નવીદિલ્હી: નરેન્દ્ર મોદીએ પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં ૫૦ વખત બિહારની મુલાકાત લીધી છે. તેઓ વારંવાર બિહાર કેમ જાય છે એવો પ્રશ્ન ભારતીય નિરિક્ષકોને થઈ રહ્યો છે. હવે મોદી ૨૦મી જૂને ફરીથી બિહારના સિવાન ખાતે જઈ રહ્યા છે. અહીં તેઓ રેલીને સંબોધન કરવાના છે. સિવાનથી તેઓ ૭૧૭૦ કરોડ રૂપિયાની ભેટ પણ આપશે. મોદી બિહારના ૨૨ શહેરોને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે. આ જ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. દરેક પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંગત રીતે મોદી માટે બિહાર વિધાનસભાની જીત ખુબ જરૂરી છે. જ્યાં સુધી સુશિલકુમાર મોદી હયાત હતા ત્યા સુધી બિહાર ચૂંટણીની તૈયારીની ચિંતા મોદીને નહોતી. સુશિલકુમાર મોદીના અવસાન પછી હવે બિહારમાં નિતિશકુમારને મેનેજ કરી શકે એવા એક પણ નેતા નથી.
બેંગ્લુરુના સસ્પેન્ડ થયેલા પોલીસ કમિશનરના સમર્થનમાં રાજકીય પક્ષો પણ ઉતર્યા
આઇપીએલમાં આરસીબીની જીત પછી મહોત્સવમાં થયેલી ભાગદોડની દુર્ઘટનાનો વિવાદ હજી શમ્યો નથી. દુર્ઘટના પછી કર્ણાટકની સરકારે તરત જ કેટલાક પગલાં લીધા છે. સરકારે બેંગ્લુરુના પોલીસ કમિશનર બી દયાનંદનાને સસ્પેન્ડ કરી દીધા છે. નવાઇની વાત એ છે કે, કર્ણાટક સરકારના આ પગલાના વિરોધમાં ફક્ત સોશ્યલ મીડિયા પર જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો દ્વારા પણ વિરોધ થઈ રહ્યો છે. સરકારના આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસ કર્મચારીઓ પણ કાળી પટ્ટી પહેરીને ડયુટી પર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કમિશનરે તો સરકારને સલાહ આપી હતી કે કાર્યક્રમ રવિવારે રાખવામાં આવે. સરકારે આ સલાહ માની નહોતી. રીટાયર્ડ આઇપીએસ અધિકારી ભાસ્કર રાવે કહ્યું છે કે, એવું લાગે છે કે કોંગ્રેસ સરકારે ગભરાઇને આ સસ્પેન્શનનું પગલું લીધું છે.
પરીક્ષામાં છ મિનિટ મોડી પહોંચતા બેસવા દેવામાં નહીં આવી, હાઇકોર્ટના જજે છોકરીને શું કહ્યું
પરીક્ષાના નિયમો અને શિસ્તને ધ્યાનમાં રાખીને સમાન વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (સીયુઇટી)માં છ મિનિટ મોડી પહોંચેલી વિદ્યાર્થિનીને રાહત આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. ૧૮ વર્ષની વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી કે, પરીક્ષાના સમયમાં ૬ મિનિટ પછી એટલે કે સવારે લગભગ ૮.૩૬ એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી એટલે એને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જસ્ટીસ પ્રતિભા એમ સિંહ અને જસ્ટીસ રજનીશકુમાર ગુપ્તાની બેન્ચે આ બાબતે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. બેન્ચને લાગ્યું છે કે, પરીક્ષાના નિયમો અને શિસ્ત પ્રમાણે આ બાબતે ખૂબ જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ૮.૩૦ વાગ્યે પરીક્ષા સ્થળનો ગેટ બંધ થઈ જાય છે.
આઇએસઆઇની 'મેડમ એન' કોણ છે જેણે ભારતમાં ૫૦૦ જાસુસોની જાળ પાથરી
ભારતમાં આજકાલ પાકિસ્તાન માટે જાસુસી કરનારાઓની ધરપકડ થઈ રહી છે. અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલા સોશ્યલ ઇન્ફલ્યુઅન્સરની પૂછપરછમાં એક ખાસ વાત જાણવામાં આવી છે. પાકિસ્તાનમાં રહેનારી એક સ્ત્રીનું નામ બહાર આવ્યું છે. આ સ્ત્રીને પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઇ 'મેડમ એન'ના નામથી ઓળખે છે. આ સ્ત્રી ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારાઓની પસંદગી કરે છે. આ સ્ત્રી પાકિસ્તાની જાણીતી બિઝનેસ વુમન નવસાબા છે. આ સ્ત્રી લાહોરમાં જયાણા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ નામની ટ્રાવેલ એજન્સી ચલાવે છે. આ સ્ત્રીએ ભારતમાં ૫૦૦થી વધારે જાસુસોને તૈયાર કર્યા છે. કેટલાક સોશ્યલ ઇન્ફલ્યુઅન્સરને આ સ્ત્રી પાકિસ્તાનમાં મહેમાન તરીકે બોલાવે છે. ત્યાં એમની આગતાસ્વાગતા પણ કરવામાં આવે છે. પાકિસ્તાની જાસુસ જ્યોતિ મલ્હોત્રાનો સંપર્ક પણ આ સ્ત્રી સાથે હતો.
છેલ્લી જાતિય ગણતરી ૧૯૩૧માં થઈ હતી, બહાર આવી કેટલીક અજાણી હકીકતો
જાતિ ગણતરી બાબતે કોંગ્રેસ સહિત બાકીના વિરોધ પક્ષો પણ ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા. હવે મોદી સરકાર જાતિ ગણતરી માટે તૈયાર થઈ ગઈ છે. ભારતમાં જાતિ આધારીત વસ્તી ગણતરી છેલ્લે ૧૯૩૧માં થઈ હતી. તે વખતે ભારતમાં અંગ્રેજ શાસન હતું. ૧૯૩૧માં જાતિ આધારીત વસ્તી ગણતરી વખતે લોકોની સાક્ષરતા તેમ જ સામાજીક અને આર્થિક માપદંડનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. ૧૯૩૧ની વસ્તી ગણતરી પ્રમાણે અખિલ ભારતીય સ્તરે બંગાળના વૈદ ઘણા રાજ્યોમાં રહેતા કાયસ્થ અને કેરળના નાયરો સૌથી વધુ સાક્ષર હતા. વૈદો વ્યવસાયે ચિકિત્સક હતા. કાયસ્થ લેખકો હતા અને નાયરોએ શિક્ષાક્ષેત્રે પ્રગતિ કરી હતી. આંકડા અનુસાર વૈદોમાં ૭૮.૨ ટકા પુરુષો અને ૪૮.૬ ટકા મહિલાઓ સાક્ષર હતા. કાયસ્થોમાં ૬૦.૭ ટકા પુરુષો અને ૧૯.૧ ટકા મહિલાઓ સાક્ષર હતા. જ્યારે નાયરોમાં ૬૦.૩ ટકા પુરુષો અને ૨૭.૬ ટકા મહિલાઓ સાક્ષર હતા.
જાસુસીના આરોપી શકુર ખાનનું પણ જ્યોતિ મલ્હોત્રા કનેકશન નીકળ્યું
પાકિસ્તાન માટે જાસુસી કરવા માટે શકુર ખાનની ધરપકડ થઈ છે. શકુર ખાન ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સાલેહ મહોમદનો અગંત સચીવ રહી ચૂક્યો છે. પોલીસ તપાસમાં હવે શકુર ખાનની બીજી ઘણી માહિતી બહાર આવી છે. શકુર ખાનના રીમાન્ડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, યુ-ટયુબર જ્યોતિ મલ્હોત્રાનું કનેકશન પણ એની સાથે છે. ખાનના મોબાઇલની તપાસ કરવામાં આવી ત્યારે ડેટા ચકાસતા જોવા મળ્યું કે જ્યોતિ મલ્હોત્રા વિશેની તમામ માહિતી એણે સર્ચ કરી હતી. જોકે શકુર ખાને પોલીસને એવો ગોળગોળ જવાબ આપ્યો હતો કે, જાણીતા સમાચાર હોવાથી એણે જ્યોતિ મલ્હોત્રા વિશેના સમાચારો શોધવાની કોશિષ કરી હતી. જોકે પોલીસને ખબર પડી છે કે, શકુર અને જ્યોતિ વચ્ચે સંબંધ હતા. એજન્સીઓને એ વાતની શંકા છે કે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પછી શકુર ખાન ડરી ગયો છે.
કેન્દ્રીય મંત્રીએ કર્ણાટકના સીએમ અને ડેપ્યુટી સીએમને જવાબદાર ઠેરવ્યા
કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ૪ જૂને થયેલી ભગદડના સંદર્ભમાં મુખ્ય મંત્રી સિદ્ધારામૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું રાજીનામુ માગ્યું હતું. તેમણે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ સાસંદ વિશ્વની તમામ બાબતો વિશે વાત કરે છે પણ પોતાના જ રાજ્યમાં બનેલી દુર્ઘટના વિશે તેમને જાણકારી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક લોકોના મોત થયા ત્યારે સીએમ, ડેપ્યુટી સીએમ, તેમના બાળકો, પૌત્રો અને આઈએએસ અધિકારીઓ વિધાનસભા નજીક સેલ્ફીઓ લઈ રહ્યા હતા.
શરણાગતિ વિશે કોંગ્રેસના દાવાને મનિષ તિવારીએ નકાર્યો
ઓપરેશન સિંદૂર વિશે વિશ્વના દેશોને જાણકારી આપવા ગયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા મનિષ તિવારીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં અમેરિકી પ્રમુખે ભારત પર શરણાગતિ સ્વીકારવાના દબાણ કર્યાના દાવાને નકારી નાખતા કહ્યું કે તણાવપૂર્ણ ઘટના વખતે પડદા પાછળ ચાલતી ચર્ચા નવી બાબત નથી. તિવારીએ જણાવ્યું કે મોદી અમેરિકા સામે ઝૂકી ગયા હોવાના કોંગ્રેસના દાવા પાછળ ભારતમાં રાજકરણમાં તીવ્ર સ્પર્ધા જવાબદાર છે. તિવારીએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ કટોકટી હોય, ખાસ કરીને બે પરમાણુ હથિયાર ધરાવતા દેશો લડી રહ્યા હોય ત્યારે વિશ્વના દેશો ચૂપ નથી બેસતા. આથી પડદા પાછળ ચર્ચાઓ ચાલતી રહેતી હોય છે. રાહુલ ગાંધીના નરેન્દર સરન્ડર જેવા કટાક્ષ વચ્ચે તિવારીનું નિવેદન મહત્વનું છે.
- ઈન્દર સાહની


