દિલ્હીની વાત : મોદીને પત્રમાં તેજસ્વીની સહી, નીતિશની નહીં
નવી દિલ્હી : મનિષ સિસોદિયાની ધરપકડના મુદ્દે નવ વિપક્ષી નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રે ભાજપ વિરોધી મોરચો શક્ય નથી એ સ્પષ્ટ કરી દીધું છે. આ પત્રમાં વિપક્ષના સભ્યો સામે કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ કરવાનો આક્ષેપ છે. આ પત્રમાં કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરી નેતાઓની સહી નથી. સહી કરનારા નેતાઓમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તો આમ આદમી પાર્ટીના જ છે.
આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, એનસીપીના નેતા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે સહી કરી છે. નીતિશ કુમારે સહી કરી નથી એ પણ સૂચક છે.
દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અનિલ ચૌધરી અને વરિ નેતા સંદીપ દીક્ષિતે સિસોદિયાની ધરપકડનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દાખવાતી કિન્નાખોરીની ટીકા કરતું નિવેદન બહાર પડાયું હતું પણ તેમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
ત્રિપુરામાં ડાબેરીઓએ હાર્યા પછી ડહાપણ ડેરાવ્યું
ત્રિપુરામાં કારમી હાર પછી ડાબેરીઓને ભાન થયું છે કે, કોંગ્રેસ-ડાબેરી જોડાણે ટિપરા મોથા સાથે પણ જોડાણ કરવાની જરૂર હતી. સીપીએમના નેતા જિતન્દ્ર ચૌધરીએ સ્વીકાર્યું કે, અમે કોંગ્રેસની જેમ ટિપરા મોથા સાથે પણ જોડાણ કર્યું હોત તો પરિણામ અલગ હોત. ચૌધરીની કબૂલાતને હાર્યા પછીનું ડહાપણ ગણાવાઈ રહ્યું છે.
ચૌધરીએ કહ્યું કે, અમે કોંગ્રેેસની જેમ ટિપરા મોથા સાથે જોડાણ કરી શક્યા નહીં. ટિપરા મોથાના કારણે વોટોનું વિભાજન થયું અને ભાજપનો રસ્તો આસાન થઈ ગયો. ચૌધરીએ કહ્યું કે, ભાજપને મળેલા મત ૨૦૧૮ની સરખામણીમાં ઓછા છે પણ મતોનું વિભાજન થયું તેમાં અમે હારી ગયા. કોંગ્રેસ, સીપીએમ અને ટિપરા મોથા ત્રણેય ભાજપની સામે મેદાનમાં હતા. ડાબેરી-કોંગ્રેસે લોકશાહી તથા કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાના વચન આપેલું જ્યારે ટિપરા મોથાનો મુદ્દો આદિવાસી સ્વાયત્તતાનો હતો. અમે ત્રણેય આ મુદ્દાઓનો સાથ લઇને લડયા હોત તો પરિણામ અલગ હોત.
સરકારની રચના પહેલાં જ સંગમા-ભાજપ સામસામે
એનપીપીના કોનરાડ સંગમાએ રાજ્યપાલ ફાગુસિંહ ચૌહાણને રાજીનામું આપ્યા પછી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. સંગમાએ ૩૨ ધારાસભ્યોનો સમર્થન પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો છે. સંગમા ૭ માર્ચે મુખ્યમંત્રીપદના શપથ લઇ શકે છે ત્યારે સરકારની રચના પહેલાં જ ભાજપ અને સંગમા વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે.
ભાજપે કોનરાડ સંગમાને નવી સરકારમાં પોતાના બે ધારાસભ્યોનો સમાવેશ કરવા કહ્યું છે પણ સંગમા તેના માટે તૈયાર નથી. બલ્કે સંગમા ભાજપને મંત્રીમંડળમાં લેવા જ તૈયાર નથી. ભાજપના માત્ર બે ધારાસભ્યો ચૂંટાયા છે ત્યારે બંનેને મંત્રીપદ ના આપી શકાય એ સ્પષ્ટ છે.
મેઘાલય બીજેપીના અધ્યક્ષ અર્નેસ્ટ માવરીએ એલાન કર્યું કે, અમે કોનરાડ સંગમાને અમારા બે ધારાસભ્ય લાલુ હેક અને સનબોર શુલ્લઇને મંત્રીમંડળમાં લેવા વિનંતી કરીએ છીએ કારણ કે બંને ધારાસભ્યો અનુભવી છે.
કોનરાડ સંગમાએ જે ૩૨ ધારાસભ્યોનો સમર્થન પત્ર આપ્યો છે તેમાં એનપીપીના ૨૬, ભાજપના ૨, હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ૨ અને ૨ અપક્ષ ધારાસભ્યની સહી છે.
ભાજપના મંત્રીનો દાવો, મોદી પીઓકે પાછું લાવશે
હરિયાણાના કેબિનેટ મંત્રી કમલ ગુપ્તાએ કરેલા દાવાની લોકો મજા લઈ રહ્યાં છે. ગુપ્તાએ કહ્યું કે, આગામી બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીએકે) ભારતનો ભાગ બની શકે છે અને આ કામ નરેન્દ્ર મોદી જ કરશે. ગુપ્તાએ દાવો કર્યો કે, પાકિસ્તાને આપણા વિસ્તાર પર કબજો જમાવ્યો છે અને જેને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર કહેવામાં આવે છે એ જ વિસ્તારમાંથી ભારતમાં જોડાવા માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે મોદી ફટકો મારે એટલી જ વાર છે.
ગુપ્તાના નિવેદનને પગલે લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, લોકસભાની ચૂંટણ નજીક આવે છે એટલે હવે ભાજપને પીઓકે લઈ લેવાની વાતો યાદ આવી છે. નવ વર્ષ સુધી તો કંઈ ના કર્યું. કેટલાકે ટીકા કરી કે, ચીન આપણો વિસ્તાર દબાવી રહ્યું વછે તેને તો પહેલાં રોકો, પછી પીઓકે લેવાની વાતો કરજો. ગુપ્તાના નિવેદનને ટેકો આપનારા લોકો પણ છે.
ફેક વીડિયોથી ભાજપના નેતા ફસાયા
તમિલનાડુમાં બિહારના પરપ્રાંતિય મજૂરો પર હુમલાના સાવ ખોટા વીડિયો બનાવીને વાયરલ કરવા બદલ પોલીસે ભાજપના પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈ સહિત ચાર લોકો સામે કેસ નોંધ્યો છે. બીજી તરફ ભાજપ લોકોમાં વૈમનસ્ય ફેલાવીને રાજકીય ફાયદો મેળવે છે એવી ટીકા લોકો કરી રહ્યાં છે.
અન્નામલાઈ સામે રાજ્યમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની અફવા ફેલાવીને હિંસા ભડકાવવા અને બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપ હેઠળ ચેન્નઈ પોલીસે ગુનો નોંધ્યો છે. અન્નામલાઈએ પોતાની સામેના કેસને ખોટો ગણાવીને કહ્યું કે, તમને લાગતું હોય કે, તમે ખોટા કેસ દાખલ કરીને લોકશાહીને દબાવી શકો છો તો એ શક્ય નથી. હું તમને ૨૪ કલાક આપું છું. જો તમારામાં હિંમત હોય તો મને ટચ કરી બતાવો.
પુલવામા શહીદોની વિધવાઓનો મુદ્દો ગાજ્યો
રાજસ્થાનમાં આ વરસે ચૂંટણી છે ત્યારે ભાજપે જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૨૦૧૯માં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારનો મુદ્દો ઉઠાવ્યો છે. શહીદ ત્રણ જવાનોની વિધવાઓ સાથે ભાજપ સાંસદ કિરોડીલાલ મીણા છેલ્લા અઠવાડિયાથી ધરણા પર છે. ત્રણેય વિધવા અશોક ગેહલોતને મળવા માટે મુખ્યમંત્રી આવાસે પહોંચી ત્યારે પોલીસ સાથે ધક્કામુકી થઈ હતી. શહીદ રોહિતાશ્વ લાંબાની વિધવા મંજૂ જાટ ઘાયલ થતાં ભાજપે આ મુદ્દે પ્રહારો શરૂ કર્યા છે.
કિરોડીલાલ મીણાનો આક્ષેપ છે કે, શહીદ સીઆરપીએફના જવાનોના પરિવારોને રાજસ્થાન સરકાર તરફથી અપાયેલાં વચનો પૂરાં કરાયાં નથી તેથી આ વિધવાઓ રાજ્યપાલ કલરાજ મિશ્ર પાસેથી ઈચ્છામૃત્યુની માગ કરી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ ટ્વિટ કરીને ગેહલોત સરકારની ટીકા કરી છે.
કોંગ્રેસની અશોત ગેહલોત સરકારે શહીદોની વિધવાઓને સરકારી નોકરીની જાહેરાત કરી હતી પણ આ વચન પળાયું નહીં હોવાનો ભાજપનો દાવો છે.
* * *
યુ.પી. : ૩ લાખ પોલીસ કર્મી ખરા ૧ DGP નહિ!
ઉત્તરપ્રદેશ પોલીસદળ મહિનાઓથી કાયમી ડીજીપી (ડાયરેકટર જનરલ ઓફ પોલીસ - પોલીસ મહાનિદેશક) વિના ગાડું ગબડાવી રહ્યું છે. વિશ્વના મહતમ એવા ત્રણ લાખથી વધુ પોલીસદળના વડારૂપે નવ માસથી કાર્યકારી ડીજેપી ફરજ બજાવે છે. આ હોદ્દે કાયમી નિમણૂકની પ્રક્રિયાસંબંધી હિલચાલ નહિ જણાતા વિપક્ષે પણ આ મુદ્દે અવારનવાર ટીકા કરે છે. યુ.પી. વિધાનસભામાં વિપક્ષી નેતા અખિલેશ યાદવે સરકારને તાજેતરમાં પ્રશ્ન કર્યો કે કાયમી ડીજીપીની નિમણૂક નહિ કરી શકતી સરકાર રાજ્યમાં ગુનાખોરીને કેવી રીતે અંકુશમાં લઇ શકે. ૧૯૮૭ની બેચના આઇપીએસ અધિકારી એવા પૂર્વ ડીજીપી મુકુલ ગોયલને 'સરકારી ફરજ પ્રત્યે માન નહિ' 'ખાતાકીય કામગીરીમાં રસ નહિ' તેમજ પ્રમાદપણાના કથિત કારણોસર ગયા મે મહિનામાં અપમાનજનક રીતે હટાવાયા ત્યારથી ડીજીપીની નિમણૂક મુદ્દે રાજ્ય સરકાર અને યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) વચ્ચે આવન-જાવનની ઘણી કામગીરી થઇ. વર્તમાન કાર્યકારી ડીજીપી ડી.એસ. ચૌહાણ આગામી ૩૧ માર્ચે નિવૃત્ત થઇ રહ્યા છે એ અગાઉ સરકારે કાયમી ડીજીપીની નિમણૂક કરી દેવી જોઇએ તેવી માગ ઉઠી છે.
સ્વિસ રાજદૂતને વિદેશ મંત્રાલયનું તેડું
જિનિવાસ્થિત યુનાઇટેડ નેશન્સ બિલ્ડિંગની સામે ભારતમાં બાળલગ્નો તથા ધાર્મિક દમન થતું હોવાનું દર્શાવતા પોસ્ટરો જોવા મળતા વિદેશ મંત્રાલયે સ્વિટઝર્લેન્ડ સરકાર સામે વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયે એ દેશના રાજદૂતને પોતાને ત્યાં બોલાવી ઉપરોક્ત વિરોધ નોંધાવ્યો. રાજદૂતે પ્રતિભાવમાં કહ્યું કે તેઓ ભારતની ચિંતાને પૂરી ગંભીરતા સાથે સ્વિસ સત્તાવાળાઓ સમક્ષ વ્યક્ત કરશે.
બીજુ પટનાયકના ડાકોટા વિમાનને જનતા જોઇ શકશે
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એમના પિતા અને સ્વાતંત્ર્ય સેનાની બિજુ પટનાયકની જન્મજયંતીએ ગઇકાલે ડાકોટા વિમાનને ભુવનેશ્વરમાં લોકદર્શનાર્થે ખુલ્લું મૂક્યું. આ વિમાનને ૧૮ જાન્યુઆરીએ કોલકાત્તાના નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ ખાતેથી ભુવનેશ્વર લાવવામાં આવ્યું છે. થોડાક દુરસ્તીકાર્ય પછી એને ભુવનેશ્વર એરપોર્ટ ખાતે લોકો જોઇ શકે એ હેતુસર ગોઠવવામાં આવ્યું છે.
સાયબર-શિકારીને ઝડપતી દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે અગાઉ રિલેશનશીપમાં રહ્યા પછી બ્રેક-અપ થતાં છૂટી પડેલી મહિલાને પજવતા એના પૂર્વ-સાથીને ઝડપી લીધો છે. વિવેક નામનો આ બદમાશ (૨૧), મહિલાના પિતાના નામનું ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી મહિલાના સગાંઓને અશ્લીલ સંદેશા મોકલતો હતો. વિવેકના મોબાઇલને પણ જપ્ત કરી લેવાયો છે, એમ પોલીસે કહ્યું.
- ઇન્દર સાહની