નવીદિલ્હી : સીબીઆઇ ડિરેક્ટરની નિમણૂક ત્રણ સભ્યની કમીટી કરે છે. આ કમીટીમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા ઉપરાંત દેશના ચીફ જસ્ટીસ હોય છે. સરકાર હમણાના સીબીઆઇ ડિરેક્ટર પ્રવિણ સુદનો કાર્યકાળ લંબાવવા માંગે છે. જ્યારે મોદી, રાહુલ ગાંધી અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના વચ્ચે મીટીંગ થઈ ત્યારે રાહુલ ગાંધી સીબીઆઇ ડિરેક્ટરના પ્રસ્તાવિત નામ સાથે સહમત નહોતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ આ બાબતે ડિસેંટ નોટ (અસહમતી) પણ આપી હતી. એમ મનાય છે કે, કેન્દ્ર સરકાર પોતાના માનીતા સીબીઆઇ ડિરેક્ટર પ્રવિણ સુદને ચાલુ રાખવા માંગે છે અને રાહુલ ગાંધીએ પ્રસ્તાવિત કરેલા નામનો વાંધો વડાપ્રધાનને છે. જો પ્રવિણ સુદનો કાર્યકાળ લંબાવવામાં નહીં આવે તો નવા સીબીઆઇ ડિરેક્ટરની નિમણૂક થવી જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણે સીબીઆઇ ડિરેક્ટરનો કાર્યકાળ બે વર્ષથી ઓછા સમયનો નહીં હોવો જોઈએ.
ટોલનાકે ફસાયા સપા સાંસદ, પછી થઈ મોટી બબાલ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સાંસદ રૂચિ વિરા દિલ્હીથી લખનૌ જતા હતા. એ વખતે છીજરાસી ટોલનાકાની વિવિઆઇપી લાઈનમાંથી જતી વખતે એમની કારની આગળ અન્ય એક કાર ઉભી હતી. એ કારના ચાલક સાથે ટોલના કર્મચારીઓ ઝઘડો કરી રહ્યા હતા. લગભગ ૧૫ મીનીટ રાહ જોયા પછી સાંસદે એમના સુરક્ષા કર્મચારીઓને શું થઈ રહ્યું છે એ જોવા માટે મોકલ્યા હતા ત્યારે ટોલ કર્મચારીઓએ એમની સાથે પણ દાદાગીરી કરીને એમને મારવા લીધા હતા. સાંસદે જ્યારે મેનેજરને બોલાવવા કહ્યું ત્યારે, કર્મચારીઓએ એમને એવો જવાબ આપ્યો હતો કે, મેનેજર તમને મળવા નહીં આવે તમારે મેનેજરને મળવા જવું પડશે. છેવટે સાંસદ રૂચિ વિરાએ નક્કી કર્યું કે તેઓ એનએચએઆઇ અને કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીને આ બાબતે ફરીયાદ કરશે.
સંજૌલી મસ્જિદ વિવાદ મુદ્દે મૌલાના અરશદ મદનીનું ભડકાઉ નિવેદન
છેલ્લા કેટલાક સમયથી શીમલા ખાતે આવેલી સંજૌલી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. મસ્જિદનું બાંધકામ ગેરકાયદેસર હોવાથી નગરપાલિકાએ ગેરકાયેદસર પાંચ માળ તોડી નાખવાનો હુકમ કર્યો હતો. આ બાબતે મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, હવે તો એવો કાયદો બનશે કે એક નહીં હજારો મસ્જિદ તોડી પડાશે. જો કોઈ ઘર કે મસ્જિદ બનાવીને પાકિસ્તાન ચાલ્યુ જશે તો એ ઘર અને મસ્જિદને પણ તોડી પાડવામાં આવશે. તમે એક મસ્જિદ માટે રડી રહ્યા છો, પરંતુ એવો કાયદો બની ગયો છે કે હજારો મસ્જિદો તોડી પડાશે તો પણ તમે કઈ કરી નહીં શકો. તલાકના કાયદા વિરુદ્ધ તમે ફેસલો આપી દીધો તો અમે શું કરી લીધું. તેઓ કહેતા હતા કે રામ જન્મભૂમિ છે અમે કહેતા હતા કે રામ જન્મભૂમિ નથી. છતા પણ મંદિર બની ગયું.
બિહાર ચૂંટણી પહેલા ભાજપને ફટકો
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહાર ભાજપને એક પછી એક ફટકા પડી રહ્યા છે. ચંદીના ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલસિંહ ભાજપ છોડીને ૩૧ વર્ષ પછી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ પટણાના સદાકત આશ્રમમાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાશે. અનિલસિંહે કહ્યું છે કે, ૧૯૯૪માં એમણે કોંગ્રેસ છોડી હતી. ૧૯૯૫માં તેઓ સમતા પાર્ટીમાં જોડાયા હતા. સમતા પાર્ટી તરફથી ચૂંટણી લડીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. એ પહેલા તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. અનિલસિંહ એનસીપીની ટીકીટ પર પણ ચૂંટણી લડી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાજપમાં સક્રિય હતા. તેમની ઇચ્છા વિધાનસભાની ચૂંટણી લડવાની છે.
સીઆરપીએફ જવાને પાકિસ્તાનમાં રહેતી મામાની દીકરી સાથે લગ્ન કરવાનું રહસ્ય ખોલ્યું
પાકિસ્તાનની સ્ત્રી સાથે લગ્નની વાત છૂપાવવાને કારણે સીઆરપીએફના સુરક્ષા કર્મચારી મુનીર અહમદને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હવે મુનીર અહમદએ આ બાબતે ખુલાસો કર્યો છે. મુનીરના કહેવા પ્રમાણે ૨૦૨૨માં એણે ડીપાર્ટમેન્ટ પાસે લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. પરવાનગી મળવામાં મોડુ થતા એણે ૨૦૨૪ના મે મહિનામાં વિડિયો કોન્ફરન્સીંગથી મીનળ સાથે લગ્ન કરી લીધા હતા. મુનીર અહમદના કહેવા પ્રમાણે બાળપણમાં એની મામાની દીકરી સાથે એના લગ્ન કરવાનું નક્કી થઈ ગયું હતું. ભારત - પાકિસ્તાનના ભાગલા પહેલા મુનીર અને એના પત્નીના કુટુંબો જમ્મુ-કાશ્મીરમાં રહેતા હતા. હમણા મીનળનું કુટુંબ પાકિસ્તાનના સિયાલકોટમાં રહે છે. જવાનના કહેવા પ્રમાણે એના પિતા કેન્સરના દર્દી છે અને મીનળના કુટુંબીઓને ભારત વિઝા આપતું નથી.
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાબતે મોદીને ખડગેનો પત્ર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી માટે તેલંગાણા મોડેલ અપનાવવાનું આ પત્રમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત અનામત માટે ૫૦ ટકાની સીમા દુર કરવા તેમ જ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી - એસટી -ઓબીસી માટે અનામત લાગુ કરવાના આર્ટીકલ ૧૫ (૫)ને તરત અમલમાં મૂકવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. ખડગેએ વડાપ્રધાનને જણાવ્યું છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાબતે વાતચીત કરવા તમામ પક્ષોની મીટીંગ બોલાવવામાં આવે. ખડગેએ પત્રમાં એમ પણ લખ્યું છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાબતે એમણે ૨૦૨૩ની ૧૬મી એપ્રિલે મોદીને પત્ર લખ્યો હતો, પરંતુ એમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.
બાંગ્લાદેશનીઓનું નવું પરાક્રમ, મુંબઈ પોલીસનો બોગસ મેલ કરીને બેંક ખાતાઓ ફ્રીઝ કરાવ્યા
આજકાલ બાંગ્લાદેશીઓને શોધીને એમને દેશ નિકાલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની એક નવી કરતૂત બહાર આવી છે. કેટલાક બાંગ્લાદેશીઓએ મુંબઈ પોલીસનો બનાવટી ઇમેલ કરીને કેટલાક બેંકના ખાતાઓ ફ્રીઝ કરાવ્યા હતા. બેંકે ઇમેલની સચ્ચાઈ તપાસવા માટે મુંબઈ સાયબર સેલનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે સાયબર સેલે આવો કોઈ ઇમેલ બેંકને મોકલ્યો નથી. તપાસ કરતા ખબર પડી કે, ઘણી બેન્કોને આવા ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓએ સાયબર સેલના અધિકારીઓ જેવા જ લેટરપેડ બનાવીને ઇમેલ કર્યા હતા. ખોટા બહાના બતાવીને કેટલાક ગ્રાહકોના ખાતા ફ્રીઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. એમ મનાય છે કે આ કાવતરામાં બાંગ્લાદેશી ગેંગ સંડોવાયેલી છે.
હિન્દુત્વ આંદોલનમાંથી જ ભાજપ સામે નવો વિપક્ષ ઉભરી રહ્યો છે
દેશમાં ભાજપે સત્તાસ્થાને અગિયાર વર્ષ પુરાં કર્યાં તે સાથે તેની સામે બોલકો અને માફ ન કરે તેવો વિરોધપક્ષ તેની સામે ઉભર્યો છે. જોખમની વાત એ છે કે આ વિરોધપક્ષ હિન્દુત્વ આંદોલનમાંથી જ ઉભર્યો છે. એકદમ જમણેરી હિન્દુત્વ વલણ ધરાવતાં લોકો માટે ભાજપ માત્ર વધારે પડતો બિનસાંપ્રદાયિક જ નહીં પણ હિન્દુઓને સતત છેહ આપનારો પક્ષ છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભાજપના છત્તીસગઢ એેકમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવીઃ ધર્મ પૂછા, જાતિ નહીં...યાદ રખેંગે. એ પછી એક અઠવાડિયા બાદ નરેન્દ્ર મોદી સરકારે અણધારી જાહેરાત કરી કે તેઓ જાતિવાદી જનગણના કરાવશે. હિન્દુત્વના ટેકેદારોની હાલત આ જાહેરાતને પગલેે કાપો તોય લોહી ન નીકળે તેવી થઇ ગઇ. મોટાભાગનાઓએ સોશ્યલ મિડિયા પર તેમનો આઘાત, તેમની સાથે થયેલી છેતરપિંડી અને ઘૃણા વ્યક્ત કર્યાં. અનુરાધા તિવારી નામની એક્સ વપરાશકારે લખ્યું, ટેરરિસ્ટ તમારો ધર્મ પૂછે છે. હવે સરકાર તમારી જાતિ પૂછશે. પોતાને સિવિલાઇઝેશનલ હિન્દુ એક્ટિવીસ્ટ તરીકે ઓળખાવતી રિતુ રાઠૌરે જણાવ્યું છે કે જનરલ કાસ્ટ -જીસી-હિન્દુનું આ સામૂહિક સ્તરે કોઇ અન્ય પક્ષે નુકશાન કર્યું નથી જેટલું ભાજપે કર્યું છે.
સરકારે જ્ઞાતિવાદી વસતી ગણતરીના પાપ વિશે વલણ કેમ બદલ્યું?
ભાજપમાં ચર્ચા ફાટી નીકળી છે કે જાતિવાદી જનગણનાને કારણે બ્રાન્ડ મોદીને નુકશાન થશે અને તેમના અનુગામીઓને સ્પર્ધામાંથી બહાર કરી દેશે. જાતિવાદી જનગણના બાબતે મોદી સરકારનો અભિગમ કેવી રીતે બદલાઇ ગયો તે અંગે પણ સવાલો થવા માંડયા છે. સરકારે સંસદ અને સુપ્રીમ કોર્ટમાં ૨૦૨૧માં જણાવ્યું હતું કે તેઓ જાતિવાદી જનગણના નહીં કરાવે. નિરીક્ષકો સવાલ કરી રહ્યા છે કે મોદીની ચાર જાતિઓ ગરીબ,યુવાન, મહિલાઓ અને ખેડૂતોનું હવે શું થશે. તેમણે અગાઉ જાતિવાદી જનગણનાને અર્બન નક્સલ માઇન્ડસેટનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. આ એક પાપ છે તેમ તેમણે જણાવ્યું હતું. ભાજપના મેનેજરો બિનસત્તાવાર રીતે જે નિવેદનો કરી રહ્યા છે તે પણ એટલાં જ રસપ્રદ છે. એક મત એવો છે કે રાહુલ ગાંધીના મુખ્ય ચૂંટણી મુદ્દાને ભાજપે છીનવી લીધો છે. પણ રાહુલ ગાંધીની જાતિવાદી જનગણનાની માંગણીમાં જનતાને કોઇ રસ પડયો હોય એવા કોઇ ચૂંટણીલક્ષી પુરાવા હજી સાંપડયા નથી.
ઓબીસી સર્વેના ઠેકાણાં નથી ત્યાં કર્ણાટક અનુસૂચિત જાતિનો ડેટા ઘરે કરશે
કર્ણાટક સરકારે સોમવારે અનૂસૂચિત જાતિ-શેડયુલ્ડ કાસ્ટ-ની મહત્વાકાંક્ષી જનગણના સોમવારથી શરૂ કરી દીધી છે. આ રીતે પેટા જાતિઓ વિશે વાસ્તવિક માહિતી મેળવવામાં આવશે, જે હાંસિયામાં જીવતાં જૂથો માટે આંતરિક અનામત લાગુ પાડવામાં સહાયરુપ બનશે. સિદ્ધરામૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે નીમેલાં એક વ્યક્તિના પંચ દ્વારા પાંચ અને ૨૩ મે દરમ્યાન ત્રણ તબક્કામાં ઘરે ઘરે ફરી ડેટા એકત્ર કરવામાં આવશે. નિવૃત્ત જસ્ટિસ નાગમોહનદાસની આગેવાની હેઠળના પંચ દ્વારા સ્પેશ્યલ ટ્રેનિંગ કેમ્પ અને ઓનલાઇન સેલ્ફ ડિકલેરેશન કેમ્પ પણ યોજવામાં આવશે. દસથી બાર સર્વેયર્સ પર એક સુપરવાઇઝરને નીમવામાં આવશે અને ૬૫,૦૦૦ કરતાં વધારે શિક્ષકોને ગણતરીકાર તરીકે કામે લગાડવામાં આવશે. આ કવાયત માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ખર્ચવામાં આવશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કર્ણાટકની વસ્તીમાંથી ૧૭.૧૫ ટકા વસ્તી એસસીની છે. એસસીમાં ૧૦૧ પેટા જૂથો છે. સિદ્ધરામૈયાએ સોમવારે જણાવ્યું હતું કે આ ૧૦૧ પેટા જૂથોને આંતરિક અનામત આપવા માટે અમારે ચોક્કસ ડેટાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાજ્યોને વાસ્તવિક ડેટાના આધારે એસસી માટે આંતરિક ક્વોટા દાખલ કરવાની છૂટ આપતો ચૂકાદો આપ્યો હતો.તેના પગલે કર્ણાટક સરકાર દ્વારા આ કવાયત કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ યુએસમાં રામને પૌરાણિક હસ્તી ગણાવતાં ભાજપ લાલઘૂમ
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગયા મહિને યુએસની મુલાકાત દરમ્યાન એક વાતચીતના સત્ર દરમ્યાન ભગવાન રામને પૌરાણિક હસ્તી ગણાવતાં ભાજપ લાલઘુમ બની ગયો છે. ૨૧ એપ્રિલે બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટ્સન ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ ખાતે યોજાયેલાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભાજપને રાજકીય સત્તા કબજ કરનારું એક મામૂલી જૂથ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે વિશાળ માત્રામાં સંપત્તિ જમા કરી લીધી છે. એક કલાકના આ કાર્યક્રમનો વિડિયો શનિવારે ઇન્સ્ટિટયુટની યુ ટયુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. રવિવારે તેના પ્રત્યાઘાત આપતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર.કેશવને વિડિયો નિવેદન જારી કરી જણાવ્યું હતું કે વિદેશી ધરતી પર ભગવાન રામ અને ભારતની બદબોઇ કરવી એ રાહુલ ગાંધી અને કોંગ્રેસની મૂળ વિચારધારા છે. હિન્દુ રાષ્ટ્રવાદના જમાનામાં બિનસાંપ્રદાયિક રાજકારણ કેવુ હશે તેવા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ લાંબો જવાબ આપ્યો હતો. જેના અંશોને હવે સોશ્યલ મિડિયા પર ભાજપના નેતા મુકી રહ્યા છે. રાહુલે હિન્દુ ધાર્મિક પરંપરાઓ અને ભાજપની રાજકીય વિચારધારા વચ્ચે ભેદ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
-ઇન્દર સાહની


