Get The App

દિલ્હીની વાત : 'દિલ્હીમાં બધુ ચાલે....' .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'દિલ્હીમાં બધુ ચાલે....'                                 . 1 - image

નવીદિલ્હી : દક્ષિણ દિલ્હીના માલવિય નગરમાં થયેલા અગ્નિકાંડને કારણે ૨૧ લોકોના મૃત્યુ થયા છે. હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી છે. બજાજે પોલીસની પૂછપરછમાં કહ્યું હતું કે, તેઓ હોટલ પરિસરના મેનેજમેન્ટનું કામ કરતા નહોતા. આ નિવેદન પછી કિસ્સામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. હોટલ માલિકે મેનેજમેન્ટની વ્યવસ્થા બીજી વ્યક્તિઓને આપી રાખી હતી. બજાજે અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે, વધારાના રૂમ બનાવવા તેમજ બનેલા રૂમમાં ફેરફાર કરવાની સલાહ એમને કોઈક વ્યક્તિએ આપી હતી. આ વ્યક્તિએ એમને કહ્યું હતું કે, 'દિલ્હીમાં તો બધુ જ ચાલે....' હોટલ મેનેજમેન્ટ પાસે ફાયર બ્રિગેડનું એનઓસી પણ નહોતું. દિલ્હી દેશની રાજધાની હોવા છતા જો આ હાલ હોય તો દેશના અન્ય શહેરોમાં તો ફાયર સેફ્ટી મામલે કેટલું અંધેર ચાલતું હશે એ વિચારવું રહ્યું.

દિલ્હી અગ્નિકાંડ : તાપમાન 1,000 ડીગ્રી સુધી પહોંચ્યુ હતું

દિલ્હીના માલવિય નગરમાં થયેલા અગ્નિકાંડ પછી સ્થળ પર જનાર લોકોના કહેવા પ્રમાણે આગને કારણે ગરમી એટલી બધી હતી કે હોટલમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી. નિષ્ણાંતોનું માનવું છે કે બંધ જગ્યાએ આગ ઝડપથી ફેલાવાને કારણે તાપમાન અસામાન્ય રીતે વધી શકે છે અને કેટલાક ભાગોમાં આ તાપમાન ૧,૦૦૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે માણસના શરીર માટે કોઈ નિશ્ચિત 'મેલ્ટીંગ પોઇન્ટ' હોતું નથી. શરીર મુખ્યત્વ પાણી, પ્રોટીન, ચરબી, પેશીઓથી બનેલું હોય છે અને વધુ પડતા તાપમાનને કારણે પીગળવાની જગ્યાએ સળગવાથી ક્ષતીગ્રસ્ત થઈ જાય છે. ૧૨૦ ડીગ્રી સેલ્સિયસ કે એનાથી વધુ તાપમાન શરીર સહન કરી શકતું નથી. શરીરમા રહેલું પાણી વરાળ બની જાય છે અને પ્રોટીન તૂટવા માંડે છે.

વિદેશી મહેમાનોને કારણે હોટલમાં ભાષા બની મુશ્કેલીનું કારણ

દિલ્હી અગ્નિકાંડમાં હોટલમાં રહેનાર ઘણા વિદેશી નાગરીકો સ્થાનીક ભાષા સમજતા નહોતા. આ પરિસ્થિતિમાં એમને બહાર કાઢીને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં મોટી મુશ્કેલી પડી હતી. એક સ્થાનિક યુવાનના કહેવા પ્રમાણે વિદેશના નાગરીકો ખૂબ ગભરાઈ ગયા હતા. કેટલાક લોકો અંગ્રેજીમાં મદદ માંગતા હતા. અમે એમને ઇશારાથી તૂટીફૂટી અંગ્રેજીમાં બહાર આવી જવા માટે કહેતા હતા. કેટલાક વિદેશી નાગરીકોને ધૂમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સ્થાનીક લોકોનો આક્ષેપ છે કે આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના વાહનો મોડેથી પહોંચ્યા હતા. સૌથી પહેલી મદદ આસપાસ રહેનારા લોકોએ કરી હતી. ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા એ પહેલા તો સ્થાનિકોએ બચાવકાર્ય પૂરુ કરી નાખ્યું હતું. આ બચાવકાર્યને કારણે ઘણા બધાની જિંદગી બચી ગઈ હતી. કેટલાક સ્થાનિક યુવાનો હિંમત કરીને હોટલની અંદર ધસી ગયા હતા અને લોકોને બચાવ્યા હતા.

મમતાના વલણ પર પહેલી બેઠકમાં જ ધારાસભ્યો ભડક્યા

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) પોતાનું અસ્તિત્વ બચાવવા ઝઝુમી રહી છે. ટીએમસીના ૮૦માંથી ૬૦ જેટલા ધારાસભ્યોએ પક્ષ સામે બળવો કર્યો હોવાનું મનાય છે. રાજ્યસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી ધારાસભ્યો એકાએક બળવાખોર કેમ થઈ ગયા એનો ખુલાસો પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતા સંદીપન સાહાએ આપ્યો છે. સંદીપન સાહાના કહેવા પ્રમાણે પક્ષમાં મોટી તીરાડ પડવાની શરૂઆત ચૂંટણીના પરિણામ આવ્યા પછી છઠ્ઠી મેએ પક્ષની બેઠકમાં જ થઈ ગઈ હતી. પક્ષની કાર્યપદ્ધતિ અને નેતૃત્વ પર ગંભીર ચર્ચા થઈ હતી. ટ્રીગર પોઇન્ટ પક્ષની હાર પછી બહાર આવ્યો. પક્ષની મીટીંગમાં એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે કોઈપણ ધારાસભ્યએ અભિષેક બેનર્જી માટે કોઈ ટીકા ટીપ્પણી કરવી નહીં. ધારાસભ્યોને એમ કહેવાની ફરજ પડી કે અભિષેક બેનર્જીનો દેખાવ અસાધારણ રીતે સારો રહ્યો છે. અભિષેક જે કઈ કહે ત્યારે તાળીઓ પાડવી. પક્ષના મોટા ભાગના ધારાસભ્યોને આ વાત પસંદ આવી નહોતી.

એક પણ મહિલા પ્રવક્તા કેમ નહીં?

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકે પક્ષમાં મહિલા પ્રવક્તાઓની ગેરહાજરી વિશે ઉઠી રહેલા સવાલનો જવાબ આપ્યો છે. એમના કહેવા પ્રમાણે પક્ષે મહિલા સભ્યોને પ્રવક્તા બનવાની વિનંતી કરી હતી. જોકે ઘણી મહિલાઓએ સતત થતા ઓનલાઇન ટ્રોલિંગ, હુમલાઓ અને ધમકીને કારણે સાર્વજનીક રીતે ખુલીને આવવા કરતા પરદા પાછળ રહીને કામ કરવાનું નક્કી કર્યું છે. દિપકેના કહેવા પ્રમાણે પક્ષ એમના નિર્ણયને માન આપે છે. જે યુવાન મહિલાઓ આંદોલનમાં ભાગ લેવા માંગે છે. એમને ખુલીને બહાર આવવા માટે દિપકેએ અપીલ કરી છે. પક્ષ અને એમના સમર્થકો દેશની શિક્ષણ વ્યવસ્થામાં થતી ગેરરીતિઓથી ખૂબ નારાજ છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ જે પ્રવક્તાઓની નિમણૂક કરી છે એમના જૂના વીડિયો શોધીને સોશ્યલ મીડિયા પર ટીકા ટીપ્પણી કરવામાં આવે છે.

મમતા સામે બળવો પોકારનાર ઋતબ્રતએ શું કહ્યું

ત્રણ દિવસ પહેલા તૃણમુલ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા બળવાખોર ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી લડાયક મૂડમાં છે. એમને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. આત્મવિશ્વાસ સાથે એમણે કહ્યું હતું કે 'અમે ગૃહમાં ભાજપનો મજબૂતીથી સામનો કરીશું. મમતા બેનર્જી સંસદીય દળના સલાહકાર બની શકે છે. અભિષેક બેનર્જી સાથે મારે કોઈ સંબંધ નથી. અમે ગૃહમાં જવાબદાર વીપક્ષની ભૂમિકા ભજવીશું.' બીજી તરફ મમતા બેનર્જી પોતાના ઘરે અભિષેક બેનર્જી, કૃણાલ ઘોષ અને ભૂતપૂર્વ મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્ય સાથે આગળની સ્ટ્રેટજીની ચર્ચા કરી રહ્યા છે. એક જમાનામાં સતત મમતા બેનર્જી સાથે દેખાતા ટીએમસીના સાંસદો ગુમ થઈ ગયા છે. એકાએક થયેલા બળવાને કારણે મમતા બેનર્જી નિરાશ અને એકલા પડી ગયેલા દેખાય છે.

41ના મૃત્યુ માટે જવાબદાર હોટલ માલિક સામે કઈ કલમો લાગી

માલવિયા નગર અગ્નિકાંડ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. એફઆઇઆરમાં ભારતીય ન્યાયસંહિતાની જુદી જુદી કલમો લગાડવામાં આવી છે. હોટલ માલિક લવકેસ બજાજની ધરપકડ પછી આ કાર્યવાહી થઈ છે. ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૦૫ ઉપરાંત કલમ ૩૨૬ (જી), કલમ ૩૨૪(૫), ૧૨૫ (એ) અને ૧૨૫ (બી) કલમો લગાડવામાં આવી છે. સઅપરાધ માનવવધ તેમજ કોઈ વ્યક્તિ અથવા સંપત્તીને જાણીજોઈને નુકસાન પહોંચાડવાની ગંભીર કલમો પણ માલિક સામે લગાડવામાં આવી છે. દિલ્હી પોલીસ હોટલના બીજા માલિકોની તપાસ કરવા દરોડા પાડી રહી છે. નવાઇની વાત એ છે કે આ હોટલ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર બંધાઈ હોવા છતા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે હજી સુધી પોલીસે કોઈ પગલા લીધા નથી.