Get The App

દિલ્હીની વાત : રાહુલ ગાંધી સામેના અશ્લિલ પ્રચાર બાબતે યુથ કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાહુલ ગાંધી સામેના અશ્લિલ પ્રચાર બાબતે યુથ કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી 1 - image


નવીદિલ્હી : રાહુલ ગાંધીને બદનામ કરવા માટે ચાલી રહેલા દુષ્પ્રચાર અને મહિલાઓના અપમાન વિરુદ્ધ ભારતીય યુવા કોંગ્રેસએ વિરોધ નોંધાવ્યો છે. ભારતીય યુવા કોંગ્રેસએ દેશના અલગ અલગ રાજ્યોમાં આ બાબતે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે. ભારતીય યુવા કોંગ્રેસનો આરોપ છે કે, કોંગ્રેસના સામાજીક કલ્યાણ અભિયાન અંતર્ગત બિહારમાં મહિલાઓને સેનેટરી પેડ વહેચવામાં આવે છે. ભાજપ આ અભિયાનનો રાજકીય ઉપયોગ કરે છે. મહિલા મતદારોને આકર્ષીત કરવા માટે કોંગ્રેસએ બિહારમાં મફત સેનેટરી પેડ વહેચવાની જાહેરાત કરી છે. જોકે કોંગ્રેસની આ યોજનાને કારણે વિવાદ થયો છે. 

સોશ્યલ મીડિયા પર એવી ટીકાઓ થઈ રહી છે કે, આ સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીરો ચોંટાડવામાં આવી છે. ભારતીય યુવા કોંગ્રેસના નેતાઓ માને છે કે, આ બાબતે વલ્ગર કોમેન્ટો કરીને ભાજપ તળીયે પહોંચી ગયો છે.

સીજેઆઇએ કહ્યું 'જામીન એ નિયમ છે અને જેલ અપવાદ'

દેશના મુખ્ય ન્યાયાધીશના જસ્ટીસ બીઆર ગવઇનું કહેવું છે કે, જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. આ એક બંધારણીય સિદ્ધાંત છે. છેલ્લા કેટલાક દિવસોથી આ નિયમનું પાલન કરવાનું કોર્ટોએ બંધ કરી દીધું હતું. સીજેઆઇએ કહ્યું હતું કે, જામીન નિયમ છે અને જેલ અપવાદ એ સિદ્ધાંતને ભૂલવાની કોશિષ થઈ હતી. જોકે મેં મનીષ સિસોદિયા અને કવિતા અને પ્રબિર પુરકાયસ્થના કેસમાં આની યાદ અપાવી હતી. સીજેઆઇએ કહ્યું હતું કે, 'જસ્ટીસ કૃષ્ણ અય્યર દ્રઢ રીતે માનતા હતા કે, અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં. ટ્રાયલ વગર કોઈને પણ લાંબો સમય જેલમાં રાખવાનું યોગ્ય નથી.' સીજેઆઇનું માનવું છે કે, ભારતીય કોર્ટોમાં જસ્ટીસ કૃષ્ણ અય્યરની ઓળખ અલગ રીતે કામ કરનારા તરીકેની રહી છે.

અખિલેશ યાદવના પીડીએ પત્તા કાપવા ભાજપનો દાવ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવા માટે રાજકીય કસરત ચાલી રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ નીમવા માટે પણ ચર્ચા વિચારણા થઈ રહી છે. મુખ્ય વીપક્ષ સમાજવાદી પાર્ટીનું, દલીત અને લઘુમતી (પીડીએ)ના કાર્ડનું નેરેટીવ કાપવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખની શોધ ચલાવવામાં આવી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવએ રાજકીય અને સામાજીક રીતે અગ્રેસર રહેવા માટે આઝમગઢમાં ગૃહપ્રવેશ કર્યો છે. પૂર્વાંચલના રાજકારણમાં ચમકતા રહેવા માટે અખિલેશ યાદવએ મેઇનપુરી, સેફઇ અને લખનૌની પાસે આઝમગઢમાં પણ નવું ભવન બનાવીને પ્રવેશ કર્યો છે. આઝમગઢની ઉત્તરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગઢ ગોરખપુર છે. દક્ષિણમાં વડાપ્રધાનનું સંસદીય ક્ષેત્ર વારાણસી છે. બે ગૃહોની વચ્ચે પોતાની જગ્યા ટકાવી રાખવાની મહેનત અખિલેશ યાદવ કરી રહ્યા છે. આઝમગઢની દશે બેઠકો પર સપાના ધારાસભ્ય છે. લોકસભાની બંને બેઠકો પર પણ સપાના સાંસદો છે. અખિલેશ યાદવના પત્તાઓને કાપી શકે એ માટે ભાજપ હાઇકમાન્ડ પ્રદેશ પ્રમુખની શોધ કરી રહી છે.

ભાજપના સાંસદની ચેલેન્જ સામે આદિત્ય ઠાકરેનો પ્રતિ હુમલો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જે રીતે બિનમરાઠીઓને નિશાન બનાવી રહ્યા છે એની સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઠાકરે બંધુઓને ચેલેન્જ કરી હતી કે, તાકાત હોય તો બિહાર આવો. તમારા હાથપગ તોડી નાખીશું. નિશિકાંત દુબેની આ ચેલેન્જ સામે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ પ્રત્યાઘાત આપ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, દુબેનું નિવેદન ભાજપની માનસિકતા બતાવે છે જે મહારાષ્ટ્ર વિરોધી છે. અમે દરેકને આવા ગંદા મગજવાળાઓ સામે પ્રતિક્રિયા નહીં આપવા કહ્યું છે. આવા લોકો મહારાષ્ટ્રમાં ભય ફેલાવવા માંગે છે. આવા લોકો જ મહારાષ્ટ્રમાં લોકો વચ્ચે ભાગલા પડાવવા માંગે છે. ઠાકરેએ આરોપ મુક્યો છે કે ફૂટ પાડીને રાજ કરો, આ જ રાજનીતી છે. આ રાજનીતી ભાજપનું પ્રતિનિધત્વ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરતી નથી.

જસ્ટીસ વર્મા સામે એફઆઇઆર નહીં થવાનું કારણ ધનખડે આપ્યું

સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી મળેલી ઢગલાબંધ ચલણી નોટો સંદર્ભે ચીફ જસ્ટીસ યશવંત વર્મા સામે તપાસ થઈ હતી. તેઓ દોષી ઠર્યા હોવા છતાં હજી સુધી એમની સામે એફઆઇઆર દાખલ થઈ નથી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ જસ્ટીસ વર્મા સામે એફઆઇઆર દાખલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ધનખડે કહ્યું છે કે, કોઈપણ ન્યાયાધીશ સામે બંધારણીય નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો એક વિકલ્પ હોઈ શકે છે. જોકે આવી પ્રક્રિયાને સમસ્યાનું નિરૂપણ કહી શકાય નહીં. આ એક ગંભીર ગુનો છે. આવા પ્રકારના કેસમાં કાર્યવાહી કરવી જરૂરી બને છે. એમના કહેવા પ્રમાણે સુપ્રિમ કોર્ટના એક ચુકાદાને કારણે કેન્દ્ર સરકાર વર્મા સામે એક્શન લેતી નથી. એક કાર્યક્રમમાં સંબોધન કરતા એમણે કહ્યું હતું કે, 'આપણે લોકશાહી હોવાનો દાવો કરીએ છીએ અને વાસ્તવમાં એ સાચું પણ છે. દુનિયા આપણી લોકશાહીને એક પરીપક્વ લોકશાહી તરીકે જુએ છે. લોકશાહી દેશમાં કાયદાનું શાસન અને કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ.' એમણે કહ્યું હતું કે આનો મતલબ એ છે કે દરેક ગુનાની તપાસ થવી જોઈએ.

એલન મસ્કનો ખાસ માણસ વૈભવ તનેજા કોણ છે

દુનિયાના સૌથી ચર્ચાસ્પદ અબજોપતિ અને ટેસ્લાના માલિક એલન મસ્કએ હવે ડોનાલ્ડ ટ્રમ્પને ચેલેન્જ આપીને પોતાનો રાજકીય પક્ષ 'અમેરિકા પાર્ટી'ની જાહેરાત કરી છે. મસ્કે પોતાના પક્ષ માટે ભારતીય મૂળના એમના ખાસ માણસ વૈભવ તનેજાને મોટી જવાબદારી સોંપી છે. વૈભવ તનેજા ટેસ્લા કંપનીના સીએફઓ છે. વૈભવની નિમણૂક અમેરિકા પાર્ટીના ખજાનચી તરીકે થઈ છે. પોતાનો નવો પક્ષ અમેરિકાના મધ્યમ વર્ગના માટે કામ કરશે એવું વચન મસ્કે આપ્યું છે. વૈભવ તનેજા ૨૦૧૭ના વર્ષમાં ટેસ્લા સાથે જોડાયા હતા. શરૂઆતના વર્ષમાં તેઓ કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર રહ્યા હતા. વૈભવ તનેજાએ દિલ્હી યુનિવર્સીટીમાંથી ભણીને સીઇની ડીગ્રી મેળવી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણને કારણે કોંગ્રેસ ચિંતામાં

મહારાષ્ટ્રમાં આજકાલ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જે રીતે મરાઠી - બિનમરાઠીનું રાજકારણ કરી રહ્યા છે એને કારણે વધુ ચિંતીત કોંગ્રેસ પક્ષ છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના વફાદાર સાથી ગણાય છે. કોંગ્રેસ જો બિનમરાઠીઓની થતી મારપીટ બાબતે ઠાકરે બંધુઓને ટેકો જાહેર કરે તો હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે એમ છે. એક તરફ મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી માથા પર છે તો બીજી તરફ થોડા જ મહિના પછી બિહાર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ ઠાકરે બંધુઓની સાથે પણ રહી શકે એમ નથી અને એમનો વિરોધ પણ કરી શકે એમ નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કચવાઈ રહ્યા છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડ એમને કોઈ ગાઇડલાઇન આપતું નથી. એક તરફ કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેને નારાજ કરી શકે એમ પણ નથી અને બીજી તરફ હિન્દી ભાષી વફાદાર મતદારોને નારાજ કરી શકે એમ પણ નથી.

જયરામ રમેશે સરકારની આર્થિક નીતિની ટીકા કરી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે તેમાં માત્ર મોટા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને બેરોજગારી કટોકટી છુપાવવા રોજગારીના આંકડા સાથે છેડછાડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર રમેશે   જણાવ્યું કે જીડીપીમાં ઉદ્યોગોનો હિસ્સો ઘટી રહ્યો છે જ્યારે કેટલાક ઉદ્યોગોના હાથમાં વેપાર કેન્દ્રિત થઈ રહ્યો છે જેના પરિણામે ઉત્પાદનોની કિંમત વધી રહી છે. તેમના દાવા મુજબ ભારતના ટોચના ૨૫ ઔદ્યોગિક જૂથો પૈકી ટોચના પાંચ જૂથ બાકીના વીસના ભોગે તેમનો હિસ્સો વધારી રહ્યા છે. મોટા ઉદ્યોગો વિકસી રહ્યા હોવા છતાં આર્થિક વિકાસ નથી થઈ રહ્યો તેમજ તેનાથી વિપરીત અસર થઈ રહી છે. સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ તેના સ્થાને મોદી સરકાર મોટા ઉદ્યોગો પર જ ધ્યાન આપી રહી છે.

તમિલનાડુમાં સરકારી હોસ્ટેલો સોશિયલ જસ્ટિસ હોસ્ટેલ તરીકે ઓળખાશેઃ સીએમ સ્ટાલિન

તમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિને  જાહેરાત કરી છે કે હવેથી રાજ્ય સંચાલિત સ્કૂલો અને કોલેજ હોસ્ટેલો સોશિયલ જસ્ટીસ હોસ્ટેલ તરીકે ઓળખાશે. એમાં સામાજિક ન્યાય અને સમાવિષ્ટતા પર આધારીત ડીએમકે શાસન હેઠળ જેન્ડર અથવા જ્ઞાતિ સહિત કોઈપણ પ્રકારનો ભેદભાવ નહિ હોય. તેમણે યાદ અપાવ્યું કે વિધાનસભામાં તેમણે જાહેર કર્યું હતું કે કોલોની શબ્દ જ્ઞાતિનો ઉલ્લેખ કરતો હોવાથી તેને સત્તાવાર રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે કોલોની શબ્દ પ્રભુત્વ અને અસ્પૃશ્યતાનું પ્રતીક તેમજ એક અપશબ્દ પણ હોવાથી સરકારી દસ્તાવેજો અને જાહેર ક્ષેત્રમાંથી તેને હટાવવાના પગલા લેવાશે.

પ્રિયંક ખરગેએ ટ્રમ્પને મળનાર ભાજપ સાંસદની ટીકા કરી

સંસદીય ડેલિગેશનની મુલાકાત દરમ્યાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પ્રોટોકોલ તોડનારા ભાજપના સાંસદ વિશેની અફવામાં ઉમેરો કરતા કોંગ્રેસે તેને ભારતની અખંડતા અને રાજનીતિક પ્રતિષ્ઠાના અપમાન તરીકે ગણાવ્યું હતું. કથિત મીટિંગ શશિ થરૂરની આગેવાની હેઠળના ડેલિગેશનની અમેરિકી મુલાકાત દરમ્યાન થઈ હતી. કર્ણાટકના મંત્રી પ્રિયંક ખરગેએ એક સમાચાર પત્રના અહેવાલને ટાંકીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભાજપના સાંસદની અપરિપકવ વર્તણૂંકને કારણે ભારતનું અપમાન થયું છે. તેની તપાસ થવી જોઈએ. ખરગેએ અનેક સવાલો કર્યા હતા. સાંસદ તમામ પ્રોટોકોલ તોડીને કેવી રીતે ગયા? શું વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી હતી? આ યુવા ભાજપ સાંસદ કોણ હતો અને આ ઉલ્લંઘન માટે સરકારે કયા પગલા લીધા?

ઓવૈસી અને રિજિજુ વચ્ચે લઘુમતિઓને લાભ બાબતે ટપાટપી

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી અને લઘુમતિ બાબતોના મંત્રી કિરણ રિજિજુ વચ્ચે દેશમાં બહુમતિ કરતા લઘુમતિઓને વધુ લાભ અને સુરક્ષા મળતા હોવાના રિજિજુના દાવા વિશે જાહેરમાં વિવાદ થયો હતો. હાલ ઓવૈસી પહલગામ મુદ્દે પાકિસ્તાન સામે કેન્દ્રને સાથ આપી રહ્યા છે. પણ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા લઘુમતિ અને તેમના કલ્યાણ બાબતે ઉગ્ર ટપાટપી થઈ હતી. બિહારમાં મુસ્લિમોની વસતી ૧૭ ટકા છે, જે દેશમાં સૌથી વધુ પ્રમાણ પૈકી એક છે. રિજિજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લઘુમતિઓને બહુમતિ કરતા વધુ લાભ અને સુરક્ષા મળે છે. ઓવૈસીએ તેના પ્રતિસાદમાં લાંબો અને આક્રોશભર્યો જવાબ આપતા લખ્યું હતું કે લઘુમતિઓ દેશમાં બંધક બની ગઈ છે.

આરએસએસના મતે મણિપુરમાં શાંતિ સ્થપાઈ રહી છે

મણિપુરમાં વર્તમાન સ્થિતિ વિશે પ્રવર્તી રહેલી ચિંતાઓ વચ્ચે આરએસએસએ જણાવ્યું કે રાજ્યમાં ધીમે ધીમે સામાન્ય સ્થિતિ બની રહી છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આમ્બેકરે જણાવ્યું કે જ્યારે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હોય ત્યારે રાતોરાત સુધારો નથી થતો. પણ ગયા વર્ષની સરખામણીએ રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનવાની શરૂઆત થઈ છે. ધીમે ધીમે મૈતી અને કૂકી સમુદાય વચ્ચે વાતચીત થઈ રહી છે. આમ્બેકરે જણાવ્યું કે આરએસએસ કાર્યકરો રાજ્યમાં સામાજિક કાર્ય કરી  રહ્યા છે.

- ઈન્દર સાહની

Tags :