નવીદિલ્હી : ભારતના મોસ્ટ વોન્ટેડ ૩૪ ગેંગસ્ટર્સ ૧૭ દેશોમાં છૂપાયા છે. સૌથી પહેલા વિદેશ ભાગનાર દાઉદ ઇબ્રાહીમ છે. બીજા ગેંગસ્ટર્સ પાકિસ્તાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અઝરબૈજાન, જર્મની, ઇન્ડોનેશિયા, યુકે અને યુએઇમાં છુપાયા છે. હવે આ ૩૪ ગેંગસ્ટર્સને પરત ભારત લાવવા માટે દિલ્હી પોલીસ તૈયારી કરી રહી છે. દિલ્હી પોલીસ હવે એવી જેલો પર ખાસ નજર રાખશે કે જ્યાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોય. દેશ વિરોધી ગુનો કરનારાઓ જે જેલમાં બંધ છે એવી જેલ પર પણ દિલ્હીનું ખાસ સેલ નજર રાખશે. વિદેશમાં બેઠેલા ગેગસ્ટર્સ વિરુદ્ધ એલોસી અને બ્લુ-રેડ નોટીસ મોકલી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે પોતાની ૧૦ પ્રાથમીકતા નક્કી કરી છે. આ પ્રાથમીકતામાં ભાગેડુ ગેંગસ્ટર્સને પરત ભારત લાવવા તેમ જ જેલો પર નજર રાખવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રના વાંકે પશ્ચિમ બંગાળને ડામ, મુર્શિદાબાદ જિલ્લો સળગ્યો
સંસદના બંને ગૃહમાં વકફ સુધારા બીલ પસાર થયા પછી દેશભરમાં એનો વિરોધ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મુસ્લિમ બહુમતિ છે. વકફ સુધારા બીલ પાસ થયા પછી જ્યારે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી ત્યારથી મુર્શિદાબાદમાં વકફ બીલ સામે હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદના રઘુનાથગંજ અને સુત્રી પોલીસ ક્ષેત્રોમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને જંગીપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દળ વધારવામાં આવ્યું છે. આખા જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઠેરઠેર પોલીસ પર હુમલા થઈ રહ્યા છે. પોલીસો ટોળાને સમજાવી રહ્યા છે કે સંસદમાં વકફ બીલ પસાર કરવા માટે તેઓ જવાબદાર નથી.
'સ્ત્રીઓને એકલી છોડી એમને આગળ વધવા દો' : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે દેશની મહિલાઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે, મહિલાઓ સંદર્ભે લોકોની માનસિકતા બદલવી પડશે. કોર્ટે લોકોને અપીલ કરી છે કે મહિલાઓને એમની રીતે એકલી છોડી દઇને આગળ વધવા દો. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ સતિષચંદ્ર શર્માની બેન્ચે યુવતીઓ અને મહિલાઓ માટે દેશને વધુ સુરક્ષીત અને યોગ્ય સ્થળ બનાવવાની અપીલ કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આપણે મહિલા ઉપર નજર રાખવાની જરૂર નથી. એમને કોઈ રોકટોક કરવી જોઈએ નહીં. દેશની મહિલાઓ ઇચ્છે છે કે તેઓ આગળ વધે. ખુલ્લી જગ્યામાં શૌચ માટે જતી મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે. ગામડાઓમાં થોડો વિકાસ થયો છે, પરંતુ હજી યોગ્ય પ્રમાણમાં શૌચાલય અને બાથરૂમ બનાવવામાં આવ્યા નથી.
સમરી ટ્રાયલને બદલે સમન ટ્રાયલ ચલાવવા રાહુલ ગાંધીની અરજીનો સ્વીકાર
પુણેની એક કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી મંજૂર કરી છે. વીર સાવરકર બાબતે રાહુલ ગાંધીએ કરેલી ટીપ્પણીને કારણે એમની સામે બદનક્ષીનો કેસ દાખલ થયો છે. રાહુલ ગાંધીના વકીલોએ આ કેસને સમરી ટ્રાયલને બદલે સમન ટ્રાયલમાં બદલવાની માંગણી કરી હતી. સમરી ટ્રાયલમાં સાક્ષીઓ તપાસવાના હોતા નથી. રાહુલ ગાંધી સામે થયેલા કેસમાં ઘણા ઐતિહાસીક સત્યો ચકાસવાના છે. આ સત્યો ચકાસવા માટે નિષ્ણાત ઇતિહાસકારોને કોર્ટમાં બોલાવવા જરૂરી છે. જો સમન ટ્રાયલ ચાલે તો જ આ ઇતિહાસના જાણકારોને સાક્ષી તરીકે બોલાવી શકાય. જજે કહ્યું છે કે સમન ટ્રાયલ દરમિયાન આરોપીએ વિવિધ સાક્ષીઓ રજુ કરવાના રહેશે. જે ઐતિહાસીક તથ્યો રજુ કરી શકે.
કર્ણાટકના ગૃહમંત્રીએ મહિલાઓની માફી માંગી
હમણા બેંગલુરુમાં એક મહિલાની છેડતીની ઘટના બાબતે કર્ણાટકના ગૃહમંત્રીએ કરેલી ટીપ્પણી પર વિવાદ થયો હતો. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું છે કે, એમની ટીપ્પણીને ટોડી મરોડીને રજુ કરવામાં આવી છે. આમ છતાં જો એમની ટીપ્પણીને કારણે મહિલાઓને ઠેસ પહોચી હોય તો તેઓ માફી માંગે છે. ગૃહમંત્રીએ કરેલા નિવેદનને કારણે ભાજપ અને રાષ્ટ્રીય મહિલા આયોગે એમને જાહેરમાં માફી માંગવા કહ્યું હતું. બેંગલુરુમાં પગપાળા જઈ રહેલી એક મહિલાની છેડતી કરવામાં આવી હતી. આ બાબતે ગૃહમંત્રીએ કહ્યું હતું કે, 'પોલીસ ૨૪ કલાક કામ કરે છે, જેને કારણે શહેરમાં શાંતી છે. બેંગલુરુ જેવા મોટા શહેરમાં આવી ઘટના બનતી હોય છે.'
'ડોક્ટર ડેઠ'ને ભારતમાં કયાં રાખવામાં આવશે
મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને અમેરીકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) રાણાને ભારત લાવવા નીકળી ગઈ છે. રાણા એનઆઇએની કસ્ટડીમાં રહેશે. ભારત લાવ્યા પછી રાણાને દિલ્હીના એનઆઇએ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવશે. ત્યાંથીજ એને કોર્ટમાં રજુ કરવામાં આવશે. રાણાના 'સ્વાગત' માટે દિલ્હી અને મુંબઈની જેલોમાં તૈયારી થઈ ગઈ છે. રાણા વિશેની કોઈ જાણકારી એનઆઇએ મીડિયાને આપી રહી નથી. સમગ્ર ઓપરેશન પર નેશનલ સિક્યુરીટી એડવાઇઝર અજીત ડોભાલ નજર રાખી રહ્યા છે. તહવ્વુર રાણા પર હુમલો નહીં થાય એ માટે ખાસ સુરક્ષાની તૈયારી કરવામાં આવી છે.
ટેરીફથી આખી દુનિયા ચિંતિત : શશી થરૂર
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે, અમેરિકાની ટ્રમ્પ સરકારે જે રીતે ટેરીફ જાહેર કર્યો છે એને કારણે આખા વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ભારતની મુખ્ય આશા અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરવા માટે વાતચીત દ્વારા ઉકેલની છે. ટેરીફને કારણે કેટલાક દેશોની અર્થવ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગશે. થરૂર કહ્યું હતું કે ફક્ત આપણા શેરબજારની વાત નથી. અન્ય દેશોના શેરબજાર કરતા આપણા શેરબજાર પર ટેરીફની અસર ઓછી થઈ છે. આપણું શેરબજાર ૩ ટકા તૂટયું છે. જ્યારે અમેરિકાનું બજાર ૯ ટકા જેટલું તૂટી ગયું છે. આ સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. વિશ્વના ઘણા દેશોએ મંદીનો સામનો કરવો પડે એમ છે. કેટલાક લોકો આશા રાખતા હતા કે આપણા પ્રતિસ્પર્ધી દેશ પર આપણા કરતા ટેરીફ વધુ લગાડવામાં આવ્યો છે, પરંતુ તેઓ પણ હવે સમાધાન શોધી રહ્યા છે.
હું ધાર્મિક રાજકારણનો સમર્થક નથી : ચિરાગનું ડેમેજ કંટ્રોલ
એક વર્ષ પહેલાં પીએમ મોદી અને ભાજપની દરેક હામાં હા મિલાવતા ચિરાગ પાસવાને એક મહિનાથી અચાનક ગિયર બદલ્યો છે. ચિરાગે છેલ્લાં ત્રણ-ચાર સપ્તાહમાં ત્રણથી ચાર વખત નિવેદન આપ્યું કે ધાર્મિક રાજકારણના સમર્થક નથી. અગાઉ યુપી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે મુસ્લિમોને જાહેરમાં નમાઝ પઢતા રોકવા યોગ્ય નથી. હવે ફરીથી કહ્યું છે કે ભાજપના હિન્દુત્વના રાજકારણને એનું સમર્થન નથી. વક્ફને સમર્થન આપ્યા બાદ પાર્ટીમાં જે કલહ શરૂ થયો છે તેને અટકાવવા ચિરાગે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.
મમતા બેનર્જીના નજીકના નેતાઓ વચ્ચે આંતરિક કલહ વધ્યો
મમતા બેનર્જીની પાર્ટીના સાંસદો વચ્ચે આંતરિક કલહ વધતો જાય છે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કલ્યાણ બેનર્જી અને મહુઆ મોઈત્રા વચ્ચે કંઈક રકઝક થઈ હતી. ટીએમસીના સાંસદ સૌગત રોયે આ મામલે હવે ખુલ્લીને વિરોધ કરતા કહ્યું છે કે કલ્યાણ બેનર્જીનું વર્તન અયોગ્ય છે. વારંવાર આવું વર્તન કરે છે. તેમને પાર્ટીએ સંસદમાં મુખ્ય વ્હીપની જે જવાબદારી સોંપી છે એ પાછી લેવી જોઈએ. મામલો એ વખતનો કહેવાય છે કે જ્યારે પાર્ટીના સાંસદો ચૂંટણી પંચની ઓફિસે ગયા હતા. રજૂઆત પહેલાં કંઈક વાતચીત થઈ હતી, તેના કારણે મહુઆ મોઈત્રા રડતા જોવા મળ્યા હતા. ભાજપે પણ આ વિડીયો શેર કરીને ટીએમસીમાં સાંસદો અંદરો અંદર બાખડતા હોવાનો કટાક્ષ કર્યો હતો. સૌગત રોયે કહ્યું હતું કે પાર્ટીની આંતરિક બાબતો આ રીતે લીક થાય તે યોગ્ય નથી. જોકે, ટીએમસીએ સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.
ટ્રમ્પના ટેરિફ પરેશાન નાયડુએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
ટ્રમ્પના ટેરિફ સામે કેન્દ્ર સરકારનો શું એક્શન પ્લાન છે તે બાબતે કોઈ જ જાણકારી ઉપલબ્ધ નથી. બીજી તરફ દરેક રાજ્યોને એક નહીં તો બીજી રીતે આ ટેરિફની અસર થવાની છે. એવી જ અસર આંધ્રપ્રદેશને થશે. આંધ્રના મત્સ્ય ઉદ્યોગને ટ્રમ્પના ટેરિફનો માર પડવાનો છે. એ બાબતે સંગઠનોએ સીએમ ચંદ્રાબાબુ નાયડુને રજૂઆત કરી હતી. નાયડુએ એ સૌને આશ્વાસન આપીને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી છે. આ મુદ્દો કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતો હોવાથી ચંદ્રાબાબુએ કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. નાયડુએ ધાર્યું હોત તો પોતાના સાંસદો મારફત કે પછી ખુદ એનડીએના સહયોગી હોવાથી સરકારને ખાનગીમાં રજૂઆત કરી શક્યા હોત, પરંતુ તેમણે ખુલ્લો પત્ર લખ્યો છે એની ચર્ચા છે.
મોદી ઉદ્ધાટન કરશે તે હિસાર એરપોર્ટની અપૂરતી તૈયારીથી સીએમ નાખુશ
હરિયાણામાં હિસાર એરપોર્ટનું ઉદ્ધાટન આગામી ૧૪મી એપ્રિલે થવાનું છે. તેની તૈયારી જોવા માટે સીએમ નાયબ સિંહ સૈની એરપોર્ટે ગયા હતા. એરપોર્ટ શરૂ થાય તે પહેલાં જ હિંસક પશુઓની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ તો નીલગાયની એરપોર્ટ આસપાસ વારંવારની હાજરીથી સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ એરપોર્ટને તૈયારી પણ અપૂરતી હોવાથી નાયબ સૈનીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. કદાચ પીએમની મુલાકાત બાદ લાગતા-વળગતા અધિકારીઓની બદલી થાય એવીય અટકળો તેજ બની છે. પીએમ આવવાના છે તે પહેલાં તૈયારી બરાબર ન થઈ એનાથી નાયબ સિંહ સૈની ખૂબ જ નાખુશ છે.
ઓડિશાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય સોફિયા ફરીથી ચર્ચામાં
ઓડિશાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય સોફિયા ફિરદોસ જુદા જુદા કારણથી રાજ્યમાં ચર્ચાનું કારણ બને છે. તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય બન્યા તે પહેલાં ઓડિશાના રિઅલ એસ્ટેટના બિઝનેસમાં મોટું નામ કમાયા છે. પુરુષોનું આધિપત્ય હોવા છતાં આ ક્ષેત્રમાં તેમણે ઘણી નામના મેળવી હતી. કોંગ્રેસના આ મહિલા ધારાસભ્ય ફરીથી ચર્ચામાં એટલે આવ્યા છે કે તેમણે બીજેડી અને બીજેપી વચ્ચે કરપ્શનને ઢાંકવા માટે ડીલ થઈ હોવાનું નિવેદન આપ્યું છે. વક્ફ મુદ્દે નવીન પટનાયકે કેમ અચાનક પોતાનું વલણ બદલ્યું - એ સવાલના જવાબમાં સોફિયાએ કહ્યું કે રાજ્યમાં નવીનબાબુના ૨૪ વર્ષના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ઢાંકવા માટે ભાજપે વક્ફ મુદ્દે તેમનું ગુપ્ત સમર્થન માગ્યું હતું. બંને પાર્ટી વચ્ચે સોદાબાજી થઈ હોવાથી નવીન પટનાયકે છેક છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું હતું.
- ઈન્દર સાહની


