Get The App

દિલ્હીની વાત : પાક. પરની સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપવાનું કારણ

Updated: May 8th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પાક. પરની સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપવાનું કારણ 1 - image

નવી દિલ્હી : અહેવાલો મુજબ ઓપરેશન સિંદૂર નામનો સંબંધ લાલ કંકૂ સાથે છે જે ઘણી હિન્દુ મહિલાઓ પોતાના લગ્નની સ્થિતિ દર્શાવવા વાળમાં લગાડે છે. પહલગામ આતંકી હુમલા દરમ્યાન અનેક મહિલાઓના પતિની તેમની નજર સામે હત્યા કરવામાં આવી. ૨૨ એપ્રિલે પોતાના પતિના મૃતદેહની બાજુમાં હતપ્રભ બેઠેલી હિન્દુ મહિલાની સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયેલી તસવીરે અનેકને હૃદયભગ્ન કર્યા અને ૨૬નો ભોગ લેનારા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનું પ્રતીક બની ગઈ. હિમાંશી નરવાલ નામની આ મહિલાના એક અઠવાડિયાથી ઓછા સમય પહેલા ૨૬ વર્ષીય નેવી અધિકારી વિનય નરવાલ સાથે લગ્ન થયા હતા. હનીમૂન પર ગયેલા આ કપલની ઉજવણી અકલ્પનીય દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપેરશન સિંદૂર નામ પહલગામના નરસંહારનો ભોગ બનેલા અને બચી ગયેલાને માનવીય સ્પર્શ આપે છે અને તેમના બલિદાન યાદ રાખવામાં આવશે તેની ખાતરી આપે છે.

'ઓપરેશન સિંદુર'ને કારણે જૈશ-એ-મોહમ્મદનું સંદેશાવ્યવહાર તંત્ર કડડભૂસ

પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતએ કરેલા 'ઓપરેશન સિંદુર'ને કારણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના અડ્ડાઓ નષ્ટ થયા છે. સૌથી વધારે ખરાબ અસર જૈશ-એ-મોહમ્મદને થઈ છે. ભારતની સેનાએ જૈશ-એ-મોહમ્મદના ખાનગી કોમ્યુનીકેશન નેટવર્કને સંપૂર્ણ તોડી પાડયું છે. મળતી જાણકારી પ્રમાણે આ નેટવર્ક કોહરા કલા ગામના એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં છૂપી રીતે ચાલતું હતું. ભારતની સુરક્ષા એજન્સીઓ માટે આ નેટવર્ક માથાનો દુખાવો બની ગયું હતું. આ નેટવર્કમાં હાઇ ફ્રિક્વન્સી સંચાર વ્યવસ્થાનો ઉપયોગ થતો હતો. આતંકવાદીઓ આ નેટવર્ક દ્વારા એકબીજાના સંપર્કમાં રહે તો એમનો સંદેશો વ્યવહાર ખાનગી રાખી શકતા હતા. એમ મનાય છે કે ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રાઇકમાં આતંકવાદીઓના સફાયા ઉપરાંત આ નેટવર્કનો સફાયો પણ મોટી ઉપલબ્ધી છે.

પાકિસ્તાનનો ટેકેદાર આ મુસ્લિમ દેશ અંધારામાં ડુબી જશે

પાકિસ્તાનને હંમેશા ટેકો આપીને એનો બચાવ કરનાર ઇરાન આજકાલ સંકટમાં છે. ઇરાનમાં અભૂતપૂર્વ વિજળીની સમસ્યા છે. જો થોડા સમયમાં ઇરાન વિજળી સમસ્યાનો ઉકેલ નહીં શોધે તો દેશ આંખો અંધારામાં ડુબી જશે. વિજળી સંકટને કારણે રાષ્ટ્રપતિ મસૂદ તેજસ પિયાનોએ લોકોની માફી માંગી છે. ઇરાનમાં વિજળી કટોકટી ઉપરાંત ઇધણની પણ ભારે અછત છે. ગરમીની મોસમમાં વિજળીની માંગ ૨૫ ટકા જેટલી વધી ગઈ છે. ઇરાન ઇન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે ઇરાન સરકાર વિજળીની કટોકટી બાબતે ખોટા દાવાઓ કરે છે અને પોતાની નિષ્ફળતા છૂપાવી રહી છે. ઇરાનની એક એજન્સીએ તૈયાર કરેલો સિક્રેટ રીપોર્ટ લીક થઈ જવાથી આ માહિતી બહાર આવી છે.

ઓપરેશન સિંદુર વિશે ભારતીય ક્રિકેટરોએ શું કહ્યું

પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદુર વિશે બીજા ભારતીઓની જેમ ક્રિકેટરોએ પણ પ્રતિસાદ આપ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, આકાશ ચોપરા, પ્રજ્ઞાાન ઓઝા અને સુરેશ રૈનાએ ભારતીય સેનાના ભરપુર વખાણ કર્યા છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા અને કોલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તિએ પણ સોશ્યલ મીડિયા પર સેનાને સલામી આપતી પોસ્ટ મુકી છે. સચિન તેંડુલકરે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, એકતામાં નિર્ભય, શક્તિમાં અમર્યાદિત, ભારતની ઢાલ જેવા લોકો છે. આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આપણે એક ટીમ છીએ જયહિંદ.

'અમારા ખભા મજબૂત છે', નિશિકાંત દુબે વિરૂદ્ધ અવમાનનામી અરજી કાઢી નાખતા સુપ્રિમ કોર્ટની ટીપ્પણી

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના માટે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે એમની સામે કોર્ટના અપમાનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ ફરિયાદ કાઢી નાખી છે. કોર્ટે કહ્યું છે કે, અમારા ખભા મજબૂત છે અને અમે આ અરજી પર વિચાર કરવા માગતા નથી. અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટીસ એસ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આવી અરજીઓ પર વિચાર કરવો જોઈએ નહીં. અરજી કરનાર વકીલ વિશાલ તિવારીએ કહ્યું હતું કે, કોર્ટો અને જજોના સ્વમાન પર પ્રશ્ન છે. વિશાલ તિવારીએ નિશિકાંત દુબેના નિવેદનને કોર્ટનું અપમાન ગણાવ્યું હતું. અરજી કરનારની દલીલ સાભળ્યા પછી કોર્ટે કહ્યું હતું કે, અમે હમણા કોઈ દલીલ સાંભળવા માંગતા નથી, પરંતુ એક શોર્ટ ઓર્ડર પસાર કરીશું.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાની વતન વાપસી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ખાલિદા ઝીયા આશરે ચાર મહિના પછી લંડનથી ઢાકા પરત ફર્યા છે. ખાલિદા ઝીયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટી દેશમાં ચૂંટણી કરાવવાની માંગણી કરી રહી છે. રાષ્ટ્રીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાલિદા ઝીયાના આગમનને કારણે બાંગ્લાદેશમાં કામચલાઉ સરકારના વડા મોહમદ યુનુસ પર દબાણ વધી ગયું છે. દેશની તમામ સત્તા હાથમાં હોવાથી યુનુસને ચૂંટણી કરાવવાની કોઈ ઉતાવળ નથી. ઢાકા એરપોર્ટ પર જે રીતે ખાલિદા ઝીયાનું સ્વાગત થયું છે એ જોઈને યુનુસ અને એમના ટેકેદારો ચિંતીત થઈ ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાષ્ટ્રીય અસ્થિરતા છે જેને કારણે બાંગ્લાદેશની ઇકોનોમી પણ ખાડે ગઈ છે.

કર્ણાટક કોંગ્રેસનો છબરડો પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા પછી લખેલી પોસ્ટ દુર કરવી પડી

ભારતે સફળતા પૂર્વકપાર પાડેલા ઓપરેશન સિંદુર બાબતે આખો દેશ સૈન્યના પરાક્રમના વખાણ કરી રહ્યો છે. જોકે કર્ણાટક કોંગ્રેસે પોતાના ઓફિશ્યલ હેન્ડલ પર આ ઓપરેશન પછી મહાત્મા ગાંધીએ કરેલી શાંતિની વાત લખી હતી. એક તરફ ભારતએ યુદ્ધ જાહેર કર્યું હોય ત્યારે લોકો ઇચ્છે છે કે દરેક પક્ષે ભારતીય સૈન્યને ટેકો આપવો જોઈએ. સોશ્યલ મીડિયા પર કોંગ્રેસના હેન્ડલ પર લખાયેલી પોસ્ટ વાંચીને કોંગ્રેસના કાર્યકરો પણ નારાજ થયા હતા. જોકે કર્ણાટક કોંગ્રેસના કર્તાહર્તાઓ સમજી ગયા હતા કે તેમણે શાંતિના ઉપદેશની વાતો કસમયે લખી છે. છેવટે એમણે આ પોસ્ટ હટાવી લેવી પડી હતી.

પહલગામ હુમલાનો ભોગ બનેલા શુભમનાં ઓપરેશન સિંદૂરના ખરી અંજલિ માની

પહલગામમાં નાગરિકો પર ૨૨ એપ્રિલે થયેલા હુમલામાં માર્યા ગયેલા ૩૦ વર્ષીય શુભમ દ્વિવેદીની પત્ની અશાન્યા દ્વિવેદીએ ૨૬ જણાનો ભોગ લેનારા જમ્મુ અને કાશ્મીર આતંકી હુમલા માટે વેર વાળવા લેવાયેલા ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનો આભાર માનતા તેને પતિની ખરી અંજલિ ગણાવી હતી. તેણે જણાવ્યું કે મારા સમગ્ર પરિવારને મોદી પર વિશ્વાસ હતો અને જે રીતે તેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો તેનાથી અમારો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. મારા પતિને આ જ સાચી અંજલિ છે. મારા પતિ જ્યાં પણ હશે ત્યાં તેમને શાંતિ મળી હશે. ૩જી મેના રોજ અશાન્યાએ પતિની રાખ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રયાગરાજમાં સમર્પિત કરી હતી. શુભમ દ્વિવેદીએ પત્ની અને સાળી સાથે પહલગામની બૈસરન ખીણની મુલાકાત લીધી હતી. આતંકીઓએ તેમને માથામાં ગોળી મારતા તેમનું મોત થયું હતું. આ વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા.

મંદિર ઉદ્ઘાટન ઓડિશા-બંગાળ વચ્ચે વિખવાદનું કારણ

પશ્ચિમ બંગાળના દીઘામાં નવનિર્મિત જગન્નાથ મંદિરના ઉદ્ઘાટનથી પડોશી ઓડિશામાં હલચલ મચી છે જ્યાં પુરીના ૧૨મી સદીના જગન્નાથ મંદિરના સેવાદારોનું પ્રભાવશાળી જૂથ નવા મંદિરમાં તેમની ભાગીદારી બાબતે આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ મોટા પ્રચાર અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસની હાજરીમાં દીઘા ખાતે ગયા બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આયોજિત કરાયો હતો. એક તરફ મમતાની તેના રાજકીય હરિફો દ્વારા વારંવાર મુસ્લિમ તરફી હોવાની ટીકા થતી રહી છે ત્યારે રાજ્ય પ્રાયોજિત યોજના દ્વારા તેનું આ એક ગણતરીપૂર્વકનું પગલુ માનવામાં આવે છે. નવા મંદિરે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અનુક્રમે શાસન કરનાર ટીએમસી અને ભાજપ વચ્ચે નવા ઘર્ષણને જન્મ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે રાજકીય લડાઈ દેખાઈ રહી છે તેની ભીતર પુરી મંદિરના સેવાદારોમાં સત્તાની ખેંચતાણ છુપાયેલી છે જેઓ લોકપ્રિય પ્રવાસન સ્થળ અને યાત્રાધામ દીઘા મંદિરની નવી મેનેજમેન્ટ કમિટીમાં પદો માટે સ્પર્ધા કરી રહ્યા છે. ઓડિશામાં ભાજપ સત્તા પર આવ્યા પછી પ્રથમવાર એવું બની  રહ્યું છે જ્યારે સરકાર મેનેજમેન્ટ કમિટીનું પુનર્ગઠન કરી રહી છે.

- ઈન્દર સાહની