For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ચૂંટણી પંચ અંગે સુપ્રીમના ચુકાદાથી ભાજપમાં સોપો

Updated: Mar 4th, 2023

Article Content Image

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો તેમજ સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક અંગે આપેલા ઐતિહાસિક ચુકાદાથી ભાજપમાં સોપો છે.  સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, વડાપ્રધાન લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની કમિટી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને બે કમિશનરોની નિમણૂક કરે. અત્યાર માત્ર કેન્દ્ર સરકાર જ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને બે કમિશનરોની પસંદગી કરતી હતી. કોર્ટના આદેશ પ્રમાણે આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરે પછી અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે.  સુપ્રીમ કોર્ટે આ જ પસંદગી પ્રક્રિયા સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગીમાં અનુસરવાની રહેશે. જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે.

સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્વનો છે. ભાજપ સરકાર પોતાના માનીતા નિવૃત્ત અધિકારીઓને નિમે છે તેના પર બ્રેક વાગશે. મોદી સરકારે પોતાનું વર્ચસ્વ જાળવવું હોય તો  દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે ઝડપથી કાયદો બનાવવો પડશે.

ખ્રિસ્તી-મુસ્લિમ દલિતોને અનામત સામે સંઘ મેદાનમાં

કેન્દ્ર સરકારે દલિત મુસલમાનો અને ખ્રિસ્તી ધર્મના લોકોને અનામતનો લાભ આપવો કે નહીં  અંગે ભલામણો કરવા કે.જી. બાલકૃષ્ણન સમિતિની રચના કરી છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કમર કસી છે. સંઘ દલિત મુસલમાનો અને ખ્રિસ્તી ધર્મના લોકોને અનામતનો લાભ આપવાની વિરૂધ્ધ છે.

સંઘે આ મુદ્દે  સરકાર પર દબાણ લાવવા પોતાની બૌધ્ધિત પાંખ વિશ્વ સંવાદ કેન્દ્રેના માધ્યમથી નોઇડામાં અનુસૂચિત જાતિને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બે દિવસીય સંમેલન યોજ્યું છે. આ સંમેલનમાં દલિત અને આદિવાસી સમુદાયમાંથી ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારને અનામતનો લાભ મળવો જોઇએ કે નહીં તે વિષય પર ચર્ચા થશે. આ બે દિવસીય સંમેલન ૪ માર્ચથી શરૂ થશે. આ સંમેલનમાં થનારી ચર્ચાઓનો નિષ્કર્ષ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. સંઘનું  માનવું છે કે, જે દલિતોનો ધર્મ હિંદુ  છે તેમને જ અનામતનો લાભ મળવો જોઈએ જ્યારે ધર્માંતરણ કરનાર પાસેથી એ અધિકાર છિનવાવો જોઈએ.

જગનનું હિંદુ કાર્ડ, આંધ્રમાં 3000 મંદિર બનાવશે

આંધ્ર પ્રદેશની જગન મોહન સરકારે પણ હિંદુ કાર્ડ ખેલીને રાજ્યના દરેક ગામમાં એક મંદિર બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં કુલ ૩૦૦૦ મંદિરો બનાવાશે. નાયબ મુખ્યમંત્રી કોટ્ટુ સત્યનારાયણે એલાન કર્યું છે કે, કે, મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીના આદેશથી હિન્દુ ધર્મની રક્ષા અને પ્રચાર માટે આ પહેલ કરવામાં આવી છે.

આંધ્ર સરકારમાં ધર્મને લગતી બાબતોના વિભાગનો પણ કાર્યભાર સંભાળતા સત્યનારાયણે જાહેરાત કરી કે,  પછાત લોકોનાં વિસ્તારોમાં મંદિરો બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટે મંદિરોના નિર્માણ માટે મંદિર દીઠ ૧૦ લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ફંડમાંથી રાજ્યમાં ૧૩૩૦ મંદિરો બનાવવાની શરૂઆત કરાઈ છે. લોકોની રજૂઆતના આધારે બીજાં ૧૪૬૫ મંદિરો યાદીમાં ઉમેરાયાં છે. કેટલાક ધારાસભ્યોના આગ્રહથી વધુ ૨૦૦ મંદિર બનાવવામાં આવશે. આ રીતે કુલ ૩૦૦૦ મંદિરો બનશે.

કર્ણાટકમાં ભાજપે 'આપ'ના દિગ્ગજ રાવને ખેરવ્યા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો મારીને ભાજપે ભાસ્કર રાવને ખેરવી દીધા છે.  આમ આદમી પાર્ટી મેનિફેસ્ટો કમિટીના પ્રમુખ અને બેંગ્લુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવ ગયા વરસે એપ્રિલમાં આપમાં જોડાયા હતા. એક વર્ષ કરતાં ઓછા સમયમાં તેમણે અરવિંદ કેજરીવાલનો સાથ છોડી દીધો છે અને આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આઈપીએસમાંથી રાજીનામું આપનારા રાવ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આપમાં જોડાયા હતા.

ભાજપે ભાસ્કર રાવને તોડવા પડયા તેનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે, કર્ણાટકમાં આપ ભાજપ માટે ખતરો બની શકે છે. ભાજપ શહેરી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. આપ પણ શહેરી વિસ્તારોની પાર્ટી હોવાથી ભાજપે સાવચેતી દાખવીને આપની તાકાતને ઓછી કરવા માંડી છે.

ભાસ્કર રાવને કર્ણાટકના મહેસૂલ મંત્રી આર. અશોક ખેંચી લાવ્યા છે. અશોકે  કર્ણાટક ચૂંટણી માટે પાર્ટીના સહ-પ્રભારી એવા તમિલનાડુ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈ  અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે રાવની મુલાકાત કરાવી પછી રાવે આપ છોડી દીધી.

કેજરીવાલની ઉધ્ધવ સાથે ખાનગીમાં મુલાકાત

અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈના માતોશ્રીમાં થયેલી ખાનગી મુલાકાત ચર્ચાનો વિષય બની છે.  કેજરીવાલ અને ઉધ્ધવની મુલાકાતને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં નવાં સમીકરણો રચાઈ રહ્યાં હોવાની અટકળો શરૂ થઇ ગઇ છે. કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ માતોશ્રી ગયા હતા. હતા. આ ચારેય લોકો આમ આદમી પાર્ટીની થિંક ટેંક છે તેથી આપ અને ઉધ્ધવ વચ્ચે જોડાણના સંકેત મળી રહ્યા છે.

અત્યારે આપ અને ઉધ્ધવની શિવસેના બંને ભીંસમાં છે. થોડાક સમય પહેલા જ ચૂંટણી પંચે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાને માન્યતા આપીને પાર્ટીનું ચૂંટણી ચિન્હ આપી દીધું છે. બીજી તરફ કેજરીવાલના ખાસ સાથી સિસોદિયાને જેલમાં ધકેલી દઈને ભાજપ સરકારે તેમને બરાબર ઘેર્યા છે.

આ મુલાકાત પછી એવી અટકળો છે કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં આપ અને ઉદ્ધવની આગેવાનીવાળી શિવસેના જોડાણ કરી શકે છે.

***

ભારતમાં શૈક્ષણિક સ્વાતંત્ર્ય પર કાપ : રિપોર્ટ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાટનગરની સંસ્થા સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પર વિદેશી ભંડોળસંબંધી પ્રતિબંધો લાદ્યા એના બીજા દિવસસે પોલીટીકલ સાયન્ટીસ્ટના એક આંતરરાષ્ટ્રીય જૂથે 'એકેડમિક ફ્રીડમ ઇન્ડેક્સ અપડેટ ૨૦૨૩' મથાળા સાથે પ્રસિધ્ધ કરેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત, ચીન, અમેરિકા અને મેકિસકો સહિતના ૨૨ દેશોમાં યુનિવર્સિટીઓ તથા વિદ્વાનો માટે ૧૦ વર્ષ પહેલાં હતી એટલી સ્વતંત્રતા આજે રહી નથી. ભારતમાં સરકાર સત્તામાં આવી ત્યારથી શૈક્ષણિક તથા સાંસ્કૃતિક અભિવ્યક્તિ તેમજ સંસ્થાકીય સ્વાયત્તતાનું સારૃં  એવું ધોવાણ થયું છે એમ પોલીટીકલ સાયન્ટીસ્ટના એક આંતરરાષ્ટ્રીય જૂથે અહેવાલમાં જણાવ્યું છે.

પ.બંગાળમાં SSC કૌભાંડ : 50 લાખ ઝડપાયા

સીબીઆઇએ કહ્યું કે એણે પશ્ચિમ બંગાળના સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી)ના પૂર્વ સલાહકાર સાથે સંબંધિત એક ઘરમાંથથી લગભગ ૫૦ લાખ રૂપિયા, નોકરીવાંચ્છુ ૧૫૦૦ ઉમેદવારોની યાદી, ૧.૫ કિલોગ્રામ સોનું તથા મિલકતને લગતા દસ્તાવેજો જપ્ત કર્યા છે. સીબીઆઇએ સલાહકારના નામનો ફોડ પાડયા વિના કહ્યું કે પશ્ચિમ બંગાળના સ્કૂલ સર્વિસ કમિશનના તત્કાલીન સલાહકાર તથા એમના પત્નીએ અન્ય વ્યક્તિના નામે મિલકત ખરીદી હતી. સીબીઆઇના એકથી વધુ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જણાયાનુસાર ૨૦૧૬થી ૨૦૨૧ દરમિયાન એસએસસી સલાહકાર સમિતિના અધ્યક્ષ રહેલા શાંતિ પ્રસાદ સિંહાએ મિલકતખરીદી માટે જરૂરરી સંપૂર્ણ રકમ એપાર્ટમેન્ટના કાનૂની  માલિકને ચૂકવી હતી. જો કે એ  મિલકત એમના નામે  નથી. અમે ફલેટમાલિકને નાણાના સ્ત્રોત તથા સોના વિષે પૂછપરછ કરીશું, એમ એક અધિકારીએ કહ્યું.

જખાલુ-નાગાલેન્ડના સૌ પ્રથમ મહિલા-ધારાસભ્ય

હેકાની જખાલુ ગુરૂવારરે નાગાલેન્ડના સૌ પ્રથમ ચૂંટાઇ  આવેલાં  મહિલા ધારાસભ્ય બન્યાં છે. ભાજપના સહયોગી પક્ષ એનડીપીપી (નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી)ના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહેલાં જખાલુ (૪૮)એ દિમાપુર-૩ મતવિસ્તારમાંથી એમના નિકટતમ પ્રતિસ્પર્ધી એવા લોકજનશક્તિ પક્ષ (રામવિલાસ પાસવાન)ના ઉમેદવાર  અઝહિતો ઝિમોમિને ૧૫૩૬ મતથી હરાવ્યાં.

કોલેજની વિદ્યાર્થિનીઓ પર કોરોનાની અસર

દિલ્હી યુનિવર્સિટીની ૪૩૦ વિદ્યાર્થિનીઓની હાથ ધરાયેલી મોજણીમાં જણાયું કે અનેક વિદ્યાર્થિનીઓને લાગ્યું કે કોરોનાકાળ દરમિયાન એમનું હરવા-ફરવાનું તથા સ્વતંત્રતા મર્યાદિત થઇ જવાથી એમને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થઇ હતી. અમે હતાશ થઇ ગયા હતા એમ ચાર વિદ્યાર્થિનીઓના જૂથે જણાવ્યું. કોરોના-કાળનો એ નવેમ્બર માસ હતો. સર્વત્ર લોકડાઉન હોવાથી કોલેજો બંધ હતી. વર્ગો  ઓનલાઇન લેવાઇ રહ્યા હતા. આવા સંકટકાળમાં યુનિવર્સિટી ઓફ દિલ્હીની વિદ્યાર્થિનીઓના જીવન વિષે તપાસ કરવાનું નક્કી કરાયું અને વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત ગોઠવાઇ. એમણે પ્રતિભાવમાં કહ્યું કે  મને સામાજિક અજંપો સતાવી રહ્યો હતો. મને બીક હતી કે હું સામાન્યતઃ વાતચીત કરી શકીશ કે નહિ? અન્ય એક વિદ્યાર્થિનીએ કહ્યું કે જો મને યોગ્ય લાગે તતો જ હું વર્ગો 'એટેન્ડ' કરતી. અન્ય એકે કહ્યું કે હું ફક્ત મારાં મનપસંદ વિષયના વર્ગો જ ભરતી.

- ઇન્દર સાહની

Gujarat