નવીદિલ્હી: ભારતમાં વકફ બોર્ડ પાસે ૯.૪ લાખ એકર જમીન છે. જમીન સંપત્તિ બાબતે વકફ બોર્ડનો નંબર ભારતમાં ત્રીજો છે. વકફ બોર્ડ પાસે ૮.૭૨ લાખ સ્થાવર મિલકતો છે. વકફની સંપત્તિઓમાં મુખ્યત્વે મસ્જિદ, મદ્રેશા, કબ્રસ્તાન, અન્ય ધાર્મિક અને સામાજીક ઉપયોગમાં લેવાતી જમીનો છે. ભારતમાં વકફ સંપત્તિનું દાન મુખ્યત્વે મુસ્લિમ, સુફી સંતો, પૈસાદાર વેપારીઓ અને ધાર્મિક નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. હૈદ્રાબાદના નિઝામે સૌથી વધુ દાન વકફને આપ્યું હોવાનું મનાય છે. ઇસ્લામી કાયદા પ્રમાણે વકફ બોર્ડ ધાર્મિક ઉદ્દેશ માટે સંપત્તીઓની સંભાળ રાખવાનું કામ કરે છે. કોઈપણ વ્યક્તિ વકફને એક વાર સંપત્તિ દાનમાં આપે એટલે એ સંપત્તિ અલ્લાહની થઈ જતી હોવાનું માનવામાં આવે છે.
મુસલમાનો માટે ભાજપની ચિંતા જોઈને ઝીણાને પણ શરમ આવશે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. ઠાકરેએ કહ્યું છે કે, વકફ સુધારા બીલ પરની ચર્ચા દરમિયાન ભાજપ અને એના સાથી પક્ષોએ મુસલમાનો માટે જે ચિંતા વ્યક્ત કરી છે એ જોઈને પાકિસ્તાનના સ્થાપક મહોમદ અલી ઝીણા પણ શરમાઈ જશે. ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપની કપટી નીતિ અને જમીન ઝૂટવીને ઉદ્યોગપતિ મિત્રોને જમીન આપી દેવાનો વિરોધ તેઓ કરે છે. કેન્દ્રમાં ભાજપએ ત્રીજી વખત સરકાર બનાવી છે, બધુ ઠીકઠાક ચાલી રહ્યું છે, આમ છતાં ભાજપ હિન્દુ -મુસ્લિમ મુદ્દાઓમાંથી બહાર આવતો નથી. ઠાકરેએ ભાજપને ચેલેન્જ આપતા કહ્યું હતું કે જો ભાજપને મુસલમાનો પસંદ નહીં હોય તો પક્ષના ધ્વજમાંથી લીલો રંગ નાબુદ કરી દે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાએ શા માટે માફી માંગી
આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાએ સંસદમાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ આપેલા નિવેદન બાબતે માફી માંગી છે. વકફ બીલ પરની ચર્ચા વખતે ગોગોઇએ કહ્યું હતું કે, આસામમા મુસ્લિમાનોને રસ્તા પર નમાજ પઢવા દેવામાં આવતી નથી. હેમંત બિશ્વાએ સાંસદનું નામ લીધા વગર કહ્યું હતું કે, આસામમાં મુસલમાનોને ઇદની નમાજ રસ્તા પર પઢવાની પરવાનગી નથી એ માટે હું માફી માંગુ છું. રાજ્યમાં ઘણી સુંદર મસ્જિદો છે. આસામમા લોકો રસ્તા પર નમાજ પઢવા માંગતા નથી. સરમાએ કહ્યું હતું કે દેશભરમાંથી એમના પર ફોન આવી રહ્યા છે. સરમાના કહેવા પ્રમાણે રસ્તા પર નમાજ પઢવાની માંગ મુસ્લિમોએ કરી નથી, પરંતુ કોંગ્રેસ સાંસદની ટીપ્પણીને કારણે ગેરસમજ ફેલાઈ છે.
હિઝ્બ- ઉત-તહરીરના તામિલનાડુ પ્રમુખ સામે એફઆઇઆર દાખલ
નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)એ પ્રતિબંધીત આતંકવાદી સંગઠન હિઝ્બ-ઉત-તહરીરના તામિલનાડુ પ્રમુખ ફૈઝુલ હુસૈન સામે યુએપીએ અંતર્ગત એફઆઇઆર નોંધી છે. ફૈઝુલ સામે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો અને યુવાનોને ઉશ્કેરવાનો આરોપ છે. ચૈન્નઇની ઉનમલ્લી ખાતે આવેલી એનઆઇએની ખાસ કોર્ટમાં ફૈઝુલ સામે આઇપીસી અને યુએપીએની ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એજન્સીના કહેવા પ્રમાણે ફૈઝુલ તામિલનાડુ સંગઠનનો પ્રમુખ હતો. ફૈઝુલ મુસ્લિમ યુવાનોમાં કટ્ટરતા ફેલાવીને એમને ભારત વિરૂદ્ધ લડવા માટે ઉશ્કેરતો હતો. એનઆઇએને તપાસમાં ખબર પડી છે કે, હુસૈન અને એનો સાથી ચૈન્નઇની એક સંસ્થાના હોલમાં મળીને ખાનગી બેઠકો કરતા હતા. આ બેઠકમાં તેઓ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક માહિતીનો ફેલાવો કરવાની યોજના બનાવતા હતા.
અમેરિકી ટેરીફને કારણે હસ્તશિલ્પ નિકાસ સંકટમાં
ભારતમાં બનાવવામાં આવતી હસ્તશિલ્પ વસ્તુઓની માંગ અમેરીકામાં છે. ભારતમાં તૈયાર થયેલું આર્ટ અમેરિકામાં ખૂબ વખણાય છે. આ વસ્તુઓ પર હવે અમેરિકાએ ૨૬ ટકા ટેરીફ લગાડયો છે. અમેરિકાના નિર્ણયને કારણે હસ્તશિલ્પ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ચિંતા વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના આગ્રાથી દર વરસે આરસની વિવિધ કલાકૃતિઓની ૧૫૦૦ કરોડ રૂપિયાની નિકાસ અમેરિકા થાય છે. આગ્રામાં તાજમહાલ જોવા આવનાર અમેરિકાના ટુરિસ્ટો સૌથી વધુ હસ્તશિલ્પની ખરીદી કરે છે. અમેરિકાએ ૨૬ ટકા ટેરીફ લાગુ કર્યો હોવાથી અમેરિકામાં આ કળાકૃતિઓની માંગ ઘટી જવાની શક્યતા છે. ટુરિસ્ટો પણ હવે પોતાની સાથે આરસની પ્રતિકૃતિઓ લઈ જશે નહીં.
ભાજપના નેતાનો દિલ્હીમાં પબ્લિસીટી સ્ટંટ
દિલ્હી ભાજપના નેતા તેજેન્દર બગ્ગા હલકી પ્રસિદ્ધિ માટે વારંવાર સ્ટંટ કરતા રહે છે. બગ્ગાએ હવે દિલ્હીમાં રાહુલ ગાંધીને ઉદ્દેશીને મોટા પોસ્ટરો મુક્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે, 'રાહુલ ગાંધીજી, મહેરબાની કરીને તેલંગાણામાં અમારા જંગલો કાપવાનું બંધ કરો' હૈદ્રાબાદ યુનિવર્સિટીના કાચા ગાચીબૌલીની ૪૦૦ એકર જમીન પર વૃક્ષો કાપવા સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. સ્વાભાવીક છે કે હવે તેલગાણામાં આ વિવાદાસ્પદ જમીન પર કોઈ બાંધકામ થવાનું નથી. આ મુદ્દો દિલ્હીની સડક પર લાવવાનો કોઈ અર્થ નહીં હોવા છતા સમાચારમાં રહેવા માટે બગ્ગાએ રાહુલ ગાંધીની તસવીરોનો ઉપયોગ કર્યો છે.
ગૃહમંત્રાલયે મનમોહનસિંહના પત્નીની સુરક્ષામાં ઘટાડો કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના પત્ની ગુરુશરણ કૌરને આપવામાં આવેલી સુરક્ષામાં ઘટાડો કર્યો છે. ગુરુશરણને અત્યાર સુધી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે એમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. મનમોહનસિંહ અને એમના પત્નીને ૨૦૧૯માં સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષાનું કવર આપવામાં આવ્યું હતું. એ પહેલા એમની સુરક્ષા એસપીજી કરતી હતી. ૨૦૧૩માં ગુરુશરણને એસપીજી સુરક્ષા હતી ત્યારે તેઓ પહેલા એવી વ્યક્તિ હતા કે જેમની સુરક્ષામાં મહિલા કમાન્ડો હોય. કેન્દ્રીય એજન્સીઓએ લાંબા રીવ્યુ પછી ગુરુશરણસિંહની સુરક્ષા ઓછી કરવાનો નિર્ણય કર્યો હતો.
વક્ફની ચર્ચામાં ગેરહાજરી બદલ કવિથાએ રાહુલ-પ્રિયંકાની ઝાટકણી કાઢી
બીઆરએસ નેતા કે.કવિથાએ સંસદમાં વક્ફ સુધારા બિલ ચર્ચા દરમ્યાન તેમની ગેરહાજરી માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢરાની જોરદાર ટીકા કરી હતી. કવિથાએ દાવો કર્યો કે તેમનું મૌન દર્શાવે છે કે ત્રીસ કરોડ ભારતીયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોના અધિકારોના રક્ષણ બાબતે તેઓ ગંભીર નથી. કવિથાએ તેમની ગેરહાજરીને હેતુપૂર્વકની ગણાવીને કોંગ્રેસની નેતાગીરી પર બેજવાબદારીનો આરોપ લગાવ્યો હતો. કવિથાના મતે ગાંધી બંધુઓએ ચૂંટણી સમયે તો મોટા વચનો આપ્યા હતા પણ લઘુમતિને પ્રભાવિત કરતા મહત્વના મુદ્દા વિશે કાર્ય કરવાનો સમય આવ્યો ત્યારે ગાયબ થઈ ગયા. કવિથાએ ખાસ કરીને રાહુલ ગાંધીની ચૂપકીદી વિશે સવાલ ઉઠાવીને તેના પ્રેમ વિશેના જાહેર સંદેશ અને કરોડો લોકોને પ્રભાવિત કરતા મુદ્દા પ્રત્યે તેની નિષ્ક્રિયતા વચ્ચેના વિરોધાભાસ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. કવિથાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ ચૂંટણી સમયે તો મહોબ્બત કી દુકાન વિશે લાંબા ભાષણો આપ્યા પણ મહત્વના બિલ પર ચર્ચા સમયે ગાયબ થઈ ગયા.
ભારતમાં વધતા રાજકીય અને ધાર્મિક ધૂ્રવીકરણ સામે થરૂરની ચેતવણી
નવી દિલ્હીમાં પહેલુ કાર્યક્રમ ખાતે કોંગ્રેસી સાંસદ અને યુનોના ભૂતપૂર્વ રાજદૂત શશિ થરૂરે ભારતમાં વધતા રાજકીય અને ધાર્મિક ધૂ્રવીકરણ બાબતે ઈતિહાસકાર રાણા સાફવી સાથે ચર્ચા કરી. સંસદના બંને ગૃહોમાં વક્ફ(સુધારા) બિલ પસાર થયા પછી તુરંત નાદવિસ્તાર ફાઉન્ડેશન દ્વારા યુનેસ્કોના ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ પ્રોગ્રામ સાથે ભાગીદારીમાં કાર્યક્રમ યોજાયો હતો. થરૂરે હિન્દુત્વ વિચારધારા અને સમન્વાયક ગંગા-જમુના તહેજીબ વચ્ચેના અંતરને દૂર કરવાની તાકીદ પર ભાર મુક્યો. મુસ્લિમ સાંસદોના ભાષણો પ્રત્યે ધ્યાન દોરીને તેમણે સંવાદ અને સમાવિષ્ટતાના મહત્વ પર પ્રકાશ પાડયો. શાસક પક્ષમાં એકપણ મુસ્લિમ સાંસદ ન હોવાની બાબતે પણ થરૂરે ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી કે અનિયંત્રિત ધ્રૂવીકરણથી ભારતના સાંસ્કૃતિક અને સામાજિક માળખાને ભારે નુકસાન થઈ શકે છે.


