નવીદિલ્હી: હવે જાહેરમાં ખુલ્લેઆમ એકબીજાની સામે આવી ગયેલા અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા એક જમાનામાં અંગત મિત્રો હતા. રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીનો બૌદ્ધિક ચહેરો હતા. રાઘવ ચઢ્ઢાને પક્ષમાંથી દુર કરવાનો નિર્ણય ઘણા સમય પહેલા લેવાઈ ગયો હતો. બે વર્ષ પહેલા લિકર સ્કેમ બાબતે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ ચઢ્ઢા વિદેશમાં હતા. એમ માનવામાં આવે છે કે ધરપકડના સમાચાર જાણ્યા છતાં ચઢ્ઢા કેજરીવાલના ટેકા માટે ભારત આવ્યા નહોતા. ૨૦૨૪ના માર્ચ મહિનાથી સપ્ટેમ્બર સુધી કેજરીવાલ જેલમાં રહ્યા હતા. એ વખતે આમ આદમી પાર્ટીનું ફોકસ કેજરીવાલને જેલમાંથી છોડાવવાનું હતું. પક્ષને પ્રજાના ટેકાની જરૂર હતી. એ વખતે ચઢ્ઢા ભારત પરત ફર્યા નહોતા અને કેજરીવાલની તરફેણમાં કોઈ નિવેદન પણ આપ્યું નહોતું. લોકસભાની ચૂંટણી વખતે ચઢ્ઢાને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દુર કરવામાં આવ્યા હતા. પંજાબમાં પૂર આવ્યું ત્યારે પણ ચઢ્ઢા ફિલ્ડ પર ગયા નહોતા. કેજરીવાલ અને ચઢ્ઢા વચ્ચે ઘણા સમયથી બોલવાના સંબંધ પણ નહોતા.
રાહુલ ગાંધીના મતે કેરળમાં લેફ્ટનું કોઈ અસ્તિત્વ નથી
કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલા એક સમયના સાથી પક્ષો પણ હવે એક બીજાની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ (એલડીએફ) પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, કેરળમાં હવે ભાજપ, આરએસએસ અને લેફ્ટ ફ્રન્ટ વચ્ચે ગાઢ સંબંધ છે. લેફ્ટ ફ્રન્ટમાં બે પ્રકારના નેતા છે. એક એવા છે કે જે કોઈપણ કીંમતે સત્તા પર આવવા માંગે છે અને એ માટે કોઈપણ સમાધાન કરવા તૈયાર છે અને બીજા એવા છે કે જે પોતાની વિચારધારામાં વિશ્વાસ રાખે છે અને પોતે છેતરાયા હોવાનું માને છે. જે કાર્યકર્તાઓએ વર્ષો સુધી એક વિચારધારા માટે કામ કર્યું છે તેઓ આજે ખૂબ દુઃખી છે. કેટલાક નેતાઓ સત્તા માટે વિચારધારા સાથે સમજૂતી કરી શકે છે. કેરળના મુખ્યમંત્રી આમાના એક છે.
તામિલનાડુમાં અન્નામલાઇની ટિકિટ ભાજપના નેતાએ કાપી?
તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાંથી ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અન્નામલાઇ દુર રહ્યા હતા. આ બાબતે હવે જાતભાતની વાતો થઈ રહી છે. અન્નામલાઇએ તો જોકે એવું કહ્યું છે કે ચૂંટણી નહી લડવાનો નિર્ણય એમનો પોતાનો છે અને એમની ટિકિટ કાપવામાં આવી નથી. એક સમયે અન્નામલાઇની ગણના તામિલનાડુના સર્વેસર્વા તરીકે થતી હતી. ત્યાર પછી કોઈક કારણસર અને ખાસ કરીને એઆઇએડીએમકેના વિરોધને કારણે અન્નામલાઇને સાઇડ ટ્રેક કરવામાં આવ્યા. જોકે અન્નામલાઇ પીઢ રાજકારણી છે. ભાજપ હાઇકમાન્ડના કેટલાક નેતાઓએ એમને મનાવી લીધા હોવાનું પણ મનાય છે. અન્નામલાઇના કહેવા પ્રમાણે એમણે લેખીતમાં પક્ષને આપ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. જોકે તેઓ પક્ષ માટે કામ કરવાનું ચાલુ જ રાખશે.
'ખ્રિસ્તીઓના હિતને અસર થાય એવા કાયદા ભાજપ લાવે છે'
કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વીડી સતીષનએ કેન્દ્ર સરકાર અને ભાજપને આડે હાથ લીધા છે. એમણે ભાજપને ઘેટાના વેશમાં વરુ ગણાવ્યો હતો. એમનો આરોપ છે કે એક તરફ ભાજપ ક્રિસમસ વખતે ચર્ચો અને બીસપોના ઘરે કેક લઈને જાય છે. બીજી તરફ એવા કાયદા બનાવે છે કે ખ્રિસ્તીઓના હીતને અસર થાય. સતીષનનું કહેવું છે કે એફસીઆરએના કાયદામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એ ખતરનાક છે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર કોઈપણ વિદેશી ફંડ મેળવતી સંસ્થાનું લાયસન્સ રીન્યુ કરવાનો ઇન્કાર કરી શકે છે. જે સંસ્થાઓના લાયસન્સ રીન્યુ નહીં થાય એમની સંપત્તી પણ કેન્દ્ર સરકાર કબ્જે કરી શકે છે. એમણે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને આ બીલ ફરીથી વાચવાની સલાહ આપી હતી.
એઆઇએડીએમકેને મુસ્લિમ વિરોધી કહેતા પલાનીસ્વામી ભડક્યા
એઆઇએડીએમકેના મહામંત્રી ઇકે પલાનીસ્વામીએ ડીએમકે પ્રમુખ અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન પર પ્રહાર કર્યા છે. પલાનીસ્વામીએ કહ્યું છે કે, સ્ટાલીન ફક્ત ભાજપ સાથેના ગઠબંધનને કારણે એમના પક્ષને મુસ્લિમ વિરોધી કહી રહ્યા છે. પલાનીસ્વામીએ બચાવમાં કહ્યું હતું કે, દ્રમુક લઘુમતિને દગો આપીને એમના મતો દ્વારા ડીએમકે સત્તા મેળવે છે. તિરુનેલવેલીની એક ઘટનાનું વર્ણન કરતા એમણે કહ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ મુખ્યમંત્રીના જાનને ખતરો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કોઈના ધ્યાન પર નહીં આવ્યું પરંતુ બીજા દિવસે નમાઝ પુરી થયા પછી એમની હત્યા કરવામાં આવી હતી. શું તમે લઘુમતિઓની સુરક્ષા આ રીતે કરો છો? એઆઇએડીએમકેના શાસન વખતે મુસ્લિમો માટે લાગુ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ એમણે આપી હતી.
કેરળમાં સત્તાની બાજી 'દરિયો' નક્કી કરશે
કેરળની ૧૪૦ વિધાનસભાની બેઠકોમાંથી લગભગ ૪૦ બેઠકો દરિયા કિનારે છે. રાજ્યમાં ૧૦ લાખથી વધુ વસ્તી માછીમાર સમાજની છે. આ વખતે માછીમારોનો મૂડ બદલાયેલો લાગે છે. સરકારની કેટલીક નીતિઓ અને જમીન વિવાદને કારણે માછીમાર સમાજ ખુબ ગુસ્સામાં છે. દરિયા નજીક આવેલા વિસ્તારના રાજકીય સમીકરણો બદલાઈ શકે એમ છે. હવે માછીમારો ફક્ત મફત રેશન કે સબસીડી માટે નહીં, પરંતુ પર્યાવરણ, સમુદ્ર કિનારાનું રક્ષણ, જમીનના અધિકારો જેવા મુદ્દાઓ પર મતદાન કરશે. માછીમારો સાફ કહે છે કે, રાજકારણીઓ ફક્ત જાહેરાતો કરવાની જગ્યાએ કોઈ ખાસ યોજના જાહેર કરે. નીતિવિષયક નિર્ણયોમાં સ્થાનિક લોકોને ભાગીદાર બનાવે. સરકારે એક ખાસ યોજના હેઠળ સમુદ્રની નજીક ૫૦ મીટર વિસ્તારમાં રહેતા કુટુંબીઓને સુરક્ષીત સ્થળોએ ફલેટ કે ઘર આપવાનું વચન આપ્યું છે. માછીમારોને લાગે છે કે આ ફલેટો સમુદ્ર કિનારાથી ઘણા દુર છે.


