નવીદિલ્હી : લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ શૂન્યકાળ પાંચ કલાક લંબાવી દીધો હતો. આ પાંચ કલાકમાં ૨૦૨ સાંસદોએ પોતાના વિસ્તાર અને અગત્યના વિષયોની ચર્ચા કરી હતી. આ એક પ્રકારનો રેકોર્ડ ગણી શકાય. આ પહેલા સ્પીકર બિરલાના પહેલા કાર્યકાળ દરમિયાન ૧૮ જુલાઈ ૨૦૧૯એ શૂન્યકાળ દરમિયાન ૧૬૧ સાંસદોએ પોતાની વાત રજુ કરી હતી. સાંસદોએ વારંવાર સ્પીકરને રજુઆત કરી હતી કે, લોકસભામાં બોલવા માટે એમને પૂરતો સમય મળતો નથી. એ વખતે સ્પીકરે સાંસદોને આશ્વાસન આપ્યું હતું કે, એમની ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે. વકફ બીલ પરની ચર્ચા ખૂબ લાંબી ચાલી હતી જેને કારણે શૂન્યકાળ લંબાવવામાં આવ્યો હતો.
મણીપુર હિંસા રોકવામાં નિષ્ફળ કેન્દ્ર વ્હાઇટ પેપર રજુ કરે : ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભામાં મણીપુર હિંસાની તપાસ કરવાની માંગણી કરી છે. ખડગેએ કહ્યું છે કે, મણીપુરની સ્થિતિ વિશે સાચી જાણકારી માટે કેન્દ્ર સરકાર વ્હાઇટ પેપર રજુ કરે. છેલ્લાં બે વર્ષથી મણીપુરમાં હિંસા અટકી રહી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર હિંસા અટકાવવામાં નિષ્ફળ ગયા છે. હિંસાને કારણે ૨૬૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ૬૦ હજારથી વધુ લોકો સ્થળાંતરીત થયા છે. હિંસાને કારણે રાજ્યની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે. રાજ્યની જીએસટીની આવક પણ ઘટી ગઈ છે. મણીપુરના તત્કાલીન મુખ્યમંત્રી બીરેનસિંહે હિંસાની જવાબદારી લઈને પહેલા દિવસે જ રાજીનામું આપી દેવું જોઈતું હતું.
ફડણવીસની મંજૂરી માટે મોકલતા પહેલા તમામ ફાઇલો શિંદે જોશે
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે નવો હુકમ બહાર પાડયો છે. હવે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તમામ ફાઇલો ચેક કરશે. શિંદે ફાઇલો ઓકે કરે ત્યાર પછી જ મંજૂરી માટે મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ પાસે મોકલવામાં આવશે. મહારાષ્ટ્રના ચીફ સેક્રટરી સુજાતા સૌનીકે આ હુકમ બહાર પાડયો છે. ૨૦૨૩માં પણ તત્કાલીન ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પહેલા ફાઇલો ચેક કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે મોકલતા હતા. ગયા વર્ષે જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની ત્યારે ફડણવીસે વ્યવસ્થા બદલી હતી. હવે ફરીથી ૨૦૨૩ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમ મનાય છે કે ફડણવીસ અને શિંદે વચ્ચેનું ઠંડુ યુદ્ધ નિવારવા માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રનો કાળો જાદુ કાયદો પરંપરાગત ધાર્મિક વિધિને લાગુ નહીં પડે
મહારાષ્ટ્રનો કાળો જાદુ કાયદો ફક્ત નુકસાનકારક પ્રથાઓ રોકવા માટે બનાવવામાં આવ્યો છે. પરંપરાગત ધાર્મિક વિધિઓ માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે નહીં. ગુજરાતના રમેશ મોડક ઉર્ફે શિવકૃપાનંદ સ્વામી પર કાળો જાદુ કરવાનો આરોપ હતો. નીચલી કોર્ટે મોડકને નિર્દોષ છોડયા હતા. નીચલી કોર્ટના હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. હાઇકોર્ટે નીચલી કોર્ટનો હુકમ માન્ય રાખતા કહ્યું કે, કાળા જાદુનો કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે, માનવબલી તેમ જ ઠગવા માટે થતા વિધિ-વિધાન અને માનસીક શોષણ અટકાવી શકાય. પરંતુ ધાર્મિક શિક્ષણ, પરંપરાગત જ્ઞાાન તેમ જ સાંસ્કૃતિક કે કલાત્મક અભિવ્યક્તિ પર આ કાયદો લાગુ કરી શકાય નહીં.
સંસદમાં પાસ થયેલા વકફ બિલને સ્ટાલીન સુપ્રીમમાં પડકારશે
સંસદના બંને ગૃહમાં પસાર થયેલા વકફ સુધારા બીલને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને બીલ સામે સુપ્રીમમાં જવાનું નક્કી કર્યું છે. સ્ટાલીને કહ્યું છે કે, એમનો પક્ષ બીલ વિરુદ્ધ કોર્ટમાં રજુઆત કરશે. સંસદમાં જ્યારે વકફ બીલ પાસ થયું ત્યારે સ્ટાલીન વિધાનસભામાં કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. સ્ટાલીનનું માનવું છે કે, દેશના બહુમતિ પક્ષો બીલના વિરોધમાં હોવા છતાં કેટલાક સાથી પક્ષોને ઇશારે રાત્રે ૨ વાગ્યે જે રીતે બીલ પસાર કરવામાં આવ્યું એ બંધારણ પર હુમલો છે. આ બીલ વકફ બોર્ડની આઝાદી છીનવી લે છે. અને લઘુમતિ મુસ્લિમોને જોખમમાં મૂકે છે.
વકફ બિલ પર લાલુએ આઇસીયુમાંથી જવાબ આપ્યો
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટીપ્પણીનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર લાલુના સંબોધનનો એક વિડિયો મૂકવામાં આવ્યો છે. કોઈનું નામ લીધા વગર લાલુએ 'ભાજપ અને સંઘના અજ્ઞાાનીઓ'ની ટીકા કરી હતી. લાલુએ લખ્યું હતું કે, 'મે વકફની રક્ષા કરવા કડક કાયદાની વકીલાત કરી હતી, જેને તમે ઝૂંટવવાની કોશિષ કરી રહ્યા છો.' લાલુ વકફ બીલની વિરોધમાં થયેલા ધરણામાં પણ સામેલ થયા હતા. અગાઉ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાલુના ૨૦૧૩ના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો.
ખાડે ગયેલા રેલ્વેની ઇમેજ બચાવવા હવે અવનવા ખોરાકનો પ્રયોગ
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવની ગણના ઇતિહાસના સૌથી નિષ્ફળ રેલ્વે મંત્રી તરીકે થાય છે. દેશભરના રેલ્વે સ્ટેશનો પર થતી અભૂતપૂર્વ ભીડ તેમ જ રેલ્વે સ્ટેશનોની બદતર હાલતથી લોકોનું ધ્યાન બીજે દોરવા હવે ટ્રેઇનમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે સ્થાનિક ખોરાક ઉપલબ્ધ કરાશે. ટ્રેઇનમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા બાબતે વિવાદ થાય છે. રેલ્વે મંત્રીના કહેવા પ્રમાણે ટ્રેન જે વિસ્તારમાંથી પસાર થતી હશે એ વિસ્તારનો ખોરાક યાત્રીને પીરસવામાં આવશે. શરૂઆત દક્ષિણ ભારતથી થશે. મતલબ કે દક્ષિણ ભારતમાંથી પસાર થતી ટ્રેનોના યાત્રીઓને ઇડલી - ઢોસા પીરસવામાં આવશે. જોકે મંત્રીના આ નિર્ણયથી રેલ્વે મંત્રાલયની ઇમેજ કેટલી સુધરશે એ નક્કી નથી.
જયંત ચૌધરીના ખાસ ગણાતા શાહજેબ રિઝવીએ પાર્ટી છોડી
વક્ફ બિલને એનડીએના જે સહયોગી દળોએ સમર્થન આપ્યું છે એમાં જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળનો પણ સમાવેશ થાય છે. જયંતે આ નિર્ણય કર્યો તેનાથી પાર્ટીના મુસ્લિમ નેતાઓ નારાજ થયા છે. જયંત ચૌધરીના ખાસ ગણાતા અને પાર્ટીના યુપીના મહાસચિવ શાહજેબ રિઝવીએ રાજીનામું આપી દીધું છે. હાપુડના જિલ્લાના પ્રમુખ મોહમ્મદ જકીએ પણ પાર્ટી છોડી દીધી છે.
પટનાયકના સાતમાંથી ત્રણ સાંસદોનું વક્ફ બિલને સમર્થન
નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ છેલ્લી ઘડીએ જાહેરાત કરી કે તેમના રાજ્યસભાના સાંસદો તેમના આત્માના અવાજને સાંભળીને વોટ કરે. આ પાછળ શું થયું હશે એની ચર્ચા ચાલી રહી છે. ગુરુવારે બપોરે સિનિયર નેતાઓએ નવીન પટનાયક સાથે મીટિંગ કરી હતી. ત્યાં સુધી પાર્ટી વિરોધ કરશે અને વિપક્ષની સાથે રહેશે એવુ નક્કી થયું હતું, પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ બહુમતી હિન્દીઓને જુદો મેસેજ મળશે એવી દલીલ કરી હતી. નવીન પટનાયકે આખરે વચ્ચેનો રસ્તો કાઢીને સાંસદોને પોત-પોતાની રીતે વોટિંગ કરવા કહ્યું હતું. બીજેડીના મુસ્લિમ સાંસદ મુઝીબુલ્લા ખાને ખુલ્લો વિરોધ કર્યો હતો, તો દેબાશિષ સામંતરાયે વોટિંગ કરવાનું ટાળ્યું હતું. સસ્મિત પાત્રાએ સમર્થનમાં વોટિંગ કર્યાની વાતો ચાલી રહી છે. કુલ ત્રણ બીજેડી સાંસદોએ સમર્થન કર્યું હોય એવી પ્રબળ શક્યતા છે. ત્રણે વિરોધમાં વોટ કર્યો હતો.
જેડીયુએ વક્ફને સમર્થન આપતાં મુસ્લિમ નેતાઓ નારાજ
જેડીયુએ વક્ફ બિલને સમર્થન આપ્યું તેનાથી આશ્વર્ય સર્જાયું છે. કોઈ જ રાજકીય ડ્રામા વગર જેડીયુનું ઓપરેશન ભાજપે કેવી રીતે પાર પાડયું તેની ચર્ચા ચાલી રહી છે. હા-ના કરીને પછી સમર્થન આપ્યું હોય તો મુસ્લિમ નેતાઓમાં મેસેજ આપી શકાયો હોત કે પાર્ટીએ ગઠબંધનમાં હોવાથી સમર્થન આપવું પડયું છે. હવે સ્પષ્ટ રીતે સમર્થન આપ્યું એનાથી પાર્ટીમાં નારાજગીનો માહોલ છે. જેડીયુના નેતા મોહમ્મદ કાસીમ અંસારીએ નીતિશ કુમારને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરવા સાથે રાજીનામું આપી દીધું છે. અંસારીએ લખ્યું કે મેં પાર્ટીને ઘણાં વર્ષો આપી દીધા, પરંતુ હવે નિરાશાની લાગણી થઈ રહી છે. ઘણાં મુસ્લિમ નેતાઓએ, પદાધિકારીઓએ, કાર્યકરોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે, જેમાં નદીમ અખ્તર, નવાબ મલિક, એમ રાજૂ નૈયર, તબરેજ સિદ્દીકી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જેડીયુમાંથી વધુ મુસ્લિમ નેતાઓ રાજીનામું આપશે એવી અટકળો તેજ બની છે.
એમપીમાં મુખ્યમંત્રીના જિલ્લા ઉજ્જૈનમાં 300 કરોડના ખર્ચે ઝૂ બનશે
મધ્યપ્રદેશની સરકારે ઉજ્જૈનમાં ૩૦૦ કરોડના ખર્ચે ઝૂ કમ સફારી બનાવવાની યોજના જાહેરા કરી છે. ઉજ્જૈન મુખ્યમંત્રી મોહન યાદવના વતનનો જિલ્લો છે. ૮૦ એકરમાં બનનારા આ ઝૂમાં ટાઈગર, ઝીબ્રા, સફેદ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ હશે. વન વિભાગના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટને પૂરો થતાં ત્રણ વર્ષનો સમય લાગશે. સરકારે શરૂઆત કરીને ૨૫ કરોડનો પહેલો હપ્તો આપી દીધો છે. આ ઝૂ અને ટાઈગર સફારીથી રાજ્યને લાંબાંગાળે ફાયદો થશે. ઉજ્જૈનમાં મહાકાલના દર્શને આવતા સેંકડો ભાવિકો પણ નજીકના ફરવાલાયક સ્થળ તરીકે આ ઝૂમાં આવશે અને તેનાથી પર્યટનનો વિકાસ થશે.
ટ્રમ્પના ટેરિફ બાબતે પીએમ મોદી પોતાનું વલણ સ્પષ્ટ કરે
એક તરફ વક્ફ બિલ મુદ્દે વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. અયોગ્ય રીતે વક્ફ બિલ પસાર કરી દેવાયાનો આરોપ લાગી રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પે ભારત પર ૨૭ ટકા સુધીનો ટેરિફ લગાડયો તે બાબતે સરકારે કોઈ સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું નથી. ખાસ તો પીએમ નરેન્દ્ર મોદીનું આ બાબતે એક નિવેદન આવ્યું નથી. હવે વિપક્ષોએ પીએમનું વલણ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. સીપીઆઈએમના બ્રિન્દા કરાતે તો આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા ત્યાં સુધી કહ્યું કે ટ્રમ્પના ટેરિફથી ધ્યાન હટાવવા માટે કેન્દ્રએ ઉતાવળે વક્ફ બિલ રજૂ કર્યુ છે અને એમાં યોગ્ય સુધારા પણ કર્યા નથી.
પંજાબમાં મારપીટના કેસમાં આર્મી અને પોલીસ સામસામે
પંજાબમાં થોડા દિવસથી એક કેસની ભારે ચર્ચા છે. આર્મીના કર્નલ પુષ્પિંદર સિંહ બાથ, તેમના દીકરા અને પત્ની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને પાર્કિંગ બાબતે થયેલો સામાન્ય ઝઘડો મારપીટ સુધી પહોંચી ગયો હતો. એ કેસમાં સામે આર્મીના અધિકારી છે એની જાણ થઈ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે પડયા હતા, પરંતુ કર્નલે ફરિયાદ દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી. જોકે, પોલીસે આઠ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. આ મુદ્દે કર્નલ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે પંજાબ પોલીસની ઝાટકણી કાઢીને તુરંત સીટ રચવાનો આદેશ આપ્યો હતો. આ મામલે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, છતાં આર્મી વર્સસ પોલીસનો આ કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- ઈન્દર સાહની


