Get The App

દિલ્હીની વાત : રાઘવ ચઢ્ઢા આપની સમસ્યા વધારી શકે છે

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાઘવ ચઢ્ઢા આપની સમસ્યા વધારી શકે છે 1 - image

નવીદિલ્હી : આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ સંસદમાં પંજાબના પ્રશ્નો નહિ ઉઠાવવાનો આક્ષેપ રાઘવ ચઢ્ઢા પર લગાડયો હતો. હવે રાઘવ ચઢ્ઢાએ આ બાબતે પલટવાર કર્યો છે. ચઢ્ઢાએ આ આરોપોને આધાર વગરના, રાજકારણથી પ્રેરિત અને સંસદીય રેકોર્ડને ધ્યાનમાં લીધા વગરના ગણાવ્યા છે. એમણે રિલિઝ કરેલા નવા વિડિયોમાં કહ્યું છે કે, 'મારા વિરુદ્ધનો કોઈપણ દુષ્પ્રચાર કે અભિયાન મારા અવાજને દબાવી નહીં શકે. આવા પ્રચારથી મારો સંકલ્પ નબળો પડવાનો નથી. સત્યનો વિજય થશે, જૂઠાણા બેનકાબ થશે.' એમનું માનવું છે કે, અત્યાર સુધી એમણે સંસદમાં સતત અને મજબૂતીથી પંજાબના પ્રશ્નો ઉઠાવ્યા છે. એમણે સંસદમાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એમની પણ જાણકારી આપી છે. એમના કહેવા પ્રમાણે આ કોઈ પ્રચાર કે માન્યતાનો સવાલ નથી બધી વાત રેકોર્ડ પર છે.

અમિત જોગીને આજીવન કારાવાસની સજા કેમ થઈ

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગીને હાઇકોર્ટે ૨૩ વર્ષ જૂના હત્યાકાંડ કેસમાં આજીવન કારાવાસની સજા કરી છે. આ કેસમાં ૨૦૦૭ના વર્ષમાં અમિત જોગીને ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે સુપ્રિમ કોર્ટના હુકમ પછી આ કેસની સુનાવણી પહેલી એપ્રિલથી શરૂ થઈ હતી. છત્તીસગઢ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રમેશ સિંહા અને જસ્ટીસ અરવિંદ વર્માની સ્પેશિયલ ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, 'જ્યારે બધા આરોપીઓ વિરુદ્ધ એક સરખા પુરાવા હોય તો એમાંથી એકને નિર્દોષ છોડી દેવો અને બાકીનાને સજા કરવી યોગ્ય નથી. જ્યાં સુધી કોઈ ઠોસ કારણો નહીં મળે કે જે તે આરોપી નિર્દોષ છે ત્યાં સુધી આવો ચુકાદો આપી શકાય નહીં.' ૨૦૦૩માં જ્યારે છત્તીસગઢમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી થવાની હતી ત્યારે અજીત જોગી મુખ્યમંત્રી હતા. એ વખતે કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લએ એનસીપી તરફથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ૨૦૦૩ની ૪થી જૂને એનસીપીના ઉપપ્રમુખ અને વિદ્યાચરણ શુક્લના નજીકના મનાતા રામ અવતારની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અમિત જોગી સહિત ૩૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

વાંગચૂકનું એલાન, વાતચીતમાં પાછો નહી હટુ

જેલમાંથી છૂટેલા સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચૂકએ લદ્દાખ માટે પૂર્ણ  રાજ્યનો દરજ્જો અને છઠ્ઠા સમયપત્રક હેઠળ રક્ષણની માંગણી માટે કરેલા આંદોલનનો બચાવ કર્યો હતો. એમણે કહ્યું હતું કે જરૂર પડશે તો તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. એમણે ખુલ્લામને પ્રમાણિકતાથી વાતચીત દ્વારા વચલો રસ્તો કાઢવાની વાત કહી હતી. વાંગચૂકને આશા છે કે, થઈ રહેલા વિરોધને કારણે સકારાત્મક સમાધાન નિકળશે. એમનું માનવું છે કે એમની માંગણી બંધારણીય છે અને લોકશાહીના અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. છેલ્લા પાંચ - છ વર્ષોથી સરકાર સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે. જોકે સરકારનું વલણ કડક હોવાથી કોઈ સમાધાન થતું નથી. કોઈપણ પક્ષ એમ નહીં માને કે એ જીતશે અને બીજા હારશે.

પાકિસ્તાની જાસૂસ પાસેથી લોકેશન મેળવીને આઇએસઆઇ એજન્ટ રેકી કરતો હતો

નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ) જે કાશ્મીરી આઇએસઆઇ એજન્ટની શોધ કરી રહી છે એ પાકિસ્તાની જાસૂસ સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાની જાસૂસ જે ગુગલ લોકેશન મોકલતો હતો ત્યાં જઈને એ રેકી કરતો હતો. આ આઇએસઆઇ એજન્ટ ૨૦૧૯ના વર્ષમાં પહેલી વખત કાશ્મીરથી પલવલ આવ્યો હતો. દિલ્હી, ફરિદાબાદ, નહુ અને લખનૌમાં રહેઠાણો બદલીને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. ૨૦૨૨માં એ અચાનક અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશની એટીએસએ લખનૌમાં વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આઇએસઆઇનો આ એજન્ટ આ ચારે આતંકવાદીઓના સંપર્કમાં હતો. આ ચારે હમણા રિમાન્ડ પર છે અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અંડરગ્રાઉન્ડ થતા પહેલા આ આઇએસઆઇનો એજન્ટ દિલ્હી, નૂહ અને પલવલમાં રહ્યો હતો.

ઇફતાર કરી હાડકા ગંગામાં નાખનારા સંકટમાં

રમઝાન મહિના દરમિયાન ગંગા નદીમાં હોળીમાં બેસીને ઇફતાર પાર્ટી કરી માસાહારી ખોરાકના અવશેષો પવિત્ર નદીમાં ફેકવાના આરોપ હેઠળ ૧૪ આરોપીઓ જેલમાં છે. વારાણસીની સેશન્સ કોર્ટે એમની જામીન અરજી ફગાવી દીધી છે. જજ આલોકકુમારએ જણાવ્યું હતું કે, નદીમાં હાડકા અને કચરો ફેંકવો એ ગંભીર બાબત છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો એ જોતા લાગે છે કે આ કૃત્ય જાણીજોઇને સામાજીક શાંતિ ડહોળવા માટે કરવામાં આવ્યું હતું. ધાર્મિક લાગણી દુભાય તેવો વિડિયો બનાવીને તેને પ્રસારીત કરવાથી ગુનાની ગંભીરતા વધી જાય છે. ખાસ કરીને ઇદ જેવા તહેવારના દિવસે આવા વીડિયો વાયરલ કરવાથી સમાજમાં તાણ પેદા થવાની શક્યતા રહે છે.

મહારાષ્ટ્રમાં સાથી પક્ષો વચ્ચે તકરાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે એક ટીપ્પણીને લઈને વિવાદ થયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં પ્રકાશિત એક તંત્રી લેખમાં કોંગ્રેસ પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ ક્ષેત્રિય પક્ષોને સરખો દરજ્જો આપવાને બદલે બૈશાખીની માફક એમનો ઉપયોગ કરે છે. આ ટીપ્પણીથી કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા હતા. કોંગ્રેસના પ્રવક્તા સચીન સાવંતએ આ બાબતે વળતો જવાબ આપતા કહ્યું હતું કે તંત્રીલેખ લખીને પક્ષની ટીકા કરવી એ ગઠબંધનની ભાવનાની વિરુદ્ધ છે. એમણે સામનાના તંત્રી અને સાંસદ સંજય રાઉતને પણ ઝાટકી કાઢયા હતા. એમણે કહ્યું હતું કે, ઘણીવાર પત્રકાર અને રાજનેતાની ભૂમિકાઓમાં રાઉત ભ્રમીત જેવા દેખાય છે. ગઠબંધનના રાજકારણમાં દરેક પક્ષને પોતાનો અભિપ્રાય હોય છે અને કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા વાતચીત જરૂરી છે.

મસ્જિદ બાંધકામને કારણે મુર્શીદાબાદની ચૂંટણી રસપ્રદ

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં ત્રણ વિધાનસભા વિસ્તાર, ભરતપુર, રેગીનગર અને બેલડાંગા આવ્યા છે. આ વિસ્તાર ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી સંવેદનશીલ ગણાય છે. આનું કારણ એ છે કે રેગીનગરમાં બાબરી મસ્જિદ જેવી જ મસ્જિદ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે મતદારોની વફાદારી બદલવી, ધાર્મિક ઓળખ મજબૂત કરવી અને લઘુમતિ મતોને વિભાજીત કરવાની સંભાવના વધી ગઈ છે. આ મસ્જિદનો પાયો ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં નાખવામાં આવ્યો હતો. મસ્જિદ બનાવવાની તૈયારી કરી રહેલા ધારાસભ્યને ટીએમસીએ પક્ષમાંથી હાંકી કાઢયા હતા. ધારાસભ્ય હુમાયુ કબીરે ત્યાર પછી પોતાનો પક્ષ અજયયુપ પાર્ટીની સ્થાપના કરી હતી. ભાજપ હિન્દુ વોટબેન્કને સંગઠીત કરવા માટે આ કિસ્સાને ચગાવે છે જ્યારે ટીએમસીને ડર છે કે મુસ્લિમ મતો વિભાજીત થઈ જશે.