Get The App

દિલ્હીની વાત : ઇન્ડિયા ગઠબંધનના પત્ર પર શરદ પવારે શા માટે સહિ નહી કરી

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ઇન્ડિયા ગઠબંધનના પત્ર પર શરદ પવારે શા માટે સહિ નહી કરી 1 - image

નવીદિલ્હી : ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પુરી થયા પછી ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા પક્ષો વચ્ચે સંપ જોવા મળતો નથી. આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ તો લગભગ ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી નાંખ્યો છે. એમ લાગે છે કે હવે એનસીપી (શરદ પવાર) પણ એજ રસ્તે છે. ઓપરેશન સિંદુર પછી કરવામાં આવેલા યુદ્ધવિરામ બાબતે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી છે. આ મતલબનો પત્ર એનસીપી (શરદ પવાર)ના વડાને સહિ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પત્ર નરેન્દ્ર મોદીને મોકલવાનો હતો. ૧૬ પક્ષોના નેતાઓએ આ પત્ર પર સહિ કરી હતી. જોકે શરદ પવારે આ બાબતે ઇન્ડિયા ગઠબંધનના બીજા પક્ષોને સાથ આપ્યો નથી. શરદ પવારે પત્ર પર સહિ કરવાનો ઇન્કાર કર્યો છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, 'કેટલાક કારણોસર અમે વિશેષ સત્ર થોડા સમય સુધી ટાળી દેવા માંગીએ છીએ અને અમે એટલે જ પત્ર પર સહિ કરી નથી.'

ઉદ્ધવ ઠાકરે સાથે જોડાવા માટે એમએનએસના નેતાએ રાખી મોટી શરત

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચેના જોડાણની વાત ચાલી રહી છે. આ બાબતે હવે એમએનએસના સિનિયર નેતા પ્રકાશ મહાજનએ એક મોટી શરત રાખી છે. પ્રકાશ મહાજનનું કહેવું છે કે, જો શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એમએનએસ સાથે જોડાવા માંગતી હોય તો આદિત્ય ઠાકરએ આગળ આવીને રાજ ઠાકરેને મળવું જોઈએ. આ શરત માટેનું કારણ પણ પ્રકાશ મહાજને જણાવ્યું. શિવસેના (ઉદ્ધવ ઠાકરેએ) મોટા કદના નેતા અમારી પાસે મોકલવા જોઈએ. જો ઉદ્ધવ ઠાકરે કોઈ જુનિયર નેતાને આગળ કરશે તો રાજ ઠાકરે પણ જુનિયર નેતાને જ મોકલશે. જો ખરેખર ગઠબંધન ઇચ્છતા હોય તો આદિત્ય ઠાકરેએ આગળ આવીને રાજ ઠાકરેને સમજવાની કોશિષ કરવી જોઈએ.

ઓલ પાર્ટી ડેલિગેશનમાં જોડાયેલા સલમાન ખુરશીદનું સુચક નીવેદન

જેડીયુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં ઓલ પાર્ટી ડેલિગેશન સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ પણ એમના સાથી શશી થરૂરની જેમ ભાજપ પ્રત્યે કૃણા પડયા હોય એમ લાગી રહ્યું છે. દેશ પરત ફર્યા પછી સલમાન ખુરશીદ વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા. એમણે કહ્યું છે કે, 'વિદેશમંત્રીને અગત્યની વાત ખબર હતી. એમને ખબર હતી કે અમે કોની સાથે મુલાકાત કરી છે. એમને જે મુદ્દા જાણવા હતા એ બાબતે અમારા સાથીઓએ એમની સાથે વાત કરી છે. અમે ત્યાં ગયા ત્યાં અમારે જણાવવાનું હતું કે, ખરેખર શું ઘટના બની હતી. અમે આતંકવાદ વિરુદ્ધ પગલા લીધા છે અમે યુદ્ધ કર્યું નથી. મને ખબર નથી કે વડાપ્રધાન સાથે અમારી બેઠક થશે કે નહીં. જોકે મને લાગે છે કે, અમે કરેલી કામગીરીની સમીક્ષા વડાપ્રધાન સુધી પહોંચી હશે.'

2027ની ચૂંટણી માટે અખિલેશ યાદવએ રણનીતી બદલી

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં થવાની છે. લગભગ તમામ અગત્યના પક્ષોએ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી પણ પાછળ નથી. પ્રદેશ પ્રમુખ શ્યામલાલ પારેખના કહેવાથી આગ્રા જિલ્લા અને મહાનગરની બધી સમિતિઓનો ભંગ કરવામાં આવ્યો છે. સપાના આ નિર્ણયને પક્ષની નવી રણનીતી તરીકે જોવામાં આવે છે. સપાની આ ચાલથી ભાજપને પણ આશ્ચર્ય થયું છે. અત્યાર સુધી ભાજપના કેટલાક નેતાઓ સપાના સંગઠન બાબતે પ્રશ્ન પૂછતા હતા. હવે સપા નવી કાર્યકારીણીમાં દલીત અને લઘુમતીની ભાગીદારી વધારી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સપા દલીત અને લઘુમતી કાર્યકરોને વધુ મહત્ત્વ આપે છે.

માયાવતીના જુના વફાદાર ચંદ્રશેખર આઝાદ સાથે જોડાવાની અટકળો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરીથી ગરમી આવી ગઈ છે. લખનૌમાં હમણા આઝાદ સમાજના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ અને યુનીયન નેતા સ્વામીપ્રસાદ મૌર્ય વચ્ચે એક મુલાકાત થઈ હતી. એક ખાનગી સ્થળે આ મુલાકાત થઈ હતી. બંને વચ્ચે આ મીટીંગ લગભગ એક કલાક ચાલી હતી. બંનેએ લાંબી વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓએ ભવિષ્યના રાજકારણ વીશે ગંભીર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ, સામાજીક ન્યાય, દલિત વર્ગની એકતા અને ઉત્તર પ્રદેશના રાજકારણ વીશે નિખાલસ ચર્ચા કરી હતી. સ્વામીપ્રસાદ મૌર્યની ગણના ખમતીધર દલિત નેતા તરીકે થાય છે. એમ મનાય છે કે ચંદ્રશેખર આઝાદ અને મૌર્ય સાથે જોડાઈ શકે એમ છે. આઝાદ સમાજ પાર્ટીમાં મૌર્યને ઊંચુ પદ મળી શકે એમ છે. સ્વામીપ્રસાદ મૌર્ય અને બસપાના વડા માયાવતી વચ્ચે એક જમાનામાં ગાઢ સંબંધો હતા. મૌર્ય અને આઝાદની મુલાકાતથી માયાવતી ચિંતીત થઈ ગયા છે.

બાંગ્લાદેશમાં ખુરશી પર ચોંટી રહેવા યુનુસના નવા બહાના

બાંગ્લાદેશમાં કામચલાઉ વડા તરીકે નીમાયેલા મહોમદ યુનુસ સામે આર્મીમાં અસંતોષ વધી રહ્યો છે. બાંગ્લાદેશના વિરોધ પક્ષો પણ વહેલી તકે ચૂંટણીની માંગણી કરી રહ્યા. જોકે એમ લાગે છે કે, મહોમદ યુનુસનો ઇરાદો સત્તા છોડવાનો નથી. દબાણ છતા યુનુસ ગાદી છોડવા માંગતા નથી. એમ મનાય છે કે, ૨૦૨૬ના અંત સુધી સત્તા નહીં છોડવા માટે યુનુસે સોગંધ ખાધા છે. મહોમદ યુનુસ ૯મી તારીખથી યુકેના પ્રવાસે જવાના છે. એ પહેલા એમણે કહ્યું છે કે, 'હું વચન આપું છું કે, આવતા વર્ષે ચૂંટણી યોજવામાં આવશે. ક્યારે ચૂંટણી યોજાશે એ વિશે હું કઈ કહેવા માંગતો નથી. યુનુસના કહેવા પ્રમાણે બાંગ્લાદેશની કોર્ટો, નોકરશાહિ અને અવામી લીગ પાર્ટીએ કબજે કરેલી સંસ્થાઓને પહેલા સ્વતંત્ર કરવી જરૂરી છે.

તેજપ્રતાપ યાદવએ લાલુ - તેજસ્વીનું ટેન્શન વધાર્યું

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ આજકાલ ચર્ચામાં છે. લાલુ પ્રસાદ યાદવએ તેજપ્રતાપને એમના કુટુંબ અને પક્ષમાંથી કાઢી મૂક્યા છે. તેજપ્રતાપ યાદવને એક યુવતી સાથે ૧૨ વર્ષથી સંબંધની વાત બહાર આવ્યા પછી લાલુએ આ પગલુ લીધું હતું. હવે તેજપ્રતાપ યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર એક વીડિયો મુક્યો છે. આ વીડિયોને કારણે ફરીથી ઘણાને ટેન્શન થઈ ગયું છે. મીડિયામાં તેજપ્રતાપ પોતાનું સપનું સાચૂ પુરવાર કરવાની વાત કહી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, તેજપ્રતાપ કયું સપનું પૂરુ કરવાની વાત કરે છે. શું તેજપ્રતાપ કોઈ નવો પક્ષ બનાવશે? વીડિયોમાં તેઓ પોતાની ઓફિસમાં દેખાઈ રહ્યા છે. ત્યાના રાજકીય નીરિક્ષકોના કહેવા પ્રમાણે જો તેજપ્રતાપ પોતાનો પક્ષ રચે તો લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ ચિંતીત થઈ જાય એમ છે.

થરુર-કોંગ્રેસના વિખવાદનો પડઘો તેમના મતદારસંઘમાં પણ પડયો 

કોંગ્રેસી સાંસદ શશિ થરુરે ભારતની ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈકને અંકુશ રેખાની પાર પ્રથમ ગણાવીને કોંગ્રેસની નારાજગી વહોરી લીધી છે કારણ કે પાર્ટીનો અભિગમ એવો હતો કે તેના શાસનમાં પણ અનેકવાર સર્જિકલ સ્ટ્રાઈક થઈ ચુકી છે. જો કે થરુરના મતદારસંઘ થિરુવનંથપુરમમાં જુદી જ માહોલ જોવા મળે છે. મતદારો અને સ્થાનિક કોંગ્રેસી નેતાઓની નજર સતત થરુર પર મંડરાયેલી છે. કેટલાક થરુરની વ્યક્તિગત અપીલની પ્રશંસા કરી રહ્યા છે તો અન્યો થરુરના નિવેદનોને તેમની વધતી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને રાજકીય પુનઃસંતુલનના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ગયા અઠવાડિયે પનામા ખાતે થરુરે કરેલા નિવેદનની કોંગ્રેસી નેતા ઉદિત રાજે ટીકા કરી હતી અને થરુરને ભાજપના સવાયા પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા. એક અન્ય સ્થાનિક કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે થરુર દ્વારા સતત મોદીની થતી પ્રશંસાએ પાર્ટીને મૂંઝવણમાં મૂકી દીધી છે. જો કે પાર્ટીએ સભ્યોને થરુર વિરુદ્ધ ન બોલવાની તાકીદ કરી છે.

370 કલમ રદ કર્યાની પ્રશંસા પછી ખુરશીદના કોંગ્રેસને મનાવવાના પ્રયાસ

ઓપરેશન સિંદૂર વિશેના બહુપક્ષીય ડેલીગેશનના હિસ્સા તરીકે ઈન્ડોનેશિયાની મુલાકાત દરમ્યાન જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીની સલમાન ખુરશીદ દ્વારા કહેવાતી પ્રશંસાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમનાથી નારાજ થયા છે. આથી ખુરશીદે સ્પષ્ટતા કરવી પડી છે કે તેમના નિવેદનો કલમ રદ કરવાના લાભ વિશે નહોતા. મેં તો માત્ર કલમ રદ થઈ અને ચૂંટણીઓ યોજાઈ એવું જ મેં જણાવ્યું હતું જે હકીકત છે. એનો અર્થ એવો નથી કે મેં એ પગલાની પ્રશંસા કરી છે.

કેરળ સરકાર અને ગવર્નર વચ્ચે ફરી ટકરાવ

કેરળ સરકાર અને ગવર્નર રાજેન્દ્ર આર્લેકર વચ્ચે ગુરુવારે ફરી  એક વિવાદ સર્જાયો હતો. રાજ્યના કૃષિ મંત્રીએ ગવર્નરના પર્યાવરણ દિને રાજ ભવન ખાતે યોજાયેલા ભારત માતાને સલામી આપતા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે આ કાર્યક્રમ સામાન્યપણે આરએસએસ સાથે સંકળાયેલો હોય છે. અગાઉ રાજ્યના કૃષિ વિભાગે કેરળના  રાજ ભવન ખાતે ઉજવણી કરવાની યોજના બનાવી હતી પણ રાજ ભવને હાથમાં ભગવા ધ્વજ સાથેની ભારત માતાની છબિ સમક્ષ પુષ્પગૂચ્છ અર્પણ કરવા પર ભાર મુક્યો ત્યારે ઉજવણીનું સ્થળ બદલીને રાજ્યના મંત્રાલયના દરબાર હોલ ખાતે કરવામાં આવી. કેરળના કૃષિ મંત્રી પી.પ્રસાદે જણાવ્યું કે રાજ ભવન ખાતે મુકાયેલી છબિનો ઉપયોગ આરએસએસ દ્વારા તેના કાર્યક્રમોમાં થતો હોય છે. રાજ ભવનમાં આવું ન થવું જોઈએ. ગવર્નરે રાજ ભવન ખાતે રાજકીય કાર્યક્રમો ન કરવા જોઈએ. હું પણ કૃષિ વિભાગમાં સીપીઆઈ(એમ)ના ધ્વજ સાથે નથી જતો.

ચેન્નઈમાં સરકારી અધિકારી ટીવીકેમાં જોડાશે

તમિલ નાડુ, બિહાર અને મહારાષ્ટ્રમાં આવક વેરા વિભાગમાં સેવા આપી ચુકેલા ભૂતપૂર્વ આઈઆરએસ અધિકારી કે.જી. અરુણરાજ કલાકારમાંથી રાજકરણી બનેલા વિજયની તમિલાગા વેતરી કઝાગમ (ટીવીકે)માં જોડાવાના તૈયારી કરી રહ્યા છે. અહેવાલ મુજબ તેમને પાર્ટીમાં જનરલ સચિવ સમકક્ષ ટોચના ક્રમનું સ્થાન આપવામાં આવશે.

- ઈન્દર સાહની