Get The App

દિલ્હીની વાત : પહેલગામ હુમલાના આતંકવાદીઓએ ચેન્નાઇથી ભાગવાની કોશિષ કરી હતી

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની વાત : પહેલગામ હુમલાના આતંકવાદીઓએ ચેન્નાઇથી ભાગવાની કોશિષ કરી હતી 1 - image


નવી દિલ્હી : સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલગામ આતંકવાદી હુમલાના આરોપીઓ ચેન્નાઇથી કોલંબો જઈ રહ્યા હોવાની માહિતીને પગલે શ્રીલંકા એરલાઇન્સના વિમાનની કોલંબો એરપોર્ટ ખાતે તપાસ કરવામાં આવી હતી. આતંકવાદી હુમલા પછી જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે આખા દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોને ખબર પડી હતી કે, હુમલામાં ભાગ લેનાર અને એનું આયોજન કરનાર કેટલાક આતંકવાદીઓ શ્રીલંકા ભાગવાની તૈયારીમાં છે. શ્રીલંકા એરલાઇન્સની ફલાઇટ યુએલ-૧૨૨ જ્યારે કોલંબોના ભંડાર નાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊતરી ત્યારે દરેક પ્રવાસીની તપાસ કરવામાં આવી હતી. દિલ્હીથી કોલંબો એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યું હતું. શ્રીલંકા પોલીસના જણાવ્યા પ્રમાણે વિમાનમાં છ શંકાસ્પદો હોવાની માહિતી ભારતના આઇબી તરફથી મળી હતી. જોકે શંકાસ્પદની ધરપકડ થઈ છે કે નહીં એની માહિતી ઓન ધ રેકોર્ડ આપવા કોઈ તૈયાર નથી.

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જેડીયુને ફટકો

બિહાર વિધાનસભાની ચૂંટણી થોડા મહિના પછી યોજાવાની છે ત્યારે જેડીયુને મોટો ફટકો પડયો છે. કોસી સ્નાતક વિસ્તારના જેડીયુના પીઢ નેતા સંજય ચૌહાણ પોતાના સમર્થકો સાથે આરજેડીમાં જોડાઈ ગયા છે. છેલ્લા થોડા દિવસોથી તેજસ્વી યાદવ ભાજપ અને જેડીયુના સિનિયર નેતાઓને આરજેડીમાં લાવવામાં સફળ રહ્યા છે. તેજસ્વી યાદવના કહેવા પ્રમાણે સંજય ચૌહાણની એન્ટ્રીથી પક્ષ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે આરજેડીના ભૂતપૂર્વ સાંસદ જયપ્રકાશ નારાયણ યાદવ, ભૂતપૂર્વ મંત્રી બીમા ભારતી, આલોક મહેતા, રણવીજય શાહુ, ભૂદેવ ચૌધરી હાજર રહ્યા હતા. સંજય ચૌહાણનું કહેવું હતું કે, આરજેડીએ એમના પર પૂરો ભરોસો મૂક્યો છે અને તેઓ પણ તન-મન-ધનથી આરજેડીને મજબૂત બનાવશે.

માલદીવના પ્રમુખે રેકોર્ડ બનાવવા સતત 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને બોર કર્યા

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ સતત ૧૫ કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને રેકોર્ડ બનાવ્યો છે. જાણે મોટો તીર માર્યો હોય તેમ પ્રમુખની ઓફિસે એક નિવેદનમાં કહ્યું છે કે, પ્રમુખ મુઇજ્જુએ યુક્રેનના નેતા વોલોડીનીર ઝેલેસ્કી એ બનાવેલો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફક્ત નમાઝ પઢવા માટે મુઇજ્જુએ બ્રેક લીધો હતો. મધરાત પછી પણ પ્રેસ કોન્ફરન્સ ચાલુ રહી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુઇજ્જુએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. જોકે થોડા કલાકો પછી પત્રકારો પણ થાકી ગયા હતા. મુઇજ્જુના પ્રેસ સલાહકારે એવો બચાવ કર્યો હતો કે મુઇજ્જુની રેકોર્ડ બ્રેકિંગ પ્રેસ કોન્ફરન્સને કારણે સમાજમાં પ્રેસનું મહત્ત્વ વધશે.

સ્વચ્છ રાજકારણની વાત વચ્ચે બિહારમાં બધા જ પક્ષ સરખા

વર્ષોથી બિહારનું રાજકારણ એના મસલ પાવર અને જ્ઞાાતિવાદને કારણે બદનામ છે. છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને નિતિશકુમારના મુખ્યમંત્રી બન્યા પછી, એમ મનાતું હતું કે બિહારનું રાજકારણ ધીમેધીમે સ્વચ્છ થઈ રહ્યું છે. જોકે આ વાત બોદી સાબિત થઈ છે. બિહારને સ્વચ્છ સરકાર આપવાના વાયદા વચ્ચે એવું જાણવા મળ્યું છે કે, બિહારમાં ૨૦૦૫થી ૨૦૨૦ સુધીની વિધાનસભા ચૂંટણી જીતેલા ધારાસભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ ખાસ વખાણવા લાયક નથી. ૬૮ ટકા ધારાસભ્યો સામે ફોજદારી ગુના નોંધાય ચૂક્યા છે. ભારતમાં ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરી રહેલી સંસ્થા એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ લોકસભા અને વિધાનસભાના ઉમેદવારનો રેકોર્ડ તપાસી રહી છે. સંસ્થાને મળેલી જાણકારી પ્રમાણે આરજેડી અને જેડીયુથી માંડીને ભાજપ અને કોંગ્રેસ સુધીના તમામ પક્ષના ધારાસભ્યો સરખી રીતે ગુનાખોરીમાં સંડોવાયા છે.

'અજીત પવારે જો મુખ્યમંત્રી બનવું હોય તો એમણે એમવીએમાં પરત આવવું જોઈએ'

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી (અજીત પવાર)ના રાષ્ટ્રીય પ્રમુખ અજીત પવારની મહત્વાકાંક્ષા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની છે એની બધાને ખબર છે. જોકે મહારાષ્ટ્ર રાજકારણના હાલના સંજોગો જોતા અજીત પવાર નજીકના ભવિષ્યમાં તો મુખ્યમંત્રી બની શકે એમ નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલતી અટકળો વચ્ચે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ વિનાયક રાઉતનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. રત્નાગીરી - સિંધુ દુર્ગના સાંસદ વિનાયક રાઉતએ અજીત પવાર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. એમણે કહ્યું છે કે, જો અજીત પવાર રાજ્યના મુખ્યમંત્રી બનવા માંગતા હોય તો એમણે એમવીએ (મહાવિકાસ અઘાડી)માં પરત ફરવું પડે. મહાયુતિ કદી એમને મુખ્યમંત્રી બનાવવાની નથી. હવે અજીત પવાર રાઉતના પ્રસ્તાવનો કેવો પ્રતિઉત્તર વાળે છે એ જોવું રહ્યું.

પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજી કેમ પકડાતા નથી

ભારતની સુરક્ષા એજન્સીઓના ભરપૂર પ્રયાસો છતા પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજી પકડાતા નથી. આતંકવાદીઓએ પૂર્વઆયોજન પછી આ હુમલો કર્યો હતો. એમને ખબર હતી કે સુરક્ષાદળોને ઘટના સ્થળે પહોંચતા અરધો કલાકનો સમય લાગશે. આ સમય દરમિયાન તેઓ ઘટના સ્થળેથી ૬-૭ કિલોમીટર ઊંડા જંગલોમાં પહોંચી ગયા હતા. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, કોકરનાગના જંગલો પસાર કર્યા પછી તેઓ કિશ્તવાડના જંગલોમાં પ્રવેશ કરીને ખોવાઈ ગયા હતા. કિશ્તવાડના જંગલો જમ્મુ ડિવિઝનમાં આવે છે. જંગલનો આ વિસ્તાર આતંકવાદીઓને છૂપાવવા માટે શ્રેષ્ઠ છે. જો તેમની પાસે ખાવા પીવાનો પુરતો સામાન હોય તો આ પહાડી વિસ્તારોમાં તેઓ લાંબા સમય સુધી સંતાઈને રહી શકે છે.

પહેલગામ મામલે ઇયુના નિવેદનથી બબાલ

જીઓ પોલીટીકલ મુદ્દે ભારત પર દબાણ લાવવાની કોશિષ કરનાર યુરોપિયન દેશો પ્રત્યે વિદેશ મંત્રી જયશંકરએ નારાજગી બતાવી છે. પાકિસ્તાન સાથે વધેલી તાણ બાબતે યુરોપિયન યુનિયન (ઇયુ)એ ભારતને સલાહ આપી હતી. જયશંકરનું કહેવું છે કે, ભારતને વિશ્વમાં ભાગીદારની શોધ છે, ઉદ્દેશ આપનારાઓની જરૂર નથી. યુરોપના કેટલાક દેશોની મોટી સમસ્યા છે કે, દરેક બાબતે એમને સલાહસૂચનો આપવા ગમે છે. આ દેશો એમની સલાહનું પાલન પોતાના દેશ માટે નથી કરતા. ભારતએ જ્યારે યુક્રેન - રશિયા યુદ્ધની શરૂઆત વખતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો ત્યારે પણ ઇયુએ ભારતની ટીકા કરી હતી. એ વખતે પણ જયશંકરે ઇયુ સાથે બાથ ભીડી હતી.

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેને વારવા પડયા 

દેશમાં જ્યારે મોટી ઘટના બને ત્યારે તેના પ્રતિભાવ આપવામાં રાજકીય પક્ષોએ ઘણી સાવચેતી રાખવી પડે છે. આ અઠવાડિયે કોંગ્રેસની નેતાગીરીને સમજાયું કે તેમની સોશ્યલ મિડિયા ટીમ પક્ષના પોતાના હિતમાં વધારે પડતી શક્તિશાળી બની ગઇ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેની આગેવાની હેઠળની ટીમે પહલગામના હુમલા બાદ વડાપ્રધાનનું કાર્ટૂન બનાવ્યું હતું કે તેઓ પહેલગામ હુમલા બાદ ગાયબ થઇ ગયા છે. શ્રીનેતે ટીમના નિર્ણયને વળગી રહી આ પોસ્ટની તરફેણ કરી હતી. પણ પછી આ પોસ્ટ ચૂપચાપ ગાયબ થઇ ગઇ હતી. સોશ્યલ મિડિયાના ટીમના સભ્ય અને પોતાને પત્રકાર ગણાવતાં વ્યક્તિએ આ કાર્ટૂન બનાવ્યું હતું પણ આખરે કોંગ્રેસ પક્ષના મહામંત્રી પ્રિયંકા વાઢરાએ જાતે હસ્તક્ષેપ કરી આ પોસ્ટને દૂર કરાવવી પડી હતી. પ્રિયંકા વાઢરાએ એક ડગલું આગળ વધી પક્ષના મહામંત્રી કે.સી. વેણુગોપાલની સહી વાળાપરિપત્ર પણ પોતાના સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો. જેમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારોને પહેલગામ મામલે બિનસત્તાવાર નિવેદનો ન કરવાની તાકીદ કરાઇ હતી. 

ઉત્તર પ્રદેશના પ્રધાન ઓમપ્રકાશ રાજભરે અખિલેશ યાદવને રાજકીય ચીટર ગણાવ્યા 

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી-એસબીએસપી-ના રાષ્ટ્રીય પ્રમુખ અને યુપી સરકારના પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવને પોલિટિકલ ચીટર ગણાવ્યા છે. ગોમતી નદીના તટે મહારાજા સુહેલદેવની પ્રતિમા ઉભી કરવાનું વચન આપતાં અખિલેશ યાદવના નિવેદન વિશે ટિપ્પણી કરતાં રાજભરે જણાવ્યું હતું કે સપાના પ્રમુખને પછાતો અને દલિતોને છેતરવાની જુની ટેવ છે. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે જાતિવાદી જનગણના કરવાનો નિર્ણય લીધો તેના પગલે અખિલેશ યાદવની ઉંઘ ઉડી ગઇ છે. અખિલેશને ડર છે કે પછાતો અને દલિતોની વોટબેન્ક હવે એનડીએ ભણી સરકી જશે. જ્યાં સુધી સપાના પ્રમુખ યુપીમાં સત્તાસ્થાને હતા ત્યાં સુધી તેમણે કદી મહારાજા સુહેલદેવને યાદ કર્યા નહોતાં. હવે તેમના નામે અખિલેશ યાદવ પછાતો અને દલિતોનું વોટબેન્ક રાજકારણ ખેલવા માંગે છે પણ તેઓ હવે તેમના ઝાંસાંમાં આવે તેમ નથી. રાજભરે બસપ અને જયંત ચૌધરીને પણ છોડયા નહોતાં. તેમણે તેમનો સ્વભાવ જ છેતરવાનો હોવાનું જણાવી દાવો કર્યો હતો કે હું અખિલેશ યાદવની સાથે રહ્યો છું  અને તેમની વર્કિંગ સ્ટાઇલને સારી રીતે જાણું છું. 

પહલગામ હુમલામાં માર્યા ગયેલાં વિનય નરવાલની પત્નીની વહારે મહિલા પંચ 

પોતાની વિચારધારાને અભિવ્યક્ત કરવા બદલ એક મહિલાને ટ્રોલ કરવામાં આવે તે કોઇપણ સ્વરૂપમાં સ્વીકાર્ય ન ગણાય તેમ જણાવી રાષ્ટ્રીય મહિલા પંચે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલાં લેફટ્નન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશીનો બચાવ કર્યો હતો. પહલગામ હુમલા બાદ ભારતીય નેવી ઓફિસરની પત્નીએ તેની કોમેન્ટમાં લોકોને મુસ્લિમો કે કાશ્મિરીઓ પ્રતિ કોઇ નફરત ન રાખવાની અપીલ કરી હતી. ગુરૂવારે હિમાંશીએ લાગણીભરી અપીલ કરતાં જણાવ્યું હતું કે હું એટલું જ ઇચ્છું છું કે આખો દેશ વિનય માટે પ્રાર્થના કરે. તે જ્યાં પણ હોય ત્યાં તેને શાંતિ થાય એટલું જ હું ઇચ્છું છું. બીજી એકવાત હું ઇચ્છું છું એ કે કોઇની પણ પ્રતિ નફરત ન હોવી જોઇએ. હું જોઇ રહી છું કે લોકો મુસ્લિમો અથવા કાશ્મિરીઓ પ્રતિ નફરત ઓકી રહ્યા છે. અમે  આ ઇચ્છતા નથી. અમે માત્ર શાંતિ ઇચ્છીએ  છીએ. આ નિવેદનને પગલે હિમાંશીને ટ્રોલ કરવામાં આવતાં રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું કે કોઇપણ બાબતે સંમતિ કે અસંમતિ હમેંશા શાલીનતાથી અને બંધારણીય અધિકારોની મર્યાદામાં રહીને દર્શાવવી જોઇએ. 

કર્ણાટક સરકાર કોમવાદ વિરોધી દળ સ્થાપશે 

સમાજમાં શાંતિનો ભંગ કરે તેવી કોઇપણ પ્રકારની ઉશ્કેરણીને ડામવા અને  આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવા કોમવાદ વિરોધી દળની સ્થાપના કરવાની કર્ણાટક સરકારે જાહેરાત કરી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન ડી.જી.  પરમેશ્વરાએ મેંગાલુરૂમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મેંગાલુરૂ અને ઉડિપીમાં પ્રવર્તતી પરિસ્થિતિને જોઇ સરકારે નક્સલ વિરોધી દળની જેમ  કોમવાદ વિરોધી દળની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. 

આ દળનું નેત્તૃત્વ ઇન્સ્પેક્ટર જનરલ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે અને તેનું ફોકસ સમગ્ર દક્ષિણ કન્નડા અને ઉડુપિ પર રહેશે.એક જ અઠવાડિયામાં બે જણાની હત્યા થતાં મેંગાલુરૂમાં હજી હાઇ એલર્ટ અમલમાં છે. આ નવા સ્થપાનારાં દળને કોમવાદીઓ સામે પગલાં ભરવાની સત્તા હશે તેમ પરમેશ્વરે ઉમેર્યું હતું. 

- ઈન્દર સાહની

Tags :