નવીદિલ્હી : બુલડોઝરથી થતા ડિમોલીશન બાબતે સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. આ બાબતે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, માનવતા અને ન્યાયને ભાજપએ બુલડોઝર નીચે કચડી નાંખ્યા છે. સુપ્રિમ કોર્ટે બંધારણ વિરોધી ભાજપનો ચહેરો ખુલ્લો પાડયો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, અમર્યાદિત સત્તાના નશામાં ભાન ભુલેલા ભાજપએ બુલડોઝરનો દુરઉપયોગ કરીને કાયદાને પણ પડકાર આપ્યો છે. ત્વરીત ન્યાયના બહાના હેઠળ લોકોને ડરાવવા માટે બુલડોઝરનો ઉપયોગ થાય છે.
કોલકત્તામાં ડોક્ટરોએ ભાજપના સાંસદનો હુરિયો બોલાવ્યો
કોલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ ખાતે થયેલા બળાત્કાર અને હત્યા બાબતે જુનિયર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળથી ચૂંટાયેલા ભાજપના સાંસદ અભિજીત ગાંગુલી આંદોલન કરી રહેલા ડોક્ટરોને મળવા પહોંચ્યા હતા. અભિજીત ગાંગુલીને જોતા જ જુનિયર ડોક્ટરો ગુસ્સે થઈ ગયા હતા. ડોક્ટરોએ 'અભિજીત ગાંગુલી વાપસ જાઓ' જેવા નારા લગાવ્યા હતા. ખિસીયાણા પડી ગયેલા સાંસદે આંદોલનકારીઓને સમજાવવાની કોશિષ કરી હતી કે હું તો તમને ટેકો આપવા અહીં આવ્યો છું. હું તમારા આંદોલનનો વિરોધ નથી કરતો, મેં તો પોલીસ કમિશનરને પણ કહ્યું છે કે, એમણે ડોક્ટરોને મળવા આવવું જોઈએ. તેઓ ડોક્ટરો છે, ગુંડા નથી. જોકે પ્રદર્શન કરી રહેલા ડોક્ટરો પર ગાંગુલીના ટૂંકા પ્રવચનની કોઈ અસર થઈ નહોતી. છેવટે ભાજપ સાંસદે ત્યાંથી વિલા મોઢે પરત ફરવું પડયું હતું.
ઓડિશામાં ભાજપ સરકાર મહિલાઓના નાયડુની રાજ્યમાં આવેલા પુરને રાષ્ટ્રીય આફત ગણવાની માંગણી
એમ લાગે છે કે વખત આવે ત્યારે ભાજપના સાથી પક્ષો ભાજપનો દાવ લેવાનું ચૂકતા નથી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને વરસાદને કારણે મોટા પાયે નુકશાન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગીને આવેલી આફતને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાની માંગણી કરી છે. ચંદ્રાબાબુનું કહેવું છે કે, એમના રાજકીય જીવનમાં એમણે આટલી મોટી આફત જોઈ નથી. હવે ભાજપ જો આ આફતને રાષ્ટ્રીય સંકટ જાહેર કરે તો કેરળમાં પણ એણે એમ કરવું પડે. ભાજપ માટે તો એક તરફ કુવો અને બીજી તરફ ખીણ જેવી પરિસ્થિતિ છે.
લોકસભામાં બેઠકો ઘટી પછી ભાજપનું સભ્યપદ અભિયાન નિરસ
નરેન્દ્ર મોદીએ ભાજપના પહેલા સભ્ય બનીને પક્ષના સભ્ય બનાવવાના અભિયાનની શરૂઆત કરી છે. આવનારા ૧૫ દિવસો સુધી ભાજપના નવા સભ્યો બનાવવા માટે લાગી પડવાનું નેતાઓને કહેવામાં આવ્યું છે. ૧૦ કરોડ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે. જોકે થતી ચર્ચા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ખાધેલા માર પછી હવે ભાજપના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ દેખાતો નથી. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં એન્ટીઇન્કમબન્સીનો સામનો પણ ભાજપએ કરવો પડે એમ છે. આવા સમયે ફરીથી ભાજપના સભ્ય બનવા માટે કોણ તૈયાર થાય?
કોમી તોફાનો કરાવવા નિતિશ રાણેના ભડકાઉ નિવેદનો : કોંગ્રેસ
ભડકાઉ નિવેદનો કરીને વિવાદમાં આવેલા ભાજપના નેતા નિતિશ રાણે સામે વિરોધ વધી રહ્યો છે. મુંબઈ કોંગ્રેેસના નેતાઓએ પોલીસ કમિશનરને મળીને નિતિશ રાણે સામે પગલા લેવા કહ્યું છે, વિપક્ષનું કહેવું છે કે, ભાજપના નેતાઓ આવા નિવનેદનો કરીને કોમી તોફાનો કરાવવા માંગે છે. કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે નિતિશ રાણે અને બીજા ભાજપના નેતાઓને આપવામાં આવેલું પોલીસ રક્ષણ પાછું લેવું જોઈએ. નિતિશ રાણેને દેવેન્દ્ર ફડણવીસનું રક્ષણ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે, ચૂંટણી જીતવા માટે ભાજપ મહારાષ્ટ્રમાં કોમી તોફાનો કરાવવા માંગે છે.
ભાજપના નેતાઓના મતે કેન્દ્ર મણિપુરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ
મણિપુર ભાજપના ધારાસભ્ય રાજકુમાર ઇમો સિંહએ કહ્યું છે કે, જો કેન્દ્રએ મોકલેલા સુરક્ષા જવાનો મણિપુરમાં હિંસા અટકાવી નહીં શકતા હોય તો ગૃહમંત્રાલયે એમને પાછા બોલાવી લેવા જોઈએ. ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. રાજકુમારે પત્રમાં લખ્યું છે કે, કેન્દ્રને બદલે રાજ્યની સુરક્ષા એજન્સીઓને જવાબદારી સોંપવી જોઈએ. રાજ્યમાં લગભગ ૬૦ હજારથી વધુ કેન્દ્રીય દળોના જવાનો હાજર હોવા છતા કોમવાદી હિંસા અવિરત ચાલુ રહી છે. ભાજપના જ ધારાસભ્યનું માનવું છે કે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે ભાજપ સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય નિષ્ક્રિય છે.
માધવી પુરી બૂચ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સોશિયલ મીડિયામાં સામસામે
સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી ચર્ચામાં છે. કોંગ્રેસે તેમના પર ગંભીર આરોપ મૂકતા કહેલું કે તેમણે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ૧૬.૮ કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો છે. જે પગાર પેટે તેમને આપવામાં આવ્યો હતો. એ બાબતે આઈસીઆઈસીઆઈ બેંકે સ્પષ્ટતા કરી હતી અને આરોપો ફગાવ્યા હતા. એ પછી કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો, નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં સામ-સામે ઓનલાઈન આરોપોની લડાઈ જામી હતી. બંને પાર્ટીઓએ એક બીજાને આયનો બતાવ્યો હતો. આખો દિવસ સેબી અને માધવી પુરી બૂચના નામનો સોશિયલ મીડિયા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
હરિયાણામાં કોંગ્રેસ, આપ વચ્ચે ગઠબંધનની અટકળો
હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તેવી ચર્ચા ચાલી છે. સંજય સિંહને પૂછાયું કે હરિયાણામાં કોંગ્રેસ-આપનું ગઠબંધન શક્ય છે? જવાબમાં સંજય સિંહે કહ્યું કે અમારા સૌ વિપક્ષોનું એક જ લક્ષ્ય છે - ભાજપને પરાજય આપવો. એ લક્ષ્ય પૂરું કરવા અમે સૌ પ્રયાસો કરીએ છીએ. અગાઉ આમ આદમી પાર્ટીએ લોકસભામાં દિલ્હી અને હરિયાણામાં ગઠબંધન કર્યું હતું, પરંતુ આપને ખાસ ફાયદો થયો ન હોવાથી આપે વિધાનસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી હતી. હરિયાણામાં કોંગ્રેસ અને સપા વચ્ચે પણ ગઠબંધન થાય એવી શક્યતા છે. રાહુલ ગાંધીએ બંને ગઠબંધન માટે તૈયારી બતાવી હોવાનું કોંગ્રેસની નજીકના સૂત્રો કહે છે.
રાહુલની બદનક્ષીના આરોપમાં બાંગ્લાદેશના પત્રકારો સામે ફરિયાદ
બાંગ્લાદેશના બે પત્રકારોએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિશે ફેક ન્યૂઝ ફેલાવ્યા હોવાનો આરોપ લગાવીને કર્ણાટક કોંગ્રેસ સમિતિના પ્રમુખ જી શ્રીનિવાસે પોલીસ ફરિયાદ કરી છે. સાલાહ ચૌધરી અને અદિતિ ઘોષે તેમના રિપોર્ટમાં રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના નેતાઓ સાથે ગુપ્ત બેઠકો કર્યાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ સાથેની સંડોવણીનું જૂઠાણું ચલાવ્યું હતું.
નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થતાં બિહારનું રાજકારણ ગરમાયું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે સચિવાલયમાં સીએમની કેબિનમાં મુલાકાત થઈ હતી. એ મુલાકાતમાં બંને નેતાઓ ખૂબ ઉત્સાહથી મળ્યા હતા. એ મુલાકાત પછી બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચાચા-ભતીજાએ કેબિનમાં અન્ય નેતાઓને બહાર મોકલીને ચર્ચા કરી હતી. કયા મુદ્દે બંને વચ્ચે વાતચીત થઈ તે બાબતે એકેય પાર્ટીના નેતાઓ કોઈ ફોડ પાડવા તૈયાર નથી. બિહારમાં એનડીએ ગઠબંધનમાં બધુ બરાબર ચાલતું નથી એવી વાતો ક્યારની ચાલી રહી છે. એમાં આ મુલાકાતથી અફવાઓની આગને હવા મળી છે.
ઝારખંડમાં મધુ કોડાને ભાજપમાં લાવવા સામે આક્રોશ
મધુ કોડા ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અપક્ષ ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી બનેલા મધુ કોડા સામે કોલસાની ખાણના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો પછી જેલમાં પણ જવું પડયું હતું. મધુ કોડાની રાજકીય કારકિર્દીમાં ભારે ચઢાવ-ઉતાર છે. એક સમયે ભાજપમાંથી ચૂંટાયેલા મધુ કોડા એકેય પાર્ટીમાં સ્થિર રહ્યા ન હતા. તેમ છતાં આદિવાસી સમુદાયમાં મધુ કોડા લોકપ્રિય હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટાઈ જતા હતા. હવે ઝારખંડમાં ચૂંટણી નજીક આવી છે ત્યારે મધુ કોડા ભાજપમાં જોડાઈ ગયાનું કહેવાય છે. ગત ફેબુ્રઆરીમાં મધુ કોડાનાં પત્ની ગીતા ભાજપમાં જોડાયેલા. તેણે દાવો કર્યો છે કે મધુ કોડા પણ ભાજપ માટે કામ કરશે. જોકે, સ્થાનિક નેતાઓમાં કોડાને ભાજપમાં લાવવાના પક્ષમાં નથી એટલે ઝારખંડ ભાજપમાં અસંતોષ ભભૂકી ઉઠે એવી શક્યતા છે.
-ઈન્દર સાહની


