નવીદિલ્હી : ભારતીય રાજકારણમાં ત્રણ પ્રભાવશાળી મહિલાઓની ચર્ચા થાય છે. જય લલીતા, માયાવતી અને મમતા બેનર્જીની ગણના સૌથી વધુ શક્તિશાળી મહિલા રાજકારણી તરીકે થાય છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને જે રીતે હાર મળી છે એનાથી તેઓ હલી ગયા છે. હાર્યા છતા પણ રાજીનામું નહીં આપવાની એમની જીદે એમની ઇમેજ વધુ ખરાબ કરી છે. રાજકીય નીરિક્ષકો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું મમતા બેનર્જી ફરીથી પશ્ચિમ બંગાળમાં એમનો પગદંડો જમાવી શકશે? પશ્ચિમ બંગાળમાં ફક્ત ટીએમસી પક્ષ નથી હાર્યો, પરંતુ મમતા બેનર્જી પણ ૧૫,૦૦૦ મતોથી હાર્યા છે. એમના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળમાં ગુંડાઓને ખુલ્લું મેદાન મળ્યું હતું અને વિરોધીઓ પર હુમલાઓ થતા હતા. હિન્દુ મતોનું ધ્રુવીકરણ થયા પછી મમતા બેનર્જી માટે જીતવું મુશ્કેલ હતું. મમતા બેનર્જી હવે ગુમાવેલા હિન્દુ મતદારોને પોતાના તરફ કરી શકે તેમજ બંગાળના વિકાસની રૂપરેખા પ્રજા સમક્ષ લઈ જાય તો તેઓ ધીમે ધીમે ફરીથી રાજકીય ક્ષેત્રે પ્રભાવ પાડી શકશે.
પશ્ચિમ બંગાળમાં બે ડેપ્યુટી સીએમ પણ સોગંદ લેશે
પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટેની પ્રવૃત્તિ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ વિધાયકદળની બેઠકમાં હાજર રહેવા કોલકત્તા પહોંચી ગયા હતા. શાહે ભાજપના તમામ ૨૦૬ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. જેમ મનાતું હતું એમ મનાય છે કે શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી જાહેર થયા છે. એમની સાથે બે ઉપમુખ્યમંત્રી પદ માટે પણ સોગંદ લેવડાવવામાં આવશે. રૂપા ગાંગુલીનું નામ ઉપમુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. જે રીતે શુભેંદુ અધિકારીએ સતત બે વખત મમતા બેનર્જીને હરાવ્યા છે એ કારણે બંગાળમાં તેઓ લોકપ્રિય છે. એક જમાનામાં શુભેંદુ અધિકારી મમતા બેનર્જીના ખાસ ગણાતા હતા. શુભેંદુ ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં ભાજપમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં દિલીપ ઘોષ, અગ્ની મિત્રા પોલ, નિશિથ પ્રમાણીત, સ્વપનદાસ ગુપ્તા, શંકર ઘોષ, તાપસ રોય, અશોક ડીંડા અને ડો. રાજેશકુમારના નામ પણ મંત્રી બનવા માટે ચર્ચામાં છે.
બંગાળ એસઆઇઆરમાં વળાંક, જજે ટ્રીબ્યુનલમાંથી રાજીનામું આપ્યું
કલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ટીએસ શિવગણનમએ એપીલેટ ટ્રીબ્યુનલમાંથી રાજીનામું આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર હેઠળ લેવામાં આવેલા નિર્ણયો વિરુદ્ધ અપીલની સુનાવણી માટે એમની નિમણૂક થઈ હતી. આ ટ્રીબ્યુનલમાં ૧૯ રિટાયર્ડ જજોને નીમવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે જસ્ટીસ શિવગણનમને મોતાબ શેખની અપીલ પર ખાસ સુનાવણી કરવાનું કહ્યું હતું. શેખ ઉપરાંત સુપ્રબુદ્ધ સેનની અપીલો પર પણ એમણે સુનાવણી કરવાની હતી. મોતાબ શેખ પાછળથી પરક્કા વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હતા. કોર્ટે શેખ અને સેન સહિત બીજા અપીલ કરનારાઓની અરજી પર જલ્દી સુનાવણી કરવાનો હુકમ કર્યો હતો. આ અપીલો જસ્ટીસ શિવગણનમ પાસે મોકલવામાં આવી હતી. હવે એકાએક શિવગણનમએ ચીફ જસ્ટીસ પોલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરને પણ સૂચના આપી દેવામાં આવી છે.
યુસીસી અને વસ્તી નિયંત્રણ પર ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે વસ્તી નિયંત્રણની નીતિઓ તેમજ સમાન નાગરીક સંહિતા (યુસીસી) બાબતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ બંને માટે જનસહિયોગ અને લાંબો વિચાર જરૂરી છે. મોહનના કહેવા પ્રમાણે જાતી આધારીત રાજકારણ ત્યારે જ પુરુ થશે જ્યારે સમાજ પોતાની જાતીગત ઓળખ આપવાનું બંધ કરશે. સંઘના નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી જાતીવાદી વિચારસરણીનો વિરોધ કરી રહ્યા છે. મોહન ભાગવત પોતે પણ વિવિધ ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સદભાવના માટે આગ્રહ રાખે છે. કટ્ટર હિન્દુત્વની વિચારસરણી ધરાવતા એક વર્ગમાં મોહન ભાગવત અપ્રિય બન્યા છે. જેમને 'સબ કા સાથ સબ કા વિકાસ'ની વાત પસંદ નથી એમને મોહન ભાગવતની વાત પણ પસંદ આવવાની નથી. કેટલાક હિન્દુવાદીઓના મતે મોહન ભાગવત વધુ પડતા મવાળ છે.
'તીસ્તા પ્રોજેક્ટમાં અમારી મદદ કરો'
બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાન ધીરે ધીરે ચીન તરફ વધુ ઢળી રહ્યા છે. બાંગ્લાદેશ સરકારે તીસ્તા નદી પુર્નરુદ્ધાર પરિયોજના માટે ચીનની મદદ માંગી છે. આ કારણે ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર વિપરીત અસર પડી શકે એમ છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન અને ચીનના વિદેશ મંત્રી વાંગ ચી વચ્ચે બેજીંગમાં બેઠક થઈ હતી. આ બેઠકમાં તીસ્તા નદીની પરીયોજના (ટીઆરસીએમઆરપી) સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તીસ્તા નદી પૂર્વ હિમાલય પરથી નીકળીને સીક્કીમ અને પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. તીસ્તા નદી બાંગ્લાદેશના લાખો લોકો માટે આજીવીકાનું સ્ત્રોત છે. બાંગ્લાદેશની નવી સરકારને ચીને ટેકો આપ્યો છે. ચીનના મંત્રીએ ભારતનું નામ આપ્યા વગર કહ્યું હતું કે, બાંગ્લાદેશ અને અન્ય દક્ષિણ એશિયાના દેશો સાથે ચીનના સંબંધ કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવા માટે નથી. ત્રીજા પક્ષે અમારા સંબંધની ચિંતા કરવી જોઈએ નહીં.
'ચોર - ચોર, ટીએમસી ચોર'
એમ લાગે છે કે આજકાલ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના ગ્રહો વંકાયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની હાર પછી સમગ્ર પશ્ચિમ બંગાળમાં ટીએમસી વિરુદ્ધ સરઘસો નીકળી રહ્યા છે. ટીએમસીના લોકસભાના સાંસદ મોહુઆ મોઇત્રા એમના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહે છે. મોહુઆ મોઇત્રાએ ડાયરેક્ટર જનરલ ઓફ સીવીલ એવીએશન (ડીજીસીએ)માં એક ફરિયાદ નોંધાવી છે. એમનું કહેવું છે કે, રક્ષા સંબંધીત સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં જોડાવા માટે તેઓ દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે ઇન્ડીગોની ફલાઇટમાં તેમને કેટલાક લોકોએ પરેશાન કર્યા હતા. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે એક પોસ્ટ લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એમની ફલાઇટ જ્યારે લેન્ડ કરતી હતી ત્યારે દરવાજો ખોલવામાં આવે એ પહેલા કેટલાક લોકોએ એમને જોઈને સૂત્રો પોકાર્યા હતા કે 'ચોર - ચોર, ટીએમસી ચોર'
વિજયની પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ કેમ નહીં મળ્યું
તામિલનાડુમાં સૌથી વધુ બેઠકો મળી હોવા છતાં ટીવીકેના વિજયને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યું નથી. આ બાબતે તામિલનાડુમાં રાજકારણ ગરમાયું છે. હવે રાજભવનએ એક નિવેદન બહાર પાડયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 'તામિલનાડુના રાજ્યપાલ થીરૂરાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરએ ટીવીકેના અધ્યક્ષ થીરૂસી. જોસેફ વિજયને ચૈન્નઇ સ્થિત લોકભવનમાં આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં જ એમણે જણાવી દીધું હતું કે સરકાર બનાવી શકાય એ માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા વિજય પાસે નથી. ૨૩૪ બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકો જરૂરી છે. ડીએમકે - કોંગ્રેસનું ગઠબંધન છેલ્લા એક દસકાથી સાથે ચૂંટણી લડતું હતું, પરંતુ હવે આ ગઠબંધન તૂટી ગયું છે. ૧૧૮ બેઠકો સુધી પહોંચવા વિજયએ ડીએમકેના ગઠબંધનના કેટલાક પક્ષોનું સમર્થન પણ માંગ્યું છે.


