નવી દિલ્હી : દિલ્હીમાં ચાલતી વાત પ્રમાણે ભાજપ પોતાના નવા રાષ્ટ્રીયપ્રમુખ ટૂક સમયમાં જ નક્કી કરશે. એમ મનાય છે કે જૂન મહિનાના અંતથી પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા શરૂ થશે. રાજ્યોના સંગઠનોની ચૂંટણી બાકી હોવાથી અધ્યક્ષની જાહેરાત અટકી ગઈ હતી. હમણાના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના માનીતા છે. બીજેપીના નવા પ્રમુખપદની રેસમાં પાંચ વ્યક્તિઓના નામ આગળ છે. આ પાંચએ વ્યક્તિ ભાજપના સિનિયર નેતાઓ છે. ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, મનોજ સિંહા અને ડો. કે લક્ષ્મણમાંથી કોઈપણ એક જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે. ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી છે અને એમને સંગઠનનો પણ અનુભવ છે. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હમણા કેન્દ્રીય મંત્રી છે. મનોહરલાલ ખટ્ટર કેન્દ્રીય મંત્રી ઉપરાંત આરએસએસની નજીકના ગણાય છે. મનોજ સિંહા જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ છે. ડો. કે લક્ષ્મણ ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ છે.
લુધિયાણા પેટા ચૂંટણી આપ માટે ખૂબ અગત્યની
પંજાબના લુધિયાણા (પશ્ચિમ) વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રતિાની લડાઈ છે. ૧૯મી જુને યોજાનાર આ પેટા ચૂંટણી જીતવા માટે આપએ તમામ શક્તિ લગાડી દીધી છે. આપ તરફથી સંજીવ અરોરા ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીનું સીધુ કનેકશન આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે છે. જો સંજીવ અરોરા જીતશે તો એમણે સાંસદ તરીકે રાજીનામું આપવું પડશે અને એમની જગ્યાએ અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે. પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી ૯૪ બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે. દિલ્હી વિધાનસભાની હાર પછી આમ આદમી પાર્ટીને જીતની ખાસ જરૂર છે. અરોરાને જીતાડવા માટે દિલ્હીથી માંડીને પંજાબ સુધીના આપના તમામ સિનિયર નેતાઓ ઉતરી પડયા છે.
ઇમરાન મસુદને બેઠકોની વહેંચણી બાબતે બોલવાનો હક્ક નથી
ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો પરાકાષ્ઠાએ છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે કહ્યું છે કે, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ૮૦ -૧૭ની ફોર્મ્યુલા નહીં ચાલે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૭ બેઠકો આપવામાં આવી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં એનડીએ કરતા ઇન્ડિયા ગઠબંધનનો દેખાવ વધુ સારો રહ્યો હતો. લોકસભામાં સપાના મુખ્ય દંડક ધર્મેન્દ્ર યાદવ પક્ષ પ્રમુખ અખિલેશ યાદવના કાકાના દીકરા થાય છે. ધર્મેન્દ્ર યાદવએ ઇમરાન મસુદને પ્રત્યુત્તર આપતા કહ્યું છે કે, બેઠકોની વહેંચણી બાબતે બોલવાનો હક્ક ઇમરાન મસુદને કોઈએ આપ્યો નથી. કોંગ્રેસ અને સપાના સિનિયર નેતાઓ વચ્ચે મતભેદ નથી.
'ભૂતકાળ નહીં ભવિષ્ય તરફ જોઈએ છીએ' : સંજય રાઉત
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મનસે વચ્ચે ગઠબંધનની વાતો થઈ રહી છે. પિતરાઈ ભાઈઓ સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું પણ કહેવાય છે. હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતએ આ બાબતે કહ્યું છે કે, એમનો પક્ષ ભૂતકાળમાં નહીં પરંતુ ભવિષ્ય તરફ જુએ છે. મનસેના કેટલાક નેતાઓએ એવું નિવેદન આપ્યું હતું કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મનસે પ્રમુખને એક પ્રસ્તાવ આપવો જોઈએ. મનસેના નેતાઓએ ૨૦૧૪ અને ૨૦૧૭માં જ્યારે શિવસેના સાથે ગઠબંધન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે શિવસેના તરફથી કોઈ હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. વિવાદ વચ્ચે સંજય રાઉતે કહ્યું છે કે, 'જે લોકો સકારાત્મક રીતે આગળ વધવા માગે છે તેઓ પાછળ નથી જોતા. તમે ક્યાં સુધી ભૂતકાળમાં જીવ્યા કરશો.' ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતા જે ઇચ્છશે તેજ થશે.
મોદી સરકાર પર રાહુલ ગાંધીના પ્રહારો
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતા કહ્યું છે કે ૧૧ વર્ષ દરમિયાન સરકારે કોઈ જવાબદારી નિભાવી નથી. ફક્ત પ્રચાર કર્યો છે. હવે કેન્દ્ર સરકારે વર્તમાનની વાતો કરવાનું બંધ કરીને લોકોને ૨૦૪૭ના સપના બતાવવા માંડયા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ચાલતી લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ બાબતે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, 'જ્યારે મોદી સરકાર પોતાના ૧૧ વર્ષના શાસનનો ઉત્સવ મનાવી રહી છે ત્યારે મુંબઈ ટ્રેનની ઘટના દેશની સચ્ચાઇ રજુ કરે છે. ભારતીય રેલ કરોડો લોકોના જીવનની કરોડરજ્જુ છે. આજે આ જ રેલવે અસુરક્ષા, ભીડ અને અંધાધૂધીનું પ્રતિક બની ગઈ છે. સરકારે હવે ૨૦૨૫ની વાત કરવાનું બંધ કરી દઈને ૨૦૪૭ની વાત કરવાનું ચાલુ કર્યું છે.'
સાઉદી અરબ જનાર ભારતીય પર કોઈ પ્રતિબંધ નથી
હજ માટે સાઉદી અરબ જનાર ભારતીઓ પર પ્રતિબંધ મૂકાયાની અફવા વચ્ચે વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે, સાઉદી અરબએ આવો કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. સાઉદી અરબે હંમેશની જેમ હજ દરમિયાન મોટી ભીડ ભેગી ન થઈ જાય એ માટે ટૂક સમય માટે વિસા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. હજનો સમય પૂરો થતા આ પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવશે. કેટલાક મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરબે ભારત સહિત બીજા કેટલાક દેશોના બ્લોક વર્ક વિસા રદ કર્યા છે. એમ કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૨૫માં હજ માટે ભારતમાંથી ૧.૭૫ લાખ પ્રવાસીઓ સાઉદી અરબ જવાના છે.
સોનાલી બેન્દ્રેએ રાજ ઠાકરે સાથે અફેરની વાત ફગાવી
એક જમાનાની ખ્યાતનામ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને એમએનએસના નેતા રાજ ઠાકરે સાથે ખુબ અંગત સંબંધ હોવાની વાતો મુંબઈમાં ચાલતી હતી. વર્ષો પહેલા સોનાલીએ ફિલ્મ ડીરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા. થોડા દિવસો પહેલા સોનાલીનો એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સોનાલી રાજ ઠાકરે સાથે એક કાર્યક્રમમાં દેખાય છે. આ વિડિયો જોઈને કેટલાકે ટકોર કરી હતી કે વર્ષો પહેલા રાજ ઠાકરે સોનાલી સાથે લગ્ન કરવા માંગતા હતા. હવે સોનાલી બેન્દ્રેએ પણ મૌન તોડયું છે. વાયરલ વિડિયો બાબતે એણે કહ્યું છે કે 'હું મારી બહેન સાથે વાત કરી રહી હતી. રાજ ઠાકરે ફક્ત ફ્રેમમાં હતા. લોકો આવી વાતો કરે છે એ ખોટુ છે.' સોનાલીના કહેવા પ્રમાણે એમના કુટુંબ અને રાજ ઠાકરેના સંબંધો ખુબ જૂના છે. સોનાલીના કહેવા પ્રમાણે રાજના પત્ની શર્મીલા અને રાજની સાસુ સાથે એના માસીના સંબંધો ખૂબ સારા છે.
નિતિશકુમાર સાંસદોની મુલાકાતે તો મ.પ્ર.ના મંત્રીનો તંબુમાં નિવાસ
છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન બિહારના સીએમ અને જેડી(યુ)નેતા નિતિશ કુમારે મંત્રીઓ, અધિકારીઓ અને સાંસદોના ઘરે તેમની મુલાકાત લઈને તેમને આશ્ચર્યમાં મુકી દીધા છે. તાજેતરમાં તેઓ સિતામઢી સાંસદ દેવેશ ઠાકુરના હાઉસવોર્મિંગ કાર્યક્રમમાં ભાગ લેવા ખાસ પહોંચી ગયા. નિતિશ તેમના બે સહયોગીઓ અશોક ચૌધરી અને વિજય ચૌધરી સાથે એરપોર્ટથી સીધા ઠાકુરના ઘરે ગયા અને ત્યાં અડધો કલાક રોકાયા. બીજી તરફ મધ્ય પ્રદેશના મંત્રીના બલિદાનની ચર્ચા ચાલી રહી છે. માર્ચમાં વીજળી બચાવવા એક વર્ષ સુધી ઈસ્ત્રી કર્યા વિનાના કપડા પહેરવાની પ્રતિજ્ઞાા લેનાર ઊર્જા મંત્રી પ્રદ્યુમન સિંઘ તોમરે હવે જૂનની ગરમીમાં પણ એર કંડિશનર તેમજ કારનો ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું છે. તેના સ્થાને તેઓ સ્કૂટરનો ઉપયોગ કરશે જ્યારે કારનો ઉપયોગ માત્ર લાંબા અંતર માટે કરશે. જ્યાતિરાદિત્ય સિંધિયાના વફાદાર ગ્વાલિયર અને ભોપાલમાં તેમના ઘરે ખુલ્લામાં તંબુમાં સુવે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા પોસ્ટ કરતા રહે છે. બીજી તરફ વિપક્ષી કોંગ્રેસે તોમરને તેમના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવાની અને નૌટંકી કર્યા વિના વીજ પૂરવઠાની ખાતરી કરવાની સલાહ આપી છે.
ફરી હિંસા થતા મણિપુરના 25 વિધાયકો ગવર્નરને મળ્યા
મણિપુરના ૨૫ વિધાયકોનું એક જૂથ ગવર્નર અજય કુમાર ભલ્લાને મળ્યું હતું અને તેમને કાયદો વ્યવસ્થાની વર્તમાન સ્થિતિથી વાકેફ કર્યા હતા તેમજ સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવામાં મદદ કરવા તેમને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. ગવર્નરે પ્રતિનિધિ મંડળને સ્થિતિ સામાન્ય કરવા શક્ય તમામ પગલા લેવાની ખાતરી આપી હતી. મેતીઈ સંસ્થાના નેતાઓની ધરપકડના પગલે શનિવારે રાત્રે સમગ્ર મણિપુરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા જે દરમ્યાન રોષે ભરાયેલા એક ટોળાએ પશ્ચિમ ઈમ્ફાલમાં ક્વાકીથેલ પોલીસ પોસ્ટમાં તોડફોડ કરી હતી. તેના પ્રતિસાદમાં સુરક્ષા બળે ટોળાને વિખેરવા ગોળીબાર કરવો પડયો હતો.
- ઈન્દર સાહની


