નવીદિલ્હી : ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બહરમપુરથી લોકસભાની ચૂંટણી લડાવી હતી. બહરમપુરના મતદારોએ યુસુફ પઠાણને ભાજપ સામે જીતાડયા હતા. આ ચૂંટણીમાં યુસુફ પઠાણે કોંગ્રેસના સિનિયર નેતા અધિર રંજન ચૌધરીને હાર આપી હતી. હવે એકાએક રાજકીય સમીકરણો બદલાયા છે. વડોદરામાં પોતાના ઘરની નજીક આવેલા એક સરકારી પાર્ટીપ્લોટ પચાવી પાડવાનો કેસ યુસુફ પઠાણ પર ચાલી રહ્યો છે. યુસુફ પઠાણ નસીબદાર છે કે હજી સુધી એમની સામે લેન્ડ ગ્રેબીંગનો કેસ થયો નથી. થતી ચર્ચા પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે યુસુફ પઠાણને ફોન કરીને દિલ્હી બોલાવ્યા છે. આ સમાચાર પછી ટીએમસીના સાંસદ મોહુઆ મોઇત્રાએ યુસુફ પઠાણને ખુબ સંભળાવ્યું છે. એમ મનાય છે કે યુસુફ પઠાણ પણ મમતા બેનર્જીનો સાથ છોડીને જમીન બચાવવા ભાજપનો હાથ પકડી શકે એમ છે.
મમતાએ આટલા ખરાબ દિવસો કદી નથી જોયા
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા એ પહેલા અનેકવાર કેન્દ્રની ગઠબંધન સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. એમની રાજકીય કારકિર્દીમાં એમણે થોડી પીછેહઠ જોઈ હશે, પરંતુ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મળેલી હાર પછી જે રીતે એમના સાથીઓ દુર થઈ રહ્યા છે એવા દિવસો એમણે કદી જોયા નથી. ૧૯૮૪ પછી બે વર્ષ બાદ કરતા કદી એવું બન્યુ નથી કે મમતા બેનર્જી ધારાસભ્ય કે સાંસદ રહ્યા નહીં હોય. હમણા તેઓ લોકસભા કે વિધાનસભાના સભ્ય નથી. બશીરહાટ લોકસભા બેઠક સાંસદ હાજીનુરૂલ ઇસ્લામના મૃત્યુને કારણે ખાલી થઈ છે. અહીં પેટા ચૂંટણી થવાની છે. મમતા બેનર્જીપાસે આ છેલ્લો વિકલ્પ છે કે અહીંથી ચૂંટણી લડીને તેઓ ગૃહના સભ્ય બની રહે.
મુખ્ય મંત્રી શુભેંદુની મીટીંગમાં ટીએમસીના બળવાખોર નેતાઓ પહોંચ્યા
ટીએમચીમાં મમતા બેનર્જીની નેતાગીરીથી નારાજ સાંસદો અને ધારાસભ્યો હવે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે. ભાજપના સાંસદ રાજુ બિસ્તાએ વખત જોઈને ટીએમસી પર શાબ્દીક પ્રહાર કર્યા છે. એમણે કહ્યું છે કે ટીએમસીનું હવે કોઈ ભવિષ્ય દેખાતું નથી અને એને માટે મમતા જવાબદાર છે. ટીએમસીના સાંસદો અને ધારાસભ્યો જો પક્ષમા રહેવા નહીં માગતા હોય તો એમા ભાજપનો કોઈ હાથ નથી. સોશ્યલ મીડિયા પર ૨૦ સાંસદોના નામ વાયરલ થઈ રહ્યા છે જેમણે એનડીએને ટેકો આપવાનું નક્કી કર્યું છે. કિર્તી આઝાદે જોકે પોતે આ ગુ્રપમાં નહીં હોવાનું જણાવ્યું છે. બીજી તરફ ટીએમસીના બળવાખોર સાંસદ જુન માલિયા અને દિપક અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુએ બોલાવેલી મીટીંગમાં હાજર રહ્યા હતા.
'અમે બધા ગુગળાઈને મરી જઈશું'
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની દિલ્હી જીમખાના ક્લબ, ઇન્ડિયન પોલો ક્લબ અને દિલ્હી રેસ ક્લબની કિંમતી જમીન પર ઉભી થનારી યોજનાઓ બાબતે કડવા સવાલો પૂછયા છે. જસ્ટીસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું છે કે, પહેલેથી જ દિલ્હીમાં પ્રદુષણને કારણે શ્વાસ લઈ શકાતો નથી. હવે શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બનશે. કારણ કે, દિલ્હી નગરપાલિકા બચી ગયેલી હરિયાળી - ખુલ્લી જગ્યાઓ પણ સરકાર હસ્ત કરશે. થોડી શ્વાસ લેવાની જગ્યા બચી છે એ પણ હવે ચાલી જશે. આપણે બધા ગુગળાઈને મરી જઈશું. જસ્ટીસ કૃષ્ણાએ ઇન્ડિયન પોલો એસોસીએશનએ કરેલી અરજીની સુનાવણી વખતે પૂછયું હતું કે, પોલો ક્લબને શું જોઈએ છે? જીમખાના જેવા હેરીટેજ સ્ટ્રક્ચર્સનું શું કરશો? શું ૨૦ માળનું બિલ્ડીંગ બનાવશો? છેલ્લા ૨૦૦ વર્ષમાં જમીનની જરૂર નહોતી, હવે એકાએક કેમ?
વિવાદ વચ્ચે મમતાએ કલ્યાણ બેનર્જીને ચીફ વ્હીપ બનાવ્યા
તૃણમુલ કોંગ્રેેસમાં ભાગલા પછી મમતા બેનર્જીએ સાંસદ કલ્યાણ બેનર્જીને લોકસભામાં પક્ષના ચીફ વ્હીપ બનાવ્યા છે. એમણે લોકસભાના સ્પિકર ઓમ બીરલાને પત્ર લખીને આ બાબતની જાણ પણ કરી છે. લોકસભામાં ટીએમસીના ૨૮ સાંસદો છે જેમાંથી ૨૦ સાંસદોએ મમતા સામે બળવો કર્યો છે. આ ૨૦ સાંસદોએ એનડીએને ટેકો આપ્યો છે. આ જૂથે સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારને પોતાના ચીફ વ્હીપ બનાવ્યા હતા. કાકોલી ઘોષએ બળવાખોર સાંસદોની સહીવાળો પત્ર લોકસભાના સ્પીકરને મોકલ્યો હતો. એમણે ટીએમસીથી અલગ થયેલા સાંસદો માટે અલગ સંસદીય બ્લોકની બેઠકો પણ માંગી હતી. ચીફ વ્હીપ કોઈપણ રાજકીય પક્ષના સિનિયર નેતા હોય છે જેમની જવાબદારી સંસદ કે વિધાનસભામાં પક્ષના સાંસદો / ધારાસભ્યોને શિસ્તમાં રાખવાનું અને પક્ષની રણનીતિ નક્કી કરવાનું હોય છે. જો કોઈ પક્ષનો હુકમ નહીં માને તો એમની સામે શિસ્તભંગના પગલા લેવાની સત્તા પણ ચીફ વ્હીપ પાસે હોય છે.
દિપક પ્રકાશ એમએલસીનું ઉમેદવારીપત્ર કેમ ભરી શક્યા નહીં
બિહારમાં રાષ્ટ્રીય લોકમોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દિપક પ્રકાશને લઈને રાજકીય વિવાદ થયો છે. રાજ્યમાં ૧૮મી જૂને વિધાન પરિષદની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે એનડીએએ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં દિપક પ્રકાશનું નામ નથી. દિપક પ્રકાશ હમણા બિહારના પંચાયતી રાજ્ય મંત્રી છે પરંતુ તેઓ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય નથી. બંધારણ પ્રમાણે દિપક પ્રકાશે જો મંત્રી તરીકે ચાલુ રહેવું હોય તો છ મહિનાની અંદર બેમાંથી એક ગૃહમાં સભ્ય બનવું જરૂરી છે. બિહારમાં હવે પછી વિધાન પરિષદની ચૂંટણી ૨૦૨૭ના માર્ચમહિનામાં થશે. એ વખતે દિપક પ્રકાશ જો વિધાન પરિષદના ઉમેદવાર જાહેર થાય તો તેઓ મંત્રી તરીકે ચાલુ રહી શકશે નહીં. દિપક પ્રકાશને ૭મી મેએ સમ્રાટ ચૌધરીના મંત્રી મંડળમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. એ પહેલા ૨૦૨૫માં ૨૦મી નવેમ્બરે નિતિશકુમારની સરકારમાં પણ તેઓ મંત્રી હતા, પરંતુ કોઈપણ ગૃહના સભ્ય નહીં હતા. એમ મનાય છે કે એનડીએના આંતરીક રાજકારણને કારણે દિપક પ્રકાશને એમએલસીના ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી.
વરસાદ વચ્ચે 'નો મેન્સ લેન્ડ'માં કુટુંબ ફસાયું
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ પરત કરતી વખતે એક બાંગ્લાદેશી કુટુંબને બીએસએફએ આશરો અને સગવડ કરી આપવી પડી હતી. બીએસએફએ આ કુટુંબને ડીપોર્ટ કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશે એને પરત લેવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર પછી લગભગ ૧૦ લોકોનું એક કુટુંબ જલપાઈગુડી સદર્ભ બ્લોકના સાકાતી વિસ્તારમાં શ્યામ બોર્ડર આઉટ પોસ્ટ પાસે 'નો મેન્સ લેન્ડ'માં અઢી દિવસ સુધી ફસાઈ રહ્યું હતું. જ્યારે બીએસએફને જાણકારી મળી ત્યારે ભારત તરફના હોલ્ડીંગ સેન્ટરમાં એમને રાખવામાં આવ્યું હતું. એમને ખોરાક અને બીજી સગવડ પણ કરી આપવામાં આવી હતી. આ બનાવ પછી ભારતે બાંગ્લાદેશને વેરીફિકેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું હતું.


