Get The App

દિલ્હીની વાત : 5 મહિનામાં 46 મૃત્યુ, ફાયર ઓડિટ ફક્ત દેખાડો

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 5 મહિનામાં 46 મૃત્યુ, ફાયર ઓડિટ ફક્ત દેખાડો 1 - image

નવીદિલ્હી : રાજધાની દિલ્હીમાં છેલ્લા ૫ મહિનામાં આગ લાગવાની ૩ મોટી ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં ૪૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગેરકાયદેસર બિલ્ડીંગ તૂટી પડતા ૬ વ્યક્તિઓના મોત થયા હતા. આમ લગભગ ૪૬ લોકોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. દરેક અકસ્માત પછી સરકાર, પ્રશાસન અને સંબંધીત એજન્સીઓ એક જ પ્રકારની પ્રતિક્રિયા આપતા રહ્યા. 'ફાયર ઓડિટ થશે, ગુનેગારો સામે કાર્યવાહી થશે, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થશે....' તપાસ થતી રહી, વચનો અપાતા ગયા અને નવી દુર્ઘટના બનતી રહી. ૨૦૨૬ના માર્ચ મહિનાના પાલન અગ્નિકાંડમાં એક જ કુટુંબના ૯ લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર પછી અગ્નિ સુરક્ષાને સૌથી વધુ પ્રાથમીકતા આપવાની વાતો થતી રહી. એના થોડા અઠવાડિયા પછી વિવેક વિહારમાં લાગેલી આગમાં ૯ લોકોના મૃત્યુ થયા હતા. દિલ્હી સરકારે ફરીથી એજ રીપીટ નિવેદનબાજી કરી અને ફરીથી દુર્ઘટના ઘટી.

નીટના વિદ્યાર્થીનું મૃત્યુ, મમતા બેનર્જી લાલચોળ

ટીએમસીના નેતા મમતા બેનર્જી નીટના વિદ્યાર્થીનું મૃત્યુ થતા લાલચોળ થઈ ગયા છે. એમણે કેન્દ્ર સરકારની શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે પોસ્ટ મૂકીને કહ્યું છે કે, એક એવા યુવાને પોતાનો જીવ આપી દીધો છે જેણે ઘણા સપનાઓ જોયા હતા. એમણે યુવાનના કુટુંબીઓને શોક સંદેશો આપીને કહ્યું છે કે એક સપનું ભલે તૂટી ગયું હોય, પરંતુ એનુ દુઃખ કુટુંબીઓ સાથે હંમેશા રહેશે. આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. ભાજપના રાજમાં દેશની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. પ્રશ્નપત્રો લીક થાય છે. આન્સરશીટમાં ગરબડ જોવા મળે છે. વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જાય છે. યુવાનો સાથે આ સરકાર સતત વિશ્વાસઘાત કરી રહી છે.

ઓપરેશન સિંદુર પછી વિદેશનીતિ બદલાઈ

ઓપરેશન સિંદુર પછી ભારત અને અઝરબૈજાન વચ્ચે સંબંધો વણસ્યા હતા. હવે બંને દેશો રાજદ્વારી સ્તર પર સંપર્ક વધારીને ચર્ચા કરી રહ્યા છે. હમણા જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ અઝરબૈજાનના રાષ્ટ્રપતિને ઇદની શુભેચ્છા મોકલી હતી. ગયા મહિને બાકુ ખાતે બંને દેશોના વિદેશ વિભાગના અધિકારીઓ વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશનના છઠ્ઠા રાઉન્ડની વાતચીત થઈ હતી. ૨૦૨૨ પછી પહેલી વખત આ પ્રકારના ફોર્મેટ દ્વારા બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. એમ મનાય છે કે બંને દેશોએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે ભારતે સમજી વિચારીને રણનીતિ નક્કી કરી છે. ભારત અઝરબૈજાન સાથે તુર્કી જેવી ડીલ કરવા માંગતું નથી.

'મોદી કહેશે તો 11 કરોડનું સોનું દાન કરીશ'

થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ સોનુ નહીં ખરીદવાની સલાહ આપી હતી. વડાપ્રધાન મોદીની અપીલ પર બિહારના જાણીતા 'ગોલ્ડમેન' પ્રેમ સિંહએ સોનુ ખરીદવાનું બંધ કરી દીધું છે. 'ગોલ્ડમેન'ના નામથી જાણીતા પ્રેમ સિંહનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીની અપીલને માન આપીને એમણે સોનું ખરીદવાનું બંધ કર્યું છે. દેશ અને રાજ્યના હીતમાં જો નરેન્દ્ર મોદી અથવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહેશે તો એમના શરીર પર જેટલું સોનું છે એનું દાન કરી દેશે. પ્રેમ સિંહ શરીર પર ૬ કિલો અને ૩૦૦ ગ્રામ સોનું પહેરે છે. આ સોનાની બજાર કિંમત ૧૧ કરોડથી વધુ છે. આટલું સોનું પહેરીને તેઓ ફરતા રહે છે. પ્રેમ સિંહ બિહારના ભોજપુર જિલ્લાના વાસુદેવપુર ગામના રહેવાસી છે.

તૂર્કીના વિદેશમંત્રીએ ભારતને ઉશ્કેરવાની કોશિષ કરી

છેલ્લા ઘણા સમયથી તૂર્કી ખુલ્લેઆમ ભારતનો વિરોધ કરીને પાકિસ્તાનને ટેકો આપે છે. ફરીથી એકવાર તૂર્કીના વિદેશમંત્રીએ પાકિસ્તાન સાથેની દોસ્તીના ગુણગાન ગાયા છે. એમણે આપેલું નિવેદન એમના દેશની વિદેશનીતિ કયા રસ્તે છે એ દેખાડે છે. સિંગાપુરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર સ્ટ્રેટેજીક સ્ટડીઝ (આઇઆઇએસએસ)ના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા તૂર્કીના વિદેશમંત્રી હાકાન ફીદાનએ પાકિસ્તાન સાથેના સંબંધોનો બચાવ કર્યો હતો. એમણે ભારતને ટોણો મારતા કહ્યું હતું કે તૂર્કી અને પાકિસ્તાનના ગાઢ સંબંધો જોઈને બીજાએ નારાજ થવાની જરૂર નથી. તૂર્કી એક માત્ર દેશ એવો નથી કે જેના સંબંધ પાકિસ્તાન સાથે સારા છે. અમને કેટલાક કારણોસર રશિયા સાથે, અમેરિકા સાથે કે યુરોપના દેશો સામે વાંધો હોઈ શકે છે. જોકે અમે નકારાત્મક બાજુ વિશે બહુ વિચારતા નથી. ભારત સાથે અમારા આવા સંબંધ શા માટે નથી એની મને ખબર નથી.

ગાંગુલીની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો

ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી એક જમાનામાં ભાજપના નેતાઓની નજીક હતા. ત્યાર પછી કોઈક કારણસર એમણે ભાજપથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. તેઓ મમતાની નજીક ગયા હતા છતા પણ ટીએમસીમાં જોડાયા નહોતા. ભાજપે આ વાત મનમાં રાખી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા પછી એની અસર સૌરવ ગાંગુલીની સુરક્ષા વ્યવસ્થા પર પણ પડી છે. મમતા સરકારે સૌરવ ગાંગુલીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી હતી. હવે શુભેંદુની સરકારે સુરક્ષાની કેટેગરી ઘટાડી નાખી છે. સૌરવ ગાંગુલી હમણા પશ્ચિમ બંગાળ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ છે. બંગાળમાં નવી સરકાર બનતા જ ઘણા નેતાઓ અને સાંસદોની સુરક્ષા વ્યવસ્થા પણ ઓછી કરી નાંખવામાં આવી છે. ૨૦૨૩ સુધી સૌરવ ગાંગુલીની સુરક્ષા વાય કેટેગરીની હતી જે પછીથી મમતાએ વધારીને ઝેડ કેટેગરીની કરી હતી.

મહારાષ્ટ્રમાં હિન્દુવાદીઓ સરકારથી નારાજ

મંદિરોને દાનમાં મળેલી જમીન સરકાર હસ્તે કરવાનો કાયદો લાવવાની તૈયારી મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય સામે હિન્દુવાદીઓ જંગે ચઢશે. હિન્દુવાદીઓની દલીલ છે કે જો દેવસ્થાનોની જમીન બચશે તો જ મંદિરો સુરક્ષીત રહેશે. સરકારે મંદિરોની જમીન સંપાદીત કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. પૂણે અને એની આસપાસના સેંકડો અગ્રણી દેવસ્થાનોએ 'મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નિરમુલન' અધિનિયમ ૨૦૨૬ વિરુદ્ધ રણશિંગુ ફૂક્યું છે. હિન્દુ અગ્રણીઓએ આ કાયદા વિરુદ્ધ કોર્ટમાં દાવાઓ નોંધવાની અપીલ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર સામે સહી કેમ્પેઇન તેમજ પ્રત્યેક મંદિરોમાં મહાઆરતી જેવા કાર્યક્રમો આપવામાં આવશે. આવનાર દિવસોમાં મુંબઈના આઝાદ મેદાનમાં મોટું સંમેલન યોજવાનું પણ નક્કી થયું છે. હિન્દુવાદીઓને નવા કાયદા પાછળ સરકારનો હેતુ શંકાસ્પદ ગણાય છે.