દિલ્હીની વાત : નવાઈની વાત, આપના નેતાએ મોદી સરકારના વખાણ કર્યા
નવી દિલ્હી : આપણા દેશમાં સામાન્ય રીતે સત્તાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે ખેંચતાણ ચાલુ જ હોય છે. બંને તરફથી એકબીજાના વખાણ કરવાના કિસ્સા ભાગ્યે જ બને છે. જોકે નવાઇ લાગે એ રીતે આમ આદમી પાર્ટીના એક નેતાએ મોદી સરકારના એક કામના વખાણ કર્યા છે. દિલ્હી આપના સંયોજક અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજએ રેલવેની સાફ સફાઈ બાબતે વખાણ કર્યા છે. સૌરભ ભારદ્વાજને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આવેલા સ્લિપર ક્લાસના વેઇટીંગ હોલની વ્યવસ્થા એટલી બધી ગમી કે એમણે એનો વિડિયો બનાવીને વાયરલ કર્યો. સામાન્ય રીતે સૌરભ ભારદ્વાજ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તીખા હુમલા કરવા માટે જાણીતા છે. જોકે સૌરભ ભારદ્વાજની વાત સાથે દેશમાં રેલવે યાત્રા કરનારાઓ કેટલા સંમત થશે એ જોવાનું છે. મોટા ભાગના રેલયાત્રીઓ ખાડે ગયેલી રેલવે વ્યવસ્થાથી પ્રભાવીત થતા નથી.
આરએસએસએ 52 વર્ષ સુધી તિરંગો કેમ નહીં ફરકાવ્યો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પુરા થયા છે ત્યારે સંઘના ટીકાકારો સંઘને અંગ્રેજોને મદદ કરવાનો આક્ષેપ કરે છે. કોંગ્રેસ સહિત વિરોધપક્ષો સંઘે દેશને સ્વતંત્ર કરવા માટે કયું યોગદાન આપ્યું હતું એનો જવાબ માંગે છે. બીજો એક સવાલ પણ સંઘને થઈ રહ્યો છે કે ૫૨ વર્ષ સુધી સંઘના નાગપુર સ્થિત હેડક્વાર્ટરમાં તિરંગો ઝંડો ફરકાવવામાં કેમ નહોતો આવ્યો. સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત તમામ આરએસએસના નેતાઓ આ બાબતે જવાબ આપી ચૂક્યા છે, પરંતુ હજી પણ કેટલાકને આ સવાલનો જવાબ નથી ખબર. રાષ્ટ્રીય ધ્વજ નહી ફરકાવવા માટે બે કારણો આપવામાં આવે છે. ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસ પર કે સંસ્થા પર તિરંગો ફરકાવી નહી શકે. ૨૦૦૨ના વર્ષમાં સુપ્રિમ કોર્ટે આ બાબતે સુધારો કરીને સામાન્ય વ્યક્તિને પણ પોતાના ઘરે કે ઓફિસે તિરંગો ફરકાવવાની પરવાનગી આપી હતી. ત્યાર પછી આરએસએસએ નાગપુરના હેડક્વાર્ટર પર તિરંગો ફરકાવવાની શરૂઆત કરી હતી. કાયદાને કારણે સંઘે ૫૨ વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નહોતો.
ડી કે શિવકુમારએ કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી
કર્ણાટકમાં છેલ્લા ઘણા મહિનાઓથી સત્તા પરિવર્તનની વાતો ચાલે છે. સિદ્ધારમૈયાને બદલે ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બનશે એવી વાતો થતી રહી છે. હવે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારએ રાજ્યમાં સત્તા પરિવર્તન બાબતે નિવેદનો આપનાર કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી છે. શિવકુમારએ કહ્યું છે કે મુખ્યમંત્રીપદ બાબતે કોંગ્રેસના નેતાઓ કોઈપણ પ્રકારનું નિવેદન આપે નહીં. એમણે દેખાડા પુરતુ કહ્યું છે કે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને તેઓ સાથે મળીને કામ કરે છે. હકીકત એ છે કે, ડી કે શિવકુમારની મહત્વાકાંક્ષા ઓછી નથી થઈ, પરંતુ કર્ણાટકમાં જે રીતે વારંવાર વિવાદ થતા હતા એને કારણે કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ હતું. સિદ્ધારમૈયાએ પણ કોંગ્રેસ હાઇકમાન્ડને ડી કે શિવકુમાર સામે ફરિયાદ કરી હતી. ડી કે શિવકુમાર સમજી ગયા છે કે હાલ પુરતુ તો એમણે માપમાં રહેવું પડે એમ છે.
સોનમ વાંગચૂકની ધરપકડનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની હિંસા બાબતે સામાજીક કાર્યકર સોનમ વાંગચૂકની ધરપકડ કરવામાં આવી છે. હવે સોનમ વાંગચૂકના પત્નીએ આ ધરપકડને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરી છે. સોનમના પત્ની ગિતાંજલી આંગમોએ પતિની ધરપકડને બંધારણની કલમ ૩૨ હેઠળ પડકારી છે. હમણા સોનમ વાંગચૂક રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે. કાયદાની કઇ કલમ હેઠળ ગિતાંજલીએ સોનમની ધરપકડને પડકારી છે એ હજી બહાર આવ્યું નથી. એમ મનાય છે કે દશેરાની રજાઓ પછી ૬ઠ્ઠી ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટ ફરીથી કામગીરી શરૂ કરશે ત્યારે આ બાબતે સુનાવણી થશે. વાંગચૂક લદ્દાખમાં પર્યાવરણ માટે કામ કરે છે, પરંતુ એમની સામે વિદેશના ફંડથી હિંસક આંદોલન કરવાનો આક્ષેપ છે. કેટલાક એમને પાકિસ્તાન અને ચીનના એજન્ટ પણ ગણાવે છે.
વિરોધ છતાં રાહુલ ગાંધીની વિદેશ યાત્રા વખતે સેમ પિત્રોડા એમના સલાહકાર
સિનિયર કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમે હમણા જ કહ્યું હતું કે સેમ પિત્રોડા વિદેશનીતિ બાબતે રાહુલ ગાંધીને સલાહ નથી આપતા. જોકે આ વાત થોડા દિવસોમાં જ ખોટી પુરવાર થઈ છે. રાહુલ ગાંધી કોલમ્બિયાની રાજધાની બોગોટાની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન પિત્રોડા એમની સાથે સતત દેખાયા છે. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, પિત્રોડાની હાજરી ફક્ત ફોટા પડાવવા પુરતી સીમીત નથી. રાહુલ ગાંધીની વિદેશ યાત્રા વખતે તેઓ એમના સલાહકાર તરીકે કામ કરે છે. રાહુલ ગાંધી ચાર દેશોની મુલાકાતે છે જ્યાં તેઓ રાષ્ટ્રીય નેતાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. ૯૦ વર્ષના પિત્રોડા ઇન્ડિયન ઓવર્સીઝના પ્રમુખ છે. કોંગ્રેસના જ કેટલાક નેતાઓ માને છે કે સેમ પિત્રોડાના આંચકાજનક નિવેદનોને કારણે રાહુલ ગાંધીની ઇમેજ પણ ખરાબ થાય છે.
રાવણના પુતળાદહન વખતે ઉમર ખાલીદ અને સરજીલના ફોટાઓ મૂકવામાં આવ્યા
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) મા વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જન વખતે બબાલ થઈ ગઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (એબીવીપી)ના કાર્યકરોએ મૂર્તિ વિસર્જન વખતે એઆઇએસએ, એસએફઆઇ, ડીએસએફ જેવા સામ્યવાદી વિદ્યાર્થી સંગઠનોના નેતાઓને ચપ્પલ બતાવીને પથ્થરો માર્યા હતા. બીજી તરફ એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે, દુર્ગા માતાના વિસર્જન દરમિયાન સામ્યવાદી સંગઠનોએ પથ્થરમારો કર્યો હતો. એબીવીપીનો આક્ષેપ છે કે ડાબેરી સંગઠનો ઓણમના તહેવાર પર પેલેસ્ટાઇન મામલે મોરચા કાઢે છે. જોકે વિવાદ માટેનું મુખ્ય કારણ રાવણનું એક પૂતળુ હતું. જેમાં રાવણના ૧૦ માથાઓની સાથે સરજીલ ઇમામ અને ઉમર ખાલીદના ફોટાઓ પણ ચોંટાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી એને અગ્નિ આપવામાં આવ્યો હતો. આને કારણે સરજીલ ઇમામ અને ઉમર ખાલીદના ટેકેદારો નારાજ થયા હતા.
ઉદ્ધવ ઠાકરે માને છે કે અસલી શિવસેના એમની જ છે
મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે દશેરાને દિવસે શિવસેનાની રેલી થાય છે. બાલા સાહેબ ઠાકરે હયાત હતા અને શિવસેનાના ફાડચા નહોતા થયા ત્યાં સુધી આ રેલી બાબતે ઘણી ઉત્તેજના રહેતી હતી. શિવસેનાના બે ફાડચા થયા પછી હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) દર વર્ષે શિવાજી પાર્કમાં રેલી કરે છે, પરંતુ લોકોનો ધસારો પહેલા જેટલો જોવા મળતો નથી. જોકે આ વખતે ઉદ્ધવ ઠાકરેએ પૂરા જૂસ્સા સાથે પ્રવચન કર્યું હતું. ખેડૂતોના દેવામાફીના મુદ્દે એમણે સરકાર પર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જે લોકો સત્તામાં છે એ લોકો મહારાષ્ટ્રના લોકો સાથે અન્યાય કરે છે. મરાઠી ભાષા, સંસ્કૃતિ અને મુંબઈને કોઈપણ હિસાબે બહારના તત્વોને હવાલે કરવામાં આવશે નહીં. એમણે ભાજપને અમીબા સાથે સરખાવ્યો હતો અને કહ્યું હતું કે જે રીતે અમીબા શરીરમાં પ્રવેશ કરે છે અને પેટમાં દુખે છે એ રીતે ભાજપએ સમાજમાં પ્રવેશ કરીને શાંતિ હણી લીધી છે.