નવીદિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની રીનીકી ભૂઇયા સરમા આજકાલ ચર્ચામાં છે. આટલા વર્ષો સુધી ૫૨ વર્ષના રીનીકી ખાસ સમાચારમાં ચમક્યા નહોતા. આસામ વિધાનસભાની ચૂંટણી વખતે એમના પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ કેટલાક ગંભીર આરોપ મૂક્યા છે. ખેડાના કહેવા પ્રમાણે રીનીકી પાસે યુએઇ, મિશ્ર, એન્ટીગુઆ અને બારબુડા જેવા દેશોના પાસપોર્ટ છે. એમની એક કંપનીની કીંમત ૩,૪૬૭ કરોડ અમેરિકી ડોલર હોવાનો આક્ષેપ પણ છે. મુખ્યમંત્રી હિમંત સરમાએ આ આરોપોને રાજકીય ગણાવીને કેસ કરવાની ધમકી પણ આપી છે. આસામના સૌથી મોટા મીડિયા હાઉસ 'પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેઇનમેન્ટ'ના એમડી રીનીકીના પિતા જાણીતા ઉદ્યોગપતિ હતા. પાંચ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટા છે. તેઓ સ્કૂલ અને કોલેજ સમયમાં જાણીતા ટેનિસ ખેલાડી હતા. કોલેજમાં ભણતી વખતે એમની મુલાકાત હિમંત સાથે થઈ હતી. રીનીકી ઘણી ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને કેટલાક અખબારો પણ ચલાવે છે.
કેનેડામાં ખાલિસ્તાનવાદીઓ બેફામ
કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેઓ વારંવાર ભેગા થઈને હિન્દુ મંદિરોની સામે દેખાવો કરે છે. સોશ્યલ મીડિયા પર કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાનના સમર્થકોને પ્રદર્શન માટે ભાડે લાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદીઓએ લોકોને ભેગા કરવા ૨૦૦-૨૦૦ ડોલરની લાલચ આપી હતી. શ્રદ્ધાળુઓ જ્યારે મંદિરમાં પૂજા કરવા માટે ભેગા થયા હતા ત્યારે મંદિરની બહાર ખાલિસ્તાનવાદીઓએ પ્રતિબંધીત સંગઠન શિખ ફોર જસ્ટીસ (એસએફજે)એ પણ મંદિર બહાર સૂત્રો પોકાર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં લગભગ પચ્ચીસ હજાર લોકો ભેગા થયા હતા. કેનેડા સ્થિત હિન્દુઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મત અને ડોનેશન માટે સ્થાનિક નેતાઓ આવા ખાલિસ્તાનવાદીઓને ઉત્તેજન આપે છે. પ્રદર્શનકારીઓ પ્રદર્શન વખતે વિવાદાસ્પદ પોસ્ટર પણ હાથમાં રાખે છે. સ્થાનીક પોલીસ દેખાવ પુરતી સ્થળ પર હાજર રહે છે.
સુપ્રિમકોર્ટે બંગાળના મુખ્ય સચીવને ખખડાવ્યા
પશ્ચિમ બંગાળના માલદામાં થયેલી હિંસા બાબતે સુપ્રિમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. માલદા જિલ્લાના એક ગામમાં કેટલાક ન્યાયાધીશોને કલાકો સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી તેમજ વીપીન પંચોલીની બેન્ચે રાજ્ય પોલીસ સામેના ગંભીર આરોપો ધ્યાનમાં રાખીને તપાસ એનઆઇએને સોંપી છે. એનઆઇએએ સીલબંધ કવરમાં રીપોર્ટ રજૂ કર્યો છે. સુપ્રિમ કોર્ટે હુકમ કર્યો છે કે, થોડા થોડા સમયે કોર્ટને સ્ટેટસ રીપોર્ટ આપવો પડશે. સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અને ડીજીપીને પણ ખખડાવ્યા હતા. સુપ્રિમ કોર્ટે એમને પૂછયું હતું કે કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટીસએ જ્યારે એમને ફોન કર્યો ત્યારે એમણે ફોન રીસીવ શા માટે નહોતો કર્યો. સીજેઆઇએ ટીપ્પણી કરી હતી કે, 'શું તમે એટલા બીઝી છો કે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો ફોન પણ ઉપાડી શકતા નથી?' જવાબમાં ચીફ સેક્રેટરીએ કહ્યું હતું કે મારા પર ચીફ જસ્ટીસનો કોઈ ફોન આવ્યો નહોતો. બપોરના સમયે હું ફલાઇટમાં હતો.
મિર જાફરના વંશજોના નામ મતદાર યાદીમાંથી ગાયબ
ઇતિહાસના પુસ્તકો પ્રમાણે મિર જાફરની ઓળખ બંગાળના નવાબ સીરાજુ દૌલા સાથે વિશ્વાસઘાત કરનાર શાસક તરીકે છે. મિર જાફરના વંશજ સૈયદ આમીર મિર્ઝા પશ્ચિમ બંગાળના મુર્શિદાવાદ જિલ્લામાં રહે છે. આ જિલ્લામાં મિર જાફર કુટુંબના ૩૦૦ જેટલા સભ્યો રહે છે. પશ્ચિમ બંગાળમાં થયેલા એસઆઇઆર અભિયાન પછી આ વિસ્તારના ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી ગુમ થયા છે. ૮૯ વર્ષના સૈયદ આમીર મિર્ઝાનું નામ પણ મતદાર યાદીમાં નથી. જોકે એમને કેન્દ્ર સરકાર તરફથી દર મહિને રોયલ પેન્શન આપવામાં આવે છે. પોતાનું નામ મતદાર યાદીમાંથી રદ થતા તેઓ દુ:ખી છે. એમનું કહેવું છે કે તેઓ હંમેશા ભારતના નાગરીક રહ્યા છે. એક જમાનામાં મુર્શિદાબાદ એમના પૂર્વજોનું હતું. તેઓ અહીંના મૂળ નિવાસી છે.
નવજોત સિંહ સિદ્ધુના પત્નીએ નવા પક્ષની સ્થાપના કરી
કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થયા પછી નવજોત કૌર સિદ્ધુએ નવા પક્ષની સ્થાપના કરી છે. એમણે પક્ષનું નામ ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી રાખ્યું છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એમણે આ પક્ષની સ્થાપના કરી છે. એમના કહેવા પ્રમાણે એમનો પક્ષ પંજાબને એનું ગૌરવ ફરીથી અપાવશે. નવજોત કૌરએ લખ્યું છે કે, 'એક જાહેરાત કરૃં છું, જેની હું આતુરતાથી રાહ જોતી હતી. મે રાજકીય નેતાઓનું પ્રદર્શન જોઈને અને ઓળખીને રાષ્ટ્રીયસ્તરે એક નવા વિકલ્પની તૈયારી કરવાનું કામ કર્યું છે. હું મારૃં જીવન દેશ માટે સમર્પિત કરવા માંગું છું. મારે લોકોને એમણે આપેલો પ્યાર પાછો આપવો છે. એક કુદરતી શક્તિએ કેટલાક સમાન વિચારધારાવાળા લોકોને સાથે જોડયા છે.' નવજોત કૌરનો પક્ષ જલ્દીથી સંગઠનનો વિસ્તાર કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસ છે. નવજોત કૌર વાત તો મોટી મોટી કરે છે, પરંતુ દેશ આખાની વાત તો જવા દો, પંજાબમાં પણ એમનો પક્ષ કેટલું કાઠુ કાઢે છે એ જોવું રહ્યું.
કેરળના મુખ્યમંત્રીએ ભાજપ સાથે ડીલ કરી હોવાનો આક્ષેપ
કેરળ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થાય એ પહેલા કોંગ્રેસના સિનિયર નેતા કેસી વેણુગોપાલએ મુખ્યમંત્રી પીનારાય વિજયન પર ગંભીર આક્ષેપો કર્યા છે. વેણુગોપાલે લખેલા એક ખુલ્લા પત્રમાં એલડીએફ સરકારની કામગીરી પર આરોપ મૂક્યા છે. મુખ્યમંત્રી અને ભાજપ વચ્ચે ખાનગીમાં સોદાબાજી થઈ હોવાનું કહેવાય છે. વેણુગોપાલે પોતાના પત્રમાં લખ્યું છે કે, મુખ્યમંત્રીના ૧૦ વર્ષના કાર્યકાળ બાબતે પ્રજાના મનમાં ઘણા સવાલો છે. કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રી સમક્ષ ૧૦ પ્રશ્નો મૂક્યા છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ કોઈપણ અધિકારીઓની હાજરી વગર શા માટે મળ્યા હતા? કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે વારંવાર મીટીંગો શા માટે કરી હતી? રાજ્ય સરકારે પીએમ શ્રી યોજના શા માટે લાગુ કરી હતી? આ નિર્ણય ભાજપ સાથે સમજૂતી કરીને જ લેવામાં આવ્યો હોવો જોઈએ.
ઘરે આસામ પોલીસ પહોંચવાથી પવન ખેડા અંડરગ્રાઉન્ડ
આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા પછી કોંગ્રેસના નેતા પવન ખેડા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત મુખ્યમંત્રીએ કરી છે. ચૂંટણી માથા પર છે ત્યારે આસામની પોલીસ તપાસ માટે પવન ખેડાના ઘરે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રીના પત્ની પાસે એકથી વધુ વિદેશી પાસપોર્ટ હોવાનો આરોપ ખેડાએ કર્યો છે ત્યારે પાસપોર્ટ સાથે સંકળાયેલા એક કિસ્સામાં પોલીસ ખેડાના ઘરે તપાસ માટે પહોંચી હતી. આસામની પોલીસે દિલ્હીની પોલીસને સાથે રાખી હતી. આસામ અને દિલ્હી બંનેમાં ભાજપનું શાસન છે. હિમંત બિશ્વા સરમાના કહેવા પ્રમાણે પ્રવન ખેડા હૈદ્રાબાદ જઈને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એમણે કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ હોદ્દાનો દુરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ હિમંત સરમા પર લગાડયો છે.


