For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વીરુપક્ષપ્પાના મુદ્દે ભાજપ બરાબરનો ભેરવાયો

Updated: Mar 5th, 2023

Article Content Image

વીરુપક્ષપ્પાના મુદ્દે ભાજપ બરાબરનો ભેરવાયો

નવીદિલ્હી: કર્ણાટકમાં ભાજપ ધારાસભ્ય વીરુપક્ષપ્પાના મુદ્દે બરાબરનો ભેરવાયો છે. કર્ણાટક લોકપાલની એન્ટિ-કરપ્શન બ્રાન્ચે ભાજપના ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલને ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપ્યા પછી ઓફિસમાંથી સર્ચ દરમિયાન ૧.૭ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી. એ એ પછી લોકપાલના અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડતાં  ૬ કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા.

હવે વીરુપક્ષપ્પા જેના ચેરમેન હતા એ કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ કોર્પોરેશનના કર્મચારી યુનિયને કોર્પોરેશનમાં ૩૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો કર્યો છે. આ બધા આક્ષેપો છતાં ભાજપે વીરુપક્ષપ્પાને કંઈ ના કરતાં ભાજપના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે.

વીરુપક્ષપ્પા યેદુરપ્પાના માણસ હોવાથી ભાજપ તેમને કંઈ કરી શકતો નથી પણ કોંગ્રેસને મોટો મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસે જોરશોરથી આ મુદ્દો ચગાવવા માંડયો છે તેથી ભાજપના નેતા માને છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વીરુપક્ષપ્પાનો ભ્રષ્ટાચાર નડી શકે છે. 

કોંગ્રેસ સામે ભાજપનો જૂની પેન્શન યોજનાનો દાવ

અત્યાર સુધી જૂની પેન્શન યોજના લાવવાનો ઈન્કાર કરતી મોદી સરકારે અચાનક કેટલાક કર્મચારીઓ માટે જૂની પેન્શ યોજના દાખલ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. મોદી સરકારે  કેન્દ્રીય કર્મચારીઓને વિકલ્પ આપ્યો છે કે, તેમણે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે અને કટ ઓફ ડેટ ૨૨ ડિસેમ્બર ૨૦૦૩ નક્કી કરી છે. મતલબ કે, એ પહેલાં સરકારી નોકરી મળી હશે એ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. ત્યાર બાદ નોકરી મેળવનારાઓએ નવી પેન્શન યોજનામાં જ રહેવું પડશે.

ભાજપનાં સૂત્રોના મતે, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારોએ જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે. ચૂંટણીમાં આ મુદ્દો મહત્વનો હોવાથી કોંગ્રેેસના પ્રચારને ખાળવા માટે આ નિર્ણય લેવાયો છે. ભાજપ આઈટી સેલ હવે આ મુદ્દાને મોટો કરીને મોદી સરકારે જૂની પેન્શ યોજનાનો લાભ આપ્યો એવો પ્રચાર જોરશોરથી કરશે. 

ત્રણ રાજ્યોમાં આપની કમાન સંદીપ પાઠકને

આમ આદમી પાર્ટીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ડો. સંદીપ પાઠકને મેદાનમાં ઉતાર્યા છે. આ પૈકી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પર આપનું વધારે ધ્યાન છે. આપ દ્વારા પહેલા જ જાહેરાત કરાઈ ચૂકી છે કે, આપ મધ્યપ્રદેશની તમામ ૨૩૦ બેઠકો પર ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીનું માનવું છે કે, રાજસ્થાનમાં જ્ઞાાતિનાં સમીકરણો વધારે મજબૂત હોવાથી આ માટે શક્યતા ઓછી છે પણ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં  શિક્ષણ, જાહેર સેવાઓ અને આરોગ્યની સમસ્યાઓ વ્યાપક વાથી લોકો થાક્યા છે તેથી આપ માટે તક છે. ડો. પાઠકે અરવિદં કેજરીવાલને સ્ટાર પ્રચારક તરીકે ઉતારવાની રણનીતિ ઘડી છે. એ અંતર્ગત રવિવારે કેજરીવાલ છત્તીસગઢમાં સભાને સંબોધી. હવે રાજસ્થાનમાં ૧૩ માર્ચ અને મધ્યપ્રદેશમા ૧૪ માર્ચે કેજરીવાલ સભાઓને  સંબોધિત કરશે. ડો. સંદીપ પાઠક રાજ્યસભામાં ચૂંટાયા એ પહેલા લગભગ ૧૦ મહિના સુધી પોતાના ગૃહ રાજ્ય છત્તીસગઢમાં હતા તેથી છત્તીસગઢમાં તેમને જીતની શક્યતા લાગી રહી છે.

સીબીઆઈએ સિસોદિયા વિરૂદ્ધ કોઈ પુરાવા ના આપ્યા

દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના રિમાન્ડ બે દિવસ માટે લંબાવવામાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે. કોર્ટે સિસોદિયાને ૬ માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે સિસોદિયાએ કરેલી જામીન અરજી પર ૧૦ માર્ચ પોતાનો ચુકાદો આપશે.

સીબીઆઈએ પાંચ દિવસના રીમાન્ડ બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે પાંચ દિવસ પહેલાં કરેલ દલીલ કરી હતી કે, સિસોદિયા તપાસમાં સહયોગ નથી આપી રહ્યા અને તેમની પાસેથી ઘણા સવાલોના જવાબ મળવાના છે તેથી રીમાન્ડ લંબાવી આપો. સીબીઆઈએ સિસોદિયાને કેસના કેટલાક સાક્ષીઓની સામે બેસાડીને પૂછપરછ કરાશે એવું પણ કોર્ટને કહ્યું છે.

કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે, સીબીઆઈની દલીલ આઘાતજનક છે ને કોર્ટે તેને માન્ય ના રાખી એ વારે આઘાતજનક છે. સિસોદિયા સામે પુરાવા શોધવાનું કામ સીબીઆઈનું છે. પાંચ દિવસમાં એ નવા પુરાવા ના લાવી ના શકે તો તેની નિષ્ફળતા કહેવાય. કોર્ટે એ માટે સીબીઆઈને ઝાટકવી જોઈએ પણ તેના બદલે રીમાન્ડ આપી દીધા.

સરકારે દેશનું સોનું ગિરવે મૂક્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશનું ૨૦૦ ટન સોનું ગુપ્ત રીતે વિદેશ મોકલી દીધુંું અને ૨૬૮ ટન સોનું ગીરવે મૂક્યું હોવાના સમાચાર વાયરલ થતાં સરકારના અધિકારીઓ દોડતા થઈ ગયા. સરકારે તાત્કાલિક જ આ સમાચાર ખોટા હોવાની સ્પષ્ટતા તો કરાવી દીધી પણ આ ફેક ન્યુઝ ક્યાંથી ફેલાયા તેની તપાસ કરવાનો આદેશ પણ અપાયો છે. ભારતની આર્થિક સ્થિતિ વિશે ખોટા સમાચારો ફેલાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડે તેથી સરકારે આ સમાચારને અત્યંત ગંભીરતાથી લીધા છે.  

આ વાયરલ થયેલા સમાચારમાં અખબારનું કટિંગ મૂકને દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ વાત ગુપ્ત રાખી છે પણ  નવનીત ચતુર્વેદી નામની વ્યક્તિએ ગોલ્ડ રિઝર્વ અંગે કરેલી આરટીઆઈ હેઠળની અરજીમાં વિગતો બહાર આવી હતી. ભારતીય રિઝર્વ બેંકે આવી કોઈ અરજી મળી હોવાની વાતને નકારી કાઢી છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો સુરક્ષિત કસ્ટડી માટે વિદેશમાં સોનું મૂકે છે પણ  ૨૦૧૪ પછી, રિઝર્વ બેંકે ભારતમાંથી અન્ય દેશોમાં સોનું મોકલ્યું નથી.

પવારની આગાહી, દેશમાં મોટા પરિવર્તનની તૈયારી

શરદ પવારે ત્રણ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોને પગલે આગાહી કરી છે કે, દેશ હવે પરિવર્તન ઈચ્છે છે એ વાત આ પરિણામોઓ સાબિત કરી છે અને આવનારી ચૂંટણીમાં તેની અસર વર્તાશે.  મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને અપેક્ષિત સફળતા મળી નથી એ જોતાં હાલનો સમય રાજકીય પરિવર્તન માટે ખૂબ જ અનુકૂળ છે.

શરદ પવારે કહ્યું કે હાલમાં દેશ પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યો છે. કેરળમાં ભાજપ નથી, તમિલનાડુમાં ભાજપ નથી. કર્ણાટકમાં કોંગ્રેસ હતી પણ ત્યાં ધારાસભ્યો અને સાંસદોને ખરીદીને ભાજપની સરકાર બનવાઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભાજપ નથી. આ બધું સૂચવે છે કે દેશ પરિવર્તન ઈચ્છે છે. બીજી તરફ મોદી હવે ડરી ગયા છે. હવે તે કોઈની સામે આંગળી ચીંધશે નહીં.

ભાજપના નેતા શરદ પવારની વાતને રાજકીય આક્ષેપબાજી ગણાવે છે પણ વિશ્લેષકોના મતે, પવારની વાતમાં દમ છે. જો કે વિપક્ષો એક નથી તેથી ભાજપને ફાયદો થાય છે. આ વાત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ સાબિત થઈ છે.

નીતિશ તમિલનાડુમાં તપાસ - ટુકડી મોકલશે

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તમિલનાડુમાં રહેલા બિહારી શ્રમિકો સાથે થયેલા હિંસાચારની તપાસાર્થે ત્યાં ચાર સરકારી સભ્યોની ટુકડીને મોકલવાનો નિર્ણય કર્યો છે. ભાજપનું પ્રતિનિધિમંડળ આ મુદ્દે નીતિશને મળ્યું એ પછી એમણે આ નિર્ણય કર્યો. તમિલનાડુ પોલીસે બિહારી શ્રમિકો પરના હુમલાને નકારી કાઢ્યો છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં હુમલાની વાત અસ્થાને હોવાનું જણાવ્યું એમણે ભાજપ પર અફવા ફેલાવાનો આક્ષેપ કર્યો. બિહારની વિધાન પરિષદમાં ભાજપના નેતા રહેલા સમ્રાટ ચૌધરીએ તેજસ્વીની વાતનો છેદ ઉડાવતા કહ્યું કે એમણે બિહારના મુખ્યમંત્રી કે જેઓ રાજ્યના ગૃહમંત્રી પણ છે એમને અપીલ કરી છે.

ગેહલોત સામે કેન્દ્રીય મંત્રીએ બદનક્ષી કેસ કર્યો

કેન્દ્રના જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બદનક્ષી કેસ કર્યો છે. ગેહલોતે તાજેતરમાં અખબારોમાં શેખાવત સામે, જોધપુરના સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કૌભાંડ અંગે આક્ષેપો કર્યા છે. મૂળ રાજસ્થાનના એવા શેખાવતે કોર્ટની બહાર આવતા પત્રકારોને જણાવ્યું કે મુખ્યમંત્રી ગેહલોતે ફક્ત પોતાનું (શેખાવતનું) જ ચરિત્રહનન કર્યું છે એમ નહિ એમણે (ગેહલોતે) પોતાના (શેખાવતના) સદ્ગત માતુશ્રી સામે પણ આક્ષેપો કર્યા છે, કે જેના પગલે શેખાવતે આઇપીસીની કલમ ૫૯૦ અંતર્ગત કેસ કરવો પડયો છે.

ઇ-ટેન્ડરિંગ નિયમ વિરૂધ્ધ સરપંચ- આંદોલન

હરિયાણા પોલીસે ૧ માર્ચે કરેલા લાઠીચાર્જના બનાવના દિવસો પછી રાજ્યના સરપંચોએ ધી સરપંચ એસોસિએશન ઓફ હરિયાણાના નેજા હેઠળ રાજ્ય સરકારની નવી ઇ-ટેન્ડર પોલિસી વિરૂધ્ધ હરિયાણા- ચંડીગઢ સરહદે દેખાવો ચાલુ રાખ્યા છે. સરપંચોને સાંજ પડતા એસીપી કોર્ટના આદેશ મારફતે દેખાવોવાળી જગ્યા ખાલી કરવા માટે જણાવાયું હતું. જો એમ ના કરવું હોય તો બીજા દિવસે કોર્ટમાં જાતે-પોતે હાજર થઇને, એમણે આદેશનું પાલન કેમ કર્યું નહિ એ સમજાવવા કોર્ટના આદેશમાં જણાવાયું. ''સત્તાવાળાઓએ મહિલા અને વૃધ્ધોને પણ છોડયા નથી. પહેલાં એમણે અમને પંચાયતમાં ૫૦ ટકા અનામત બેઠકો આપી હવે અમે ચૂંટાઇ આવ્યા છીએ અને અમારી માગણીઓ રજૂ કરી રહ્યા છીએ ત્યારે તેઓ અમને મારીને શરીરે સોળ પાડી દઇ રહ્યા છે, એમ ૫૦૦ જણના જૂથમાં રહેલાં સંતોષ બેનિવાલ નામના મહિલા- સરપંચ કહ્યું તેઓ સરપંચ મંડળના ઉપપ્રમુખ પણ છે.

અમેરિકી વિદેશમંત્રી ભારતની રિક્ષામાં!

રાયસિના સંવાદ અંગે જી-૨૦ ના દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની સત્તાવાર મુલાકાત લઇ રહેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બિલ્ન્કેને એમની બૂલેટપ્રૂફ કાર બાજુએ મૂકીને પાટનગરની ઓટોરિક્ષામાં બેસીને દિલ્હીસ્થિત અમેરિકી દૂતાવાસમાં જવાનું પસંદ કર્યું. એક કાર્યક્રમમાં તેઓ ઓટોરિક્ષામાંથી ઉતરતા દેખાયા હતા.

કપિલનો 'ઇન્સાફ' ઃ ન્યાયના સિપાઇ બનવા હાકલ

રાજ્યસભાના અપક્ષ સભ્ય કપિલ સિબલે દેશને વૈકલ્પિક દ્રષ્ટિ પૂરી પાડવાના આશયસહ શનિવારે 'ઇન્સાફ' નામના નાગરિક મંચની રચનાની ઘોષણા કરી આ એક મંચ બની રહેશે રાજકીય પક્ષ નહિ, એમ એમણે સ્પષ્ટ કર્યું. એમણે નાગરિકો, બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓને મંચને ટેકો આપવા અનુરોધ કર્યો છે. એમણે પોતાના નિવાસ સ્થાને પત્રકારોને જણાવ્યું કે આ મંચના દ્રષ્ટિબિંદુ અને ઉદ્દેશો ૧૧ માર્ચે જંતરમંતર ખાતે જાહેર સભામાં જણાવાશે. સિબલે દેશભરમાં બની રહેલી અન્યાયપૂર્ણ ઘટનાઓના નિવારણ માટે આ સામૂહિક પ્રયાસ (મંચ)ની મોખરે રહેવા માટે ધારાશાસ્ત્રીઓને પણ આહવાન કર્યું છે.

ફલુના વધતા કેસ ઃ એન્ટિબાયોટિક બહુ ના લેશો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ૩ માર્ચે જાહેર જનતાજોગ પ્રસિધ્ધ કરેલી એક માર્ગદર્શિકામાં કફ, ચક્કર, ઊલટી, ગળામાં પીડા, તાવ, શરીરનો દુઃખાવો અને અતિસાર જેવી બીમારીઓના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા એકાએક વધી રહી હોવાનું જણાવ્યું છે. એણે ડોક્ટરોને દર્દીઓને આ તકલીફોના  ઉપાયરૂપે એન્ટિબાયોટિક નહિ આપવા તથા ફક્ત લક્ષણોને આધારે જ સારવાર કરવા સૂચવ્યું છે. ઇન્ફેક્શન સામાન્ય પણે પાંચથી સાત દિવસ કષ્ટદાયી બની રહે છે. જ્યારે તાવ ત્રણ દિવસમાં જ મટી જાય છે. કફ ત્રણેક સપ્તાહ સુધી ખેંચાય છે. નેશનલ સેક્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા  જણાવાયા મુજબ તાજેતરના મોટા ભાગના કેસ એચ-૩એન-૨ ઇન્ફ્લુએન્ઝા વાયરસનું પરિણામ છે, એમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઉમેર્યું છે.

આઇ લવ સિસોદિયા ઃ એફઆઇઆર નોંધાઇ

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સમર્થનમાં દિલ્હીની સર્વોદય કન્યા વિદ્યાલય ખાતે પોસ્ટરો લગાડાતાં પ્રથમદર્શી ગુન્હો (એફઆઇઆર) નોંધાયો છે. પાટનગરના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં આવેલી આ શાળામાં દિલ્હીના પૂર્વ શિક્ષણમંત્રીની તરફેણમાં ઝુંબેશ ચલાવાઇ રહી હતી. એક મોટા ફૂલેક્સ બેનર પર લખવામાં આવ્યું હતું કે 'આઇ લવ મનીષ સિસોદિયા.' સીબીઆઇએ આપ નેતા સિસોદિયાની, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સંડોવણી બદલ અટકાયત કરી છે. શાળાના આચાર્યે સિસોદિયાના સમર્થનમાં શાળામાંથી પાટલીઓ પૂરી પાડી અને પોસ્ટર લટકાવા દીધા. એફઆઇઆરમાં જણાવાયું છે કે અટક કરાયેલા આપ નેતા સિસોદિયાની અટકાયત બાબતે મહિમાગાન કરવું એ બંધારણની હાંસી સમાન છે.

- ઇન્દર સાહની


Gujarat