Get The App

દિલ્હીની વાત : આતંકી તહવ્વુર રાણાએ કોર્ટને મોકલેલી ચિઠ્ઠીમાં મોદીનું નામ કેમ

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આતંકી તહવ્વુર રાણાએ કોર્ટને મોકલેલી ચિઠ્ઠીમાં મોદીનું નામ કેમ 1 - image

નવીદિલ્હી : મુંબઈ પરના હુમલા માટે જવાબદાર આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની અરજી અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે તહવ્વુર રાણાને આસાનીથી ભારત લાવીને એના પર કામ ચલાવી શકાશે. મૂળ પાકિસ્તાની અને કેનેડાનો નાગરીક રાણા હમણા લોસએન્જલસના ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પ્રત્યાર્પણ મામલે સ્ટે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. રાણાની આ અરજી નકારાયા પછી બીજી સુધારેલી અરજી ન્યાયાધિશ સમક્ષ રજુ કરી હતી. આ અરજીમાં એણે રીપીટ કર્યું હતું કે જો એને ભારતને સોપવામાં આવશે તો ટોર્ચર કરવામાં આવશે. ભારતમાં નરેન્દ્ર મોદીનું શાસન હોવાથી એના માટે ટોર્ચર એક પ્રકારની મોતની સજા જ હશે.

રાજ્યપાલે મમતાને તંગ કરવા કુલપતિઓની પસંદગીમાં વાંધો ઉઠાવ્યો

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને મુખ્ય મંત્રી મમતા બેનર્જી વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. મમતાને પરેશાન કરવાની એક પણ તક બોઝ ચૂકતા નથી. હવે બોઝે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને રાજ્યની ૧૭ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની પસંદગી બાબતે વાંધો ઉઠાવ્યો છે. આ કુલપતિઓની નિમણૂક કરવા માટે મમતા બેનર્જીએ ભલામણ કરી હતી. સોશ્યલ મીડિયા એક્સ પરની પોસ્ટમાં રાજભવન તરફથી લખવામાં આવ્યું છે કે, રાજ્યપાલ તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલાધીપતિ છે. યુનિવર્સિટીમાં કોને કુલપતિ બનાવવા એનો નિર્ણય કરવાની સત્તા રાજ્યપાલ પાસે હોય છે. મમતા બેનર્જીએ રાજ્યપાલને સાંભળ્યા વગર જ નામોની પસંદગી કરી દીધી છે. જોકે મુખ્યમંત્રીના નજીકના વર્તુળોનું માનવું છે કે, મુખ્યમંત્રીને તંગ કરવા માટે જ બોઝ આવા અવનવા ગતકડા કરતા રહે છે.

બંગાળ સરકારને ફટકો, 313 શિક્ષકોનો પગાર રોકવા હાઈકોર્ટનો આદેશ

પશ્ચિમ બંગાળ સરકાર ૨૫૭૫૩ શિક્ષકો અને કર્મચારીઓનો વિવાદ ઉકેલી નથી શકી ત્યાં જ રાજ્ય સરકારને શિક્ષકોની ભરતી સંબંધીત બીજા એક કિસ્સામાં હાઇકોર્ટની ફટકારનો સામનો કરવો પડયો છે. હાઇકોર્ટે સરકારને એક સાથે ૩૧૩ શિક્ષકોનો પગાર બંધ કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટના ન્યાયાધિશ વિશ્વજીત બસુની બેન્ચે આ હુકમ કર્યો છે. કોર્ટે આ બાબતે સરકારને ૭૨ કલાકનો સમય આપ્યો છે. શિક્ષકોની પસંદગી બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ હતો. આ કિસ્સાની તપાસ સીઆઇડી કરી રહી હતી. જજે આ પહેલા પણ રાજ્ય સરકાર પાસે શિક્ષકોની ભરતી બાબતે જાણકારી માંગી હતી.

ટ્રમ્પે ભ્રમ ભાંગ્યો, આપણે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે : રાહુલ ગાંધી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિ આજે ભારે ચર્ચામાં છે. ટ્રમ્પની ટેરીફ નીતિને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. આ બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટીપ્પણી કરી છે. ગાંધીએ કહ્યું છે કે, ટ્રમ્પ બાબતનો ભ્રમ હવે ઉઘાડો પડી ગયો છે, આપણે પણ હવે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે. ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા. એમણે સોશ્યલ મીડિયાની પોસ્ટ પર લખ્યું હતું કે વડાપ્રધાન મોદી હવે દેખાતા નથી. ભારતે ઉજ્વળ આર્થિક ભવિષ્ય માટે ઉત્પાદન આધારીત અર્થવ્યવસ્થા બનાવવાની જરૂર છે, જે તમામ ભારતીયો માટે લાભકારી હોય. અમેરિકન પ્રમુખના પગલાઓને કારણે શેરબજાર પણ કડડભૂસ થઈ ગયા છે.

મોદી સરકારે દેશની આરોગ્ય વ્યવસ્થા આઇસીયુમાં પહોંચાડી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકારે દેશની આરોગ્ય વ્યવસ્થા બગાડી નાંખી છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર બે મીનીટ અને આઠ સેંકડનો વિડિયો પોસ્ટ કર્યો છે. એમણે કહ્યું છે કે, વિશ્વ આરોગ્ય દિવસે જાણવું જરૂરી છે કે મોદી સરકારે કઈ રીતે દેશની આરોગ્ય વ્યવસ્થાને આઇસીયુમાં પહોંચાડી દીધી છે. વિડિયોની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, 'દવાઇ, ઇલાજ પર મહંગાઇ કી ભાજપાઇ ગોલી' આ વિડિયોમા ખડગેએ કહ્યું છે કે, સારવારનો ખર્ચ જે રીતે વધી રહ્યો છે એ સરકારની નિષ્ફળતાનો પૂરાવો છે. છેલ્લા પાંચ વર્ષથી સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. આ વર્ષના એપ્રિલ મહિનાથી ૯૦૦ જેટલી જરૂરી દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે.

ભાજપના આંતરિક વિખવાદ પર ફડણવીસના કાકીના પ્રહાર

ભાજપના સ્થાપના દિવસે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સ્થાનિક ધારાસભ્ય કિશોર જોરગેવારના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમને અવગણીને બીજા સિનિયર નેતા સુધીર મૂનગંટીવારએ અલગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બાબતે ભૂતપૂર્વ મંત્રી શોભાતાઇ ફડણવીસ ખુબ નારાજ થયા છે. એમણે કહ્યું કે લોકો ભાજપમાં દાખલ થવા લાઇનમાં ઉભા છે. આપણે જો આ જ રીતે લડતા રહીશું તો લોકો એમ કહેશે કે આપણા હાલ પણ કોંગ્રેસ જેવા થઈ ગયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાકી શોભાતાઇએ કહ્યું હતું કે 'આપણે આપણા પક્ષને કોંગ્રેસ જેવો બનાવવાની જરૂર નથી. આપણે ભાજપની ઓળખ જાળવી રાખવી જોઈએ. ભાજપ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા પર છે, પરંતુ ચંદ્રપુરમાં આંતરીક ઝઘડા છે. એક જ શહેરમાં બે અલગ અલગ કાર્યક્રમ કરવાની જરૂર નહોતી.'

માછીમારોની તકલીફના કાયમી ઉકેલ બાબતે સ્ટાલિને મોદીની ટીકા કરી

શ્રીલંકાના માછીમારોની સમસ્યાના સમાધાન મામલે તામિલનાડુના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. સ્ટાલીને કહ્યું છે કે, આપણા માછીમારોને શ્રીલંકાની નૌસેના મારફતે ધરપકડ કરવામાં આવે છે. આ અન્યાય રોકવાનું કામ અમે વડાપ્રધાનને સોંપ્યું હતું. વડાપ્રધાને અમારી માંગણી ગંભીરતાથી લીધી નથી. વિધાનસભામાં મે એક પ્રસ્તાવ રજુ કર્યો હતો કે તામિલનાડુના માછીમારોને શ્રીલંકાની નૌસેના અન્યાયી રીતે પકડતી હતી એને રોકવું જરૂરી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર હતી. પ્રસ્તાવમાં અમે કચ્ચાતીવુ ટાપુ ફરીથી મેળવવાની તરફેણ પણ કરી હતી. જોકે મોદી શ્રીલંકાના પ્રવાસેથી પરત ફર્યા ત્યારે અમારી એક પણ માંગણી સંતોષાય નહોતી.

કનૈયા કુમારને મહત્ત્વ મળતાં બિહાર કોંગ્રેસના નેતાઓ અંદરખાને નારાજ

રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસની યાત્રામાં ભાગ લીધો ન હતો. પરંતુ બિહારમાં કનૈયા કુમારની પદયાત્રામાં રાહુલ પહોંચ્યા હતા. બિહારમાં કનૈયા કુમાર પલાયન રોકો, નોકરી દો નામથી પદયાત્રા કરીને યુવાનોનું સમર્થન મેળવવાની કવાયત કરે છે. બિહારના કોંગ્રેસના નેતાઓએ પણ કનૈયા કુમારની એ યાત્રાથી અંતર જાળવ્યું હતું. ખાસ કોઈ મોટા નેતાએ એમાં ભાગ લેવાનો ઉમળકો બતાવ્યો ન હતો. પરંતુ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કનૈયા કુમારની યાત્રામાં ભાગ લઈને કનૈયાને બિહાર કોંગ્રેસમાં યુવા ચહેરા તરીકે પ્રોજેક્ટ કરાતો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું. રાહુલ કનૈયાને સમર્થન આપે છે તેનાથી કોંગ્રેસના જ ઘણાં સિનિયર નેતાઓ અંદરખાને નારાજ છે, પરંતુ કહી શકતા નથી.

રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાના દર્શન પછી ભાજપે મંદિર શુદ્ધ કરતાં વિવાદ

રાજસ્થાનમાં ભાજપના નેતા જ્ઞાન દેવ આહુજાના નામે વિવાદ થયો છે. કોંગ્રેસના નેતા ટીકારામ જુલીએ રામગઢના એક મંદિરમાં દર્શન કર્યા હતા. ટીકારામ જુલી વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા છે.  તેમણે અલ્વર જિલ્લાની મુલાકાત દરમિયાન મંદિરમાં પૂજા કરી હતી. તેમણે જે મંદિરમાં દર્શન કર્યા હતા તે મંદિરમાં જઈને ભાજપના નેતા જ્ઞાન દેવ આહુજાએ ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. એનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આહુજા ત્યાં સુધી કહે છે કે આ એક પ્રકારની વિધિ છે. હું કોઈનું નામ લેવા માંગતો નથી, પરંતુ અમુક અશુદ્ધ લોકો મંદિરમાં આવ્યા હતા એટલે શુદ્ધિકરણ જરૂરી છે. આ વિડીયો સામે આવ્યો તે પછી કોંગ્રેસે એ મુદ્દે ભાજપ પર દલિતો સાથે ભેદભાવનો આરોપ મૂક્યો હતો. ટીકારામ જુલી દલિત નેતા છે. 

તેલંગણામાં કોંગ્રેસની સરકાર સામે તેની જ સ્ટૂડન્ટ વિંગે મોરચો માંડયો

તેલંગણામાં સરકારી જમીન પર આઈટી પાર્ક બનાવવાની વિચારણા ચાલી રહી છે. તે મુદ્દે રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જે જમીનમાં ગાઢ ગ્રીનકવર છે તે નવા પ્રોજેક્ટના કારણે સાફ થઈ જશે એવા આરોપ હેઠળ વિદ્યાર્થીઓ પ્રદર્શનો કરી રહ્યા છે. તેલંગણાની કોંગ્રેસની સરકારે આ વિરોધ પ્રદર્શન ડામી દેવા માટેના પ્રયાસો કર્યા છે. પરંતુ હવે મુશ્કેલી એ થઈ છે કે કોંગ્રેસની સરકાર સામે તેમની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ મોરચો માંડયો છે. ૪૦૦ એકર જમીનના મામલે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. તેમનો વિરોધ શાંત પાડવા માટે સરકારે મિનાક્ષી નટરાજનને વિદ્યાર્થી નેતાઓને મળવા મોકલ્યા હતા. જોકે, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

દિલ્હીમાં 1600 ખાનગી શાળાઓની ફી મુદ્દે ભાજપ સરકાર તપાસ કરશે

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર હતી ત્યારે ખાનગી શાળાઓ પર અંકુશ મૂકાયો હતો. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે કેજરીવાલની સરકારે પ્રયાસો કર્યા હતા. હવે દિલ્હીમાં ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ એ જ પોલિસી આગળ વધારી છે. શિક્ષણ મંત્રી આશિષ સૂદે કહ્યું હતું કે દિલ્હીમાં ૧૬૦૦થી વધુ ખાનગી શાળાઓમાં ફી મુદ્દે જેટલી પણ વિસંગતતા હશે તે દૂર કરવામાં આવશે. એક પણ શાળાને અનૈતિક રીતે ફીમાં વધારો કરવા દેવાની પરવાનગી મળશે નહીં. ફીમાં મનમાની ચલાવતી શાળાઓ સામે આકરી કાર્યવાહી થશે. સરકાર આ ખાનગી શાળાઓની ફી મુદ્દે યોગ્ય તપાસ કરશે અને નોટિફિકેશન બહાર પાડશે.

હરિયાણામાં આઈએએસ, આઈપીએસની સંપત્તિ જાહેર

હરિયાણામાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સંપત્તિ જાહેર થઈ છે. ઘણાં રાજ્યોમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ પોતાની સંપત્તિ જાહેર કરતા નથી. અથવા તો માત્ર આવકવેરો બતાવીને સંતોષ માને છે. તેમની પ્રોપર્ટી બતાવવાનું ટાળે છે. જોકે, હરિયાણાના આઈએએસ-આઈપીએસ અધિકારીઓને તેમની સંપત્તિ જાહેર કરવાનું કહેવાયું પછી જે જાહેરાત થઈ હતી એ પ્રમાણે મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી પાસે ઉત્તર પ્રદેશમાં કેરીના બાગ છે. ગુરુગ્રામ અને પંચકુલામાં લક્ઝરીયસ ફ્લેટ છે. રાજ્યના ડીજીપી પાસે હરિયાણા ને પંજાબમાં જમીન છે. તેમના પત્નીના નામે મોહાલી, કપૂરથલા અને ભટિંડામાં જે પ્રોપર્ટી છે એ ૨૦૦૩માં ચાર કરોડમાં ખરીદવામાં આવી હતી. એમાંથી વર્ષે ૧.૬ કરોડની આવક થાય છે. એ સિવાયના ઘણાં ઉચ્ચ અધિકારીઓ પાસે કરોડોની જમીનો, મકાનો સહિતની સંપત્તિ છે.

- ઈન્દર સાહની