Get The App

દિલ્હીની વાત : સફેદ ટી-શર્ટ પહેરીને આવો, સવાલ પૂછો અને અવાજ ઉઠાવો : રાહુલ

Updated: Apr 8th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સફેદ ટી-શર્ટ પહેરીને આવો, સવાલ પૂછો અને અવાજ ઉઠાવો : રાહુલ 1 - image

નવી દિલ્હી : ગુજરાતના મહાઅધિવેશનમાં આવતા પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહાર જઈ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. નિતિશકુમાર અને ભાજપના તકવાદી ગઠબંધનની ટીકા રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'બિહારના યુવાનો હું બેગુસરાય આવી રહ્યો છું. 'ભાગેડુ વૃત્તી છોડો, નોકરી આપો.' યાત્રામાં હું તમારી સાથે ખભેખભો મેળવીને ચાલીશ. આખું વિશ્વ બિહારના યુવાનોની વ્યથા સમજે અને સંઘર્ષ જુએ. તમે બધે સફેદ ટી-શર્ટ પહેરીને આવજો. સવાલ પૂછજો અને અવાજ ઉઠાવજો. સરકાર પાસે તમારા અધિકાર માગવા માટે અને દબાણ લાવવા તેમ જ સરકારને દુર કરવા માટે આ જરૂરી છે. સફેદ ટી-શર્ટ મુવમેન્ટમાં ભાગીદાર બનો.'

વકફ સુધારા બિલના વિરોધનું નેતૃત્વ એઆઇએમપીઇએલબી કરશે

વકફ સુધારા બિલ સંસદમાં પસાર થઈ ગયા પછી રાષ્ટ્રપતિએ પણ મંજૂર કરી દેતા બીલનો વિરોધ કરનારાઓ સક્રિય થઈ ગયા છે. દેશના મોટાભાગના રાજકીય વિરોધપક્ષો ઉપરાંત મુસ્લિમ ધાર્મિક નેતાઓએ પણ આ બીલનો વિરોધ વિવિધ રીતે કરવાનું નક્કી કર્યું છે. અસદુદ્દીન ઔવેસી જેવા નેતાઓ આ બીલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે જ્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીઇએલબી) તમામ ધાર્મિક સંગઠનોને ભેગા કરીને બીલ સામે રાષ્ટ્ર વ્યાપી આંદોલન શરૂ કરશે. એઆઇએમપીઇએલબીના નેતાઓએ કહ્યું છે કે, બીલનો વિરોધ કરતા વિવિધ સંગઠનોનું નૈતૃત્વ એઆઇએમપીઇએલબી કરશે. જ્યાં સુધી આ કાયદો પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

વકફ બિલ પર પોલીસી બદલવા માટે બીજેડીમાં અસંતોષ

વકફ સુધારા બીલ બાબતે ઓડીશામાં બીજુ જનતા દળે પોલીસી બદલીને ભાજપને ટેકો જાહેર કર્યો હતો. નવીન પટનાયકની મરજીને પક્ષના સિનિયર નેતાઓએ શરૂઆતમાં ટેકો આપ્યો હતો. જોકે હવે પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દરસિંહે જાહેરમાં કહ્યું છે કે, બીજેડીની પરિસ્થિતિ સારી નથી. પક્ષમાં અસંતોષ છે. વિધાનસભામાં પક્ષના ઉપનેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રસન્ન આચાર્યએ પણ બીજેડીની પોલીસીને બહારની તાકાતોનો પ્રભાવ બતાવ્યો છે. આ બધા નેતાઓનું કહેવું છે કે, બીજેડી ધર્મનિરપેક્ષ પક્ષ છે અને એ પોલીસીમાં ફેરફાર થવાનો નથી.

ભાજપ આ અઠવાડિયે ઘણાખરા રાજ્યોમાં પ્રમુખની ઘોષણા કરશે

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે. દિલ્હી, હરિયાણા અને ઝારખંડ છોડીને બાકીના રાજ્યોના પ્રદેશ પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા અઠવાડિયાથી પક્ષ દરેક રાજ્યોના પ્રમુખો એક પછી એક જાહેર કરશે. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ૩૭ રાજ્યોમાંથી ૧૯ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક આવશ્યક છે. પક્ષે અત્યાર સુધીમાં ૧૪ રાજ્યોના પક્ષપ્રમુખો જાહેર કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી, મહાકુંભનું આયોજન અને સંસદમાં બજેટ સત્રને કારણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થઈ શકી નથી. જોકે એવું પણ મનાય છે કે, રાષ્ટ્રીય પ્રમુખ બાબતે સંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે સમજૂતી થઈ શકી નહી હોવાથી પણ પ્રક્રિયા લંબાઈ ગઈ છે.

પશ્ચિમના દેશોના શાસનમાં ધાર્મિકતાનો અભાવ : હોસબલેની બેવડી વાત

આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબલે દર થોડા દિવસે વિરોધાભાષી નિવેદનો આપતા રહે છે. હોસબલેએ કહ્યું છે કે, પશ્ચિમી દેશો અને ભારતના શાસકીય દ્રષ્ટિકોણમાં મોટુ અંતર છે. ભારતની શાસન પ્રણાલીમાં આધ્યાત્મિકતા કેન્દ્રમાં રહે છે જ્યારે પશ્ચિમી દેશોના શાસનમાં ધાર્મિકતાનો અભાવ હોય છે. આ જ હોસબલેએ થોડા દિવસો પહેલા બિનસાંપ્રદાયિકતાની વાતો કરી હતી. બિનશાસકો જો ધાર્મિક હોય તો બિનસાંપ્રદાયિક હોય શકે નહીં. હવે હોસબલેએ પલ્ટી મારીને અલગ વાત કરી છે. એમણે એક કાર્યક્રમમાં એમ પણ કહ્યું છે કે, શાસકોની નૈતિકતા ઉંચી હોવી જોઈએ અને શ્રેષ્ઠ શાસક અહલ્યાબાઇ હોલકરને ગણી શકાય. શ્રેષ્ઠ શાસકોની યાદીમાં હોસબલેએ નરેન્દ્ર મોદીનું નામ લીધું નહોતું, એની નોંધ રાજકીય નીરિક્ષકોએ લીધી છે.

નારાજ સ્ટાલિને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું નહીં

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન નવા સીમાંકન તેમ જ ત્રણ ભાષાને મુદ્દે વડાપ્રધાન મોદીથી ખુબ નારાજ છે. વડાપ્રધાન મોદી તામિલનાડુની મુલાકાતે ગયા ત્યારે સ્ટાલીન મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર ગયા નહોતા. સ્ટાલીને પોતાની નારાજગી બતાવવી છે પરંતુ એને કારણે ભાજપના કેટલાક નેતાઓ છંછેડાયા છે. ભાજપના નેતા તમિલી સાઇ સુંદર રાજે કહ્યું છે કે, મોદી માછીમારોના પ્રશ્નો ઉકેલવા માટે શ્રીલંકાથી પરત ફરતી વખતે જ્યારે તામિલનાડુ આવ્યા ત્યારે સ્ટાલીને એમનું સ્વાગત કરવું જોઈતું હતું. મોદીનું સ્વાગત નહીં કરવુ પડે એટલે સ્ટાલીન આરામ કરવા માટે ઉટી ચાલ્યા ગયા. જ્યારે મોદી તામિલનાડુ આવ્યા ત્યારે જ સ્ટાલીને વેકેશન મનાવવાની જરૂર નહોતી.

બિહાર, બંગાળ અને તમિલનાડુ માટે ભાજપે રણનીતિ બનાવી

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે અત્યારથી જ આ રાજ્યોમાં કયા મુદ્દે ચૂંટણી લડવી એનું આયોજન શરૂ કરી દીધું છે. સમગ્ર આયોજનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે અલગ યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દર મહિને બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં બે દિવસ જશે. અમિત શાહનો આ પ્રવાસ વિધાનસભાની ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી ચાલશે. એમ મનાય છે કે ભાજપની કેન્દ્રીય નેતાગીરીને રાજ્યોની સ્થાનીક નેતાગીરી પર ખાસ ભરોષો નથી. આ તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ પર જ લડાશે એ નક્કી છે.

બીજેડીમાં પટનાયકને બદલે ખરી સત્તા બીજાના હાથમાં હોવાની ચર્ચા

નવીન પટનાયક ૭૮ વર્ષના થયા છે. તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે. વિધાનસભાની ચૂંટણી વખતે જ ભાજપે તેમની તબિયતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં તેમના વિડીયો વાયરલ કર્યા હતા. વક્ફ મુદ્દે છેક છેલ્લી ઘડીએ બીજેડીના સાંસદોને પોત-પોતાની રીતે વોટિંગ કરવાની જે સૂચના મળી તેનાથી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે. સિનિયર નેતાઓ નવીન પટનાયક સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે રાજ્યની ભાજપની સરકાર બીજેડીને ટાર્ગેટ કરવાની એક તક જતી કરતી નથી, તો બીજેડીએ કેમ નમતું મૂક્યું? ચર્ચા તો એવીય છે કે બીજેડીમાં નવીન પટનાયક નિર્ણયો લેતા નથી. પાર્ટીનો અંકુશ બીજા કોઈના હાથમાં છે. આ બીજા કોઈ એટલે નવીન પટનાયકના ખાસ એવા પૂર્વ અધિકારી પાંડયન હોવાની શક્યતા છે. પાંડયન સીધા ક્યાંય ચિત્રમાં નથી, પરંતુ પટનાયક તેમને પૂછીને જ નિર્ણયો કરે છે.

ભાજપના હિન્દુત્વના જવાબમાં મમતા બેનર્જીની બંગાળી અસ્મિતા

બંગાળમાં રામનવમીએ કેટલાય સ્થળોએ શોભાયાત્રા પર પથ્થરમારો થયાનો ભાજપનો આરોપ છે. એક તરફ ભાજપના સિનિયર નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ અયોધ્યા જેવું રામ મંદિર બનાવવાની જાહેરાત કરી છે. રામ મંદિર અને રામ રથયાત્રાના નામે ભાજપ હિન્દુઓને એક કરવા પ્રયાસો કરે છે. ૨૦૨૬માં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. તે પહેલાં હવે મમતા બેનર્જીએ હિન્દુત્વ સામે બંગાળી અસ્મિતાનો મુદ્દો ઉઠાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ બંગાળના લોકોને ઉશ્કેરીને બંગાળમાં એકતા જોખમમાં મૂકે છે. બંગાળની અસ્મિતા છે કે સૌ સાથે મળીને રહે છે. સૌ સાથે મળીને દુર્ગાપૂજા કરે છે. એમાં ક્યારેય ધાર્મિક વિખવાદ રહ્યો નથી. ભાજપ બંગાળની આ સંસ્કૃતિને જોખમમાં મૂકે છે. હિન્દુ મતદારોને સાધવા માટે એક તરફ ભાજપ હિન્દુત્વને આગળ કરે છે, તો ટીએમસી દુર્ગાપૂજા અને બંગાળી સંસ્કૃતિને આગળ કરે છે.

એક સમયે માયાવતીના ખાસ રહેલા નેતા દદ્દુ પ્રસાદ સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશમાં માયાવતીની બસપા અત્યારે અસ્તિત્વનો જંગ લડી રહી છે. પાર્ટી છેલ્લી બે વિધાનસભા અને લોકસભામાં ઊંઘે માથે પછડાઈ છે. તેના કારણે પાર્ટીમાં આંતરિક કલહ વધ્યો છે. પાર્ટીમાં કેટલાય નેતાઓ કોંગ્રેસ કે સપાની સારી ઓફરની રાહ જોઈને બેઠા છે. એવા જ એક નેતા દદ્દુ પ્રસાદ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. બસપાની સરકાર હતી ત્યારે પ્રસાદ કેબિનેટ મંત્રી હતા. માયાવતીના એક સમયે ખાસ નેતાઓમાં એમની ગણતરી થતી હતી. પાર્ટી અત્યારે નબળી પડી ગઈ છે એટલે દદ્દુ પ્રસાદે સપામાં જોડાવાનું યોગ્ય માન્યું છે. અખિલેશ યાદવની ટીમમાં બસપામાંથી આવેલા કેટલાય નેતાઓ અત્યારે મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં ઈન્દ્રજીત સરોજ, બાબુ સિંહ કુશવાહા વગેરેનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં હજુય અખિલેશ મોટા ઓપરેશનો પાર પાડશે.