mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : યુપીમાં જીતવા કૃષિ કાયદા રદ કરાશે

Updated: Aug 10th, 2021

દિલ્હીની વાત : યુપીમાં જીતવા કૃષિ કાયદા રદ કરાશે 1 - image


નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મોદી બહુ મોટો દાવ ખેલીને ત્રણેય કૃષિ કાયદા પડતા મૂકે એવો સંકેત મળ્યો છે. યુપી ભાજપની કારોબારીના સભ્ય રામ ઈકબાલ સિંહે કહ્યું કે, યુપીના આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સરકાર આ કાયદા પાછા ખેંચવા વિચારી રહી છે. યુપીની ચૂંટણી અને ખેડૂતોનો આક્રોશ જોતાં કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવી શકે છે.

ખેડૂતોની કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણીને યોગ્ય ગણાવીને સિંહે કહ્યું કે, આ કાયદા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તો ભાજપના નેતા ગામોમાં જઈ શકતા નથી. આ આક્રોશ શમવાનો નથી. ભવિષ્યમાં પણ ખેડૂતો ભાજપના નેતાઓને ઘેરાવ કરશે જ.

ભાજપનાં સૂત્રો પણ સિંહની વાતને સમર્થન આપે છે. તેમનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે કૃષિ કાયદાનો અમલ અત્યારે મોકૂફ જ છે તેથી કાયદો હોય કે ના હોય, કોઈ ફરક પડતો નથી. આ સંજોગોમાં કાયદા પાછા ખેંચીને ખેડૂતોને ખુશ કરવાનો રાજકીય દાવ ખેલવામાં કશું ખોટું નથી.

જંતર મંતર પર મુસ્લિમ વિરોધી નારાથી મોદી નારાજ

દિલ્હીમાં જંતર મંતર ખાતે રવિવારે 'ભારત જોડો'ના નામે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ વિરોધી નારા લાગતાં મોદી ભડક્યા છે. વડાપ્રધાનના આદેશના પગલે દિલ્હી પોલીસે આ કાર્યક્રમમા લાગેલા નારા અંગે એફઆઈઆર નોંધી છે. કોઈ પણ મંજૂરી વિના યોજાયેલા આ કાર્યક્રમના આયોજકો સામે આકરાં પગલાં ભરવા પણ મોદીએ ફરમાન કર્યું હોવાનું કહેવાય છે.

આ કાર્યક્રમ ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે યોજ્યો હતો. 'ભારત છોડો' આંદોલનની જ્યંતિ પર અંગ્રેજોએ બનાવેલા અને હજુ અમલી છે એવા કાળા કાયદા નાબૂદ કરવા માટે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુસ્લિમ વિરોધી બની ગયો. કાર્યક્રમમાં મુસ્લિમો સામે ઉશ્કેરણીજનક ભાષણો થયાં અને મુસ્લિમ વિરોધી નારા પણ લાગ્યા. આ ભાષણો-નારાના સંખ્યાબંધ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મોદી શાસનમાં મુસ્લિમોને નિશાન બનાવાય છે એવી ટીકા સતત થાય છે. આ કાર્યક્રમના કારણે આ ટીકાઓને વેગ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીની ઈમેજ બગડશે. યુપીની ચૂંટણીમાં પણ તેની અસર પડશે તેથી મોદી ખફા છે.

ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા સામે વિરોધ

કર્ણાટકમાં ભાજપ સરકારની ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવાની વિચારણા સામે કોંગ્રેસ ઉકળી છે. કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. મોદી સરકારે ખેલરત્ન એવોર્ડ સાથે રાજીવ ગાંધીનું નામ હટાવીને મેજદ ધ્યાનચંદનું નામ જોડયા પછી ભાજપે ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા માગણી કરી છે.

સિધ્ધરામૈયા મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબોને સસ્તા ભાવે ભોજન આપવા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલી યોજના હેઠળ ગરીબોને પાંચ રૂપિયામાં સવારનો નાસ્તો અને દસ-દસ રૂપિયામાં બપોર તથા રાતનું ભોજન અપાય છે. ભાજપે માગણી કરી છે કે, આ યોજનાનું નામ બદલીને અન્નપૂર્ણેશ્વરી કેન્ટિન કરવું જોઈએ કે જેથી લોકોને કટોકટીના કાળા દિવસોની યાદ ના આવે.

રાજકીય વિશ્લેષકોના મતે, ખેલરત્ન એવોર્ડનું નામ બદલવા ભાજપ પાસે યોગ્ય તર્ક હતો. રાજીવ રમતવીર નહોતા તેથી તેમના નામે સ્પોર્ટ્સ એવોર્ડ યોગ્ય ના કહેવાય પણ ઈન્દિરા કેન્ટિનનું નામ બદલવા માટે યોગ્ય કારણ નથી. ભાજપ આ હિલચાલ દ્વારા રાજકીય કિન્નાખોરી બતાવી રહ્યો છે. કર્ણાટક કોંગ્રેસનું મજબૂત રાજ્ય છે તેથી ભાજપને આ હિલચાલ ભારે પડી શકે.

પાયલોટ ભાજપમાં આવશે જ, અબ્દુલ્લાકુટ્ટીનો દાવો

ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એ.પી. અબ્દુલ્લાકુટ્ટીએ સચિન પાયલોટ વિશે કરેલા દાવાએ રાજકીય અટકળોને તેજ કરી દીધી છે. અબ્દુલ્લાકુટ્ટીએ દાવો કર્યો કે, સચિન પાયલોટ બહુ સારા નેતા છે અને આજે નહીં તો કાલે ભાજપમાં જોડાઈ જશે. તેમણે દાવો કર્યો કે, પાયલોટ સતત ભાજપની નેતાગીરીના સંપર્કમાં છે અને ગમે ત્યારે ગમે તે બની શકે છે.

કેરળના અબ્દુલ્લાકુટ્ટી મૂળ સીપીએમના છે અને કન્નુર લોકસભા બેઠક પરથી બે વાર સીપીએમની ટિકિટ પર ચૂંટાયા પણ હતા. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે કુટ્ટીના અંગત સંબધો છે.  સચિન પાયલોટે ઉમરની બહેન સારા સાથે લગ્ન કર્યાં છે તેથી અબ્દુલ્લાકુટ્ટીની વાતને ગંભીર માનવામાં આવી રહી છે.

પાયલોટે ભાજપમાં જોડાવાનો વારંવાર ઈન્કાર કર્યો છે પણ કોંગ્રેસ પાયલોટને ન્યાય આપવા કશું કરતી નથી તેથી પાયલોટ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાનમાં કેબિનેટ અને સંગઠનમાં વિસ્તરણની પાયલોટની માગણીનો નિવેડો આવતો નથી તેથી અકળાયેલો પાયલોટ ભાજપમાં જોડાવનો વિકલ્પ વિચારતા હોય તો નવાઈ નહીં.

રજિબ મમતા સાથે જાય એ પહેલાં સસ્પેન્ડ થશે

પશ્ચિમ બંગાળમાં મુકુલ રોય પછી વધુ એક દિગ્ગજ નેતા રજિબ બેનરજીને ભાજપ સસ્પેન્ડ કરી દેશે એવું મનાય છે.  રજિબ શનિવારે સાંજે મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનરજીને તેમની ઓફિસમાં મળ્યા હતા. આ બેઠક પછી પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે રજિબને ફોન કર્યો પણ રજિબે ફોન ઉપાડવાની તસદી પણ નહોતી લીધી. અકળાયેલા ઘોષે હાઈકમાન્ડને બેનરજીને સસ્પેન્ડ કરવા ભલામણ મોકલી દીધી છે.

રજિબ બેનરજી અગાઉ પણ કૃણાલ ઘોષ સહિતના તૃણમૂલના ટોચના નેતાઓને મળ્યા હતા. ભાજપે તેમને બે વાર શો કોઝ નોટિસ ફટકારી હતી પણ રજિબે તેનો જવાબ આપવાની તસદી નથી લીધી. તેના કારણે ભાજપના નેતા ખફા છે ત્યાં હવે રજિબે ઘોષને અવગણતાં રજિબની હકાલપટ્ટી નક્કી મનાય છે.

રજિબ મમતા સરકારમાં મંત્રી હતા ને ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. ભાજપની કારમી હાર પછી તેમણે ભાજપના કાર્યક્રમોમાં જવાનું જ બંધ કરીને તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. રજિબ કોઈ પગલું ભરે એ પહેલાં ભાજપ ઘા કરવા માગે છે.

* * *

ઓબીસી બિલના લીધે વિપક્ષે ચર્ચા કરવાની ફરજ પડી

સંસદનું ચોમાસુ સત્ર અંતિમ સપ્તાહમાં પ્રવેશ્યુ છે ત્યારે પ્રારંભથી અત્યાર સુધી સરકાર સામે આક્રમક રહેલા વિપક્ષે ઓબીસી બિલના લીધે પહેલી વખત પારોઠના પગલાં ભરવાની ફરજ પડી હતી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના ડો. વિજેન્દ્ર કુમારે બંધારણના ૧૨૭માં સુધારા પેટે ઓબીસી બિલ લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલનું મુખ્ય હાર્દ રાજ્યોને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની ઓળખ કરવાનો અધિકાર પરત આપવાનું છે.

વિપક્ષ આ મુદ્દે પહેલી વખત સરકારના સમર્થનમાં આવ્યું હતું. તેના લીધે તેણે આજના દિવસ માટે પેગાસસ અને કૃષિ કાયદા અંગેનો વિરોધ પડતો મૂકીને ચર્ચાની તૈયારી બતાવી હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વિપક્ષના બધા નેતા આ બિલને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર ૧૯ જુલાઈથી શરુ થયુ ત્યારથી સંસદ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકી નથી. મોટાભાગના બિલ એમને એમ પાસ કરી દેવાયા છે. 

જાતિ આધારિત સેન્સસના લીધે જાતિગત રાજકારણને વેગ મળશે

પ્રાદેશિક પક્ષો દ્વારા જાતિ આધારિત સેન્સસની માંગ કરવામાં આવવાના લીધે જાતિગત રાજકારણને વેગ મળે સંભાવના છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપના સહયોગી અપના દળ (સોનેલાલ)એ કેન્દ્રીય સામાજિક કલ્યાણ મંત્રાલય પાસે ઓબીસીના કલ્યાણ ઉપરાંત સમગ્ર દેશમાં જાતિ આધારિત સેન્સસની માંગ કરી છે. ઉત્તરપ્રદેશ સ્થિત પાર્ટી અપના દળ (એસ) ઉપરાંત બિહારમાં ભાજપ શાસિત સરકારના મહત્ત્વના ઘટક જેડી(યુ)એ પણ આ માંગ કરી છે.

જો કે આવી માંગ કરનારા આ જ બે પક્ષો નથી. આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડીએમકેએ પણ જાતિ આધારિત સેન્સસની માંગ કરી છે. સ્વાભાવિક છે કે તેઓ આના આધારે પોતાની જાતિગત વોટબેન્ક બનાવી શકે. ભૂતપૂર્વ ઓબીસી કમિશનના સભ્ય શકિલઉઝમાન અન્સારીએ જણાવ્યું હતું કે દેશે જાણવું જોઈએ કે દેશમાં ઓબીસીની કેટલી વસ્તી છે અને તેમનો સામાજિક દરજ્જો શું છે જેથી કોઈ ખાસ સમાજ માટે કલ્યાણકારી યોજનાઓ રજૂ કરી શકાય. 

સર્વપક્ષીય બેઠક મહત્ત્વ ગુમાવી રહી છે

સંસદમાં હાલમાં ચોમાસુ સત્ર દરમિયાન ગતિરોધ ચાલી રહ્યો છે ત્યારે સર્વપક્ષીય બેઠકનું શું મહત્ત્વ છે તે સવાલ પૂછાવવા માંડયો છે. આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે વિપક્ષ દ્વારા પેગાસસ વિવાદ અને કૃષિ કાયદાના લઈને ચાલી રહેલા સત્ર દરમિયાન ચાલતી મડાગાંઠનો અંત લાવવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠક ફક્ત એક સંભાવના હતી. જો કે પછી આ બેઠક યોજાઈ ન હતી, કારણ કે વિપક્ષે પેગાસસ મુદ્દે મક્કમ રહેવાનું નક્કી કર્યુ હતુ. સરકારના મેનેજરોને હવે આ બેઠકની ખાસ ઉપયોગિતા લાગતી નથી, કારણ કે તેના પરિણામો પહેલેથી જ નિશ્ચિત છે. ફક્ત એટલુંજ નહી.

સંસદના નિરીક્ષકોનું પણ કહેવું છે કે સર્વપક્ષીય બેઠકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને ઘણી મહત્ત્વની હોય છે અને તાજેતરના વર્ષોમાં આવી બેઠકો યોજાતી દેખાતી નથી. સર્વપક્ષીય બેઠકનો હેતુ ગૃહને સુચારી રીતે ચલાવવાનો છે. મોદી સરકારે આવી છેલ્લા સાત વર્ષ દરમિયાન આવી ૨૬ બેઠકો યોજી છે. જ્યારે મનમોહન સિંઘની સરકાર દસ વર્ષમાં આવી ૧૭ બેઠકો યોજી હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લા વર્ષો દરમિયાન દર વર્ષે સંસદના સત્રના પ્રારંભમાં સત્ર સુચારુ રીતે યોજાય તે માટે બેઠક કરવામાં આવે છે અને તે સામાન્ય બાબત બની ગઈ છે. 

ગૃહ જાહેર મહત્ત્વની બાબત પર ચર્ચા કરી શકે પછી ભલે તે કોર્ટમાં હોય

સરકારે સંસદમાં પેગાસસ મુદ્દે તેમ કહીને ચર્ચા થવા દીધી નથી કે આ બાબત સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. તેના અંગે લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી. અચારીએ કોર્ટમાં વિચારાધીન કે સબજ્યુડિસ હોવાના નિયમની મર્યાદાઓ સમજાવી છે. ગૃહ જાહેર મહત્ત્વની કોઈપણ બાબત પર ચર્ચા કરી શકે છે. વિધાનસભ્યોની સ્વતંત્રતા સ્વનિયંત્રણથી મર્યાદામાં લાવી શકાય છે. વિધાનસભા ઇચ્છે તો તે કોર્ટના ચુકાદા પર અસર કરતી ચર્ચા ગૃહમાં ટાળી શકે છે.

તેના લીધે ન્યાયિક નિર્ણયની યોગ્યતા અને હેતુલક્ષિતા જળવાઈ શકે. સંસદે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. ગૃહમાં કેટલાય નાણાકીય કૌભાંડોની ચર્ચા થઈ છે, પછી ભલેને તેનો કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. ગૃહ જાહેર મહત્ત્વના બધા જ મુદ્દા પર ચર્ચા કરવા સ્વતંત્ર છે.

વધુમાં કાર્યપ્રણાલિના નિયમો પણ જણાવે છે કે ગૃહ સંસદમાં ચર્ચાને અવરોધતા હોય તેવા કોઈપણ નિયમને સસ્પેન્ડ કરી શકે છે. આ રીતે તેને જરુર પડે તો તે સબજ્યુડિસના નિયમને સસ્પેન્ડ કરી શકે છે. હવે જો સબજ્યુડિસના નિયમને સખ્તાઇથી અનુસરવામાં આવે તો ગૃહમાં ચાલતી ચર્ચાને કોીપણ વ્યક્તિ દેશની ગમે તે કોર્ટમાં કેસ કરીને અટકાવી શકે. તેથી સબજ્યુડિસની ટર્મને મૂર્ખામીભરી કહી શકાય તે હદ સુધી ખેંચવાની જરુર નથી, એમ તેમણે જણાવ્યું છે. 

નીરજ ચોપરાને ગોલ્ડનો કાશ્મીરમાં ઉલ્લેખ પણ નહી

જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારમાં ટોચના સ્તરે કામ કરી ચૂકેલા અને નિવૃત્ત અમલદારે જણાવ્યું હતું કે નીરજ ચોપરા અને ભારતને ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડમાં પહેલો ગોલ્ડ મળ્યો તે સમાચાર ખીણના રવિવારના અખબારોમાં ક્યાય પહેલા પાને ન હતા. તેમના માટે કંઈ આ દિવસની ચૂકી જવાયેલી સ્ટોરી પણ ન હતી. કાશ્મીરમાં આ પ્રકારની બાબતો છપાતી નથી. નવી દિલ્હી દ્વારા લાદવામાં આવેલી સખ્તાઇનો આ જવાબ છે, એમ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (સ્કીમ્સ)ના પ્રતિષ્ઠિત ડોક્ટરે જણાવ્યું હતું. 

- ઇન્દર સાહની

Gujarat