Get The App

દિલ્હીની વાત : 'તમારા દાદી હયાત હોત તો પહેલગામ હુમલો નહીં થતે'

Updated: May 4th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'તમારા દાદી હયાત હોત તો પહેલગામ હુમલો નહીં થતે' 1 - image

નવીદિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર કાનપુરના શુભમ દ્વિવેદીના કુટુંબીઓને મળવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગયા હતા. એ વખતે શુભમના પિતા ભાવુક થઈ ગયા હતા. એમણે રાહુલ ગાંધીને કહ્યું કે જો એમના દાદી એટલે કે ઇન્દીરા ગાંધી હયાત હોત તો પહેલગામ હુમલો થયો હોત નહીં. શુભમના કુટુંબીઓનું કહેવું છે કે, આતંકવાદીઓ સામે નાની મોટી કાર્યવાહીથી કંઈ થવાનું નથી. એમને પ્રદાર્થપાઠ ભણાવવાની જરૂર છે. શુભમના પત્ની એશન્યા પણ પહેલગામમાં હાજર હતા. એશન્યાએ રાહુલને કહ્યું કે, બધાને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે. રાહુલ ગાંધીએ શુભમના કુટુંબીજનોને કહ્યું હતું કે, શુભમને શહીદનો દરજ્જો મળે એ માટે તેઓ પ્રયત્ન કરશે.

ભાજપ, બીએસપી કોંગ્રેસના નેતાઓ સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. યોગી આદિત્યનાથની લોકપ્રિયતા છતાં સમાજવાદી પક્ષની તાકાત વધી રહી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને લોકદલ સહિતના ઘણા સિનિયર નેતાઓ અને સમર્થકો સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ બધા નેતાઓને અખિલેશ યાદવમાં દેશનું ભવિષ્ય દેખાય છે. સપામાં જોડાયેલા મુખ્ય નેતાઓમાં બદરૂદ્દીન ખાન છે. બદરૂદ્દીન ખાન રાજ્યસભામાં રહી ચૂક્યા છે અને મુસ્લિમોમાં એમનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. એમની સાથે યુવા લોકદળના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ વસીમ રાજા પણ તેમના ટેકેદારો સાથે સપામાં જોડાયા છે. બસપામાંથી મહેન્દ્રસિંહ વર્મા, કમલેશ શ્રીવાસ્તવ, રાજારામ વર્મા, સંતોષ તિવારી જેવા નેતાઓએ હવે અખિલેશ યાદવનો હાથ પકડયો છે.

ભાજપ સહિત પ્રિયંકા ચતુર્વેદીની પણ એઝાઝ ખાન સામે પગલા લેવાની માંગણી

ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થયેલો રીયાલીટી શો હાઉસ એરેસ્ટ સંકટમાં આવી ગયો છે. શોમા દર્શાવવામાં આવતી અશ્લિલતાને કારણે એનો વિરોધ થઈ રહ્યો છે. શો પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી થઈ રહી છે. શોના હોસ્ટ એઝાઝ ખાન સામે મહિલા આયોગે પણ ફરિયાદ દાખલ કરી છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર આવતા આ શોમાં એઝાઝ ખાન સહિત કેટલાક મોડેલ તેમ જ અભિનેતાઓ બિભત્સ કનટેન્ટ પર ચર્ચા કરતા બતાવવામાં આવ્યા છે. આ શોનો વિરોધ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જોરશોરથી કર્યો છે. શોના હોસ્ટ સામે પગલા લેવાની માંગણી પણ પ્રિયંકા ચતુર્વેદીએ કરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અંબાદાસ દાનવે પણ કહ્યું છે કે, એઝાઝ ખાન સામે એફઆઇઆર દાખલ થાય. બીજી તરફ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ કહ્યું છે કે આ પ્રકારના અશ્લિલ શો ચાલવા નહીં દેવાય.

મોદી સાથે સ્ટેજ શેર કરીને શશી થરૂરે મેસેજ આપ્યો !! 

હમણા એક કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળ ગયા ત્યારે એમને એરપોર્ટ પર રીસીવ કરવા માટે કોંગ્રેસના સાંસદ શશી થરૂર પહોંચી ગયા હતા. કાર્યક્રમ દરમિયાન મંચ પર પણ શશી થરૂર અને કેરળના મુખ્યમંત્રી વિજયન સ્ટેજ પર મોદીની સાથે બેઠા હતા. મોદીએ સ્ટેજ પરથી એવું નિવેદન કર્યું હતું કે, સ્ટેજ પર જે લોકો એમની સાથે બેઠા છે એ જોઈને કેટલાકને રાત્રે ઉંઘ આવવાની નથી. સ્વાભાવિક છે કે મોદીનો ઇશારો કોંગ્રેસ હાઇકમાન્ડ તરફ હતો. મોદીને એરપોર્ટ પર રીસીવ કરતા હોવાની તસવીર પણ થરૂરે સોશ્યલ મીડિયા એક્સ પર મુકી હતી. શશી થરૂર કેરળના તિરવંતપુરમ વિસ્તારના સાંસદ છે. કાર્યક્રમ એમના મત વિસ્તારમાં હોવાથી થરૂરે હાજરી આપી હતી. જોકે દિલ્હીના રાજકીય વર્તુળમાં થતી ચર્ચા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડ શશી થરૂરની અવગણના કરી રહી છે. થરૂર પણ કોંગ્રેસના સિનિયર નેતાઓથી નારાજ છે. એવી પણ ચર્ચા થાય છે કે શશી થરૂર ભાજપમાં જોડાય એ દિવસો દૂર નથી.

તિહાર જેલમાં ચાલતા ખંડણી રેકેટથી દિલ્હી હાઇકોર્ટ નારાજ

દેશની સૌથી મોટી તિહાર જેલમાં ખંડણીનું રેકેટ ચાલવાની ફરિયાદ ઘણા સમયથી થઈ રહી છે. જેલના અધિકારીઓ અને કેદીઓની મીલીભગતને કારણે આ રેકેટ ચાલે છે. આ બાબતે દિલ્હીની હાઇકોર્ટે કડકાઇ બતાવીને સીબીઆઇને તપાસ કરવા કહ્યું છે, ખંડણી વસુલીના રેકેટની તપાસ કરીને ૧૧મી ઓગસ્ટ સુધી કોર્ટને રીપોર્ટ આપવા કહેવાયું છે. દિલ્હીની હાઇકોર્ટને કહેવામાં આવ્યું હતું કે ખંડણીનું આ રેકેટ જેલની અંદર સગવડ મેળવવા માટે ચલાવવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે દિલ્હી સરકારના ગૃહ સચીવને પણ જેલ અધિકારીઓની સંડોવણી બાબતે તપાસ કરવા માટે હુકમ કર્યો છે. દિલ્હીમાં આ બાબતને ખુબ ગંભીર ગણવામાં આવે છે, કારણ કે જો તટષ્ટતાથી તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે એમ છે.

ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રતિબંધ

ભારે વરસાદને કારણે દિલ્હીમાં ભરાઇ ગયેલા પાણી ઝડપથી ઉતરી રહ્યા નથી. દિલ્હી પોલીસે વાહનોની અવર જવર માટે ઘણા વિસ્તારોમાં પ્રતિબંધ મૂકી દીધો છે. કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે. સવારના સમયે જાહેર કરેલા વિસ્તારો પરથી વાહન વ્યવહાર થઈ શકશે નહીં. ઇમર્જન્સી હોય તો વાહનો નક્કી કરેલા બીજા રસ્તે પસાર થઈ શકશે. દિલ્હીના લોકો માથુ પછાડી રહ્યા છે કે, એક કમોસમી વરસાદમાં જ દિલ્હીના રસ્તાઓની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે. હવે તો દિલ્હીમાં ભાજપની સરકાર છે એટલે દોષનો બધો ટોપલો કેજરીવાલ પર નાંખી શકાય એમ પણ નથી.

હિમાંશી નરવાલ સહાનુભૂતિમાંથી ધિક્કાર તરફ

પહલગામમાં ૨૨મી એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં નૌકાદળના અધિકારી વિનય નરવાલ સહિત ૨૫ની હત્યા થઈ ત્યારે તેની નવપરીણિત પત્ની હિમાંશી નરવાલને આખા દેશની સહાનુભૂતિ મળી હતી. પણ હવે તેની હત્યાના ૧૦ દિવસમાં બધું બદલાઈ ગયું છે. હિમાંશી પ્રત્યે લોકાની સહાનુભૂતિ ધિક્કારમાં પરિણમવા માંડી છે. તેનું કારણ એટલું છે કે હિમાંશીએ ફક્ત એટલું જ કહ્યું હતું કે આ આતંકવાદી હુમલાને લઈને મુસ્લિમો અને કાશ્મીરીઓને લોકો નફરત  ન કરે. આના પગલે એક જણે તો એવું પણ લખ્યું કે તેને પણ ગોળી મારી દેવાની જરૂર હતી. બીજાએ લખ્યું કે હિમાંશી હિંદુ સ્ટોકહોમ સિન્ડ્રોમનું ઉત્તમ ઉદાહરણ છે. 

સૈનિકની પાક. પત્નીની હકાલપટ્ટી રોકનારા ભાજપના નેતાની ટીકા

ભાજપના હોદ્દેદાર અને એડવોકેટ અંકુર શર્માએ સીઆરપીએફના કોન્સ્ટેબલની પત્ની મીનલ ખાન પાકિસ્તાની હોવાથી તેને ડિપોર્ટ કરવામા આવી રહી હતી તેને પરત લાવવામાં મદદ કરવા બદલ આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ આ ટીકાઓનો જવાબ આપતા એટલું જ કહે છે કે તેમણે એક ભારતીય સૈનિકને તેની પત્નીને તેની જોડે રાખવામાં મદદ કરી છે. અંકુર શર્મા જમ્મુમાં હિંદુઓની સ્થિતિનો મુદ્દો ઉઠાવવાના પગલે પ્રકાશમાં આવ્યા હતા. હવે તેમણે મુસ્લિમ સૈનિક મુનીર ખાનની પત્નીને ડિપોર્ટ થતાં અટકાવતા લોકો તેના પર ત્રાટક્યા છે. અંકુર શર્મા જમ્મુ-કાશ્મીરમા મીનલ ખાનનના વકીલ પણ છે. 

પહલગામ હુમલો મોદી 56 ઇંચની છાતી બતાવેઃ ચન્ની

કોંગ્રેસના સાંસદ અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ શુક્રવારે જણાવ્યું હતું કે પહલગામ  હુમલા પછી સરકારે પાકિસ્તાન સામે આકરા અને નિર્ણયાત્મક પગલાં લેવા જોઈએ. તેની સાથે તેમણે ફરીથી ૨૦૧૯માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની અધિકૃતતા અંગે શંકા ઉઠાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આનો કોઈ પુરાવો નથી. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પછી પત્રકારોને સંબોધતા  ચન્નીઅ જણાવ્યું હતું કે હુમલાને દસ દિવસ થયા પછી પણ સરકારે કશું કર્યું નથી. અમે મજબૂત પગલાંની માંગ કરીએ છીએ. સમગ્ર દેશ તેમનો વળતો પ્રહાર જોવા માંગે છે. લોકો હવે ૫૬ ઇંચની છાતીના જવાબની રાહ જોઈ રહ્યા છે. તેના જવાબમાં ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચન્નીનું નિવેદન સશસ્ત્ર દળોનું અપમાન છે. 

ઓર્ડિનન્સ ફેક્ટરીએ સ્ટાફની રજાઓ રદ કરી

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરી ખમારિયામાં ઓફિસરો અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. બે દિવસથી વધુની કોઈપણ રજા રદ કરવામાં આવશે. આ ફેક્ટરીમાં ઓફિસરો અને કામદારોનો થઈને કુલ ચાર હજારનો સ્ટાફ છે. ઓએફકે પુણેમાં હેડક્વાર્ટર ધરાવતી સરકારી માલિકીની મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડના સૌથી મોટા એકમોમાં એક છે. તે ભારતીય સશસ્ત્ર દળોને રોકેટ, વિસ્ફોટકો, દારૂગોળો અને બોમ્બ પૂરા પાડે છે.

-ઇન્દર સાહની