Get The App

દિલ્હીની વાત : ઇરાનમાં યુદ્ધવિરામ પછી પાક.ના વડાપ્રધાન ટ્રોલ થયા

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ઇરાનમાં યુદ્ધવિરામ પછી પાક.ના વડાપ્રધાન ટ્રોલ થયા 1 - image

નવીદિલ્હી : મધ્યપૂર્વના યુદ્ધ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની એક સોશ્યલ મીડિયા પોસ્ટ ચર્ચાસ્પદ બની છે. અમેરિકા-ઇરાન વચ્ચે થયેલા કામચલાઉ યુદ્ધવિરામમાં એમની ભૂમિકા પર પ્રશ્નો થયા છે. સોશ્યલ મીડિયા પર એમણે ટીખળ અને ટીકાનો સામનો પણ કરવો પડયો છે. શહબાઝ શરીફે સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં એમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સમક્ષ જે કાર્યવાહી કરવા માંગતા હતા એની સમય મર્યાદા લંબાવવાની અપીલ કરી હતી. એમણે લખ્યું હતું કે, કુટનીતિને આગળ વધારવાનો મોકો પાકિસ્તાનને આપે અને સમય મર્યાદા બે અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવે. આ ઉપરાંત એમણે ઇરાનને અપીલ કરી હતી કે હોર્મૂઝ ખાડી ખોલી દે જે વિશ્વની તેલ જરૂરીયાત પૂરી કરવા માટે અગત્યની છે. જોકે પોસ્ટની એડીટ હિસ્ટ્રી ધ્યાન પર આવતા તેઓ ટ્રોલ થયા હતા. લોકોને ખબર પડી ગઈ હતી કે આ સંદેશો પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને યોગ્ય રીતે એડીટ પણ કરવામાં આવ્યો નહોતો. એમ મનાય છે કે, અમેરિકાના કહેવાથી જ એમણે આ પોસ્ટ મૂકી હતી.

મુખ્યમંત્રી હિમંતના નિવેદન બાબતે પ્રિયંકાએ મોદીને ઘેર્યા

કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે બાબતે કરેલી અપમાનજનક ટીપ્પણીની નિંદા કરી છે. એમણે આ ટીપ્પણીને અત્યંત શરમજનક કહીને વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે, શું તેઓ આ અપમાનનું સમર્થન કરે છે? હિમંત વિશ્વા સરમાએ મલ્લિકાર્જૂન ખડગે માટે કહ્યું હતું કે, વૃદ્ધત્વને કારણે ગાંડી થઈ ગયેલી વ્યક્તિઓની જેમ તેઓ બકવાસ કરે છે. ખડગેએ આસામના મુખ્યમંત્રી સામે લાગેલા આરોપોની તપાસ સીબીઆઇ મારફતે કરાવવાની વાત કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, ખડગે દેશના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેઓ ફક્ત કોંગ્રેસના નહીં, દલિતો અને વંચીત વર્ગોના પણ નેતા છે. એમનં  અપમાન એ દેશના કરોડો લોકોનું અપમાન છે.

બંગાળ જતા નેતાઓને ભાજપની સલાહ : કાળા જાદુથી બચજો

વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપ જે રીતે હારી હતી એને કારણે હવે સતર્ક થઈ ગઈ છે. આ વખતે પક્ષે પશ્ચિમ બંગાળમાં બહારના નેતાઓની ફોજ તો ઉતારી છે, પરંતુ એમને કેટલીક ખાસ સલાહો પણ આપી છે. પક્ષે આ પ્રવાસી નેતાઓને અજાણી મહિલાઓથી દુર રહેવા, બંગાળી સ્ટાઇલે કપડા પહેરવા, સાર્વજનીક જગ્યાએ રાજકીય દલીલબાજીથી દુર રહેવા અને મીડિયામાં કોઈપણ નિવેદન આપવાથી દુર રહેવા કહ્યું છે. બીજા રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળ જતા નેતાઓને પક્ષે કહ્યું છે કે તેઓ સ્થાનિક નેતાઓને આગળ રાખે અને પરદા પાછળ રહીને કામ કરે. કાંજી કરેલા કૂર્તા -પાયજામા પહેરવાથી દુર રહે અને સ્થાનિક લોકો સાથે હળીમળી જવા રસ્તાઓ વિચારે. છેલ્લી ચૂંટણીમાં બહારના નેતાઓની ફોજ ભાજપને ભારી પડી હતી. તૃણમુલ કોંગ્રેસે એ વખતે સ્થાનિક વિરુદ્ધ બહારનાનો મુદ્દો બનાવી ચૂંટણી જીતી હતી.

ભાજપની નવી ટીમ પર સંઘની નજર

ભાજપની નવી ટીમના સ્વરૂપ બાબતે રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘે લક્ષ્મણ રેખા ખેંચી છે. ભાજપના પ્રમુખ નીતિન નવીનની નવી ટીમ બનાવવાની તૈયારી બાબતે સંઘ સજાગ છે. સંઘને સૌથી મોટો વાંધો એ વાતે છે કે, નવી પેઢીના નેતાઓ જમીનસ્તરે પરસેવો પાડવાને બદલે આભાસી દુનિયાના રાજકારણમાં જ ગૂંચવાયેલા રહે છે. સંઘનું માનવું છે કે સંગઠનની કોઈપણ વ્યક્તિ વિચારધારાના ભોગે સત્તાનું સુખ ભોગવવા માંગતી હોવી જોઈએ નહીં. પક્ષની કમાન એવા લોકોના હાથમાં હોવી જોઈએ કે જે વૈચારીક રીતે મજબૂત હોય અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવતા હોય. સંઘ છેલ્લા થોડા વર્ષોથી એટલા માટે નારાજ છે કે ભાજપના મોટા નેતાઓનો સંપર્ક પ્રજા સાથે ઓછો થઈ રહ્યો છે.

નવજોતસિંહ સિદ્ધુ માટે રાજકીય સફર આસાન નથી

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક નેતાઓ નવા રાજકીય પક્ષની સ્થાપના કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણી પહેલા ૧૫ વર્ષના ગાળામાં પંજાબમાં ૭ નવા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે. એમાંથી ત્રણ તો વિખેરાય પણ ગયા છે. બાકીના પક્ષો અસ્તિત્વમાં તો છે, પરંતુ ચૂંટણીમાં કઈ ઉકાળી શક્યા નથી. હવે કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌરએ પણ ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી (ભારપા)ની સ્થાપના કરી છે. સિદ્ધુના ટેકેદારો છેલ્લા કેટલાક સમયથી આ પક્ષના સંપર્કમાં છે. પંજાબમાં ચર્ચા થઈ રહી છે કે સિદ્ધુ શું એમના પત્નીના પક્ષમાં જોડાશે કે કોંગ્રેસમાં જ ચાલુ રહેશે? હજી સુધી તો નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસને રામરામ કર્યા નથી. જોકે સિદ્ધુ કોંગ્રેસમાં રહે કે નવા પક્ષ સાથે જોડાય એમનું રાજકીય ભવિષ્ય ઉજળુ નથી.

કર્ણાટક સરકાર હવે 'ટીનેજ પ્રેગ્નનસી'નું ઓડિટ કરશે

કર્ણાટક રાજ્યમાં કિશોરીઓમાં પ્રેગન્સીનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણ ઓછુ કરવા માટે તેમજ યુવતીઓની સુરક્ષા વધારવા માટે સરકારે એક નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા એક હુકમ પ્રમાણે હવે રાજ્યમાં જેટલી ટીનેજ પ્રેગ્નનસી બહાર આવશે એમનું ઓડિટ કરવામાં આવશે. મતલબ કે પ્રેગન્સીની આસપાસની તમામ માહિતી રેકર્ડ પર લેવી પડશે. જેતે તાલુકાના સ્વાસ્થ્ય અધિકારીએ આવા કિસ્સાઓની સમીક્ષા કરવી પડશે. આ કાર્યવાહી ફક્ત કાગળ પર રહેશે નહીં, પરંતુ અધિકારીઓએ તપાસ કરવી પડશે કે ગર્ભધારણ કઈ પરિસ્થિતિમાં થયું છે. શું કિશોરીને યોગ્ય સમયે સારવાર મળી હતી ખરી કે એમનું શોષણ થયું હતું કે બાળ વિવાહ થયા હતા. સરકારે સાફ કહી દીધું છે કે હવે ટીનેજ પ્રેગ્નનસીનો કોઈપણ કિસ્સો છૂપાવી નહીં શકાય.

દિલ્હીમાં શ્રમિકોના પલાયનથી મોટી ચિંતા

એલપીજી સંકટને કારણે દિલ્હીના ગરીબ મજૂરોની જિંદગી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. હવે એમની પાસે દિલ્હી છોડીને ફરીથી ગામ જવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. મોંઘી કિંમતે ગેસ ખરીદવા માટે જો તેઓ પૈસા વાપરી નાખે તો ગામમા રહેતા બાળકો અને કુટુંબીને પૈસા મોકલી શકે એમ નથી. આ ચિંતાને કારણે શ્રમિકો દિલ્હી છોડી વતન જઈ રહ્યા છે. જો તેઓ લાકડા અને કોલસાનો ઉપયોગ કરીને ખાવાનું બનાવે છે તો મકાન માલિક એમને રોકે છે. આવી પરિસ્થિતિમાં ઘણા શ્રમીકો ઉધાર પૈસા લઇને વતન પાછા ફરે છે. મોંઘા ગેસને કારણે એમનું બજેટ બગડી ગયું છે અને તમામ બચત ખર્ચી નાખવી પડી છે. રસોઇ બનાવવા માટે લાકડા જલ્દીથી મળતા નથી અને જો મળે તો બાર કલાક સુધી કામ કરીને તેઓ થાકી જાય છે.