અનંતસિંહ માટે પ્રચાર કરીને લલનસિંહ અને સમ્રાટ ચૌધરી ફસાયા

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી લલનસિંહ અને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે. મોકામા ખાતે આ બંને નેતાઓએ કાઢેલી રેલીનો કાફલો લાંબો હોવાને કારણે એમના પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેડીયુએ મોકામાં વિધાનસભા બેઠક પર અનંતસિંહને ટિકિટ આપી છે. લલનસિંહ અને સમ્રાટ ચૌધરી અનંતસિંહના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. ચૂંટણી આચરસંહિતાનો ભંગ કરવા માટે બંને નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમના રોડ શોમાં મોટરોનો લાંબો કાફલો હતો. પટણા પોલીસે રોડ શોના આયોજકો સામે કેસ દાખલ કર્યો છે. કાફલામાં કેટલીક કારો પર સાયરન પણ લગાડવામાં આવ્યું હતું. સાયરન સાથેના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી સુધી કેન્દ્રીય મંત્રીનો મુકામ મોકામા ખાતે જ રહેશે.
બંગાળમાં એસઆઇઆર સામે મમતા લાલઘૂમ
બંગાળમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાથી જ રાજકારણ ગરમાયું છે. એસઆઇઆરનો વિરોધ કરવા મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેેસના પ્રમુખ મમતા બેનર્જીએ પક્ષના નેતાઓ સાથે કોલકત્તાની સડકો પર ઉતરીને વિશાળ મોરચો કાઢયો હતો. આ મોરચામાં તૃણમુલના રાષ્ટ્રીય મહામંત્રી અને મમતાના સાંસદ ભત્રીજા અભિષેક બેનર્જી પણ સામેલ થયા હતા. લગભગ ૪ કી.મી. લાંબો આ રોડ માર્ચ કોલકત્તાના ઐતિહાસીક રેડ રોડથી શરૂ થઈને જોડાસાંકો ઠાકુરબાડી ખાતે સમાપ્ત થયો હતો. હજારોની સંખ્યામાં તૃણમુલ કાર્યકરોએ હાથમાં એસઆઇઆર વિરુદ્ધ પોસ્ટરો લઈને દેખાવો કર્યા હતા. આની સામે ભાજપએ પણ એસઆઇઆરના સમર્થનમાં અને ઘૂસણખોરોને દેશબહાર કાઢવાની માંગણી સાથે સરઘસ કાઢયું હતું. જોકે ભાજપના સમર્થકોની સંખ્યા ફીક્કી હતી.
'મને હાઇકોર્ટનો જજ બનાવી દો...', માંગણી કરનાર પર સીજેઆઇ ભડક્યા
સુપ્રિમ કોર્ટે એક અરજી કરનારને ઠપકો આપ્યો છે. અરજી કરનારએ પોતાને હાઇકોર્ટના જજ બનાવવાની માંગણી કરી હતી. કોર્ટે યોગ્ય રીતે જ આવી અરજીને ન્યાયતંત્રની મજાક ગણાવી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે કઈ રીતે અરજી કરનારે પોતાની અરજીની ચર્ચા માટે કોલેજિયમની બેઠક બોલાવવાની માંગ કરી હતી. સીજેઆઇ ડી આર ગવઈ અને જસ્ટીસ વિનોદચંદ્રનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સીજેઆઇ ગવઇએ તીખી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, 'હું એક કામ કરીશ. કોલેજિયમની બેઠક માટે હું ત્રણ સૌથી સિનિયર ન્યાયાધીશોની એક બેન્ચ બનાવીશ. આ વ્યવસ્થાનું અપમાન છે. તમે કદી સાંભળ્યું છે કે હાઇકોર્ટના જજ બનાવવા માટે કોઈએ અરજી કરી હોય?' બેન્ચે એમ પણ કહ્યું હતું કે, કોર્ટોના ઇતિહાસમાં આ પ્રેકારની અરજી પહેલી વખત કરવામાં આવી હશે.
પીએમ મોદીના નિવેદન બાબતે તેજસ્વીની નારાજગી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વધી રહ્યા છે. એક તરફ નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે તો બીજી તરફ બીમાર હોવા છતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ રોડ શો કરે છે એને તેજસ્વી યાદવ એક કરતા વધુ સભા સંબોધે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ રોડ શો કરી રહ્યા છે. તેજસ્વી યાદવએ પોતાની સરકાર બનવાની તારીખ જાહેર કરી દીધી છે જેની ટીકા એનડીએના નેતાઓ કરી રહ્યા છે. જેડીયુના નેતા નીરજકુમારએ ટીપ્પણી કરી છે કે, 'તેજસ્વી યાદવ સામે ચાર રાજ્યોમાં કેસ ચાલી રહ્યા છે. એમના પિતા ૨૦૦૫થી જ માનસીક રીતે અસ્વસ્થ છે. શેખચલ્લીના સપના જોવામાં નુકસાન કઈ નથી.' નરેન્દ્ર મોદીના વિવાદાસ્પદ નિવેદન બાબતે તેજસ્વી યાદવએ વળતો ઘા કર્યો છે. તેજસ્વીએ કહ્યું છે કે, 'નરેન્દ્ર મોદી ગુજરાત જાય છે ત્યારે કારખાના નાખવાની વાત કરે છે, પરંતુ બિહાર આવે છે ત્યારે બંદૂકોની વાત કરે છે. અમે પહેલા કદી કોઈપણ પ્રધાનમંત્રીને આવી ભાષાનો ઉપયોગ કરતા જોયા નથી.'
શશી થરૂરને ભાજપના નેતાની ચેતવણી
વંશવાદના રાજકારણ વિરુદ્ધ શશી થરૂરએ લખેલા લેખનો વિવાદ હજી ચાલુ છે. 'ઇન્ડિયન પોલીટીક્સ આર એ ફેમીલી બિઝનેસ' મઠાળા હેઠળ થરૂરે લેખ લખ્યો હતો અને વિવિધ પક્ષોના નેતાઓની ઝાટકણી કાઢી હતી. હવે ભાજપના નેતા અને પ્રવક્તા શહજાદ પુનાવાલાએ શશી થરૂરને ચેતવણી આપી છે. એમણે કોંગ્રેસના સાંસદને 'ખતરો કે ખિલાડી' ઉપનામ આપ્યું છે. એમણે એમ પણ કહ્યું છે કે, હવે થરૂર સાથે શું થશે એની ખબર નથી. શહજાદ પુનાવાલાએ સોશ્યલ મીડિયા એક્સ પર થરૂરનો લેખ શેર કરીને લખ્યું છે 'ભારતનું રાજકારણ કૌટુંબિક વ્યવસાય કેવી રીતે બની ગયો છે એના વિશે ડો. શશી થરૂરે સુંદર લેખ લખ્યો છે. એમણે ભારતના 'નેપો કીડ' રાહુલ અને 'નાના નેપો કીડ' તેજસ્વી યાદવ પર સીધો હુમલો કર્યો છે. હું ચિંતીત છું કે આટલું સ્પષ્ટતાથી કહેવા માટે ડો. થરૂરનો અંત કેવો આવશે.'
બિહાર ચૂંટણીમાં જનસુરાજ પક્ષનું શું થશે
બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. એનડીએ અને મહાગઠબંધનના પક્ષો જીતના દાવાઓ કરી રહ્યા છે. વિવિધ એજન્સીઓ સર્વે પણ કરી રહી છે અને સર્વેના પરિણામો પણ અલગઅલગ આવી રહ્યા છે. એક ખાનગી સર્વેમાં એનડીએને ૧૫૩ થી ૧૬૪ બેઠકો મળવાની ધારણા કરવામાં આવી છે અને સાથે સાથે પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજના દેખાવ બાબતે પણ ધારણા કરી છે. ઓપીનીયન પોલ પ્રમાણે આ ચૂંટણીમાં જનસુરાજ ખાતુ તો ખોલાવી શકશે, પરંતુ પ્રશાંત કિશોરના દાવા પ્રમાણેની બેઠકો જીતી શકશે નહીં. સર્વે પ્રમાણે જનસુરાજ પક્ષને ફક્ત ૧ થી ૩ બેઠકો મળી શકે એમ છે. પ્રશાંત કિશોરનો પક્ષ બિહારની ૨૪૩ માંથી ૨૩૮ બેઠકો પર ચૂંટણી લડે છે. પીકેના પક્ષને ૪ ટકા મત મળવાની ધારણા છે.
કોંગ્રેસની સંઘને સલાહ, સંકુચીત માનસીકતામાંથી બહાર નીકળે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સામે કોંગ્રેસે ફરીથી મોરચો ખોલ્યો છે. થોડા દિવસો પહેલા કર્ણાટકના મુખ્યમંત્રીએ હુકમ કર્યો હતો કે સરકારી સાધનોનો ઉપયોગ કરતા પહેલા સંઘ કે બીજા ખાનગી સંગઠનોએ પરવાનગી લેવી આવશ્યક છે. હાઇકોર્ટે આ હુકમ પર સ્ટે આપ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સનાતન પરંપરાની ટીકા કરીને કહ્યું હતું કે, 'સારી સંગતમાં રહો. સનાતનીઓ અને સંઘીઓથી દુર રહો.' એમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને એમના પુત્ર કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ પણ સંઘ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. બિહારની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી એમના દરેક સંબોધનમાં સંઘ પર હુમલા કરતા રહે છે.

