નવીદિલ્હી : દિલ્હીના જંતર મંતર ખાતે સવારથી કોકરોચ જનતા પાર્ટીના ગણ્યાગાંઠયા કાર્યકરો પહોંચવા માંડયા હતા. સીજેપીના ટેકેદારો દિશાવિહીન દેખાતા હતા. થોડા વર્ષો પહેલા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના આંદોલનકારીઓએ જે પ્રકાર 'હમકો ચાહીએ આઝાદી...'ના સૂત્રો પોકાર્યા હતા એ જ સુત્રો સીજેપીના ટેકેદારો પોકારતા હતા. કેટલાક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગતા હતા. તેમની પાસે બીજો કોઈ એજન્ડા હોય એમ લાગતું નહોતું. પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ યોગ્ય રીતે આપી શક્યા નહોતા. સામે પક્ષે કેટલાક યુવાનો 'હિટ' સ્પ્રે લઈને આવ્યા હતા અને કહેતા હતા કે, આ બધા ગંદા વાંદાઓને ગંદકી ફેલાવવાથી દુર કરવા માટે અમારો 'હિટ'નો છંટકાવ કાફી છે. એક ક્ષણે તો સીજેપીના ટેકેદારો કરતા પત્રકારોની સંખ્યા વધુ હતી. દિલ્હી પોલીસે પણ સીજેપીને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી દીધી હતી. સરકારને લાગતું હતું કે જો મંજૂરી આપવામાં નહીં આવે તો સીજેપી વિક્ટિમકાર્ડ રમશે.
તૃણમુલ કોંગ્રેસનું સંકટ વધ્યું
ચૂંટણીમાં મળેલી હાર પછી તૃણમુલ કોંગ્રેસમાં અસંતોષ વધી રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સંકટથી ઘેરાઈ ગયા છે. મમતાએ બોલાવેલી સાંસદો - ધારાસભ્યોની બેઠકમાં તૃણમુલ કોંગ્રેસના અસ્તિત્વ વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. બેઠકમાં પક્ષના ૪૧ સાંસદોમાંથી ફક્ત ૬ જ પહોંચ્યા હતા. બળવાખોર જૂથથી અલગ રહેનારા ૨૧ ધારાસભ્યોમાંથી ફક્ત ૮ ધારાસભ્યો મીટીંગમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ફક્ત ૧ મુસ્લિમ ધારાસભ્ય ફિરહાદ હકીમ હાજર રહ્યા હતા. સંસદીય દળની બેઠકમાં તમામ ૬ મુસ્લિમ સાંસદો ગેરહાજર રહ્યા હતા. ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસીના જીતેલા ૩૧ મુસ્લિમ ધારાસભ્યોમાંથી ૧૭ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. નિરાશ થઈ ગયેલા મમતા બેનર્જી હમણા તો ભવિષ્યનું કોઈ આયોજન કરી શકે એમ પણ નથી.
હવે કર્ણાટકમાં સરકારી કર્મચારીઓએ 10 વાગ્યે ઓફિસ પહોંચવું પડશે
કર્ણાટકમાં ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બન્યા પછી ખાઇબદેલા સરકારી કર્મચારીઓ તકલીફમાં મુકાયા છે. સિદ્ધારમૈયા જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી સરકારી ઓફિસોમાં રામરાજ્ય હતું. મતલબ કે, કર્મચારી પોતાના ટેબલ પર નહીં હોય તો પણ પૂછનાર કોઈ નહોતું. હવે કર્ણાટક સરકારે આદેશ કર્યો છે કે, દરેક સરકારી કર્મચારીએ સવારે ૧૦ વાગ્યે ઓફિસ પહોંચી જવું પડશે. 'કર્તવ્ય' મોબાઇલ એપ્લિકેશન દ્વારા હાજરી પુરાવવી ફરજીયાત થઈ ગઈ છે જે કર્મચારીઓ આ નિયમનો ભંગ કરશે એમને કડક સજા કરવામાં આવશે. ચીફ સેક્રેટરી ડો. શાલિની રજનીશએ બહાર પાડેલા હુકમમાં કહ્યું છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયનું પાલન બધાએ કરવાનું રહેશે. ઉચ્ચ અધિકારીઓથી માંડીને નીચેના અધિકારી સુધીના તમામે 'કર્તવ્ય ' એપ્લિકેશન પર ચેક ઇન અને ચેક આઉટ કરવાનું રહેશે.
વિરોધ પક્ષોમાં આંતરીક ખેંચતાણથી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ઝારખંડમાં ઝામુમો - કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો દેખાઈ રહ્યો છે. મધ્યપ્રદેશ કોગ્રેેસમાં બહારના મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવાતા ભારે અસંતોષ છે. બીજી તરફ સહમતી વગર કોંગ્રેસે ઝારખંડમાં ઉમેદવારની જાહેરાત કરી દેતા ઝામુમો નારાજ છે. ભાજપ આ પરિસ્થિતિને કારણે ખુશ છે. ઝારખંડમાં સંખ્યાબળ ઓછું હોવા છતાં ભાજપ ઝારખંડમાં એક અને મધ્યપ્રદેશમાં બીજો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરે છે. મધ્યપ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નામ છતાં બીજા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ઉમેદવાર બનાવવાની ચર્ચા હતી. જોકે નામની યાદી જાહેર થઈ ત્યારે રાહુલ ગાંધીના નજીકના ગણાતા તેંલગાણાના પ્રભારી મીનાક્ષી નટરાજનનું નામ યાદીમાં હતું. એમ મનાય છે કે, અસંતોષને કારણે મોટા પાયે ક્રોસ વેટીંગ થઈ શકે એમ છે.
અન્નામલાઈના રાજકીય આંદોલન 'ઇધુ નમ્મા ઇયક્કમ'ને ભારે સમર્થન
તામિલનાડુ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ આપી દીધેલા રાજીનામા પછી રાજકીય આંદોલન 'ઇધુ નમ્મા ઇયક્કમ' (આ અમારૂ આંદોલન છે)ને જનતાનું સમર્થન મળી રહ્યું છે. ભાજપ છોડયા પછી ૧૦ કલાકમાં જ શરૂ થયેલા આ અભિયાન સાથે ૧૦ લાખથી વધુ લોકો જોડાઈ ગયા છે. અન્નામલાઈએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા આ આંદોલનને પોતાની સફળતા ગણાવી હતી. અન્નામલાઈએ લખ્યું હતું કે, લોકોનો ટેકો એમના વિઝન અને મિશનમાં વિશ્વાસ બતાવે છે. એમણે તમામ સમર્થકોનો આભાર માનીને લખ્યું હતું કે, એમનું આંદોલન લોકોની ભાગીદારીને કારણે વધુ મજબૂત બની રહ્યું છે. અન્નામલાઈ ભલે એમ કહે કે, ભાજપના નેતાઓ એમની વાત સાંભળતા નહોતા એટલે એમણે પક્ષ છોડયો, પરંતુ હકીકત એ છે કે, ભાજપ હાઇકમાન્ડ જ ઇચ્છતું નહોતું કે અન્નામલાઈ પક્ષમાં ચાલુ રહે.
સુરક્ષા કર્મચારીઓએ રાબડી દેવીનું અપમાન કર્યું?
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને આરજેડીના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની સુરક્ષા વ્યવસ્થા બદલાતા રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ રાબડી દેવી ૧૦ સરક્યુલર રોડ પર આવેલું સરકારી મકાન ખાલી કરવા તૈયાર થતા નથી, ત્યાં જ એમના ઘરની બહાર સુરક્ષા માટે રહેતા સુરક્ષા કર્મચારીઓને એમણે પરત મોકલી આપ્યા છે. હવે રાબડી દેવીના ઘરની બહાર કોઈ સુરક્ષા કર્મીઓ દેખાતા નથી. આરજેડીએ સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરી બાબતે સરકારની ટીકા કરી છે. આરજેડી પ્રવક્તા શક્તિસિંહ યાદવએ કહ્યું હતું કે, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીએ સરકારે આપેલી સુરક્ષા વ્યવસ્થા પરત કરી છે. રાજ્ય સરકારે એમના ઉપરીઓના કહેવાથી લાલુ - રાબડીની સુરક્ષા ઘટાડી દીધી હતી. રાબડી દેવીને અપમાનીત કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.
'વંદે માતરમ' ગાવાનો ઇન્કાર કરનાર કોર્પોરેટરને કોર્ટની ફટકાર
ઈન્દોર નગર નિગમના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ગાવાનો નનૈયો ભણનાર કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર ફૌજીયા શેખ અલીમની આગોતરા જામીન અરજી નકારવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે, દેખાતા પુરાવાના આધારે કોર્પોરેટર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૬ (૧) (વિવિધ સંપ્રદાયો વિરુદ્ધ દુશ્મનાવટ વધારવાનું કૃત્ય)નો ગુનો પહેલી નજરે જ બને છે. ન્યાયાધિશ રૂપેશ નાઇકએ ફૌજીયા શેખ અલીમની આગોતરા જામીન અરજી માટેની દલીલો સાંભળીને અરજી ફગાવી દીધી હતી. કોર્પોરેટરે જોકે એવો બચાવ કર્યો હતો કે, એમને ગૃહમાં 'વંદે માતરમ' ગાવાનો કદી ઇન્કાર કર્યો નહોતો. એમને રાજકીય દ્વેષને કારણે હટાવવામાં આવ્યા છે. એમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તપાસમાં પુરો સહયોગ આપી રહ્યા છે અને એમની સામે ભૂતકાળમાં કોઈ પણ ફોજદારી ગુનો દાખલ થયો નથી.


