મુખ્યમંત્રી રેખા ગુપ્તાના બંગલાને આપએ 'માયામહલ' કહ્યો
નવીદિલ્હી: દિલ્હીમાં ફરીથી એકવાર મુખ્યમંત્રીના બંગલા વિશે વિવાદ થયો છે. અરવિંદ કેજરીવાલે જ્યારે કરોડો રૂપિયા ખર્ચીને આલિશાન બંગલો બનાવ્યો હતો ત્યારે ભાજપએ એની ખૂબ ટીકા કરી હતી. હવે ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બનાવેલા બંગલા બાબતે પણ પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ રેખા ગુપ્તાના રહેઠાણને 'માયામહલ' નામ આપ્યું છે. રેખા ગુપ્તાના આ રહેઠાણ પાછળ ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બંગલો નંબર ૧ મુખ્યમંત્રીના રહેઠાણ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ બીજા બંગલાનો ઉપયોગ કેમ્પ ઓફિસ તરીકે થશે. આ બંગલા માટે એવું કહેવાય છે કે એમા બે ટનના ૨૪ એસી લગાડવામાં આવ્યા છે. આમાંથી ૧૪ની કિંમત ૭.૭ લાખ રૂપિયા અને બીજો ખર્ચો મળીને એક એસીની કીંમત ૧૧.૧૧ લાખ સુધી પહોંચી ગઈ છે.
સિક્કીમને 'પડોશી દેશ' કહ્યા પછી કોંગ્રેસના નેતાએ માફી માંગી
કોંગ્રેસના નેતા અજયકુમારએ સિક્કીમને 'પડોશી દેશ' તરીકે સંબોધન કરવાથી એમની ભારે ટીકા થઈ હતી. કુમારએ એક પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની સાથે સિક્કીમને પડોશી દેશ ગણાવ્યો હતો. વિવાદ થયા પછી નેતાએ માફી માંગતા કહ્યું હતું કે એમની જીભ લપસી ગઈ હતી. ખુલાસો કરતા એમણે કહ્યું હતું કે, 'ગઈ કાલે ૪૦૦ કરોડના કૌભાંડની વાતો હું પત્રકારોને કરી રહ્યો હતો ત્યારે પડોશી દેશો સાથે આપણા બગડેલા સંબંધો વિશે પણ મે કહ્યું હતું. ભૂલમાં મેં આપણા દેશના જ એક રાજ્યનું નામ એક દેશ તરીકે લઈ લીધું એ બાબતે હું માફી માંગું છું. વિરોધ પક્ષના નેતાઓની નાની નાની ભૂલોને ભાજપ મોટી બતાવે છે.'
વોટર લિસ્ટ રીવીઝન ફક્ત બિહારમાં જ શા માટે
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારા કરવાનો ઇલેકશન કમિશનનો નિર્ણય શંકાસ્પદ છે. કેટલાકને મતે આ લોકશાહી પર આ સીધો હુમલો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મતદાન આ યાદીને આધારે જ કરવામાં આવ્યું હતું. જો મતદાર યાદી ખોટી હતી તો આ મતદાર યાદીને આધારે બનેલી સરકાર કાયદેસરની ગણી શકાય? જો મતદાર યાદીમાં સુધારા કરવાના હતા તો લોકસભાની ચૂંટણી પછી તરત જ આખા દેશમાં એક સાથે કરવા જોઈતા હતા. ફક્ત બિહારમાં શા માટે. ઇલેકશન કમિશનના આ નિર્ણયની ટીકા તેજસ્વી યાદવથી માંડીને બિહારના તમામ વિરોધપક્ષના નેતાઓ કરી રહ્યા છે. આ નેતાઓ કહી રહ્યા છે કે જો વિદેશી ઘૂસણખોરોનો સમાવેશ મતદાર યાદીમાં થઈ ગયો હોય તો એ માટે ગૃહમંત્રાલય જવાબદાર ગણાય.
અસીલ પાસેથી વકીલે કોર્ટ ફીના નામે ખોટી રીતે ૮૦ હજાર પડાવ્યા
'બાર કાઉન્સીલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા (બીસીએમજી)એ એડવોકેટ રણજીતા વેંગુરલકરને સસ્પેન્ડ કર્યા છે. તેઓ બે વર્ષ સુધી પ્રેક્ટીસ નહીં કરી શકે. એક અસીલ પાસેથી આ વકીલે કોર્ટફીને નામે રૂપિયા ૮૦ હજાર પડાવ્યા હતા. વકીલ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ રહી છે. અસીલે એવી ફરિયાદ કરી હતી કે એમના વકીલે છેતરપીંડી કરી છે. ત્રણ સભ્યોની શિસ્તસમિતીએ પૂરતી તપાસ કર્યા પછી વકીલને ૨૫ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. વકીલની સનદ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ફરીયાદી અભિજીત જગન્નાથ ઝડોકરએ લાંબા સમય સુધી વકીલને કોર્ટ ફીના નામે પૈસા આપ્યા કર્યા હતા. વકીલે અસીલને બનાવટી રસીદો પણ આપી હતી.
નિતિશ - તેજસ્વી જોતા રહ્યા, યુપીના નેતા બિહારમાં '૪૦ પત્તા' ઉતર્યા
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં બધા પક્ષો લાગી ગયા છે. મહાગઠબંધન અને એનડીએ વચ્ચે સીધો મુકાબલો થશે એમ લાગી રહ્યું છે જોકે ચૂંટણીના જંગમાં ચંદ્રશેખર આઝાદ પણ કુદી પડયા છે. એમનો પક્ષ બિહારમાં ચૂંટણી લડશે. એક તરફ જ્યારે નિતિશ અને તેજસ્વી એક બીજા સામે રાજકીય આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ચંદ્રશેખરએ બિહારની ૪૦ બેઠકો પર પ્રભારીઓની યાદી પણ જાહેર કરી દીધી છે. ચંદ્રશેખર આઝાદના પક્ષ આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ની આ જાહેરાત જોઈને બિહારના બાકીના પક્ષો ચોંકી ગયા છે. અગત્યની વાત એ છે કે આ ૪૦ પ્રભારીઓમાંથી ૧૦ મુસ્લિમ છે. રાજકીય નીરિક્ષકો એવું માની રહ્યા છે કે ચંદ્રશેખર આઝાદ જો મુસ્લિમ મતદારોને આકર્ષી શકે તો તેજસ્વી યાદવ માટે જોખમ ઉભુ થાય એમ છે.
સુરજેવાલાની જાહેરાત પછી સિદ્ધારમૈયા ફુલ ફોર્મમાં
કર્ણાટકમાં મહિનાઓ સુધી ચાલેલી નેતૃત્વ પરિવર્તનની ચર્ચા પછી હવે એવું નક્કી થયું છે કે, સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. કોંગ્રેસ હાઇકમાન્ડના દૂત સુરજેવાલાએ જેવી જાહેરાત કરી કે સિદ્ધારમૈયાને હટાવવામાં નહીં આવે ત્યારથી સિદ્ધારમૈયા હવે ફરીથી ફોર્મમાં આવી ગયા છે. સિદ્ધારમૈયા પત્રકારોને એક પછી એક મુલાકાતો આપીને કહી રહ્યા છે કે મને તો ખબર હતી જ છે કે મુખ્યમંત્રી તરીકે હું ચાલું રહેવાનો છું. કેટલાક લોકો અને મારા વિરોધીઓ ખોટી અફવા ફેલાવતા હતા. મારી કામગીરીને કારણે એમને પેટમાં દુઃખતું હતું. ભાજપ અને જનતા દળ એસના નેતાઓએ મારા વિરુદ્ધ કાવતરા કરવામાં કંઈ બાકી રહ્યું નથી. ભાજપ પર કોઈ વિશ્વાસ કરતું નથી. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે હવે ટૂંક સમયમાં સિદ્ધારમૈયા પોતાના ગમતા અધિકારીઓને યોગ્ય પોસ્ટ પર બેસાડશે.
ચાર વર્ષ સુધી શું કરતા હતા, કોલકત્તાની કોર્ટે સીબીઆઇની ઝાટકણી કાઢી
બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસા બાબતે સીબીઆઇ તપાસ કરી રહી હતી. કાકુરગાચીના એક ભાજપ કાર્યકર અભિજીત સરકારની હત્યા ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કરવામાં આવી હતી. આ સંદર્ભે સીબીઆઇએ બે દિવસ પહેલા વધારાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ૧૮ વ્યક્તિઓના નામ છે. બેલેઘાટાના તૃણમૂલ ધારાસભ્ય પરેશ પાલ અને કોલકત્તા નગરનીગમના બે કોર્પોરેટરો સ્વપન સમાજ દ્વાર અને પાપીયા ઘોષના નામ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે સીબીઆઇની આ કાર્યવાહીથી કોલકત્તાની બેન્કશાલ કોર્ટ ખુશ થઈ નથી. કોર્ટે તમામ ૧૮ વ્યક્તિઓને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે ચાર્જશીટની કોપી પણ મંગાવી છે. કોર્ટે સીબીઆઇને પૂછયું છે કે તમે ચાર વર્ષ સુધી શું કરતા હતા.
ટીએમસી દ્વારા મતદારોની ફેર-ઓળખનો જોરદાર વિરોધ ઃ મહુઆ સુપ્રીમમાં
ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (સર)ની કોઈપણ શક્યતાનો વિરોધ કર્યો છે. ટીએમસીના મતે એનઆરસી જેવું આ પગલુ આપણી મતદાન પ્રક્રિયાની અખંડતા સામે જોખમ છે અને તેનાથી લાખો મતદારો યાદીમાંથી બાકાત થઈ જશે. ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચની નિષ્ઠા સામે સવાલ ઉઠાવીને સુપ્રીમ કોર્ટને આ પગલુ અટકાવવાની અપીલ કરી. બીજી બાજુ મહુઆ મોઈત્રા પણ સુપ્રીમ કોર્ટમાં ગયાં છે.
શશિ થરૂરની રૂમમાં એમએફ હુસૈનનું પેઈન્ટિંગ
એક વીડિયોમાં શશિ થરૂર પોતાના દિલ્હી હાઉસમાં આવેલી તેમની ઓફિસ દેખાડતા નજરે પડે છે. આ ઓફિસમાં તેઓ મહેમાનોને આવકારે છે તેમજ મીટિંગો યોજે છે. આ પ્રસિદ્ધ રાજકરણી અંગ્રેજી ભાષા પર પોતાના અભૂતપૂર્વ પ્રભુત્વ માટે જાણીતા હોવાથી તેમની ઓફિસ અનેક પુસ્તકો અને એવોર્ડથી ખીચોખીચ હોય તેમાં નવાઈ નથી. ત્યાર પછી થરૂર તેના ઘરનો લિવિંગ રૂમ દેખાડી રહ્યા છે જેની દિવાલો પર ઉત્કૃષ્ટ કલાકૃતિઓ સજાવેલી છે જેમાં વિશ્વના અગ્રણી નેતાઓ સાથે તેમની તસવીરો સહિત તેમની રાજકીય યાત્રા દર્શાવવામાં આવી છે. થરૂરે એમએફ હુસૈને સ્વયં ચિત્રિત કરેલું પેઈન્ટિંગ પણ દેખાડયું જેનું તેમની રૂમમાં વિશેષ સ્થાન છે.
- ઈન્દર સાહની