For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : નિર્મલાના મોંઘવારી અંગેના નિવેદનની ઝાટકણી

Updated: Sep 8th, 2022

Article Content Image

નવીદિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સીતારામને મોંઘવારી અંગે કરેલી નિવેદનની ભારે ટીકા થઈ રહી છે. નિર્મલાએ કહ્યું કે, મોદી સરકાર માટે રોજગારીનું સર્જન અને સંપત્તિનું સમાન રીતે વિતરણ પ્રાથમિકતા છે કે જેથી ભારત વિકાસના માર્ગ પર પ્રગતિ કરતું રહે એ સુનિશ્ચિત થાય. સરકાર માટે ભાવવધારો કે ફુગાવો પ્રાથમિકતા નથી.

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત ઈન્ડિયા આઈડીયાઝ સમિટને સંબોધતાં નિર્મલાએ કહ્યું કે, કેટલીક બાબતો પ્રાથમિકતામાં આવે છે જ્યારે કેટલીક બાબતો નથી આવતી. આ સંદર્ભમાં ફુગાવો પ્રાથમિકતા નથી. છેલ્લા બે મહિનામાં અમે સાબિત કર્યું છે કે, અમે ફુગાવાને નોંધપાત્ર રીતે નીચે લાવી શકીએ છીએ.

સોશિયલ મીડિયા પર તો નિર્મલાની ટીકા થઈ જ રહી છે પણ અર્થશાસ્ત્રીઓ પણ નિર્મલાની વાતને વાહિયાત ગણાવી રહ્યા છે. તેમના મતે, નિર્મલામાં અર્થશાસ્ત્રની પાયાના સિધ્ધાંતી સમજ જ નથી. મોંઘવારી ઓછી હોય તો જ લોકો વધારે પ્રમાણમાં નાણાં ખર્ચે ને તેના કારણે આપોઆપ રોજગારીનું સર્જન થાય, સંપત્તિ પણ બધામાં વહેંચાય ને દેશ પ્રગતિ કરે.

રાહુલ પહેલી વાર 150 દિવસ ભારતમાં રહેશે !

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા અને કાર્યકરોમાં જોશ ભરવા રાહુલ ગાંધીએ બુધવારથી કન્યાકુમારીથી 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે. આ યાત્રા કાશ્મીરમાં પૂરી થશે. ૧૫૦ દિવસ સુધી ચાલનારી કોં યાત્રા દેશના ૧૨ રાજ્યોમાંથી પસાર થશે અને ૩૫૭૦ કિલોમીટરનું અંતર કાપશે. રાહુલ સાથે કોં ૩૦૦ લોકો પદયાત્રામાં સામેલ થશે.

રાહુલની યાત્રા રાજકીય રીતે મહત્વની છે પણ વધારે ચર્ચા રાહુલના રહેવા માટે કરાયેલી વ્યવસ્થાની છે. કોંગ્રેસે કહ્યું છે કે, રાહુલ યાત્રા દરમિયાન હોટલમાં નહીં રોકાય અને સાધારણ માણસની જેમ રહીને યાત્રા પૂરી કરશે.

રસપ્રદ વાત એ છે કે, રાહુલ માટે હાઈ ફાઈ કન્ટેઈનરની વ્યવસ્થા કરાઈ છે. રાહુલ રાત્રે આ કન્ટેઈનરમાં સૂઈ જશે અને આ જ તેમનું હરતું ફરતું ઘર હશે. રાહુલ ૧૫૦ દિવસ સુધી આ જ કન્ટેઈનરમાં રહેશે. કન્ટેઈનરમાં સૂવા માટે બેડ, ટોઈલેટ, એસી, ટોઈલેટ પણ છે. લોકો મજાક પણ કરી રહ્યા છે કે, રાહુલ પહેલી વાર સળંગ ૧૫૦ દિવસ ભારતની ભૂમિ પર રહેશે.

રાજકીય ફંડિંગ મુદ્દે દરોડા, વિપક્ષો ટાર્ગેટ ?

આવકવેરા વિભાગે રાજકીય ફંડિંગ મુદ્દે દેશભરમાં દરોડા પાડયા એ મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  આવકવેરા વિભાગે ગુજરાત, દિલ્હી સહિત દેશભરમાં ૫૦ ઠેકાણે એક સાથે દરોડા પાડયા છે. ચૂંટણી પંચના રિપોર્ટના આધારે આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આવકવેરાની ચોરીમાં સાથ આપતા નાના નાના રાજકીય પક્ષો માટે કામ કરતા લોકોને ત્યાં દરોડા પડાયા હોવાનો દાવો કરાય છે. સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, નાના રાજકીય પક્ષોને ડોનેશન આપીને પછી રોકડ પાછી લઈ લે છે એવા એન્ટ્રી ઓપરેટર્સને ત્યાં દરોડા પડયા છે. ચૂંટણી પંચના રિપોર્ટમાં આ વાત બહાર આવતાં દરોડા પડાયા છે.

જો કે  વિપક્ષોનું કહેવું છે કે, સરકારી એજન્સીઓના દુરૂપયોગનો આ વધુ એક કેસ છે. ભાજપ વિરોધી પક્ષોને ફંડ આપનારા લોકોને નિશાન બનાવાઈ રહ્યા છે કે જેથી ભવિષ્યમાં વિપક્ષોને ફંડ આપતાં પહેલા કંપનીઓ અને બિઝનેસમેન વિચાર કરે. આવકવેરા વિભાગે દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે.

કર્ણાટકના મંત્રી મહત્વની બેઠકમાં સૂઈ ગયા

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ ભારે વરસાદને કારણે ડૂબી ગયું છે ત્યારે મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં મંત્રી આર અશોક ઘસઘસાટ ઊંઘી ગયાનો વીડિયો વાયરલ થતાં ભાજપના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે.

કર્ણાટક કોંગ્રેસે કટાક્ષ કર્યો કે, જળ સંકટને કારણે લોકોની ઉંઘ ઉડી ગઈ છે ત્યારે અશોક નિરાંતે ઉંઘની મજા લઇ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે,  અશોક બિલકુલ મુખ્યમંત્રીની બાજુની ખુરશીમાં બેઠા છે છતાં મુખ્યમંત્રીએ તેમને ટપાર્યા નહોતા.

આ પહેલાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા બેંગલુરૂમાં મસાલા ઢોંસા ખાઈ રહ્યા હોય તેની તસવીર વાયરલ થતાં ભાજપના માથે બરાબર માછલાં ધોવાયા હતા. ભાજપે ત્યારે બચાવ કરેલો કે, સૂર્યાના મતવિસ્તારમાં પૂરની અસર નથી અને પૂરની અસર છે એવા વિસ્તારોમાં તંત્ર કામે લાગેલું  જ છે.

ભાજપે અશોકના કિસ્સામાં પણ બચાવ કર્યો છે કે, મંત્રી સૂઈ નથી ગયા પણ ધ્યાનથી સાંભળી રહ્યા છે. મુખ્યમંત્રીએ બેંગ્લુરુની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને કહ્યું કે, કોંગ્રેસ પોતાનાં પાપ છૂપાવવા બીજી બધી વાતો કરે છે.

મમતાના માનીતા ઘટક પર દરોડા, હવે અભિષેકનો વારો

સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર તેમજ કોલકાત્તામાં પણ ચાર સ્થળે  દરોડા પાડતાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ફરતે ગાળિયો કસાઈ રહ્યો હોવાની ચર્ચા છે. કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ આ દરોડા પાડયા છે.

આ કૌભાંડમાં અભિષેક બેનરજી અને તેમનાં પત્નીની પહેલાં પૂછપરછ થઈ ચૂકી છે. મલય ઘટક મમતા બેનર્જીની અત્યંત નજીક મનાય છે. સૂત્રોનું કહેવું છે કે, આ કેસમાં હવે ઘટકને જેલભેગા કરાશે ને એ પછી અભિષેકનો વારો આવશે. મમતા બેનરજી સરકાર દરોડાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરશે એવી આશંકાના કારણે સીબીઆઈના અધિકારીઓએ પોતાની સુરક્ષા ટુકડી સાથે ઘટકના ઘરે પહોંચ્યા હતા. સીબીઆઈએ સીઆરપીએફના જવાનો પણ સાથે રાખ્યા હતા.

આસનસોલ પાસેના કુનુસ્તોરીયા અને કજોરામાં ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સની લીઝ પર અપાયેલી ખાણોમાં ગેરકાયદેસર ખોદકામના સંદર્ભમાં ઘટકને ત્યાં દરોડા પડયા છે. સીબીઆઈનો દાવો છે કે, આ ગેરકાયદેસર ખોદકામ માટે ૧૩૦૦ કરોડ રૂપિયા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને અપાયા છે. આ કેસમાં ૨૦૧૨માં પહેલી એફઆઈઆર નોંધાઈ હતી.

પંજાબમાં કર્મચારીઓના પગાર ના થતાં વિવાદ

પંજાબ સરકારના અલગ અલગ વિભાગોના કર્મચારીઓને પગાર નહીં અપાયા હોવાનો વિવાદ થયો છે. પંજાબ સિવિલ સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ જસપ્રિત રંધાવાએ દાવો કર્યો કે, કર્મચારીઓને સાતમી તારીખ સુધી ઓગસ્ટ મહિનાનો પગાર મળ્યો નથી. આરોગ્ય વિભાગના ડોક્ટર સહિતના કર્મચારીઓ ઉપરાંત પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગના તમામ કર્મચારીઓને પગાર મળ્યા નથી.

યુનિયનોએ આંદોલનની ચીમકી પણ આપી છે. એવી વાતો પણ વહેતી થઈ છે કે, પંજાબ સરકાર ભારતીય રિઝર્વ બેંક પાસેથી ૧૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લેશે કે જેથી કર્મચારીઓના પગાર કરી શકાય. પંજાબ સરકાર ચૂંટણીનાં વચનો પૂરા કરવા લહાણીઓ કરી રહી છે ત્યારે જ પગારનો વિવાદ થયો છે.

બીજી તરફ પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચિમાએ દાવો કર્યો કે, કર્મચારીઓના પગાર માટેનાં નાણાં સરકારે તિજોરી કચેરીઓને મોકલી આપ્યાં છે તેથી સરકાર પાસે નાણાં નથી એવો પ્રશ્ન જ નથી. સામાન્ય રીતે કર્મચારીઓને પાંચમી તારીખ સુધીમાં પગાર મળી જાય છે, પણ આ વખતે બેંકોની રજાઓના કારણે થોડું મોડું થયું છે.

***

નવાં UK PM ભારત પ્રત્યે કૂણાં રહેશે ?

ભારત પર ૨૫૦થી વધુ વર્ષો સુધી શાસન કરનાર ઇંગ્લેન્ડમાં નવા શાસકોના જૂથનું લિઝ ટ્રુસના  નેતૃત્વમાં પ્રધાનમંડળરૂે ગઠન થઇ ગયું છે ત્યારે ભારતીય નીતિ ઘડવૈયાઓમાં એ મુદ્દે ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે બ્રિટનના તૃતીય મહિલા-વડાપ્રધાન ભારત પ્રત્યે કેવું વલણ અપનાવશે? તેઓ ભારત માટે બહેતર બની રહેશે કે કેમ? જો કે એમાંના મોટાભાગના કોઇ ચોક્કસ અભિપ્રાય આપી રહ્યા નથી. ખાસ કરીને લિઝ ટ્રુસનું પીટીએના અંતિમરૂપ વિષે તેમજ ઇન્ડિયન પેસિફિક વિષેનું એમનું વલણ એમને ભારત સાથેના દ્વિપક્ષી સંબંધોને આકાર આપવામાં મદદરૂપ નીવડશે. તેઓ લશ્કરની ગોઠવણી અને ભારત સાથે નિકટતાપૂર્ણ મેરિટાઇમ સહયોગ સહિતના ઇન્ડો-પેસિફિક પ્રત્યે એમના પુરોગામી બોરિસ જહોનસનની ઝુકાવભરી નીતિ  ચાલુ રાખશે કે કેમ એ બાબતે નીતિ-ઘડવૈયાઓ અનુત્તર છે. જો કે આ નીતિ ઘડવૈયાઓ એટલું કહી શકે છે ઉપરોક્ત બાબત, નવાં વડાપ્રધાનના વ્યૂહની ચાવીરૂપ ચાલક સાબિત થઇ રહે એમ બને.

હવે, નાર્કો-ટેરરિઝમ ખતરો ઊભો કરે છે

દિલ્હીના વિશેષ સેલે બે અફઘાન નાગરિકો પાસેથી, આંતરરાષ્ટ્રીય બજારમાં જેનું મૂલ્ય ૧૨૫૦ કરોડ જેટલું થાય છે એટલો ૩૧૩ કિલો નાર્કોટિક ડ્રગ મેથામ્ફિટેમિન અને ૧૦ કિલો હેરોઇન ઝડપી પાડયું એ પછી નાર્કો-ટેરરિઝમમાં થતી સંભવિત વૃધ્ધિ વિષે ચિંતાની લાગણી વધી રહી છે. સ્પેશ્યલ કમિશનર ઓફ પોલીસ (સ્પેશ્યલ સેલ) હરગોબિન્દર સિંઘે કહ્યું કે અમે કેન્દ્રીય  ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે નાર્કો-ટેરરિઝમ સામે બહુ-રાજ્ય કાર્યવાહી માટે ટુકડીઓની રચના કરી રહ્યા છીએ.

બંગાળના ભાગલાના વિચાર સામે તૃણમૂલે દેખાડી તાકાત

પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાની બહુમતી સ્થાનિક વસ્તી કૂચબિહારના અલગ રાજ્યની માગણીની વિરોધી છે એ સાબિત કરી બતાવવા માટે તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે કૂચબિહારના જિલ્લા વડામથકે એક લાખ લોકોની રેલી યોજી બતાવીને પોતાની તાકાત પૂરવાર કરી દીધી. જિલ્લાના વિવિધ ભાગોમાંથી કૂચબિહાર પહોંચેલા તૃણમૂલના ટેકેદારો શહેરની મધ્યમાં આવેલા રાશમેલા ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા. ત્યાં એમણે જાહેર સભામાં હાજરી આપી અને રેલીમાં જોડાયા, જ્યાં એમના નેતાઓએ ભાજપ પર બંગાળના ભાગલાનું કાવતરૂં ઘડવાનો આક્ષેપ કર્યો. તૃણમૂલે મોદી મંત્રીમંડળમાં જુનિયર પ્રધાનપદું ભોગવતા નિશિથ પ્રામાણિક નામના મંત્રી સહિતના અનેક ભાજપ ધારાસભ્યોએ કૂચબિહારના અલગ રાજ્યની માગણીને પરોક્ષ ટેકો આપ્યો એ પછી ઓગસ્ટ માસમાં ઉપરોક્ત રેલી-કાર્યક્રમ યોજાવા વિષે ઘોષણા કરી હતી.

4223 ડ્રગ દાણચોરોમાં 562 મોટા માથાં

પંજાબમાં ડ્રગના દૂષણ સામેની ખાસ ઝુંબેશના ભાગરૂપે અહીંની પોલીસે ૫ જુલાઇથી શરૂ કરીને બે મહિનાના સમયગાળામાં ૫૬૨ મોટાં માથાં સહિત ડ્રગના ૪૨૨૩ દાણચોરોને ઝડપી લીધા છે, એમ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી) સુખચેનસિંઘ ગિલે મંગળવારે એમની અઠવાડિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. પોલીસે (ડ્રગ કેસમાં) કુલ ૩૨૩૬ પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધ્યા છે, જે પૈકી ૩૨૮ અહેવાલ ડ્રગના વાણિજિયક જથ્થાસંબંધી છે. પોલીસે રાજ્યભરમાંથી ૧૭૫ કિલોગ્રામ હેરોઇન ઝડપી પાડયું છે. વળી, પંજાબ પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરોએથી પણ ૧૪૭.૫ કિલોગ્રામ હેરોઇન ઝડપ્યું છે, જેના પરિણામે અસરકારકપણે ૩૨૨.૫ કિલો હેરોઇન ફક્ત બે મહિનામાં જપ્ત કરાયું છે.

દિલ્હીમાં સ્વાઇન ફલુના 43 કેસ : નિષ્ણાતોની ચેતવણી

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માહિતી અનુસાર, દિલ્હીમાં ૩૧ ઓગસ્ટ સુધીમાં સ્વાઇન ફલુ તરીકે ઓળખાતા એચવનએનવન ફલુના ૪૩ કેસ નોંધાયા છે. તબીબી નિષ્ણાતો ચેપને ફેલાતો રોકવા માટે પ્રજાજનોને માસ્ક પહેરવા અને નિયમિતપણે હાથ ધોતા રહેવાની સલાહ આપી રહ્યા છે. સ્વાઇન ફલુ અને કોરોનાના અનેક લક્ષણો એકસરખા છે. એનું ચોક્કસ નિદાન થાય એ માટે એનું ટેસ્ટિંગ કરાવતા રહેવાની અગત્ય પર એમણે ભાર મૂક્યો છે. વાયરલ ફીવરના લક્ષણો સાથે આવેલા કેટલાક દર્દીઓ પાછળથી એચવનએનવનના પોઝિટિવ દર્દીઓ નીકળ્યા હોવાના કેસ નોંધાયા છે, એમ ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડો. સુરંજિત ચેટરજીએ કહ્યું. અમે કેસમાં થતો વધારો જોયો છે અને એચવનએનવન તેમજ કોરોનાના લક્ષણો એકસરખા રહ્યા હોવાથી ટેસ્ટ કરાવી લઇ એના પરિણામો અનુસાર સારવાર લેવી જરૂરી છે, એમ એમણે ઉમેર્યું.

- ઇન્દર સાહની

Gujarat