી માને તેમના મંત્રીને બિરદાવ્યા હતા જ્યારે વિપક્ષે આ સમગ્ર પ્રકરણ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

- ઇન્દર સાહની

Tags :