Get The App

દિલ્હીની વાત : ભાજપે બંગાળ કઈ રીતે જીત્યું

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપે બંગાળ કઈ રીતે જીત્યું 1 - image

નવીદિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની ગણના સફળ ચૂંટણી રણનીતિકાર તરીકે થાય છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં એમની રણનીતિને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપે જીત મેળવી હતી. હવે પશ્ચિમ બંગાળની જીતનો યશ પણ અમીત શાહને આપવો પડે. અમીત શાહે માઇક્રો મેનેજમેન્ટ, બુથ સ્તર સુધીનું એન્જિનિયરીંગ અને ડેટા આધારીત રણનીતિ તૈયાર કરી હતી. અમીત શાહ આખો દિવસ ચૂંટણી પ્રચાર અને રેલી કરતા હતા, પરંતુ સાંજે ૭ વાગ્યાથી મોડી રાત સુધી પશ્ચિમ બંગાળ ભાજપના કાર્યકરો અને નેતાઓને મળતા હતા. અમીત શાહે ચૂંટણી પહેલા એક વોર રૂમ બનાવ્યો હતો અને અહીંથી ચૂંટણીની સ્ટ્રેટજી બનાવવામાં આવતી હતી. એક જમાનામાં સામ્યવાદીઓને વફાદાર રહેલા મતદારોને એમણે ભાજપ તરફ કર્યા હતા.  આ ઉપરાંત ટીએમસીની ગુંડાગીરીથી થાકેલા હિન્દુ મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરવા એમણે પ્રોત્સાહીત કર્યા હતા. કેન્દ્રીય સુરક્ષા દળોને ઉતારીને હિન્દુ મતદારોનો વિશ્વાસ જીત્યો હતો.

મમતાને સંદેશ ખાલી અને આરજીકર પણ નડયા

પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ પછી સત્તા પરીવર્તન થયું છે. ભાજપ પહેલી વખત પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. લઘુમતીઓની આળપંપાળ તેમજ બાંગ્લાદેશી ઘૂસણખોરો પ્રત્યે કુણુવલણ ઉપરાંત સંદેશ ખાલી અને આરજીકર પ્રેકરણ પણ મમતાને નડી ગયા હતા. આરજીકર બળાત્કાર કાંડ વખતે મમતાએ કરેલા બેજવાબદાર નિવેદનો પણ એમની વિરુદ્ધ ગયા. એમણે કહ્યું હતું કે, મહિલાઓએ સલામત રહેવું હોય તો સાંજે ૭ વાગ્યા પછી ઘરની બહાર નિકળવું જોઈએ નહીં. સ્ટ્રીટફાઇટર તરીકેની ઇમેજ ધરાવતા મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર થયો હતો. આરજીકર પ્રકરણ પછી તેઓ બેકફુટ પર આવી ગયા હતા. આ પ્રેકરણ આખા દેશમાં ગાજ્યું હતું. વિરોધપક્ષોએ પણ એ વખતે આક્રમક બનીને સરકાર પર પ્રહારો કર્યા હતા.

કેરળમાં વિજયન સરકારની હારના પાંચ કારણ

કેરળમાં કોગ્રેસની આગેવાનીવાળા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (યુડીએફ)ની જીત અપક્ષેતી હતી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં પણ આ જીતનો વરતારો થયો હતો. મુખ્યમંત્રી પિનારાઇ વિજયનની સામ્યવાદી સરકારની હાર પછી હવે દેશ આખામાંથી સામ્યવાદીઓનો સફાયો થયો છે. એલડીએફની હારનું મુખ્ય કારણ એન્ટીઇન્કમબન્સી છે. સરકાર પર ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો હતા જેને કારણે એની ઇમેજ ખરડાઈ હતી. કોરોના વખતે સરકારે કરેલી સારી કામગીરીનો ફાયદો એન્ટીઇન્કમબન્સીને કારણે ધોવાઈ ગયો. શબરીમાલા મંદીરમાં સોનાની ચોરીનો વિવાદ પણ પક્ષને નડયો. મુખ્યમંત્રી તેમજ એમના જમાઈ - પુત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. બીજી તરફ કોંગ્રેસે એકતા જાળવી રાખી હતી. વીડી સતીષન, એકે એન્ટની અને શશી થરૂરએ ભેગા મળીને કામ કર્યું હતું.

બાબરીવાળા હુમાયુ કબીર કેમ જીત્યા

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો ચર્ચામાં રહી હતી. આમાની એક બેઠક હુમાયુ કબીરની પણ હતી. ચૂંટણી પહેલા હુમાયુ કબીર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહ્યા હતા. એમણે રાજ્યમાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત પણ કરી હતી. હુમાયુ કબીર પહેલા ટીએમસીમાં હતા, પરંતુ પાછળથી એમણે પોતાના પક્ષ 'આમ જનતા ઉન્નયન પાર્ટી'ની સ્થાપના કરી હતી. તેઓ મુર્શિદાબાદ જિલ્લાની નૌદા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. હુમાયુ કબીર નૌદા ઉપરાંત રેજીનગર બેઠક પરથી પણ ચૂંટણી લડયા હતા. કેટલાકના મતે તેઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હતા. ટીએમસી જ્યારે ઇલેકશન કમિશન પર આક્ષેપ કરતી હતી ત્યારે હુમાયુએ ચૂંટણી કમિશનનો બચાવ કર્યો હતો. હુમાયુ કબીર મુસ્લિમ મતદારોમાં લોકપ્રિય છે.

ફિલ્મ અભિનેતાએ તામિલનાડુનું રાજકારણ બદલી નાખ્યું

ચૂંટણી પરિણામો પહેલા બહુ ઓછા રાજકીય સમીક્ષકોએ ફિલ્મસ્ટાર વિજયના નવા પક્ષ ટીવીકેને નંબર ૧ પક્ષ તરીકે ગણ્યો હતો. તામિલ ફિલ્મોમાં વિજયની લોકપ્રિયતા ઘણી છે, પરંતુ ચૂંટણીમાં પણ એમને સફળતા મળશે કે નહીં એ બાબતે ઘણાને શંકા હતી. સત્તાધારી પક્ષ ડીએમકેના ભ્રષ્ટાચારથી મતદારો નારાજ હતા. ઉપરાંત ડીએમકેના નેતાઓએ સનાતન ધર્મ વિરુદ્ધ કરેલા નિવેદનોને કારણે હિન્દુ મતદારો પણ ડીએમકેથી નારાજ થયા હતા. વિજય એક ફ્રેશ ચહેરો હતા. વિજય પાસે કોઈ મોટુ ઓર્ગેનાઇઝેશન નહોતું, પરંતુ એમણે ડીએમકેથી નારાજ મતદારોને પોતાની તરફે કર્યા. એન્ટીઇનકમબન્સીનો લાભ એમણે એઆઇએડીએમકે કરતા વધુ લીધો. તામિલનાડુમાં એમજી રામચંદ્રનથી માંડીને જયલલીતા સુધીના ફિલ્મસ્ટારો મુખ્યમંત્રી બન્યા છે. વિજયની ફ્રેશ ઇમેજે પણ એમને ફાયદો કરાવ્યો.

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર અને રેકોર્ડ મતદાન

દેશની ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં થયો છે. પહેલા અને બીજા તબક્કા મળીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ૯૨.૬૭ ટકા મતદાન થયું હતું. બંગાળની કૈનીંગ પૂર્વ વિધાનસભા બેઠક પર સૌથી વધારે ૯૭.૭૦ ટકા મતદાન થયું હતું. આ બેઠક પર જોકે ટીએમસીના મોહમદ બહારૂલ ઇસ્લામની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર આ બેઠક પર ત્રીજા નંબરે રહ્યા. દાર્જીલીંગ મત વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન ૮૨.૨૭ ટકા થયું હતું. આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ટીએમસીએ આ બેઠક પર પોતાના સાથી પક્ષ બીજીપીએમના બીજોયકુમાર રાયને ટીકીટ આપી હતી. એમ મનાય છે કે થયેલા મોટા મતદાનને કારણે નિષ્ક્રિય રહેતા હિન્દુ મતદારો બહાર નીકળ્યા હતા અને એમણે ભાજપને મત આપ્યા હતા.

સલીમ ડોલાની ધરપકડ પછી દેશમાં મેફેડ્રોનની દાણચોરીનો પર્દાફાસ

ભારતીય જાસુસી એજન્સીઓને દાઉદ ઇબ્રાહીમની નજીકના ગેંગસ્ટર સલીમ ડોલાની ધરપકડ પછી મોટી સફળતા મળી છે. ડોલા ભારતમાં મેફડ્રોનને ઘૂસાડવાની મોટી યોજના બનાવી રહ્યો હતો. 

સલીમની ધરપકડને કારણે એનું નેટવર્ક ખૂલ્લુ થઈ ગયું છે અને મેફેડ્રોનની વધતી સમસ્યાને કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળશે. મેફેડ્રોન યુવાનોમાં લોકપ્રિય છે અને એનો વ્યાપ મોટો થઈ રહ્યો છે. ડોલા ભારતની બજારમાં મેફેડ્રોન મોટા પ્રમાણમાં સપ્લાય કરવાની તૈયારીમાં હતો. પોતાના સાથીઓ સાથે મળીને સલીમ સિન્થેટિક ડ્રગનું ઉત્પાદન અને દાણચોરી કરતો હતો. મેફેડ્રોનને વ્હાઇટ મેજીક અથવા મ્યાઉ મ્યાઉ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોકેન કરતા મેફેડ્રોનની કિંમત ઓછી હોવાથી એનો ઉપયોગ વધી રહ્યો હતો. મુંબઈમાં ૧૦ નશાખોરોમાંથી ૮ નશાખોર આ ડ્રગનો ઉપયોગ કરે છે.