નવીદિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલાને ૧૧ દિવસથી વધુનો સમય થઈ ગયો છે. દેશના લોકો રાહ જોઈને બેઠા છે કે, પાકિસ્તાનને કઈ રીતે પ્રતિઉત્તર આપવામાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમીટી (સીડબ્લ્યુસી)ની મળેલી બેઠકમાં પણ પહેલગામના આતંકવાદી હુમલા અને જ્ઞાાતિ આધારીત વસ્તી ગણતરીની ચર્ચા કરવામાં આવી હતી. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીડબ્લ્યુસીની મીટીંગમાં બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા. એક પ્રસ્તાવમાં પાકિસ્તાન સામે ઠોસ કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. બીજા પ્રસ્તાવમાં જ્ઞાાતિ આધારીત વસ્તી ગણતરી ઝડપથી કરવાની માંગણી હતી. અનામત પર લાગેલી ૫૦ ટકાની કેપ હટાવી લેવાની માંગણી પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે પહેલગામ હુમલા પછીની સ્થિતિ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
જગન્નનાથ મંદિર વિવાદ બાબતે બંગાળ - ઓડિશા સામસામે
પશ્ચિમ બંગાળના દીઘામાં બનેલા જગન્નનાથ મંદિર બાબતે હવે ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિવાદ થયો છે. ઓડિશાના શ્રદ્ધાળુઓ તેમ જ પુજારી દીઘામાં બનાવેલા જગન્નનાથ મંદિરના નામ બાબતે નારાજ છે. એમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે હવે રાજકારણ પણ વચ્ચે આવ્યું છે. ભાજપના નેતા દિલીપ ઘોષે આ વિવાદ બાબતે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. દીઘામા બનેલું મંદિર પુરીના જગન્નનાથ મંદિરની નકલ કરીને બનાવવામાં આવ્યું છે. ઓડિશાના લોકોનું કહેવું છે કે, જગન્નનાથ મંદિર કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. એક જ નામના બે મંદિરને કારણે લોકોને ભ્રમ થઈ શકે એમ છે.
'મને પણ ધમકીના ફોન આવે છે' ઃ સિધ્ધારમૈયા
કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને પણ ફોન પર ધમકી મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ યુતી ખાદરને ધમકીના ફોન આવવાની વાત બહાર આવ્યા પછી મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ પણ વાતમાં સૂર પૂરાવ્યો હતો. એમણે કહ્યું હતું કે, 'મને પણ ધમકીના ફોન આવે છે. આ ફોન કોણ કરે છે એની તપાસ કરીને એમની સામે પગલા લેવા માટે મે પોલીસને કહ્યું છે.' સિધ્ધારમૈયાનું કહેવું હતું કે, ધમકીના ફોન આવે તો શું થઈ શકે પોલીસે તપાસ કરીને પગલા લેવા જોઈએ. સિધ્ધારમૈયાએ આખી વાતને પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા સાથે આડકતરી રીતે સાંકળી હતી. સિધ્ધારમૈયાનું કહેવું હતું કે પહેલગામમાં એક પણ સુરક્ષા કર્મચારી હાજર નહોતા. જ્યાં પ્રવાસીઓ જતા હોય ત્યા પોલીસ કેમ હાજર નહોતી.
સંજય રાઉતનો કટાક્ષ, શિવસેના (એકનાથ શિંદે) ગુંડાને રાયગઢના પાલક પ્રધાન નહીં બનાવે
મહારાષ્ટ્રમાં આજકાલ પાલક પ્રધાન કોને બનાવવા એ માટે શાસક પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે શિવસેના (એકનાથ શિંદે) પર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે કે, ગુંડાઓને રાયગઢના પાલક મંત્રી બનાવવા જોઈએ નહીં. રાઉતના કહેવા પ્રમાણે રાયગઢ જેવા જિલ્લાના પાલક પ્રધાન ગુંડા હોવા જોઈએ નહીં, પરંતુ એવી વ્યક્તિ હોવા જોઈએ કે જે સમતોલ અને પ્રમાણિક હોય. અદિતિ તડકરે રાજ્યના યુવા ચહેરા છે. તેઓ રાયગઢ જિલ્લા પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એમને જિલ્લાની જાણકારી છે. તેઓ પ્રમાણિક પણ છે. મહાયુતિ ગઠબંધનના શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) વચ્ચે રાયગઢના પાલક પ્રધાન બનાવવા બાબતે ખેંચતાણ ચાલી રહી છે.
ટીએમસીના સાંસદને દિલ્હી હાઇકોર્ટની ટકોર ઃ અમે તમારી મદદ નહીં કરી શકીએ
તૃણમુલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલે સામે ભૂતપૂર્વ રાજકારણી લક્ષ્મીપુરીએ બદનક્ષીનો દાવો કર્યો છે. આ દાવા સંદર્ભે દિલ્હીની હાઇકોર્ટે સાકેત ગોખલેને ૫૦ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. સાકેત ગોખલે આ ચૂકાદા સામે ફરીથી કોર્ટમાં ગયા હતા. દિલ્હી હાઇકોર્ટે એમને કહ્યું છે કે, અમે અમારો હુકમ પાછો લઈ શકીએ નહીં. રાહત માગવા માટે સાકેત ગોખલે ૧૮૦ દિવસ મોડા કોર્ટમાં ગયા હતા. ન્યાયાધીશ કુરુષેન્દ્ર કુમાર કૌરવે આ બાબતે પણ એમને માફ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ન્યાયાધીશે કહ્યું છે કે, 'અમે તમારી મદદ કરી શકીએ એમ નથી. અમે તમારી બંને અરજીઓ રદબાતલ કરીએ છીએ. તમે કોર્ટ સમક્ષ કેમ મોડા આવ્યા એનું કારણ આપ્યું નથી.'
પાકિસ્તાન સામેના ગુસ્સાનો લાભ લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધો
અમદાવાદની સાબરમતિ જેલમાં બેઠા બેઠા ગેંગ ઓપરેટ કરી રહેલા લોરેન્સ બિશ્નોઇની ઇમેજ હિન્દુવાદી તરીકેની છે. પહેલગામના આતંકવાદી હુમલા પછી દેશભરમાં પાકિસ્તાન સામે ગુસ્સો ચરમસીમાએ છે. બિશ્નોઇ ગેંગે આ વાતાવરણનો ફાયદો લેવા સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનને ધમકી આપી છે. લોરેન્સની ગેંગે લખ્યું છે કે, 'અમે પાકિસ્તાનની એવી વ્યક્તિને મારી નાખીશુ જે એક લાખ લોકો બરાબર હશે.' લોરેન્સની ગેંગે સોશ્યલ મીડિયા પર ચોકડી મારેલા નિશાન સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટો ૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદનો છે. પોસ્ટ પર લખ્યું છે કે, 'બધા ભાઈઓને જયશ્રી રામ, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા. અમે ટૂંક સમયમાં તેનો બદલો લઈશું.'
મમતાની ચાલે ભાજપમાં ભાગદોડ સર્જી
પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ દિઘામાં જગન્નાથ મંદિર પ્રતિકૃતિ ખાતે ભૂતપૂર્વ રાજ્ય ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ સાથે આશ્ચર્યજનક બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં વમળ સર્જ્યા છે. આ અણધારી મૈત્રીથી અગાઉથી આંતરકલહ ભોગવી રહેલા ભાજપમાં અસ્વસ્થતા સર્જાઈ છે. પાર્ટીમાં ઘોષના વફાદારો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયા છે તો કેટલાકે તેને ટ્રોજન હોર્સ ગણાવીને તેની વફાદારી સામે સવાલ ઊભા કર્યા છે.
ઘોષે મમતાની ટીએમસીમાં જોડાવવાની યોજનાનો ઈન્કાર કર્યો હોવા છતાં અટકળો વહેતી થઈ છે જેને તેની તાજેતરમાં નવી શરૂઆત જેવી વાતોથી વધુ બળ મળ્યું છે. ભાજપે આ સ્થિત પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા છે પણ તણાવ હજી ચાલુ છે. આ ગણતરીપૂર્વકના પગલાથી મમતાએ તેના મુખ્ય હરિફને પ્રભાવિત તો કર્યા છે પણ સાથે ૨૦૨૬ની ચૂંટણીમાં કોઈપણ સંગઠિત પડકાર માટે ભાજપની તકોને પણ નબળી પાડી છે.
મેંગલુરુ પોલીસના મતે સુહાસ શેટ્ટીની હત્યા કોમવાદ નહિ, વેરની વસુલાત હતી
મેંગલુરુ પોલીસે સ્પષ્ટતા કરી છે કે હિન્દુત્વવાદી સુહાસ શેટ્ટીની હત્યા વેર વાળવા કરાઈ હતી અને તે કોમવાદી કૃત્ય નહોતું. પોલીસ કમિશનર અનુપમ અગરવાલે જણાવ્યું કે હત્યાના મિશ્ર ઈરાદા હતા જેના મૂળ ૨૦૨૩માં મુખ્ય આરોપી અબ્દુલ સાફવાન પર શેટ્ટી અને તેના સહયોગી દ્વારા કરાયેલા હુમલામાં હતા. બીજા હુમલાનો ભય સર્જાતા સાફવાને કથિત રીતે અન્યો સાથે મળીને શેટ્ટીની હત્યાનું ષડયંત્ર રચ્યું.
તેણે શેટ્ટી જેની હત્યાના કેસમાં મુખ્ય આરોપી હતો તે ફાઝિલના ભાઈ આદિલ સાથે સહયોગ કર્યો. આદિલે કથિત રીતે પાંચ લાખ રૂપિયા ફંડ આપીને હુમલાખોરો એકત્ર કરવામાં મદદ કરી. આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી મોટાભાગના દક્ષિણ કન્નડ અને ચિકમંગલુરમાંથી છે. ૩૩ વર્ષીય બજરંગ દળ સાથે સંકળાયેલા રાઉડી શીટર શેટ્ટીની મેંગલુરુમાં કિન્નીપાડાવુ ખાતે ધોળા દિવસે હત્યા કરવામાં આવી. પ્રશાસને લોકોને ઘટનાને કોમી સ્વરૂપ ન આપવાની અપીલ કરી છે.
- ઈન્દર સાહની


