Get The App

દિલ્હીની વાત : તમે સરકારની નજીક હશો તો પણ અમે છોડીશું નહીં, ડીસી પર હવે પછીના સીજેઆઇ ભડક્યા

Updated: May 9th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : તમે સરકારની નજીક હશો તો પણ અમે છોડીશું નહીં, ડીસી પર હવે પછીના સીજેઆઇ ભડક્યા 1 - image

નવી દિલ્હી : દેશના હવે પછીના ચીફ જસ્ટિસ બી આર ગવઇ એક અરજીકર્તા પર ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે અરજીકર્તાને કહ્યું હતું કે, આજે તમે તમારા નાના બાળકોના સોંગદ ખાઈ રહ્યા છો પરંતુ તમે જ્યારે જેમના ઘર ઉજાડયા છે એમના પણ બાળકો હતા એ વિશે વિચાર્યું નહોતું. જસ્ટીસ બી આર ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચ આંધ્રપ્રદેશના એક ડેપ્યુટી કલેક્ટર (ડીસી)ની અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે ડીસીને કોર્ટના અવમાનના બાબતે સજા ફરમાવી હતી તેની સામે ડીસી અપીલમાં ગયા હતા. આરોપી અધિકારીએ હાઇકોર્ટના હુકમની અવગણના કરીને ગુંતુર જિલ્લામાં ગરીબોની ઝુપડપટ્ટી પર બુલડોઝર ચલાવી દીધું હતું. કોર્ટના હુકમનો અનાદર કરવા માટે અધિકારીને હાઇકોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. આ સજા વિરૂદ્ધમાં અધિકારીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

પહેલગામ આતંકવાદી હુમલા બાબતે ચોંકાવનારો ખુલાસો

પહેલગામમાં હિન્દુઓના નરસંહાર કરનાર આતંકવાદીઓ બાબતે હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ૨૬ લોકોની હત્યા કર્યા પછી આતંકવાદીઓ ગાઢ જંગલમાં સંતાઈ ગયા હતા. એમને પકડવા માટે સુરક્ષા દળો શોધ અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આતંકવાદીઓના ૭૦થી વધુ હાઇડઆઉટ મળી આવ્યા છે. આ હાઇડઆઉટ્સ ખૂબ જ વ્યવસ્થિત રીતે ઊચા પહાડો અને ગાઢ જંગલોમાં છૂપાવીને તૈયાર કરવામાં આવ્યા હતા. આ હાઇડઆઉટ્સના લોકેશન અને બનાવટ એ દર્શાવે છે કે, આતંકવાદીઓને ફક્ત સ્થાનિકોની મદદ નહીં, પરંતુ લશ્કરી નિષ્ણાંતોની મદદ પણ મળી હતી.

અજમેર શરીફ દરગાહના દિવાને મોદીનો આભાર માન્યો

પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે શરૂ કરેલા 'ઓપરેશન સિંદુર' બાબતે ઓલ ઇન્ડિયા સુફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના દિવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે, 'આજે ભારતે પોતાની તાકાત બતાવી છે. બધા સૈનિકોને સલામ કરું છું અને સરકારનો આભાર માનું છું. હું વડાપ્રધાનનો આભાર પણ માનું છું કારણ કે, એમણે દેશના લોકોની લાગણીને સમજીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે આતંકવાદને મૂળમાંથી ઉખાડીને ફેંકીશું. આપણી સંસ્કૃતિમાં સિંદુરનું એક વિશેષ સ્થાન છે, કારણ કે પરણિત મહિલાઓ માથામાં સિંદુર પુરે છે. પહેલગામમાં ઘણી સ્ત્રીઓએ પતિ ગુમાવ્યા છે. જેનો બદલો 'ઓપરેશન સિંદુર' દ્વારા લેવામાં આવ્યો છે.'

સર્વપક્ષીય બેઠક પહેલાં અખિલેશ યાદવે ખાસ યોજના બનાવી હતી

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે સર્વપક્ષીય બેઠક પહેલાં ખાસ યોજના બનાવી હતી. 'ઓપરેશન સિંદુર'ની ચર્ચા માટે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વપક્ષીય બેઠકમાં સપાના મહામંત્રી રામગોપાલ યાદવ સામેલ થયા હતા. નવાઇની વાત એ છે કે, આ બેઠકમાં ભારત - પાકિસ્તાન વચ્ચેના તણાવ બાબતે ચર્ચા થવાની હતી ત્યારે પણ અખિલેશ યાદવે અગ્નીવીરોનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું હતું. અખિલેશનું કહેવું છે કે, 'હું તો વારંવાર કહું છું કે, સરકારે નક્કર પગલા લેવા જોઈએ. જે વિસ્તારમાં આતંકવાદી ઘટના બનતી હોય ત્યાંથી આતંકવાદને ખતમ કરવાના પગલાં સરકારે લેવા જોઈએ. સરહદના રક્ષણ માટે જરૂરી પગલા પણ સરકારે લેવા જોઈએ.'

બિલાવલ ભુટ્ટોનો યુ-ટર્ન, હવે ભારત પાસે મદદ માંગી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ સિંધુ નદીમાં પાણી અટકાવવાના ભારતના નિર્ણય પછી એવી ધમકી આપી હતી કે હવે ભારતીઓનું લોહી વહેશે. એમણે કહ્યું હતું કે, સિંધુ નદીમાં કયાં તો પાણી વહેશે અથવા તો ભારતીઓનું લોહી વહેશે. ભારતના 'ઓપરેશન સિંદુર'ને જોયા પછી હવે બિલાવલ ભુટ્ટોએ યુ-ટર્ન માર્યો છે. એમના મો પર સાફ ડર દેખાઈ રહ્યો છે. ડરી ગયેલા બિલાવલે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિ માટે તૈયાર છે. પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના ચેરમેન ભુટ્ટોએ નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે, જો ભારત શાંતિના રસ્તે ચાલવા માંગતું હોય તો આપણે એમને હાથ ફેલાવીને ભેટવું જોઈએ. ચાલો આપણે પડોશીની માફક બેસીને સમસ્યાનો ઉકેલ લાવીએ.

જેમને ગાળો આપતા હતા તેમના ખોળામાં જ ઇમરાન ખાન બેસી ગયા

પહેલગામના આતંકવાદી હુમલા પછી ભારત - પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. ભારતએ 'ઓપરેશન સિંદુર' કરીને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતએ કરેલા પ્રતિ આક્રમણને કારણે પાકિસ્તાનીઓ ફફડી ગયા છે. સૌથી નવાઇની વાત એ છે કે ગઇકાલ સુધી પાકિસ્તાની સેનાને ભાંડનાર ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરીક - એ - ઇન્સાફ (પીટીઆઇ) હવે સેનાના ખોળામાં બેસી ગઈ છે. પક્ષના અધ્યક્ષ ગૌહર અલી ખાને કહ્યું છે કે, ભારત વિરૂદ્ધ પાકિસ્તાની સેનાને સાથ આપવા બાબતે કોઈ અગર - મગર નહીં ચાલશે. ભારતે સિંધુ નદીનું પાણી અટકાવ્યું એને ખાને પાકિસ્તાન સામેનું અઘોસીત યુદ્ધ પણ ગણાવ્યું હતું. ઇમરાન ખાન જેલમાં બંધ છે એમણે પણ જેલમાંથી ભારત વિરૂદ્ધ નિવેદન આપ્યું છે.

કેશકાંડમાં ન્યાયમૂર્તિ યશવંત વર્મા બરાબર ફસાયા, કમિટિએ આક્ષેપો સાચા ગણાવ્યા

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના દિલ્હીસ્થિત ઘરે લાગેલી આગમાં કરોડો રૂપિયાની નોટ સળગી ગઈ હોવાની વાત બહાર આવી હતી. આ માહિતી બહાર આવ્યા પછી સુપ્રિમ કોર્ટે તપાસ માટે ઇનહાઉસ કમિટિની નિમણૂક કરી હતી. તપાસમાં એવું ફલીત થયું છે કે સળગી ગયેલી નોટો યશવંત વર્માની જ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યાયમૂર્તિ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તપાસ રીપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને એમની સામે મહાભિયોગ કરવાની દરખાસ્ત પણ રજુ થશે. પહેલા વિકલ્પ તરીકે એમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. વર્માને જવાબ આપવા માટે આજના દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પુલવામા હુમલાનો ભોગ બનેલાં પરિવારોની પાક.માં વધારે ઘાતક હુમલાની ઇચ્છા

દેશમાં ૨૦૧૯માં થયેલાં પુલવામા હુમલામાં જે ૪૦ પેરા મિલિટરી કર્મચારીઓના મોત થયા હતા તેમોં એક પંકજ કુમાર ત્રિપાઠી પણ હતો. સાતમી મેના રોજ વહેલી પરોઢે ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી હોવાના સમાચાર સાંભળતાં જ પંકજ કુમાર ત્રિપાઠીના ભાઇ શુભમ ત્રિપાઠી ના જુના ઘા તાજા થઇ ગયા હતા. ગોરખપુરમાં બિઝનેસ કરતાં શુભમ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં ઉંડે સુધી ઘૂસીને વાર કરવો જોઇએ જેથી તેઓ ફરી આપણાં પર હુમલો કરવાની હિંમત જ ન કરી શકે. શુભમ અને પુલવામા હુમલાનો ભોગ બનેેલા લશ્કરી જવાનોના પરિવારો પાકિસ્તાનમાં આવેલાં ટેરર કેમ્પ પર સતત ચોકસાઇપૂર્ણ હુમલા કરવાની માંગણી કરી રહ્યા છે. પોતાના ભાઇ રોહિતાશ લાંબાને પુલવામા હુમલામાં ગુમાવનાર જિતેન્દ્ર લાંબાએ જણાવ્યું હતું કે એકવાર હુમલો કરવાથી આતંકી જૂથો નાશ પામે તે શક્ય નથી. ભારત સરકારે સતત પાકિસ્તાન પર વધારે ઘાતક હુમલાઓ કરવા જોઇએ. પાકિસ્તાની લશ્કર આતંકી જૂથો સાથે મળીને કામ કરે છે અને આપણાં માટે ટેરરિસ્ટ પોસ્ટને સતત ટાર્ગેટ કરતાં રહેવું મહત્વનું છે જેથી તે દેશમાં આતંકવાદ પાંગરે નહીં. ત્રિપાઠીનું માનવું છે કે પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા માટે યુદ્ધે ચડવું જોઇએ. પણ લાંબા કહે છે, યુદ્ધ એ ઉકેલ નથી. પણ સ્ટ્રાઇક ચોક્કસ છે. આપણે પાકિસ્તાન પર સતત નિયમિત રીતે સ્ટ્રાઇક કરતાં રહેવું જોઇએ. 

પાક.માં કેદ બીએસએફના જવાનની ગર્ભવતી પત્નીનું પતિને પરત લાવવાનું મિશન 

૨૩ એપ્રિલથી પાકિસ્તાની કસ્ટડીમાં રહેલાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ-બીએસએફ-ના જવાન ને પરત લાવવા તેની ત્રણ મહિનાની ગર્ભવતી પત્ની રજની  તેના પતિના સમાચાર મેળવવા વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી રહી છે. તેનો ૪૦ વર્ષનો પતિ પૂર્ણમ કુમાર શો બાર દિવસથી પાકિસ્તાની રેન્જર્સની કસ્ટડીમાં છે. બીએસએફની ૨૪મી બટાલિયનમાં કોન્સ્ટેબલ પૂર્ણમ શોને પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. રજનીએ જણાવ્યું હતું કે તેના પતિની બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે ગયા બુધવારે આ મુદ્દાનો ઉકેલ લાવવા એક અઠવાડિયોનો સમય માંગ્યો હતો. હિમાચલ પ્રદેશના કાંગરામાં યોજાનારી મિટિગમાં આ મુદ્દ ો  ઉકેલાવાનો હતો. આ સમયમર્યાદા મંગળવારે પુરી થઇ અને કોઇ પ્રગતિ ન થતી હોવાથી રજની હવે નવી દિલ્હીમાં બીએસએફના ડાયરેક્ટર જનરલ દલચિતસિંહ ચૌૈધરીને મળવાનો પ્રયાસ કરી રહી છે. બીએસએફના અધિકારીઓએ તેને ખાતરી આપી હતી કે તેઓ તેના પતિને છોડાવી લાવશે. પશ્ચિમ બંગાળની વતની રજનીએ ગર્ભવતી હાલતમાં તેના પતિના સમાચાર મેળવવા માટે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. રજનીએ જણાવ્યું હતું કે મારી હાલત વારંવાર પ્રવાસ કરી શકાય તેવી નથી. વળી કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે મારા પતિને આટલૌ લાંબો સમય કસ્ટડીમાં રાખવાનું તેમની પાસે કોઇ કારણ નથી. પણ હાલ તો રજની ેતેના પતિના સમાચાર મેળવવા માટે બેબાકળી બની છે. 

 -ઇન્દર સાહની