Get The App

દિલ્હીની વાત : વકફ બિલની ચર્ચા દરમિયાન રાહુલ - પ્રિયંકાની નિષ્ક્રિયતા ચર્ચાસ્પદ

Updated: Apr 6th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વકફ બિલની ચર્ચા દરમિયાન રાહુલ - પ્રિયંકાની નિષ્ક્રિયતા ચર્ચાસ્પદ 1 - image

નવીદિલ્હી : વકફ સુધારા બિલ સંદર્ભે લોકસભામાં લાંબી ચર્ચાઓ થઈ હતી. એમ મનાતું હતું કે આ ચર્ચામાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સક્રીય રીતે ભાગ લેશે. જોકે બધાના આશ્ચર્ય વચ્ચે રાહુલ ગાંધી ચર્ચાથી દુર રહ્યા હતા. રાત્રે ૨ વાગ્યે મત આપ્યા પછી તેઓ લોકસભામાંથી નીકળી ગયા હતા જ્યારે મણીપુરની ચર્ચા ત્યાર પછી ચાલુ રહી હતી. બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ વકફ બીલની ચર્ચા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. કેરળથી પ્રકાશિત થતા કોંગ્રેસના સાથી પક્ષના એક દૈનિકે આ બાબતે પ્રિયંકા ગાંધીની આકરી ટીકા કરી હતી. મુસ્લિમો માટે વકફ સુધારણા બીલનો મુદ્દો ખુબ અગત્યનો હતો ત્યારે જ ગાંધી કુટુંબના સભ્યોએ નિષ્ક્રિયતા દાખવવાથી કેરળના મુસ્લિમોને પણ નવાઈ લાગી છે.

યોગ્ય શિક્ષકોની નોકરી બચાવવા સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ટીએમસીએ ફગાવ્યો

ન્યાયાધિશમાંથી ભાજપની ટીકીટ પર ચૂંટાઈને સાંસદ બનેલા અભિજીત ગંગોપાધ્યાયએ મમતા બેનર્જીની સરકારને સૂચન કર્યું હતું કે, એડવોકેટ જનરલ અને બીજા વકીલોનો સમાવેશ કરીને મુખ્યમંત્રી એક કમીટી બનાવે. શિક્ષક ભરતી ગોટાળામાં જ્યારે ૨૫૦૦૦ શિક્ષકોની ભરતી અયોગ્ય ઠેરવવામાં આવી છે ત્યારે યોગ્યતા ધરાવતા કેટલાક શિક્ષકોને અન્યાય નહીં થાય એ માટે કમીટી બનાવવી જરૂરી છે. શિક્ષક ભરતી ગોટાળા મામલે પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગંગોપાધ્યાયએ એવું સૂચન પણ કર્યું હતું કે રાજ્યના શિક્ષામંત્રીને કમીટીના પ્રમુખ બનાવવામાં આવે. ગંગોપાધ્યાયએ પોતાના સમાવેશ ઉપરાંત સ્કૂલ સર્વિસ આયોગના અધ્યક્ષનો સમાવેશ કરવાનું સૂચન પણ કર્યું હતું. જોકે ટીએમસીએ એમ કહીને આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી હવે આવી કમીટી બનાવવી નિરર્થક છે.

તેલંગાણામાં વિવાદાસ્પદ કાંચી ગચીબૌલી જમીન પર પ્રવેશ કરવા પોલીસનો પ્રતિબંધ

હૈદ્રાબાદ યુનિવર્સિટીની ૪૦૦ એકર જમીન બાબતે થયેલા વિવાદને કારણે સુપ્રીમ કોર્ટે આપેલા હુકમ પછી તેલંગાણા પોલીસે કડક નિર્ણય લીધો છે. વિવાદાસ્પદ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે કાંચી ગચીબૌલીની જમીન પર સામાન્ય માણસોનો પ્રવેશ બંધ કરાવી દીધો છે. આ જમીન પર તેલંગાણા સરકાર આઇટી પાર્ક બનાવવા માંગે છે જેનો વિરોધ હૈદ્રાબાદના વિવિધ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે. આ જમીન પરના તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાથી સુપ્રિમ કોર્ટ પણ નારાજ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી હાઇકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહી છે. હુકમમાં કહેવામાં આવ્યું છે કે, માનવ જીવનની સુરક્ષા પરનું જોખમ ટાળવા, સાર્વજનીક શાંતિ બનાવી રાખવા અને હુલ્લડોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ગર્ભવતીનો ઇલાજ ન કરનારી હોસ્પિટલ મુદ્દે રાજકારણ

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ગર્ભવતી મહિલાને ઇલાજ માટે દાખલ કરવાનો ઇનકાર કરતાં મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર મહારાષ્ટ્રમાં પડયા છે. વિરોધપક્ષોએ આ બાબતે મુખ્યમંત્રી પાસે જવાબ માંગ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સમય પારખીને તરત જ નિવેદન આપ્યું છે કે તેઓ આ ઘટનાથી નારાજ છે. સમગ્ર બાબતને અસંવેદનશીલ બતાવતા એમણે તપાસનો હુકમ કર્યો છે. ફડણવીસે ઘટનાની તપાસ માટે એક કમીટીની નિમણૂક કરી છે. વિરોધપક્ષોના કાર્યકરોએ હોસ્પિટલની બહાર દેખાવો પણ કર્યા હતા. કમીટીના અધ્યક્ષ તરીકે ચેરીટીના જોઇન્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યની તમામ ચેરીટેબલ હોસ્પિટલોને સૂચના છે કે, ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે કેટલાક બેડ અનામત રાખવામાં આવે.

તમિલનાડુમાં નીટનો વિરોધ, ડીએમકે નેતા કેન્દ્રથી નારાજ

તમિલનાડુમાં નીટનો વિરોધ વધી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને નીટને ખતમ કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ડીએમકેના નેતા ટીકેએસ એલંગોવનએ કહ્યું છે કે, અમે કેન્દ્ર સરકાર સામે લડીને નીટ હટાવીશું. એલંગોવનનું કહેવું છે કે નીટને કારણે કેટલાય બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. નીટને કારણે ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પૈસાના અભાવને કારણે જરૂરી માર્ક લાવી શકતા નથી જેના માટે કોચિંગ કલાસ જોઇન્ટ કરે છે. માનસીક દબાણને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. અમારી પાસે ૧૨માં ધોરણમાં સારા માર્કસ લાવનારને મેડિકલમાં એડમીશન આપવા માટે વધુ સારી અલગ પ્રથા છે. આ બાબતે સર્વપક્ષીય બેઠક મળી રહી છે. સ્ટાલીનનું પણ કહેવું છે કે જ્યા સુધી કેન્દ્ર સરકાર નીટ નાબુદ નહીં કરશે ત્યાં સુધી ડીએમકે સરકાર કેન્દ્ર સામે લડતી રહેશે.

જામીન અરજીમાં ગુનાહિત ઇતિહાસ છુપાવવો જોખમી

જામીન અરજી કરનારાઓ કેટલીક વખત બચાવ માટે અરજી કરતી વખતે પોતાનો ગુનાહિત ઇતિહાસ છૂપાવે છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે આ કોર્ટ સાથે દગો છે. ભૂતકાળમાં કોર્ટે આવી બાબતોએ ઉદારતા બતાવી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે, આવા જૂઠાણા ચલવી લેવામાં નહીં આવે. જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ મનમોહનની બેન્ચે આ ટીપ્પણી કરીને અગત્યની હકીકતો છૂપાવનાર હત્યાના એક આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. કોર્ટનું કહેવું છે કે જામીન મેળવવા માટે અથવા તો ધરપકડથી બચવા માટે કેટલાક એમનો ભૂતકાળ છૂપાવે છે એ યોગ્ય નથી.

અન્નામલાઇના રાજીનામાની વાતથી ભાજપ હાઇકમાન્ડ ચિંતામાં

તમિલનાડુના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. એક સમયે ભાજપ અને એઆઇએડીએમકે સાથે મળીને ચૂંટણી લડતા હતા. તામિલનાડુ વિધાનસભાની આવતી ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાઓ એઆઇએડીએમકે સાથે ગઠબંધન કરવા માંગે છે. જોકે આ મામલે એઆઇએડીએમકેએ કોઈ ફોડ પાડયો નથી. તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈએ તામિલનાડુમાં ભાજપનો પ્રચાર - પ્રસાર વધારવા ઘણા પ્રયત્નો કર્યા છે. એમ મનાય છે કે, અન્નામલાઈ એઆઇએડીએમકે સાથે ગઠબંધન કરવાની તરફેણમાં નથી. એઆઇએડીએમકેના કેટલાક નેતાઓ દિલ્હી જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા જેને કારણે પણ અન્નામલાઈ નારાજ છે. તામિલનાડુમાં એવી ચર્ચા થાય છે કે ભાજપ પ્રમુખ તરીકે અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે અને ભવિષ્યમાં પણ તેઓ કોઈ જવાબદારી સ્વિકારવા તૈયાર નથી.

સુપર સીએમની જેમ વર્તી રહેલા અરવિંદ કેજરીવાલના પંજાબમાં ધામા

અરવિંદ કેજરીવાલ હવે દિલ્હીમાં ઓછા અને પંજાબમાં વધુ રહે છે. દિલ્હી ગુમાવ્યા પછી પંજાબ હાથમાંથી જતું ન રહે તે માટે કેજરીવાલે અત્યારથી જ પ્રયાસો શરૂ કર્યા છે. પંજાબમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. તે પહેલા કેજરીવાલે મહેનત શરૂ કરી છે. પંજાબમાં ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ એમ ત્રણ મોરચે લડવાનું થશે, પરંતુ ગત ચૂંટણીમાં આપને પ્રચંડ બહુમતી મળી હતી. હવે કેજરીવાલે ફરીથી એવી બહુમતી મળે તે માટે પંજાબમાં ધામા નાખ્યા છે. અધિકારીઓ સાથેની બેઠકમાં પણ કેજરીવાલ હાજર રહે છે. મુખ્યમંત્રી ભગવંત માન જેટલા જ સક્રિય કેજરીવાલ દેખાઈ રહ્યા છે. વિપક્ષો તેમના પર પંજાબના સુપર સીએમની જેમ વર્તી રહ્યા હોવાનો આરોપ લગાવે છે.

પ્રદેશ સમિતિમાં નવી ટીમ આપવા રાજસ્થાન ભાજપ પ્રમુખની માગ

રાજસ્થાનમાં મદન રાઠોડને ત્રણ વર્ષ માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષની ટર્મ મળી છે. છેલ્લાં સાત મહિનાથી મદન રાઠોડ પાર્ટીના અધ્યક્ષ હતા, પરંતુ જૂની કાર્યકારિણી સાથે કામ કરતા હતા. હવે તેમને પાર્ટી અધ્યક્ષપદે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે અને ત્રણ વર્ષની ફૂલ ટર્મ આપવામાં આવી છે. આ વખતે અધ્યક્ષ નવી ટીમ સાથે કામ કરવા માગે છે. તેમણે હાઈકમાન્ડ અને રાજસ્થાનના સીએમને રજૂઆત કરી છે કે આખી ટીમમાં નવા ચહેરાનો સ્થાન આપો. અત્યારની કાર્યકારિણીમાંથી ૫૦ ટકા નેતાઓને મદન રાઠોડ હટાવી દેવા ધારે છે. મદન રાઠોડની દલીલ છે કે પાર્ટીમાં ઉત્સાહી નેતાઓને તક આપવાથી સંગઠનનું કામ વધુ મજબૂત કરી શકાશે. જોકે, પાર્ટીને એવું કરવામાં અસંતોષ થવાનો ડર સતાવે છે. આમેય રાજસ્થાન ભાજપમાં છેલ્લાં કેટલાય સમયથી ઉકળતો લાવા છે.

ખાદ્ય મંત્રીએ સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને શું રજૂઆત કરવી પડી

કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાને પત્ર લખીને રજૂઆત કરી છે કે નકલી પનીરથી દેશવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. લોકોને ખાદ્ય પદાર્થની ગુણવત્તા બાબતે ચિંતા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત આવે છે એટલે હું તમને નકલી પનીરના ઉત્પાદકો અને વિતરકો પર પગલાં ભરવાની વિનંતી કરું છું. જોશીના આ પત્રથી ચર્ચા એવી છે કે તેમણે સ્વાસ્થ્ય મંત્રીને કેમ જાહેરમાં પત્ર લખવો પડયો. આ કામ તો બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓના સ્તરે પણ થઈ શક્યું હોત? નડ્ડાના નામે પગલાં ભરવાનો પત્ર લખીને જોશી શું મેસેજ આપતા હશે? ફૂડ સેફ્ટીની ફરિયાદો ખાદ્ય અને વિતરણ વિભાગને મળતી હતી, પરંતુ તેમનામાં આ કાર્યવાહી આવતી નથી. સ્વાસ્થ્ય વિભાગમાં ખાદ્યના અધિકારીઓએ કહ્યું હશે છતાં કાર્યવાહી થઈ નહીં એટલે મંત્રીએ ખુદ પત્ર લખવો પડયો એવી વાતોય થઈ રહી છે.