Get The App

દિલ્હીની વાત : ડોનાલ્ડ ટ્રમ્પએ મોદીવાળી કરી

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ડોનાલ્ડ ટ્રમ્પએ મોદીવાળી કરી 1 - image

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળમાં એક ટીવી ચેનલના પત્રકારને ઇન્ટરવ્યુ આપતી વખતે વચમાં જ ઉભા થઈને નિકળી ગયા હતા. પત્રકારે પૂછેલા કેટલાક સવાલો વડાપ્રધાનને ગમ્યા નહોતા. એ જ રીતે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એનબીસીના એક ઇન્ટરવ્યુ વખતે વાતચીત વચમા જ કાપી નાખીને ઇન્ટરવ્યુ અધવચ્ચેથી છોડી દીધો હતો. ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર ક્રિસ્ટન વેલ્કર વારંવાર ટ્રમ્પને સંવેદનશીલ બાબતો પર સવાલ પૂછી રહી હતી. 'મીટ ધ પ્રેસ' કાર્યક્રમમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, કેલિફોર્નિયામાં થઈ રહેલી પ્રાયમરી ચૂંટણી અને વર્ષ ૨૦૨૦માં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ગરબડ થઈ હતી. વેલ્કરે જ્યારે કેલિફોર્નિયા ચૂંટણીમાં થયેલી ગરબડના પુરાવા માંગ્યા ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'મને ફક્ત જોવાનો અને સાંભળવાનો છે.' વેલ્કરે સામું ચોપડાવ્યું હતું કે, 'આ સાબિતી નથી.' ત્યાર પછી ટ્રમ્પ મીડિયા અપ્રમાણિક હોવાનો આક્ષેપ કરીને ઇન્ટરવ્યુમાંથી ઉઠી ગયા હતા.

હવે દર બે મહિને ઇન્ડિયા ગઠબંધનની મીટીંગ થશે

મુખ્ય વિપક્ષોએ ઇન્ડિયા ગઠબંધનને નામે બનાવેલા બ્લોકની મીટીંગ ઘણા સમય પછી દિલ્હીમાં યોજાઈ હતી. આ મીટીંગમાં વિધાનસભાની ચૂંટણીઓમાં વિરોધપક્ષને મળેલી હાર બાબતે તેમજ ભવિષ્યની રણનીતિ બાબતે ચર્ચા થઈ હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે મતભેદ દેખાયા હતા જેની અસર ચૂંટણી પર થઈ હતી. મીટીંગમાં ડીએમકે અને આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા નહોતા. બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઉમર અબ્દુલ્લા સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક પછી મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે હવે દર બે મહિને ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળશે. આરજેડી નેતા અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે પાંચ મુદ્દે સમજૂતી થઈ છે અને અમે એનો અમલ કરવા બધા એક સાથે છીએ. જો ચૂંટણી બેલેટ પેપર મારફતે થાય તો ભાજપ જીતી શકે નહીં. વિરોધપક્ષો જ્યારે ભેગા થાય છે ત્યારે વાતો તો મોટી મોટી કરે છે, પરંતુ ચૂંટણી વખતે સત્તા મેળવવાની લાલચમાં બધા એક બીજાના પીઠમાં ખંજર ભોંકે છે.

સત્તા ગુમાવ્યા પછી ટીએમસી ખુબ ઝડપથી હાંસિયામાં ધકેલાઈ

લાંબા સમય સુધી સત્તામાં રહ્યા પછી ઘણા પક્ષો ચૂંટણી હારી જાય છે. ચૂંટણી હારી ગયા પછી તાત્કાલીક આવા પક્ષોના અસ્તિત્વ સામે જોખમ ઉભું થતું નથી. કદાચ લાંબા ગાળે પક્ષને બેઠો થતા વધુ સમય લાગી શકે. જોકે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને મળેલી હાર પછી પક્ષ જે ઝડપે હાંસિયામાં ધકેલાઈ ગયો છે. એની નવાઈ રાજકીય નિરીક્ષકોને લાગી રહી છે. નિરીક્ષકો માની રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૦૧૧માં સામ્યવાદીઓ સત્તા પરથી દુર થયા પછી જે રીતે ફેંકાઈ ગયા છે એ જ હાલ તૃણમુલ કોંગ્રેસના થઈ શકે એમ છે. હાર પછી તૃણમુલ કોંગ્રેસના બહુમતિ ધારાસભ્યો મમતા બેનીર્જીની વિરુદ્ધ ગણાતા ્રગુ્રુપમાં જોડાઈ ગયા છે. બહુમતિ સાંસદો પણ મમતાની મીટીંગમાં જતા નથી. સાંસદો અને ધારાસભ્યો સિવાય હવે ટીએમસીના કોર્પોરેટરો પણ ટીએમસીથી અલગ થવા માટે બેઠકો કરી રહ્યા છે. કોલકત્તા નગર નિગમના મેયર અને પૂર્વ મંત્રી ફિરહાદ હકીમએ ટીએમસીમાંથી રાજીનામું આપતા જ વિવાદ વધુ વકર્યો છે.

રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રોયએ પણ પલ્ટી મારી

જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સત્તા પર હતા ત્યાં સુધી ટીએમસીના સાંસદો કે ધારાસભ્યોને બધુ સમૂસુતરૂ લાગતું હતું. મમતા બેનર્જીનું શાસન રામરાજ્ય જેવું લાગતું હતું. હવે એકાએક બધાને જ્ઞાાન થયું છે કે, ટીએમસીના શાસન દરમિયાન કેટલા અત્યાચારો થયા છે અને બંગાળમાં અંધાધૂધીનું શાસન હતું. ટીએમસીના રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રોયએ રાજ્યસભાના સભ્ય તરીકે અને ટીએમસીના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામા આપ્યા છે. રાજીનામું આપતી વખતે એમણે પક્ષના નેતાઓ પર ગંભીર આરોપ મૂક્યા હતા. એમના કહેવા પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનું કારણ ૧૫ વર્ષ સુધીના શાસનમાં થયેલો ભ્રષ્ટાચાર અને અમર્યાદિત હિંસા જવાબદાર છે. ટીએમસીના શાસન દરમિયાન મહિલાઓ પર અત્યાચાર થયા હતા તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હતી. રાજ્યમાં મૂડી રોકાણ કરવા માટે પણ કોઈ તૈયાર નહોતું. એમણે ભાજપ સરકારના વખાણ કર્યા હતા એનો મતલબ એમ થાય કે પહેલેથી બધુ નક્કી થઈ ગયું છે અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાશે.

તામિલનાડુ વિધાનસભાના સત્રમાં વંદે માતરમ વિ. તમિલ વાઝથુ

તામિલનાડુ વિધાનસભાનું સત્ર ૧૮મી જૂનથી શરૂ થશે. સત્રની શરૂઆતમાં રાજ્યપાલ રાજેન્દ્ર અરલેકર ગૃહને સંબોધીત કરશે. એ વખતે વિવાદ થવાની શક્યતા છે. રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ રાષ્ટ્રગીત અને તમિલ વાઝથુના ગીત બાબતે ટક્કર થવાની શક્યતા છે. એક જમાનામાં જે સામાન્ય બંધારણીય ઔપચારીકતા મનાતી હતી એના પર હવે બધાની નજર છે. છેલ્લા થોડા સમયમાં તામિલનાડુમાં કેટલાક કાર્યક્રમો દરમિયાન સંવેદનશીલ બનાવો બન્યા છે. ભૂતપૂર્વ રાજ્યપાલ આર એન રવિના કાર્યકાળ દરમિયાન વિધાનસભામાં એમણે આપેલા ભાષણોને કારણે વિવાદ થયા હતા. ખાસ કરીને રાષ્ટ્રીય પ્રતિકોના ઉપયોગ અને ઔપચારીક પ્રોટોકોલ સંબંધી મુદ્દાઓને કારણે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય કઈ રીતે રાજકીય કાર્યક્રમોમાં બે ગીતો વચ્ચેની ટક્કરને ટાળી શકે છે એના પર બધાની નજર છે.

ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા પોસ્ટરોથી વિવાદ

દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી એ પહેલા પોસ્ટર વોરને કારણે રાજકારણ ગરમાયું હતું. બેઠકની સવારે દિલ્હીમાં જાહેર જગ્યાઓ પર રાહુલ ગાંધીને નિશાન બનાવતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. ભૂતકાળમાં શરદ પવારથી માંડીને અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી વિશે કેવી કેવી ટીકાઓ કરી હતી એનો ઉલ્લેખ હતો. રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. બેઠક પહેલા જ લગાડવામાં આવેલા આ પોસ્ટરોને કારણે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પોસ્ટરો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એમણે આવા કોઈ પોસ્ટર જોયા નથી. ફક્ત શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ નહીં, પરંતુ મમતા બેનર્જી અને ઉદય નીધિ સ્ટાલીનએ જાહેરમાં કરેલા નિવેદનોના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા.

દિલ્હીમાં કોચિંગ શિક્ષક અને પત્રકાર વચ્ચે જંગ

થોડા દિવસો પહેલા દેશમાં ફૂટી નિકળેલા યુટયુબર કોચિંગ શિક્ષકો વિશેની ડિબેટમાં એક મહિલા પત્રકારે કરેલી ટીપ્પણીનો જવાબ કોચિંગ શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર)એ આપ્યો હતો. આ વિવાદ સોશ્યલ મીડિયા પર ખુબ ચગ્યો. પત્રકાર જે મીડિયા હાઉસનું પ્રતિનિધિત્વ કરતા હતા એ મીડિયા હાઉસ અને મહિલા પત્રકારે હવે ફૈઝલ ખાન સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે અને બે કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. પત્રકારનું માનવું છે કે ફૈઝલ ખાનની ટીપ્પણી બદનક્ષીકારક હતી. પત્રકાર માટે 'વેચાયેલા પત્રકાર', 'ચાટુકાર', 'દલાલ', 'ફેઇક ન્યુઝની દુકાન' જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા. ફૈઝલ ખાન પર પોતાના ઘરે પોતે જ ફાયરીંગ કરાવ્યું હોવાનો આરોપ છે. ફૈઝલ ખાન આગોતરા જામીન માટે પ્રયત્ન કરે છે.