નવીદિલ્હી : છેલ્લા વર્ષે ભારત અને બાંગ્લાદેશના સંબંધો તણાવની ચરમસીમાએ હતા. હવે બાંગ્લાદેશ ભારત સાથે સંબંધ સુધારવા માટે પ્રયત્ન કરે છે. આ માટે બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલુર રહેમાન પોતાના પહેલા વિદેશ પ્રવાસે ભારત આવ્યા હતા અને ટોચના નેતાઓને મળ્યા હતા. તેઓ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર તેમજ નેશનલ સિક્યુરીટી એડવાઇઝર (એનએસએસ) અજીત ડોભાલને પણ મળ્યા હતા. જયશંકર સાથેની મીટીંગમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમા ખાન કમાલના પ્રત્યાર્પણ વિશે વાત કરી હતી. જોકે ભારતે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. રહેમાનએ કહ્યું હતું કે, વડાપ્રધાન તારીક રહેમાનના નેતૃત્વમાં ત્યાંની સરકાર 'બાંગ્લાદેશ પ્રથમ'ના સિદ્ધાંત પર વિદેશનીતિ નક્કી કરશે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસમાન હાદીની હત્યાના આરોપીઓને પકડવા માટે એમણે ભારત સરકારનો આભાર માન્યો હતો.
આસામ પોલીસથી બચવાના પ્રયત્નમાં પવન ખેડા
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની વિશે કરેલા નિવેદન પછી એમની સામે એફઆઇઆર દાખલ થવાથી ખેડા હૈદરાબાદ જઈને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તેંલગાણામાં કોંગ્રેસ સરકાર હોવાથી હમણા તેઓ સલામત છે. જોકે આસામ પોલીસ સીવીલિયન ડ્રેસમાં એમની તપાસ માટે હૈદરાબાદ પણ પહોંચી હતી. વધતા દબાણને કારણે ખેડાએ તેંલગાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે. ખેડા સામે આસામ પોલીસે કાવતરૂ, બદનક્ષી અને ફોજદારી ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે. ખેડાએ એક વિડિયો બનાવીને જાહેર કર્યો છે જેમાં તેઓ કહે છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં આસામ પોલીસથી ડરવાના નથી. કોંગ્રેસના સૂત્રો જણાવે છે કે, આખા કિસ્સામાં રાહુલ ગાંધી રસ લઈ રહ્યા છે અને તેલંગાણાના મુખ્યમંત્રીને એમણે સૂચના આપી છે કે પવન ખેડાને કોઈ તકલીફ થવી જોઈએ નહીં.
'ઇઝરાયલની ઇમેજ ખરાબ થઈ'
ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પછી ઇઝરાયલના મીડિયાએ નારાજગી દર્શાવી છે. ઇઝરાયલના મીડિયાનું કહેવું છે કે આ યુદ્ધમાં કોઈ લક્ષ્ય પૂરુ થયું નથી. ઇઝરાયલી મીડિયાનું માનવું હતું કે, યુદ્ધવિરામ માટે ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે. યુદ્ધ વકરી જશે એવી પણ જમણેરી ટીકાકારોને અપેક્ષા હતી. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સોશ્યલ મીડિયા પર લખેલી અંગ્રેજી પોસ્ટમાં કહ્યું હતું કે, '૧૫ દિવસ માટે યુદ્ધ રોકવાના ટ્રમ્પના નિર્ણયને તેઓ ટેકો આપે છે.' જોકે કેટલાક પત્રકારોએ લખ્યું હતું કે, ઇઝરાયલની સરકારને ટ્રમ્પે છેલ્લી ઘડીએ યુદ્ધવિરામની માહિતી આપી હતી. ઇઝરાયલની ટીવી ચેનલો તેમજ અખબારો યુદ્ધ ચાલુ રાખવાની તરફેણમાં હતા. એમનું માનવું છે કે, યુદ્ધવિરામને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની ઇમેજ નબળી પડી છે.
યુદ્ધ અટકાવવું પાકિસ્તાન માટે પણ જરૂરી હતું
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધવિરામ માટે પશ્ચિમના કેટલાક દેશો પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કરે છે. કેટલાક દેશોએ પાકિસ્તાનની કૂટનીતિને સફળ ગણાવી છે. જોકે પાકિસ્તાનના આ વખાણ કામચલાઉ છે અને એની કોઈ દુરોગામી અસર નહીં થાય. ભારતના જાણકારોનું કહેવું છે કે યુદ્ધ વિરામમાં પાકિસ્તાનની ભૂમિકા ફક્ત સંદેશાની આપલે પૂરતી જ સીમિત રહી હતી. યુદ્ધ વિરામનો મુસદ્દો તૈયાર કરવામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા હતી નહીં. ભૂતપૂર્વ વિદેશ સચીવ નિરૂપમા રાવએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, યુદ્ધ રોકવામાં પાકિસ્તાનની ભૂમિકા એક આર્કિટેક્ટ જેવી નહીં, પરંતુ માધ્યમ જેવી રહી હતી. બંને દેશો પણ યુદ્ધ લંબાવવા માંગતા નહોતા. પારંપારીક રીતે પાકિસ્તાનને મીડિએટર ગણી શકાય નહીં.
એઆઇએમઆઇએમના નેતાએ યોગીના વખાણ કેમ કર્યા
અસદુદ્દીન ઔવેસીના પક્ષ એઆઇએમઆઇએમના ઉત્તર પ્રદેશ પ્રમુખ હાજી શૌકત અલીએ એક જાહેર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. ઘણાને નવાઈ લાગી કે કટ્ટર ઇસ્લામીસ્ટ પક્ષના નેતાએ હિન્દુવાદી ગણાતા યોગી આદિત્યનાથના વખાણ કેમ કર્યા. કેટલાક રાજકીય નીરિક્ષકો ઘણા સમયથી કહી રહ્યા છે કે ભાજપ મુસ્લિમ મતોના વિભાજન માટે એઆઇએમઆઇએમનો ઉપયોગ કરે છે. શૌકત અલીએ કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ સારા માણસ છે અને સંત છે. એમના સલાહકારો એમને ગેરમાર્ગે દોરે છે. જોકે શૌકત અલીએ મુખ્યમંત્રીની ભાષા એક ખાસ વર્ગને ધમકાવતી હોવાને કારણે ટીકા કરી હતી. શૌકત અલીએ કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભર પર ઘણા આક્ષેપો કર્યા હતા. એમણે કહ્યું હતું કે, સાલાર મસુદ ગાઝી અને સુહેલ દેવ રાજભરનો ઇતિહાસ ઓમ પ્રકાશ રાજભરની ઓફિસમાં લખવામાં આવે છે અને આ ઇતિહાસ યોગી આદિત્યનાથને પહોંચાડવામાં આવે છે.
સીઝફાયર પછી ઇરાને ભારતના વખાણ કેમ કર્યા
અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલેલું ૪૦ દિવસનું યુદ્ધ અટકાવ્યા પછી ઇરાને ભારત અને ભારતીઓના વખાણ કર્યા હતા. યુદ્ધ દરમિયાન ભારતે લીધેલા સ્ટેન્ડથી ઇરાન ખુબ ખુશ છે. ઇરાનના સુપ્રિમ લિડરના પ્રતિનિધિ તરીકે ભારતમાં ડો. અબ્દુલ મજીદ હકીમ ઇલાહી છે. એમણે કહ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશકીયાન વચ્ચે ત્રણ વખત વાતચીત થઈ છે. અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ યુદ્ધ દરમિયાન ઇરાન પ્રત્યે ભારતીયોના રોલના ખૂબ વખાણ કર્યા છે. એમના કહેવા પ્રમાણે ઇરાનમાં રહેતા ભારતીયો એમની પ્રાથમીકતા છે. એમણે કહ્યું હતું કે, 'ભારતમાં અમારા ભાઈઓ અને બહેનોનુ વર્ણન હું કરી શકું એમ નથી. મને જ્યારે પણ એમની યાદ આવે છે ત્યારે રડવું આવી જાય છે. ભારતીઓ શાનદાર છે. અસાધારણ છે.'
'તમે જજને બજારમાં વેચવાની કોશિષ કરી'
સુપ્રિમ કોર્ટે એક વકીલની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ વકીલે છૂટાછેડાના એક કેસમાં એમની તરફ ચુકાદો મેળવવા માટે ૩૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે, વકીલ કોર્ટને વેચી રહ્યા હતા. જ્યારે બેન્ચે અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો ત્યારે અરજી કરનારના વકીલે અરજી પરત ખેંચી લીધી હતી. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે અરજી કરનારના વકીલને કહ્યું હતું કે, 'અરજી કરનારે એક ન્યાયાધીશને ખુલ્લા બજારમાં વેચવાની કોશિષ કરી હતી.' અરજી કરનારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના હુકમને ચેલેન્જ કર્યો હતો જેમાં અરજી કરનારને જામીન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સુનાવણી વખતે અરજી કરનારના વકીલે દલીલ કરી હતી કે, એમના અસીલ આઠ મહિનાથી જેલમાં છે અને હજી સુધી ચાર્જશીટ દાખલ થઈ નથી.


