દિલ્હીની વાત : ઇડી કોઈ ઠગની માફક કામ નહીં કરી શકે : સુપ્રિમ કોર્ટ
નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટે એક કેસની સુનાવણી વખતે ઇડીની આકરી ટીકા કરી હતી. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ઇડી કોઈ ઠગની માફક કામ નહીં કરી શકે. ઇડીએ પણ કાયદાની મર્યાદામાં રહેવું પડશે. ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા મનીલોન્ડરીંગના કિસ્સાઓમાં ૧૦ ટકાથી પણ ઓછા સામે કેસ સાબિત થઈ શક્યા નથી. કોર્ટે કહ્યું હતું કે, જેમને આરોપી બનાવવામાં આવ્યા છે એમની સ્વતંત્રતા બાબતે તો ચિંતા છે જ પરંતુ ઇડીની ઇમેજની પણ ચિંતા છે. જસ્ટીસ સુર્યકાંત, જસ્ટીસ ઉજ્જવલ ભુઈયા અને જસ્ટીસ એન કે સિંહની બેન્ચ વિજય મદનલાલ ચૌધરીના કેસમાં અપાયેલા ચુકાદા સામેની અપીલ પર સુનાવણી કરી રહી હતી. એડિશનલ સોલિસીટર જનરલ એસવી રાજુની દલીલ હતી કે, ઠગો પાસે ઘણા સાધન હોય છે જ્યારે તપાસ કરનાર અધિકારીઓ પાસે એટલી સગવડ હોતી નથી. આ દલીલના જવાબમાં જસ્ટીસ ભુઇયાએ કહ્યું હતું કે, 'તમે (ઇડી) કોઈ ઠગ જેવો વ્યવહાર નહી કરો. અમે જાણીએ છીએ કે, ઇડીએ દાખલ કરેલા કેસોમાંથી ૧૦ ટકા કેસો પણ પુરવાર થઈ શક્યા નથી.'
ઉપરાષ્ટ્રપતિની રેસમાં વધુ બે નામ
ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ માટે એનડીએ ગઠબંધનએ તૈયારી શરૂ કરી દીધી છે. આ પદની રેસમાં બે નામ ઉમેરાયા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ઉપરાજ્યપાલ મનોજ સિંહાનું નામ પણ ચર્ચાય રહ્યું છે. સંસદ ભવનમાં મળેલી એક અગત્યની બેઠકમાં ઉમેદવાર નક્કી કરવાની સત્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને આપવામાં આવી છે. બેઠક પછી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ માહિતી આપી હતી કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. બેઠકના અધ્યક્ષ તરીકે રક્ષા મંત્રી રાજનાથસિંહ હતા. બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, જેડીયુના નેતા લલનસિંહ, શિવસેના (એકનાથ શિંદે)ના શ્રીકાંત શિંદે, ટીડીપીના લવ શ્રીકૃષ્ણ દેવરાયાલુ અને લોજપાના ચિરાગ પાસવાન પણ હાજર રહ્યા હતા. મનોજ સિંહા ઉપરાંત દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સકસેનાનું નામ પણ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં છે.
અરવિંદ કેજરીવાલ શા માટે દિલ્હીથી ગાયબ છે
દિલ્હી વિધાનસભામાં મળેલી હાર પછી આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગાયબ થઈ ગયા છે. બહુ બોલકા કેજરીવાલ દિલ્હીમાં દેખાતા નથી. તેઓ દિલ્હીથી કેમ દુર થઈ ગયા છે એનો જવાબ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે આપ્યો છે. સંજયસિંહના કહેવા પ્રમાણે અરવિંદ કેજરીવાલ મહેનતુ નેતા છે અને તેઓ કશે ખોવાયા નથી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના કામે લાગ્યા છે. સંજયસિંહે કહ્યું હતું કે, 'લોકોએ ગેરસમજ દુર કરવાની જરૂર છે કે કેજરીવાલ ગાયબ થઈ ગયા છે. ઘણી વખત તમારા વિશે એવી વાતો ફેલાવવામાં આવે છે કે જેનો સંબંધ દુર દુર સુધી હોતો નથી. કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે જેટલી મહેનત કરતા હતા એનાથી વધુ મહેનત હવે કરી રહ્યા છે. ગુજરાતમાં આપ કઈ રીતે ચૂંટણી જીતે, કઈ રીતે રેલીઓ કાઢવી એ બધી યોજના બનાવવામાં કેજરીવાલ વ્યસ્ત છે.'
યોગી પર બનેલી ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર, હાઇકોર્ટે ટીકા કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર લખાયેલા પુસ્તકને આધારે બનેલી ફિલ્મ 'અજેય, ધ અનટોલ્ડ સ્ટોરિ ઓફ અ યોગી' સંદર્ભે બોમ્બે હાઇકોર્ટમાં અગત્યની સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન ફિલ્મને અપાતા સર્ટિફિકેટની પ્રક્રિયા અને અને સર્જનાત્મક સ્વતંત્રતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોર્ટે કડક ટીપ્પણી કરી હતી. કોર્ટે ફિલ્મ નિર્માતાઓને સેન્સર બોર્ડમાં અપીલ કરવા અને બોર્ડને ૧૩ ઓગસ્ટ સુધીમાં છેવટનો નિર્ણય લેવા કહ્યું છે. ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના નિર્ણય વિરુદ્ધ નિર્માતાઓ હાઇકોર્ટમાં ગયા હતા. ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે એમણે જ્યારે ફિલ્મને સર્ટિફિકેટ માટે સીબીએફસીને મોકલી હતી ત્યારે સીબીએફસીના સીઇઓએ સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરીને કહ્યું હતું કે પહેલા યોગી આદિત્યનાથને મળીને એનઓસી લઇ આવો. આ બાબતે બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ રેવતી મોહિતે ડેરો અને જસ્ટીસ ગોખલેની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રશાંત કિશોરના આરોપનો જવાબ સીઇઓએ આપ્યો
બિહારના મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇઓ) વિનોદસિંહ ગુંજિયાલએ જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. સીઇઓએ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કહ્યું હતું કે, હજી પણ સમય છે, રાજકીય પક્ષો અને અન્ય હિત ધારકો પોતાનો વાંધો રજુ કરી શકે છે. એમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ પાત્ર મતદારનું નામ રહી ગયુ હોય કે અયોગ્ય વ્યક્તિનું નામ ભૂલમાં મતદાર યાદીમા સામેલ થઈ ગયું હોય તો પહેલી સપ્ટેમ્બર સુધીમાં વાંધો રજુ કરી શકે છે. પ્રશાંત કિશોરએ સોશ્યલ મીડિયામાં ઇલેકશન કમિશન પર આક્ષેપ કર્યો હતો કે, અનુસૂચિત સમાજ અને પ્રવાસી બિહારીઓના નામ મતદાર યાદીમાંથી દુર કરવામાં આવ્યા છે. જોકે ગુંજિયાલના કહેવા પ્રમાણે મતદાર યાદીમાં થતા ફેરફાર એક સતત પ્રક્રિયા છે.
માઝીના સિનિયર નેતા કોંગ્રેસમાં જોડાયા
આજ હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ના યુવાન નેતા સુરજકુમાર રાય તેમ જ જન અધિકાર પાર્ટી (જાપ)ના સિનિયર નેતા તેમજ જિલ્લા પરિષદના સભ્ય સુરેન્દ્ર યાદવ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પક્ષના પ્રદેશ પ્રમુખ રાજેશ રામની હાજરીમાં આ તમામ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામ નેતાઓનું રાજેશ રામએ સ્વાગત કરતા કહ્યું હતું કે, એમના આગમનને કારણે ઔરંગાબાદ જિલ્લામાં કોંગ્રેસ મજબૂત થશે. આવનારા સમયમાં બિહાર કોંગ્રેસની તાકાતને કોઈ અવગણી શકશે નહીં. કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓએ કહ્યું હતું કે એમને રાહુલ ગાંધીના નેતૃત્વ પર પુરો વિશ્વાસ છે અને કોંગ્રેસની વિચારધારાથી તેઓ આકર્ષિત થયા છે. જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ટિકિટની શોધમાં દરેક પક્ષના રાજકીય નેતાઓ પક્ષ બદલી રહ્યા છે.
મોહુઆ મોઇત્રાનો બચાવ કરવા બદલ બેનર્જીએ માફી માંગી
તૃણમુલ કોંગ્રેસ પક્ષના બે સાંસદો મોહુઆ મોઇત્રા અને કલ્યાણ બેનર્જી ખુલ્લેઆમ એકબીજા સામે લડી રહ્યા છે. બંનેની બયાનબાજીને કારણે મમતા બેનર્જી પણ નારાજ છે. પક્ષનો આતંરીક ઝઘડો જાહેરમાં આવવાથી પક્ષની ઇમેજને પણ નુકશાન થયું છે. મોહુઆ પર કરેલા ઉપકારનો એક જૂનો વિડિયો કલ્યાણ બેનર્જીએ શેર કર્યો છે. આ વિડિયોમાં તેઓ સંસદમાં મોહુઆ મોઇત્રાનો બચાવ કરી રહ્યા હોવાનું દેખાય છે. બેનર્જીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'મે મોહુઆનો બચાવ મજબુરીને કારણે નહીં, પરંતુ લાગણીને કારણે કર્યો હતો. આજે તે મને હવે મહિલા વિરોધી કરી રહી છે. આવી વ્યક્તિનો બચાવ કર્યો એ માટે હું માફી માંગુ છું.' બંને નેતાઓ વચ્ચે વિવાદની શરૂઆત મોહુઆ મોઇત્રાના એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુને કારણે થઈ હતી.
મુખ્તાર અન્સારીના પરિવાર માટે કપરા દિવસો
ગેન્ગસ્ટરમાંથી રાજકરણી બનેલા મુખ્તાર અન્સારીના ગયા વર્ષે મોત પછી ઘણાના મતે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ અને રાજકરણીઓ વચ્ચેના જોડાણને ફટકો પડશે. પણ અન્સારીનો પરિવાર ફરી સમાચારમાં ઝળકી રહ્યો છે. લખનઉ પોલીસે ગયા અઠવાડિયે મુખ્તારના નાના પુત્ર ઉમર અન્સારીની તેના પિતાની મિલકતો હડપી લેવાના આશયથી બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. જો કે નિરીક્ષકોના મતે ઉમરની ધરપકડ કોઈ સંયોગ નહોતી. તે માઉ વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. હેટ સ્પીચને કારણે તેના મોટાભાઈ અબ્બાસ અન્સારીને ગેરલાયક ઠરાવવામાં આવતા આ બેઠક ખાલી પડી હતી.
ન્યાયધીશ તરીકેની નિમણૂંકનો વિવાદ સંસદમાં ગૂંજ્યો
મુંબઈ હાઈ કોર્ટમાં ન્યાયધીશ તરીકે થયેલી નિમણૂંકનો વિવાદ હવે સંસદમાં પહોંચી ગયો છે અને કોંગ્રેસ સાંસદ હીબી એડને આ બાબતની લોકસભામાં ચર્ચા કરવાની માગણી કરી છે. ૨૮ જુલાઈએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે એક સમયે ભાજપની પ્રવક્તા રહેલી આરતી અરુણ સાઠેની નિમણૂંકને મંજૂરી આપતા વિપક્ષે તેની નિષ્પક્ષતા બાબતે શંકા વ્યક્ત કરી હતી. કોલેજિયમના નિર્ણયના એક દિવસ પછી ટીએમસીના રાજ્ય સભાના સાંસદ સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પર એના વિશે ટિપ્પણી કરી હતી. અગાઉ આ અઠવાડિયે મહારાષ્ટ્રમાં પણ વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી હતી એનસીપી (શરદ પવાર)ના વિધાયક રોહિત પવારે જો કે સોશિયલ મીડિયા પર આ બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ભાજપે આ તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું કે આ નિમણૂંક માત્ર યોગ્યતાના આધારે કરાઈ હતી.
- ઈન્દર સાહની