લાલુ - તેજસ્વી ઓવૈસીને બેઠક નહીં આપે
નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સેક્યુલર મતો વહેંચાઈ નહીં જાય એ માટે મહાગઠબંધનમાં દાખલ થવા માંગતા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમને ફટકો લાગ્યો છે. લાલુ પ્રસાદ યાદવ તેમ જ તેજસ્વી યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એક બેઠક પણ એઆઇએમઆઇએમને ફાળવવા તૈયાર નથી. આરજેડીના પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું છે કે ઓવૈસી જો ભાજપને હરાવવા માંગતા હોય તો તેઓ બિહારથી ચૂંટણી નહી લડે. બીજી તરફ બિહારમાં ઓવૈસીની પાર્ટીના પક્ષ પ્રમુખ તરીકે કામ કરતા અખતરૂલ ઇમાન ઘણા સમયથી કહી રહ્યા છે કે એઆઇએમઆઇએમ મહાગઠબંધન સાથે જોડાવા માંગે છે. એમણે આ પ્રકારનો પત્ર પણ લાલુ પ્રસાદ યાદવને લખ્યો છે. જોકે આરજેડી તરફથી ઓવૈસીને નકારાત્મક પ્રત્યાઘાત મળ્યા છે.
બધી હોંશિયારી કાઢી નાખીશ, રાજ ઠાકરેને પપ્પુ યાદવની ચેલેન્જ
છેલ્લા કેટલાક દિવસોથી મનસેના કાર્યકરો બિન મરાઠી લોકો સાથે મુંબઈમાં ગુંડાગર્દી કરી રહ્યા છે. મનસેના કાર્યકરોના હિંસક વ્યવહારની ટીકા દેશ આખામાં થઈ રહી છે. પૂર્ણીયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવએ હિન્દી ભાષીઓ પર થતા હુમલા સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ચેલેન્જ આપી છે. સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને પપ્પુ યાદવએ લખ્યું છે કે, 'મહારાષ્ટ્રમાં હિન્દી ભાષીઓ પર રાજ ઠાકરેના લોકો હુમલો કરી રહ્યા છે. મે રાજ ઠાકરેને ચેલેન્જ કરી છે કે આ ગુંડાગીરી બંધ કરે. નહીં તો મારે મુંબઈ જઈને એની હોંશિયારી કાઢી નાખવી પડશે.' પપ્પુ યાદવએ આ મામલે ભાજપની પણ ટીકા કરી છે. પપ્પુ યાદવના કહેવા પ્રમાણે ઉદ્ધવ ઠાકરે તો સારા માણસ છે, પરંતુ ભાજપના ઇશારે રાજ ઠાકરે જ ગુંડાગીરી કરે છે. એમણે કહ્યું હતું કે દરેક પ્રદેશની અસ્મિતાનું તેઓ સન્માન કરે છે. પરંતુ જો કોઈ અસ્મિતાના નામે બિહારના લોકોને હેરાન કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે.
નિશિકાંત દુબેના નિવેદનનો અર્થ શું થાય છે
ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આપેલા એક નિવેદનની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
એક પોડકાસ્ટ દરમિયાન નિશિકાંત દુબેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે એવી ટીપ્પણી કરી હતી કે, યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, પરંતુ દિલ્હીમાં જગ્યા ખાલી નથી. દુબેના આ વિધાનને મુખ્યમંત્રી યોગીના ભવિષ્ય સાથે સાંકળીને જોવામાં આવે છે. દુબેએ કહ્યું હતું કે, ૨૦-૨૫ વર્ષ પછી પરિસ્થિતિ કેવી હશે એની ખબર કોઈને નથી.
રાજકીય નિરિક્ષકોનું માનવું છે કે નિશિકાંત દુબે એમ કહેવા માંગતા હતા કે યોગી આદિત્યનાથ માટે આવતા ૨૦-૨૫ વર્ષ સુધી તો દિલ્હીમાં કોઈ સ્થાન નથી. જ્યારે એવી ચર્ચા થાય છે કે નરેન્દ્ર મોદી પછી કોણ તો યોગી આદિત્યનાથનું નામ આગળ આવે છે. કેટલાક નિરિક્ષકોનું માનવું છે કે નિશિકાંત દુબે મારફતે ભાજપના એક મોટા નેતાએ યોગીને સંદેશો પાઠવ્યો છે.
વકીલોને જજ બનાવવાના નિયમમાં શું છે
સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને કારણે ઘણા રાજ્યોના હાઇકોર્ટમાં જજો બનવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. દિલ્હી હાઇકોર્ટના ત્રણ જજો, પંજાબ - હરિયાણાના ૧૦ જજો સહીત તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત બીજા કેટલાક રાજ્યોમાં હાઇકોર્ટના જજોની હવે નિમણૂક થશે. ભારતમાં જિલ્લા મેજિસ્ટ્રેેટ બનવા માટે ન્યાયીક સેવાની પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. જેમની પાસે લોની ડિગ્રી હોય છે એમને ઓછામાં ઓછા ત્રણ વર્ષ પ્રેક્ટીસ કરવી પડે છે. પરીક્ષા પાસ કર્યા પછી જિલ્લા મેજિસ્ટ્રેેટ તરીકે ત્રણ વર્ષ કામ કરવું પડે છે ત્યાર પછી ઉમેદવાર જિલ્લા ન્યાયાધિશ બનવા માટે યોગ્ય બને છે. અનુભવ વધતા આવી વ્યક્તિ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજ બનવા માટે રજુઆત કરી શકે છે. છેવટે જજોની નિમણૂક કોલેજિયમ સિસ્ટમ દ્વારા થાય છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કેમ નક્કી થતા નથી
છેલ્લા થોડા દિવસોમાં ભાજપએ નવ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશને લાગીને આવેલા ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોનો સમાવેશ પણ આ યાદીમાં છે.
જોકે સૌથી વધારે વસ્તીવાળા ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ કોણ બનશે એની બધા રાહ જોઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીનો કાર્યકાળ પહેલા જ પુરો થઈ ગયો છે.
હજી સુધી એમનો વિકલ્પ મળી રહ્યો નથી. એવી ચર્ચા થઈ રહી છે કે, ઉત્તર પ્રદેશના પ્રમુખ નક્કી થયા પછી જ જેપી નડ્ડાના વિકલ્પ પર સિક્કો લાગશે.
પક્ષના આંતરીક સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં સામાજીક સમીકરણ નક્કી કરવા માટે પક્ષ મનોમંથન કરી રહ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્ર સરકાર વચ્ચે યોગ્ય સંવાદ સાધી શકે એવી વ્યક્તિ હોવી પણ જરૂરી છે.
સુપ્રિમ કોર્ટના નિર્ણયથી કર્મચારી યુનિયનો પરેશાન
હમણા જ દેશની સુપ્રિમ કોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાને કારણે કર્મચારી યુનિયનોમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રિમ કોર્ટે લીધેલા ફેસલા પ્રમાણે હવેથી દર રવિવારે કર્મચારીઓએ ઓફિસ જવુ જરૂરી થઈ જશે. આ નિર્ણયને કારણે કર્મચારીઓની કાર્યપદ્ધતી અને એમની અંગત જિંદગી પર કેવા પ્રકારની અસર થશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઘણા કર્મચારી યુનિયનો આ ચૂકાદાની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક આ ચૂકાદાને સકારાત્મક રીતે જુએ છે. સુપ્રિમ કોર્ટે આ ચૂકાદો આપતા પહેલા વિવિધ હકીકતોનો અભ્યાસ કર્યો જ હશે. કેટલાક એમ કહી રહ્યા છે કે આ નિર્ણયને કારણે કાર્યક્ષમતામાં વધારો થશે અને છેવટે કર્મચારીઓને વધુ ફાયદો થશે.
મહાયુતિ સરકારના નિર્ણયથી અનેકને આશ્ચર્ય
ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે મહારાષ્ટ્રમાં સરકારી સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાના તેના વિવાદાસ્પદ આદેશને રદ કર્યો છે. શિક્ષણવિદો તેમજ વિપક્ષએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પણ મહાયુતિના ઐતિહાસીક વિજયને જોતા ઘણાને આ પગલાથી આશ્ચર્ય પણ થયું છે. રાજકીય વિશ્લેષકોના મતે હિન્દી લાદવા સામે વધતી મરાઠી ચળવળ વચ્ચે સ્થાનિક મહાપાલિકા ચૂંટણી સમયે સંભવિત રાજકીય પ્રત્યાઘાત ટાળવા આ પગલુ લેવાયું હતું. ઉપરાંત વિભાજિત થયેલા ઠાકરે પિતરાઈઓ દ્વારા એકતાના દેખાવને કારણે પણ સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી હતી કારણ કે આવી એકતા ખાસ કરીને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલી ઉદ્ધવ શિવસેના માટે નવું જોશ ભરી શકે છે.
એઆઈએડીએમકેએ સત્તામાં ભાગીદારીની વાત નકારી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ વારંવાર દાવો કર્યો છે કે ૨૦૨૬ વિધાનસભા ચૂંટણી પછી તમિલનાડુમાં તેમની પાર્ટી એનડીએ સરકારનો હિસ્સો બનશે. પણ તેમના આ દાવાને એઆઈએડીએમકેએ નકારી દીધો છે. એઆઈએડીએમકેના ઈન્કાર માટે તેની દ્રાવિડિયન ઓળખ જાળવી રાખવાની અને રાજ્યમાં એક જ પાર્ટીનું શાસન ઈચ્છતા મતદારોને અળગા કરવાનું ટાળવાની ઈચ્છાને કારણભૂત માનવામાં આવે છે. જ્યારથી આ રાજ્યમાં દ્રાવિડિયન પક્ષો ચૂંટણીના મેદાનમાં આવ્યા છે તેમણે કોઈપણ અન્ય પક્ષ સાથે સત્તા શેર નથી કરી, પછી ભલે તેમણે બહુમતિ હાંસલ ન કરી હોય. ૨૦૦૬માં ડીએમકેને બહુમતિ નહોતી મળી પણ તેના સહયોગી પક્ષોએ તેને બહારથી ટેકો આપ્યો હતો. અગાઉ એઆઈએડીએમકેએ સહયોગી પક્ષો સાથે મળીને ચૂંટણી લડી હતી પણ તેને ક્યારે પણ સત્તામાં ભાગીદારી આપવાની જરૂર નથી પડી. એઆઈએડીએમકે અને ભાજપે પ્રથમ વાર તમિલનાડુમાં ૨૦૨૧માં ગઠબંધન બનાવ્યું, પણ તેમને બહુમતિ ન મળી. વિશ્લેષકોના મતે દ્રાવિડિયન પક્ષો મતો મેળવવા સહયોગી પક્ષો સાથે ગઠબંધન કરે છે, સત્તામાં ભાગીદારી માટે નહિ.
કર્ણાટકમાં કોંગ્રેસની પરેશાનીનો અંત નથી
કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ વધતા અસંતોષ, જૂથવાદ અને નેતાગીરીમાં અસ્પષ્ટતાને કારણે પડકારોનો સામનો કરી રહી છે. અશાંતિના કેન્દ્રમાં સીએમ સિદ્ધારામૈયા અને તેમના ડેપ્યુટી ડી.કે.શિવકુમાર છે. ચૂંટણીમાં પાર્ટીના વિજય પછી સત્તામાં ભાગીદારીનું સમાધાન ગર્ભિત આરોપો, ખુલ્લા પડકાર અને પરિવર્તન માટે ધીમા ગણગણાટમાં પરિવર્તિત થયો છે. શિવકુમાર મુદ્દતની અધવચ્ચે સીએમ બનશે તેવી ખાતરી અસ્પષ્ટ રહી છે જેના કારણે તેમના વફાદારોમાં અસંતોષ ફેલાયો છે. જ્યારે રણદીપ સુરજેવાલા જેવા અગ્રણી નેતાએ વિધાયકોને મીડિયામાં વેર ન વાળવાની અપીલ કરવી પડે ત્યારે સ્પષ્ટ છે કે પાર્ટીમાં અસંતોષ છે. પ્રદેશ કોંગ્રેસ પરિવારના વડા અને સીએમ સરકારના વડા જેવું રૂપક વિભાજિત વફાદારી દર્શાવે છે.
- ઈન્દર સાહની