નવીદિલ્હી: ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી થયેલી તમામ રાજ્યોની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના વિવિધ પક્ષો વચ્ચે સમજૂતી શક્ય બની નથી. ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ બાબતે કોઈપણ પક્ષ એકમત થઈ શક્યો નથી. રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસ સિવાય બીજા કોઈપણ પક્ષને મંજૂર નથી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર પછી મમતા બેનર્જીનું માન પણ ઓછું થઈ ગયું છે. હારેલા તમામ વિરોધપક્ષો ફરીથી ઇન્ડિયા ગઠબંધનને એક કરવા મથી રહ્યા છે. આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા જ તમામ પક્ષો વચ્ચેના મતભેદો જાહેર થઈ ગયા છે. સીપીઆઇએમએ કેરળ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે મુકેલા આરોપો બાબતે નારાજગી દર્શાવી છે. બીએમકેએ પણ નિર્ણયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સીપીઆઇએમના મહામંત્રી એમ એ બેબીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેને પત્ર લખીને કહ્યું છે કે, એમનો પક્ષ ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે અને રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટાસ બેઠકમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. જોકે એમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો પણ મૂક્યા છે.
કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન કેવું રહ્યું
દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન વિશે સામસામી દલીલો થઈ રહી છે. કેટલાક એને યુવાનોનો આક્રોશ કહી રહ્યા છે, તો કોઈ એને ફક્ત સોશ્યલ મીડિયાની પ્રસિદ્ધિ ગણાવે છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ દાવો કર્યો છે કે, જનંતર મંતર પર થયેલું પ્રદર્શન તો ફક્ત ટ્રેઇલર છે. જો યુવાનો એક થઈ જાય તો મોટું આંદોલન થઈ શકે છે. જો ૭ દિવસની અંદર કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં નહીં આવે તો આંદોલન તેજ કરવામાં આવશે. આ આંદોલન પર દેશ-વિદેશના મીડિયાની નજર છે. બ્રિટનના અખબાર ટેલિગ્રાફે લખ્યું છે કે સીજેપી ભારતમાં વધતી બેરોજગારી, પરીક્ષાના ગોટાળા અને રાજકીય વ્યવસ્થા વિરુદ્ધ યુવાનોનો ગુસ્સો પ્રદર્શિત કરે છે. અમેરિકાના અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટએ લખ્યું છે કે સીજેપી એવા યુવાનોનો અવાજ બની રહી છે કે, જે પરીક્ષામાં થતી ગરબડો અને બેરોજગારીથી હેરાન પરેશાન છે.
મહારાષ્ટ્રમાં બીઇએસટીની જમીન વેચવાનો વિવાદ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 'બૃહદ મુંબઈ ઇલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ' (બીઇએસટી) માટે એક રીડેવલપમેન્ટ યોજના તૈયાર કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. સરકારનું કહેવું હતું કે, આ પ્રોજેક્ટને કારણે બીઇએસટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ થશે. એની નાણાકીય પરિસ્થિતિ પણ સુધરશે. બીઇએસટીના વિવિધ ડેપોનું મલ્ટિપર્પઝ ડેવલપમેન્ટ થશે. સરકારના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રમાં મોટો વિવાદ થયો હતો. મહારાષ્ટ્રમાં કેટલીક સરકારી જમીનોનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાથી વિરોધપક્ષોએ આક્ષેપ મૂક્યો હતો કે, પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા માટે બીઇએસટીના ડેપોની જમીન હડપવામાં આવે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરવી પડી હતી કે, રીડેવલપમેન્ટ માટે બીઇએસટીની માલિકીની કોઈપણ જમીન વેચવામાં આવશે નહીં, પરંતુ તમામ પ્રોજેક્ટ પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપ 'પીપીપી' મોડેલ હેઠળ પુરો કરવામાં આવશે. જમીનની માલિકી બીઇએસટી પાસે જ રહેશે.
ભારતમાં ઘટતા જન્મદરથી એલોન મસ્ક કેમ ચિંતામાં
એક્સના સીઇઓ એલોન મસ્કએ ભારતના ઘટતા જતા જન્મદર બાબતે ચિંતા જાહેર કરી છે. એમના કહેવા પ્રમાણે ભારતનો જન્મદર રિપ્લેસમેન્ટ કરતા નીચે ગયો છે. રિપ્લેસમેન્ટ સ્તર એને કહેવાય છે કે, વસ્તી વધતી નથી તો ઘટતી પણ નથી. મસ્કએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, વધુ ભણેલા ગણેલા લોકોમાં ભારતનો જન્મદર ઘણા વર્ષોથી નીચે જઈ રહ્યો છે. મસ્કએ પોતાની વાત પુરવાર કરવા આંકડાઓ પણ લખ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત ભારતમાં વસ્તીનો દર નીચે જઈ રહ્યો છે. એક દશકમાં કુલ પ્રજનનદર ૨.૩ થી ઘટીને ૧.૯નો થઈ ગયો છે. દિલ્હીનો પ્રજનનદર ૧.૨ છે જે ફિનલેન્ડ કરતા પણ ઓછો છે.
યુસુફ પઠાણના ખુલાસા છતા મમતા બેનર્જી નારાજ
ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં છે. થોડા દિવસો પહેલા એવી વાત થતી હતી કે, ટીએમસીના પ્રમુખ અને બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુસુફ પઠાણને સાંસદની બેઠક પરથી રાજીનામું આપવા કહ્યું હતું કે જેથી તેઓ પેટા ચૂંટણી લડીને સંસદમાં જઈ શકે. રાજકીય વર્તુળોમાં એવી વાત ફેલાય હતી કે, યુસુફ પઠાણે બેઠક ખાલી કરવાની ધરાર ના પાડી દીધી હતી. મમતા બેનર્જી યુસુફ પઠાણથી ખુબ નારાજ થઈ ગયા હતા અને એમને ખૂબ આઘાત લાગ્યો હતો. ત્યાર પછી યુસુફ પઠાણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ એવો ખુલાસો કરતા જોવા મળ્યા કે, મમતા બેનર્જીએ એમને કદી બેઠક ખાલી કરવાનું કહ્યું નહોતુ. યુસુફ પઠાણ ગમે તે કહે, પરંતુ બંગાળમાં ટીએમસીના સફાયા પછી તેઓ પણ મમતા બેનર્જી માટે બલીનો બકરો બનવા તૈયાર નથી. ભૂતકાળમાં જ્યારે જ્યારે યુસુફ પઠાણે મમતા બેનર્જીને સંબોધન કર્યું છે ત્યારે મમતાના નામની આગળ માનનીય શબ્દ લગાડયો છે. વીડિયોમાં તેઓ ફક્ત મમતા કહેતા નજરે પડે છે. ટીએમસીના વર્તુળો જ કહી રહ્યા છે કે, યુસુફના ખુલાસાથી મમતા બેનર્જી ખુશ થયા નથી.
આઠમા ધોરણનું સોશ્યલ સાયન્સનું વિવાદાસ્પદ પુસ્તક છેવટે પ્રકાશીત થશે
થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટે એનસીઇઆરટીનું આઠમાં ધોરણનું સોશ્યલ સાયન્સનું પાઠય પુસ્તક 'એક્સપ્લોરિંગ સોસાયટી ઃ ઇન્ડિયા એન્ડ બિયોન્ડ' ફરીથી એકવાર પ્રકાશીત કર્યું છે. આ પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિશે લખવામાં આવ્યું હતું. આ લખાણથી સપ્રિમ કોર્ટના ન્યાયાધીશો ખુબ નારાજ થઈ ગયા હતા. જેમણે પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બજારમાં વેચવા મૂકાયેલી તમામ કોપીઓ પરત ખેંચી લેવાનો હુકમ પણ સુપ્રિમ કોર્ટે કર્યો હતો. ત્યાર પછી એનસીઇઆરટીના અધિકારીઓએ ખૂબ જ સાવચેતી રાખીને ફરીથી આ પુસ્તક પ્રકાશીત કર્યું છે. હવે આ મહિનામાં પુસ્તક ફરીથી વેચવા માટે મુકાશે. ન્યાયાધીશોનું માનવું હતું કે, ન્યાયતંત્ર ભ્રષ્ટ છે એવું જ્યારે પુસ્તકમાં લખાય ત્યારે ભવિષ્યની પેઢીની માનસીકતા પર ખરાબ અસર પડી શકે એમ હતું.
દિલ્હી પ્રોફેસરની હત્યા કેસમાં મોટો ખુલાસો
દિલ્હીના ન્યુ અશોકનગર વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યા બાબતે પોલીસને નવા પુરાવા મળ્યા છે. પોલીસે પશ્ચિમ બંગાળમાંથી એક દંપતીની ધરપકડ કરી છે. પ્રોપર્ટી વિવાદને કારણે આ બેવડી હત્યા થઈ હતી. આ મામલો ૧૪૦૦ કીલોમીટર દુર પશ્ચિમ બંગાળમાં આવેલી મિલ્કત સાથે જોડાયેલો છે. શરૂઆતની તપાસમાં એવી વાત સામે આવી હતી કે, મૃતક પ્રોફેસર દેબોસ્મિતા પોલ અને જેમની ધરપકડ થઈ હતી એ મકાન માલિક વચ્ચે પશ્ચિમ બંગાળમાં આવેલી એક મિલકત બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પ્રોફેસર પોતાના નાનાની મિલકત ખાલી કરાવવા માંગતા હતા. આરોપી એ મિલકત પર પોતાનો કબજો છોડવા માંગતા નહોતા. આ વિવાદ ધીરે ધીરે એટલો ગંભીર થઈ ગયો કે આરોપીઓએ પ્રોફેસરની હત્યા કરવા માટેની યોજના બનાવી. પોલીસના કહેવા પ્રમાણે આ હત્યાનું કાવતરું ખુબ જ વિચારીને બનાવવામાં આવ્યું હતું જેને માટે આરોપીઓ પશ્ચિમ બંગાળથી દિલ્હી ગયા હતા.


