FOLLOW US

દિલ્હીની વાત : મમતાએ ડીએ વધારવા મુદ્દે હાથ અધ્ધર કર્યા

Updated: Mar 8th, 2023


નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ સરકારી કર્મચારીઓં મોંઘવારી ભથ્થું વધારવાના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે. બંગાળમાં વિપક્ષો ભાજપ , કોંગ્રેસ અને ડાબેરીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થુ આપવાની માંગ કરી રહ્યા છે. કર્મચારી યુનિયનો વિપક્ષના સમર્થનથી વિરોધ પ્રદર્શ કરી રહ્યાં છે ત્યારે ભડકેલા મમતાએ તડ ને ફડ ભાષામાં કહી દીધું કે,  રાજ્યની પાસે પોતાના કર્મચારીઓને વધારે ચુકવણી કરવા માટે ફંડ નથી. કર્મચારીઓ કામ કરતા નથી અને વધારે ને વધારે પગાર માંગતા રહે છે.  

મમતાએ કહ્યું કે, મારી સરકાર માટે વધારે ડીએ આપવું શક્ય જ નથી કેમ કે અમારી પાસે પૈસા નથી. અમે વધારે ૩ ટકા મોંઘવારી ભથ્થું આપ્યું છે પણ કર્મચારીઓ તેનાથી ખુશ ના હોય તો મારૂ માથુ કાપી શકે છે.

વિશ્લેષકોના મતે, મમતાએ દેશનાં તમામ રાજ્યોની સરકારોની લાગણીનો પડઘો પાડયો છે. બીજા મુખ્યમંત્રી જે કહી શકતા નથી એ કહેવાની મમતાએ હિંમત બતાવી છે.

રાબડી-મિસાને જેલભેગા કરવાની યોજના

સીબીઆઈએ બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે દરોડા પાડતાં હવે રાબડીદેવી અને મિસા ભારતી જેલભેગાં થાય એવી શક્યતા છે. સીબીઆઈએ  જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડયા છે.  આ કેસમાં  કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત ૧૪ આરોપીઓને સમન્સ મોકલીને ૧૫ માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

ભાજપના નેતા આ કાર્યવાહીને કસમયની ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે. ત્યારે જ આ કાર્યવાહી શરૂ કરાતાં લાલુના પરિવારને લોકોની સહાનુભૂતિનો લાભ મળશે. બિહારમાં આરજેડી મજબૂત છે જ પણ લોકસભાની ચૂંટણીમાં વધારે મજબૂત થશે એ જોતાં કેન્દ્ર સરકારે આ કાર્યવાહી બંધ કરાવીને થોડો વિરામ લેવાની જરૂર છે.

સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. ભોલા યાદવની સીબીઆઈએ ૨૭ જુલાઈએ ધરપકડ કરી હતી.

દક્ષિણમાં 50 બેઠકો જીતવા સંઘ ભાજપની મદદ કરશે

ભાજપે પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં મેળવેલી સફળતા પછી હવે દક્ષિણ ભારતમાં તાકાત વધારવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. તેના ભાગરૂપે  ભાજપ સંઘની મદદ લેશે એવા અહેવાલ છે. સંઘમાંથી યુવા પ્રચારકોને ભાજપમા લાવીને ભાજપની તાકાત વધારવાના પ્રયત્ન કરાશે. ભાજપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણનાં રાજ્યોમાંથી લોકસભાની ૫૦ બેઠકો જીતવા માગે છે.

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ૧૨૯ બેઠકો છે. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમાંથી માત્ર ૨૯ બેઠકો જીતી હતી. આ પૈકી ૨૪ બેઠકો તો કર્ણાટકમાં જીતી હતી એ જોતાં બાકીનાં ચાર રાજ્યોમાં ભાજપની માત્ર પાંચ બેઠકો છે. તેમા પણ કેરળમાં તો ભાજપનું ખાતું પણ ખૂલ્યું નહોતું. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણના કેટલાક રાજ્યોમાં બદલાયેલા માહોલથી ભાજપ ઉત્સાહમાં છે.  

આ વર્ષના અંતમાં કર્ણાટક અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકમાં ભાજપની સરકાર છે જ્યારે તેલંગણામાં બીઆરએસ સત્તામાં છે. ભાજપનું લક્ષ્ય બંને રાજ્યોમાં સત્તા કબજે કરવાનું છે.

ત્રિપુરામાં અંતે માણિક સહા જ રિપીટ

ભારે ખેંચતાણ પછી અંતે ભાજપે ત્રિપુરામાં માણિક સહાને ફરી એકવાર ત્રિપુરાનાં મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકને બેસાડવા માગતા હતા પણ અમિત શાહ માણિક સહાને રીપીટ કરવા માગતા હતા. સહાને રીપીટ ના કરાય તો ભાજપમાં બળવો થઈ શકે અવી શક્યતા પણ તેમણે દર્શાવી હતી.

અમિત શાહનાં નિવાસસ્થાને જે.પી નડ્ડા, આસામનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિતના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં મોદીના સૂચન પ્રમાણે પ્રતિમા ભૌમિકનાં નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પણ અંતે સહાના નામ પર કળશ ઢોળાયો હતો. સહાને અમિત શાહ કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા હતા તેથી શાહે સહાનો આગ્રહ રાખ્યો હતો.

ભાજપે ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૨ સીટો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે સહયોગી દળ ઈંડિજીનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરાએ એક સીટ પર જીત મેળવી છે. ભાજપ પાસે પાતળી બહુમતી હોવાથી જોખમ નહીં લેવાનો મત સરમા સહિતના નેતાઓએ પણ વ્યક્ત કર્યો હતો.

* * *   

12,000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ભાજપને વેચાયા

ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે આરોપ મૂક્યો છે કે ભાજપને ૧૨,૦૦૦ કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા છે,. કોંગ્રેસે શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું છે કે ભાજપને ૧૨,૦૦૦ કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા છે. કોપોેેરેટ્સ તેમની પાસેથી મોટાપાયે ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદે છે અને ભાજપને દાન કરે છે. તેમણે આ ઉપરાંત સરકારને ઇલેક્ટોરલ બોન્ડ્સ આપવા બદલ કોર્પોરેટ્સની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે શા માટે કોર્પોરેટ્સ ભાજપને અપાર્દર્શકઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા દાન આપવુ ઇચ્છુક હોય છે. કોર્પોરેટ્સ વાસ્તવમાં સરકાર અને તેમના લાભકારક નિર્ણયો લેવામાં આવ્યા હોવાના લીધે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ બોન્ડ ખરીદે છે. 

ભારતમાં મહિલા ઋણધારકોની સંખ્યા વધી

ભારતમાં વધુને વધુ મહિલાઓ વીમેન વર્કફોર્સમાં પ્રવેશી રહી હોવાથી અનેનાણાકીય રીતે સ્વતંત્ર બનતી હોવાથી ૨૦૨૨માં ભારતમાં મહિલા ઋણધારકોની સંખ્યા વધીને ૬.૩ કરોડ પર પહોંચી છે. આમ તે દેશના કુલ ઋણધારકોમાં ૨૮ ટકા હિસ્સો ધરાવે છે, એમ ક્રેડિટ ઇન્ફોર્મેશન ફર્મ ટ્રાન્સયુનિયને સિબિલે જણાવ્યું હતું. અહેવાલની નોંધ છે કે ભારતમાં મહિલા ઋણધારકોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૫ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે. જો કે ભારતની કુલ ૧.૪ અબજની વસ્તીમાંથી ૪૫.૪ કરોડ મહિલાઓમાંથી ૬.૩ કરોડ મહિલાઓ ૨૦૨૨ના કેલેન્ડર વર્ષમાં સક્રિય ઋણધારક હતી. મહિલા માટે ઉપલબ્ધ ક્રેડિટ એક્સેસની ટકાવારી ૨૦૧૭માં સાત ટકા હતી અને તે ૨૦૨૨માં વધીને ૧૪ ટકા થઈ ગઈ હતી. આ બતાવે છે કે પુરુષોના ૧૩ ટકાની તુલનાએ મહિલા ઋણધારકોની ટકાવારી ૧૬ ટકાના દરે વધી રહી છે. 

200 કરોડના કૌભાંડના આરોપીને ખંડણી માટે ધમકી

ફૈસલાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૌભાંડમાં એન્ટિ કરપ્શન બ્યૂરોના ૨૦૦ કરોડના કૌભાંડની તપાસનો સામનો કરી રહેલા હરિયાણા કેડરના આઇએએસ ઓફિસરે ખંડણીની ધમકી મળી હોવાની એફઆઇઆર નોંધાવી છે. ફરીદાબાદ મેટ્રોપોલિટન ઓથોરિટીના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ અનિતાયાદવે આરોપ મૂક્યો છે કે કોલર તેમની પાસેથી આ કેસમાં તેમનુંનામ ક્લિયર કરાવવા પાંચ કરોડ રુપિયા માંગ્યા હતા. રાજ્ય સરકારે એસીબીને યાદવની સાથે અન્ય આઇએએસ ઓફિસર સોનલ ગોયેલ અને બીજા સાત સરકારી અધિકારીઓ સામે આ કેસમાં તપાસ કરવાની છૂટ આપી છે. 

- ઇન્દર સાહની

Gujarat
News
News
News
Magazines